પ્રધાનમંત્રીનું કાર્યાલય
73માં સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
Posted On:
15 AUG 2019 1:37PM by PIB Ahmedabad
73માં સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
મારા પ્રિય દેશવાસીઓ,
સ્વતંત્રતાના આ પવિત્ર દિવસ પર બધા દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આજે રક્ષાબંધનનું પણ પર્વ છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા ભાઈ-બહેનના પ્રેમને અભિવ્યક્ત કરે છે. હું બધા દેશવાસીઓને, બધાં ભાઈઓ-બહેનોને આ રક્ષાબંધનના પાવન પર્વ પર ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું. સ્નેહસભર આ પર્વ આપણા બધાં ભાઈઓ-બહેનોના જીવનમાં આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરનારું હોય, સપનાંઓને સાકાર કરનારું હોય, અને સ્નેહની સરિતાને વધારનારું હોય.
આજે જ્યારે દેશ આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે તે સમયે દેશના અનેક ભાગોમાં અતિવૃષ્ટિના કારણે, પૂરના કારણે, લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અનેકે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે. હું તેમના પ્રતિ મારી સંવેદનાઓ પ્રગટ કરું છું. અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એનડીઆરએફ, બધાં સંગઠનો, નાગરિકોનાં કષ્ટ ઓછાં કેમ થાય પરિસ્થિતિ બને તેટલી જલદી કેમ સામાન્ય થાય તેના માટે દિવસરાત પ્રયાસરત છે.
આજે જ્યારે આપણે આઝાદીના આ પવિત્ર દિવસને મનાવી રહ્યા છીએ ત્યારે દેશની સ્વતંત્રતા માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, જેમણે પોતાની યુવાની અર્પણ કરી, જેમણે યુવાની જેલોમાં ગાળી, જેમણે ફાંસીના દોરડાને ચુમી લીધો, જેમણે સત્યાગ્રહના માધ્યમથી સ્વતંત્રતાના બ્યુગલમાં અહિંસાના સ્વર ભરી દીધા, પૂજ્ય બાપુના નેતૃત્વમાં દેશે સ્વતંત્રતા મેળવી, હું આજે દેશની સ્વતંત્રતાના તે બધાં બલિદાનીઓને, ત્યાગી-તપસ્વીઓને, આદરપૂર્વક નમન કરું છું.
તે જ રીતે, દેશ સ્વતંત્ર થયા પછી આટલાં વર્ષોમાં, દેશની શાંતિ માટે, સુરક્ષા માટે અને સમૃદ્ધિ માટે, લાખો લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. હું આજે સ્વતંત્ર ભારતના વિકાસ માટે, શાંતિ માટે, સમૃદ્ધિ માટે, જનસામાન્યની આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે, જે જે લોકોએ યોગદાન આપ્યું છે, આજે હું તેમને પણ નમન કરું છું.
નવી સરકાર બન્યા પછી, લાલ કિલ્લા પરથી મને આજે, ફરી એક વાર, તમારા સૌનું ગૌરવ કરવાનો અવસર મળ્યો છે. હજુ આ નવી સરકારને દસ અઠવાડિયા પણ નથી થયાં, પરંતુ દસ અઠવાડિયાના નાના કાર્યકાળમાં પણ, બધાં ક્ષેત્રોમાં, બધી દિશાઓમાં, દરેક પ્રકારના પ્રયાસને બળ આપવામાં આવ્યું છે. નવા આયામો દેવામાં આવ્યા છે. અને સામાન્ય જનતાએ જે આશા-આકાંક્ષા-અપેક્ષાઓ સાથે અમને સેવા કરવાનો અવસર આપ્યો છે, તેને પૂર્ણ કરવામાં, એક પળનો પણ વિલંબ કર્યા વગર, અમે પૂરા સામર્થ્ય સાથે, પૂરા સમર્પણભાવ સાથે, તમારી સેવામાં મગ્ન છીએ.
