પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય

એપ્રિલમાં ગુજરાતના માધવપુરના મેળામાં પૂર્વોત્તરના આઠ રાજ્યો ભાગ લેશે

“પૂર્વોત્તર – ગુજરાતનું સાંસ્કૃતિક મિશ્રણ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીના લગ્નની ઉજવણી કરશે”: ડૉ. જીતેન્દ્રસિંહ

Posted On: 08 JAN 2020 5:41PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 08-01-2020

 

આ વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં યોજાનારા માધવપુરના મેળામાં પૂર્વોત્તરના આઠ રાજ્યો ભાગ લેશે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષે મેળાનું આયોજન થાય છે અને આ વર્ષે આ મેળો રામનવમી પર્વના બીજા દિવસથી એટલે કે 2 એપ્રિલથી શરૂ થશે. આ મહા ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે પૂર્વોત્તર પ્રદેશ (DoNER)નો વિકાસ, MoS પ્રધાનમંત્રીની કચેરી, કર્મચારીવર્ગ, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ માટે  કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), ડૉ. જીતેન્દ્રસિંહની અધ્યક્ષતામાં અહીં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ (NEC)ના સચિવ, શ્રી મોસેસ ચાલાય અને NECના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ અને મણિપુરના નિવાસી કમિશનરો / પ્રતિનિધિઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

ડૉ. જીતેન્દ્રસિંહે અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, માધવપુર ઉપરાંત, ગુજરાતના અમદાવાદ સહિત અન્ય મુખ્ય શહેરોમાં પણ NER પ્રદેશના સાંસ્કૃતિક પરફોર્મન્સ, કળા પ્રદર્શન અને ફુડ ફેસ્ટિવલને સમાવતા કાર્યક્રમો યોજવામાં આવે જેથી સ્થાનિક લોકોમાં આ રાજ્યો વિશે વ્યાપર રુચિ ઉભી કરી શકાય. તેમણે સૂચન આપ્યું કે, ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેની સામાન્ય કડીઓ બહાર લાવતા લોગોની ડિઝાઇન તૈયાર કરવામાં આવે અને સાંસ્કૃતિક સંબંધો માટે ભારતીય પરિષદ (ICCR), ઝોનલ સાંસ્કૃતિક કેન્દ્રો (ZCC), માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગીત અને નાટક વિભાગ ઉપરાંત રાજ્ય સરકારોના સંબંધિત વિભાગો વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે. માધવપુરના મેળાને લોકપ્રિય બનાવવા માટે 1 માર્ચ, 2020 ના રોજ મલ્ટિમીડિયા જાહેરાત અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ મેળો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એક ભારત, શ્રેષ્ઠ ભારતની ઘોષણા અંતર્ગત પૂર્વોત્તર સાથે ગુજરાતના સાંસ્કૃતિક એકીકરણને ચિહ્નિત કરશે.

ગુજરાતનો માધવપુરનો મેળો અરુણાચલ પ્રદેશના મિશ્મિ જનજાતિ સાથે જોડાયેલો છે. મિશ્મિ જનજાતિના મૂળ સુપ્રસિદ્ધ રાજા ભીષ્મક અને તેમના દ્વારા તેમની પુત્રી રુક્ષમણી તેમજ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે. આ ઉત્સવ રુક્ષમણીની ભગવાન શ્રી કૃષ્ણ સાથેની અરુણાચલ પ્રદેશથી ગુજરાતની સુધીના અમર પ્રવાસની ઉજવણી કરે છે.  દિબાંગ ખીણ પ્રદેશ જિલ્લાના નીચલા હિસ્સામાં રોઇંગની નજીક આવેલા ભીષ્મક નગરનો ઉલ્લેખ કાલિકા પુરાણમાં પણ જોવા મળે છે.

એક અઠવાડિયા સુધી ચાલનારા આ ‘ઉત્સવ’માં અરુણાચલ પ્રદેશ, મણિપુર અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોના કળા, નૃત્ય, સંગીત, કવિતા, વાર્તા અને લોક નાટકની ધબકતા સંસ્કૃતિ જોવા મળશે જેનો મૂળ હેતુ બંને પ્રાંતોની ભવ્ય સંસ્કૃતિને એકીકૃત કરવાનો છે.

માધવપુર ઘેડ, એક નાનું પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું ગામ છે. લોકવાયકા અનુસાર, આ તે સ્થાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ રાજા ભીષ્મકની પુત્રી રુક્ષમણી સાથે લગ્ન કર્યાં હતા. માધવપુર પોરબંદરની નજીક, દરિયા કિનારે આવેલું છે. 15મી સદીમાં અહીં માધવરાય મંદિરનું નિર્માણ થયું હતું જેના નામે તેનું નામ માધવપુર પડ્યું છે. દર વર્ષે રામનવમીથી શરૂ થતો આ સાંસ્કૃતિક મેળો પ્રાચીન સંસ્કૃતિની સ્મૃતિ કરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને એક સુંદર રથમાં બિરાજમાન કરીને ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને સામાન્યપણે આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી યોજાય છે.

આ વર્ષે માધવપુરના મેળામાં પૂર્વોત્તર અને ખાસ કરીને અરુણાચલ પ્રદેશ તેમજ મણિપુરના ભવ્ય લોક સાંસ્કૃતિક પરફોર્મન્સનું આકર્ષણ રહેશે. આસામના સમુદાયો તેમના પ્રાંતનું પ્રસિદ્ધ લોકનાટક રુક્ષમણી હરણ દર્શાવશે. મણિપુરનું સંગીત વૃંદ ખુલ્લોંગ ઇશેઇ અને નાટ શૈલીમાં રુક્ષમણીને લગતા ગીતો ગાશે. અરુણાચલ અને મણિપુરના સમૂહો દ્વારા રજૂ થનારા નાટકોમાં રુક્ષમણી અને કૃષ્ણને લગતી દંતકથાઓ અને અરુણાચલનું ઇદુ મિશ્મી લોકનૃત્ય પણ આ મેળાનું આકર્ષણ રહેશે.

આ મેળામાં ગુજરાતની કળા અને ક્રાફ્ટ્સ તેમજ અરુણાચલ પ્રદેશ, મણિપુર અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોની હસ્ત બનાવટની ચીજોનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. કૃષ્ણ અને રુક્ષમણી પર આધારિત વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શન ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જેવી સાંસ્કૃતિક મંત્રાલયની વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવશે જેમાં કૃષ્ણ અને રુક્ષમણીની વૈવિધ્યસભર દંતકથાઓ મુખ્ય આકર્ષણ જમાવશે.

NP/DS/GP



(Release ID: 1598868) Visitor Counter : 271


Read this release in: English , Urdu , Hindi