પ્રધાનમંત્રીનું કાર્યાલય

લોભ નહીં પણ જરૂરિયાત ભારતનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે : પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી મોદીએ ક્લાઈમેટ એકશન સમિટમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા બમણી કરીને 450 ગીગા વોટ સુધી લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

Posted On: 23 SEP 2019 11:55PM by PIB Ahmedabad

સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે યોજેલી કલાઈમેટ ચેન્જ સમિટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગયા વર્ષે ચેમ્પિયન ઑફ ધ અર્થ એવોર્ડ સ્વીકાર્યો તે પછી સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરવાની તેમને આ પ્રથમ તક મળી છે. તેમણે કહ્યું હતું કે જળવાયુ પરિવર્તન જેવા ગંભીર પડકારને પાર પાડવા માટે આપણે હાલ જે કંઈ કરી રહ્યા છીએ તે પૂરતું નથી. વિશ્વમાં લોકોની વર્તણુકમાં પરિવર્તન લાવવા માટે લોક ચળવળ હાથ ધરવા તેમણે આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે પ્રકૃતિ માટે સન્માન, સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ, આપણી જરૂરિયાતો ઘટાડવી તથા આપણી આવક પ્રમાણે જીવવું તે આપણી પરંપરા અને વર્તમાન સમયમાં આચરણમાં મુકવા યોગ્ય પ્રયાસ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોભ નહીં પણ જરૂરિયાત એ આપણો માર્ગદર્શક સિદ્ધાંત છે અને એટલે જ ભારત આ સમસ્યાની ગંભીરતા અંગે વાત કરી રહ્યું છે એટલુ જ નહીં પણ એક વ્યવહારૂ અભિગમ અને રોડ મેપ બતાવી કહ્યું છે. અમે માનીએ છીએ કે ટન બંધ ઉપદેશ આપવા કરતાં વ્યવહારમાં એક ઔંસ જેટલુ પણ પાલન કરવુ તે મહત્વનુ બની રહે છે.

તેમણે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે જમીનમાંથી નીકળતા ન હોય તેવા (non-fossil) બળતણના વપરાશમાં વધારો કરવામાં આવશે. ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા 175 ગીગા વોટ કરતાં પણ વધુ કરવામાં આવશે અને તે પછી એમાં વધારો કરીને 450 ગીગા વોટ સુધી લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત ઈ-મોબીલીટી અને પેટ્રોલ તથા ડીઝલમાં નોંધપાત્ર પ્રમાણમાં જૈવઇંધણનુ મિશ્રણ કરીને પરિવહન ક્ષેત્રને હરિત બનાવવા માગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં 150 મિલિયન પરિવારોને સ્વચ્છ રસોઈ ગેસ પૂરો પાડવામાં આવ્યો છે.

શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે જળ સંચય, વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીના સ્રોતોના વિકાસ માટે જળ જીવન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તથા આગામી થોડાં વર્ષમાં આ પ્રવૃત્તિઓ માટે અંદાજે 50 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ 80 દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની ઝુંબેશમાં જોડાયા છે. ભારત અને સ્વીડન અન્ય સહયોગીઓની સાથે મળીને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલા ફેરફારો પર નજર રાખવા માટે અમે લીડરશીપ ગ્રુપ શરૂ કરી રહ્યા છીએ. આ પહેલને કારણે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રને ટેકનિકલ ઈનોવેશનના ક્ષેત્રે તકો પ્રાપ્ત થશે. આ પ્રયાસથી ઉદ્યોગ માટે લૉ-કાર્બન પાથવે પ્રાપ્ત થશે.

તેમણે કહ્યું કે માળખાગત સુવિધાઓને કુદરતી આપત્તિ સામે ટકી રહે તેવી બનાવવા માટે ભારત કુદરતી આપત્તિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સંગઠનની સ્થાપના કરી રહ્યું છે.

તેમણે અન્ય સભ્ય દેશોને પણ તેમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે સીન્ગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશનો અંત લાવવા માટે લોક ચળવળ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાતો કરવાનો સમય હવે પૂરો થયો છે. દુનિયાએ હવે કામગીરી કરી દેખાડવાનો સમય પાકી ગયો છે.

 

DK/J.Khunt/GP/RP



(Release ID: 1586018) Visitor Counter : 359