પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેંગકોકમાં 16માં ભારત - આસિઆન શિખર સંમેલનમાં ભાગ લીધો
Posted On:
03 NOV 2019 11:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલી 16માં ભારત - આસિઆન શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રીએ 16માં ભારત - આસિઆન શિખર સંમેલનમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરવા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે હુંફાળા આતિથ્ય સત્કાર બદલ થાઇલેન્ડનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષની સમિટના ચેરમેન બની રહેલા વિએતનામને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની પૂર્વમાં કામ કરવાની નીતિ (એક્ટ ઇસ્ટ પોલિસી) ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના માટે અતિ મહત્વપૂર્ણ બાબત છે; તેમણે ઉમેર્યું હતું કે પૂર્વમાં કામ કરવાની નીતિમાં આસિઆન પાયાના સ્તરે છે. મજબૂત આસિઆનથી ભારતને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ ભૂમિ, દરિયાઇ અને વાયુ તેમજ ડિજિટલ કનેક્ટિવિટી સુધારવા માટે લેવામાં આવી રહેલાં પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. એક બિલિયન ડોલર ભારતીય લાઇન ઓફ ક્રેડિટ ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી સુધારવામાં લાભદાયી પુરવાર થશે તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ગત વર્ષની સમિટ યાદગાર હતી અને સિંગાપોરની અનૌપાચિક સમિટમાં લેવાયેલા નિર્ણયોના અમલીકરણથી ભારત અને આસિયાન વધુ નજીક આવ્યા છે. ભારત અને આસિયાનને પારસ્પરિક ફાયદો થાય તેવા સહકાર અને ભાગીદારીમાં વધારો કરવા માટે ભારત વધુ ઇચ્છા ધરાવે છે અને કૃષિ, સંશોધન, એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને ICT જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા તેમજ પારસ્પરિક ક્ષમતા વધારવા માટે ભારત તત્પર હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દરિયાઇ સુરક્ષા અને બ્લ્યુ ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવા માંગે છે. તાજેતરમાં ભારત આસિયાન એફટીએની સમીક્ષા કરવાના નિર્ણયને તેમણે આવકાર્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીમાં સુધારો આવશે.
RP
(Release ID: 1590179)
Visitor Counter : 139