દસ અઠવાડિયાંની અંદર જ, ધારા 370નું દૂર થવું, 35-એનું દૂર થવું, સરદાર વલ્લભભાઈ પટેલનાં સપનાંઓને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વનું ડગ... દસ અઠવાડિયાંની અંદર-અંદર આપણી મુસ્લિમ માતા-બહેનોને તેમના અધિકાર આપવા માટે, ત્રણ તલાક સામે કાયદો બનાવવો, ત્રાસવાદ સાથે જોડાયેલા કાયદામાં સંપૂર્ણ પરિવર્તન કરીને તેને એક નવી તાકાત દેવાના, ત્રાસવાદ સામે લડવાના સંકલ્પને વધુ મજબૂત કરવાનું કામ. આપણા ખેડૂત ભાઈ-બહેનને પ્રધાનમંત્રી સમ્માન નિધિ હેઠળ, 90,000 કરોડ રૂપિયા, ખેડૂતોનાં ખાતામાં ટ્રાન્સ્ફર કરવાનું એક મહત્ત્વપૂર્ણ કામ આગળ વધ્યું છે.
આપણા ખેડૂત ભાઈ-બહેન, આપણા નાનાં વેપારી ભાઈ-બહેન, તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમના જીવનમાં પણ પેન્શનની વ્યવસ્થા થઈ શકે છે. સાઇઠ વર્ષની ઉંમર પછી તેઓ પણ સમ્માન સાથે જીવી શકે છે. શરીર જ્યારે વધુ કામ કરવા માટે મદદ ન કરતું હોય તે સમયે કોઈ ટેકો મળી જાય, તેવી પેન્શન યોજનાને પણ લાગુ કરવાનું કામ કરી દીધું છે.
જળસંકટની ચર્ચા બહુ થાય છે. ભવિષ્ય જળસંકટમાંથી પસાર થશે તે પણ ચર્ચા થાય છે. તે ચીજોને પહેલેથી જ વિચારીને કેન્દ્ર અને રાજ્યો મળીને યોજના બનાવે તે માટે, એક અલગ જલશક્તિ મંત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આપણા દેશમાં, બહુ મોટી માત્રામાં, ડૉક્ટરોની જરૂર છે. આરોગ્યની સુવિધાઓ અને વ્યવસ્થાની આવશ્યકતા છે. તેને પૂર્ણ કરવા માટે, નવા કાયદાની જરૂર છે, નવી વ્યવસ્થાની જરૂર છે. નવી વિચારસરણીની જરૂર છે. દેશના નવયુવાનોને ડૉક્ટર બનવા માટે, અવસર આપવાની જરૂર છે. તે ચીજોને ધ્યાનમાં રાખીને, મેડિકલ ઍજ્યુકેશનને પારદર્શી બનાવવા માટે, અનેક મહત્ત્વપૂર્ણ કાયદા, અમે બનાવ્યા છે. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
આજે સમગ્ર વિશ્વમાં, બાળકો પર અત્યાચારની ઘટનાઓ સાંભળીએ છીએ, ભારત પણ, આપણા નાનાંનાનાં બાળકોને અસહાય ન છોડી શકે. તે બાળકોની સુરક્ષા માટે, કઠોર કાયદા પ્રબંધન આવશ્યક હતું. અમે તે કામને પણ પૂર્ણ કરી લીધું છે.
