પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોતાના ‘પરિવાર’ સાથે દિવાળીની ઉજવણી કરી – જમ્મૂ-કાશ્મીરમાં સરહદે શૌર્ય જોવા મળ્યું
Posted On:
27 OCT 2019 5:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી પરંપરાને આગળ વધારતા આજે જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાની નજીક ભારતીય સૈન્યના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રીએ ત્રીજી વખત જમ્મૂ-કાશ્મીરમાં જવાનો સાથે આ શુભ તહેવારની ઉજવણી કરી હતી.
પ્રધાનમંત્રીએ રાજૌરીમાં ‘હોલ ઓફ ફેમ’ની મુલાકાત લીધી હતી અને રાજૌરી તેમજ પૂંચ ક્ષેત્રની સુરક્ષા માટે પોતાના જીવની બાજી લગાવનારા જાંબાજ જવાનો તેમજ હિંમતવાન નાગરિકોનું અભિવાદન કર્યું હતું. તેમણે હોલ ઓફ ફેમને ‘પરાક્રમ ભૂમિ, પ્રેરણા ભૂમિ, પાવન ભૂમિ’ ગણાવી હતી.
પછી પ્રધાનમંત્રીએ પઠાણકોટ એરબેઝની મુલાકાત લઇને ભારતીય વાયુદળના હવાઇ યોદ્ધાઓ સાથે મુલાકાત કરી હતી.
જવાનોને સંબોધત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે પ્રકારે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવા માટે ખૂબ જ લાંબા અંતરની મુસાફરી કરે છે તે પ્રકારે તેમણે પણ સશસ્ત્રદળોના જાંબાજ જવાનોના આ પરિવાર સાથે ઉજવણી કરવા માટે પ્રવાસ ખેડ્યો છે.
પ્રધાનમંત્રીએ 27 ઓક્ટોબર, 1947ના રોજ સશસ્ત્ર દળોએ આપેલી સર્વોપરી કુરબાનીને યાદ કરી અને પાયદળ દિવસ (Infantry Day)ની પણ ઉજવણી કરી હતી. ભારતના સંરક્ષણ દળોના જુસ્સાને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, તેમના કારણે જ કેન્દ્ર સરકાર એવા નિર્ણયો લેવા માટે સમર્થ બની શકી છે જે અન્યથા અશક્ય માનવામાં આવતા હતા. દેશની સુરક્ષા અને સલામતીમાં સૈન્યની હિંમત અને મનોબળનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો. જવાનોની સ્મરણીય સેવા બદલ તેમણે દેશવાસીઓ વતી જવાનોનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમના યોગદાનને સન્માન આપવા અને તેને ચિહ્નિત કરવા માટે સરકાર દેશની રાજધાનીમાં સીમાચિહ્નરૂપ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના નિર્માણ માટે પ્રયાસો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં જે પ્રકારે મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે તે દેશના નાગરિકોના સશસ્ત્ર દળોના યોગદાન પ્રત્યેનાં સન્માનની પ્રતીતિ કરાવે છે.
પ્રધાનમંત્રીએ ભારતના સંરક્ષણ દળોને વધુ મજબૂત બનાવવા અને આધુનિક બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સૈનિકોના કલ્યાણ માટે સરકાર યોગ્ય પગલાં લેવા પ્રતિબદ્ધ છે.
RP
(Release ID: 1589344)
Visitor Counter : 143