ભાઈઓ-બહેનો, 2014થી 19, પાંચ વર્ષ મને, સેવા કરવા આપે મને તક આપી. અનેક ચીજો એવી હતી, સામાન્ય માનવી પોતાની અંગત આવશ્યકતાઓ માટે સંઘર્ષ કરતો હતો, અમે પાંચ વર્ષ સતત પ્રયાસ કર્યો, કે અમારા નાગરિકોની જે રોજબરોજની જિંદગીની આવશ્યકતાઓ છે, ખાસ કરીને ગામની, ગરીબની, ખેડૂતની, દલિતની, પીડિતની, શોષિતની, વંચિતની, આદિવાસીની...તેના પર બળ આપવાનો અમે પ્રયાસ કર્યો છે. અને ગાડીને અમે પાટા પર લાવ્યા અને તે દિશામાં આજે બહુ વેગથી કામ ચાલી રહ્યું છે. પરંતુ સમય બદલાય છે. જો 2014થી 2019, આવશ્યકતાઓની પૂર્તિનો સમય હતો, તો 2019 પછીનો કાળખંડ, દેશવાસીઓની આશા-આકાંક્ષાની પૂર્તિનો કાળખંડ છે. તેમનાં સપનાંઓને સાકાર કરવાનો કાળખંડ છે. અને આથી, એકવીસમી સદીનું ભારત, કેવું હોય, કેટલી ઝડપી ગતિથી ચાલતું હોય, કેટલી વ્યાપકતાથી કામ કરતું હોય, કેટલી ઊંચાઈથી વિચારતું હોય, તે બધી વાતોને ધ્યાનમાં રાખતા, આવનારાં પાંચ વર્ષના કાર્યકાળને, આગળ વધારવાનું એક માળખું તૈયાર કરીને અમે એક પછી એક પગલું ભરી રહ્યા છીએ.
2014માં, હું દેશ માટે નવો હતો. 2013-14માં ચૂંટણી પૂર્વે, હું ભારતભ્રમણ કરીને, હું દેશવાસીઓની ભાવનાઓને, સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ દરેકના ચહેરા પર નિરાશા હતી. એક આશંકા હતી. લોકો વિચારતા હતા, શું આ દેશ બદલાઈ શકે છે? શું સરકાર બદલાવાથી દેશ બદલાઈ જશે? એક નિરાશા, જનસામાન્યના મનમાં ઘર કરી ગઈ હતી. લાંબા કાળખંડના અનુભવનું આ પરિણામ હતું. આશાઓ લાંબી ટકતી નહોતી. પળ બે પળમાં, આશા નિરાશામાં ડૂબી જતી હતી. પરંતુ જ્યારે 2019માં, પાંચ વર્ષના કઠોર પરિશ્રમ પછી, જનસામાન્ય માટે એક માત્ર સમર્પણભાવ સાથે, મનમસ્તિષ્કમાં માત્ર ને માત્ર મારો દેશ, મનમસ્તિષ્કમાં માત્ર મારા કરોડો દેશવાસીઓ, આ ભાવના સાથે ચાલતા રહ્યા, પળપળ તેના માટે અર્પણ કરતા રહ્યા, અને જ્યારે 2019માં ગયા, મને આશ્ચર્ય હતું, દેશવાસીઓનો મિજાજ બદલાઈ ગયો હતો, નિરાશા આશામાં પરિવર્તિત થઈ ગઈ હતી, સપનાં સંકલ્પો સાથે જોડાઈ ગયાં હતાં, સિદ્ધિ સામે દેખાઈ રહી હતી, અને સામાન્ય માનવીનો એક જ સ્વર હતો, હા, મારો દેશ બદલાઈ શકે છે. સામાન્ય માનવીની એક ગૂંજ હતી- હા, આપણે પણ દેશ બદલી શકીએ છીએ. આપણે પાછળ ન રહી શકીએ.
130 કરોડ નાગરિકોના ચહેરાના ભાવ, ભાવનાઓની આ ગૂંજ, આપણને નવી તાકાત, નવો વિશ્વાસ આપે છે.
સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર લઈને ચાલ્યા હતા, પરંતુ પાંચ વર્ષની અંદર-અંદર જ દેશવાસીઓએ, સૌના વિશ્વાસના રંગથી પૂરા વાતાવરણને રંગી નાખ્યું. આ સૌનો વિશ્વાસ જ પાંચ વર્ષમાં જન્મ્યો જે આપણને આવનારા દિવસોમાં, હજુ વધુ સામર્થ્ય સાથે દેશવાસીઓની સેવા કરવાનો અવસર આપશે. આ ચૂંટણીમાં મેં જોયું હતું, અને મેં તે સમયે પણ કહ્યું હતું, ન કોઈ રાજનેતા ચૂંટણી લડી રહ્યા હતા, ન કોઈ રાજકીય પક્ષ ચૂંટણી લડી રહ્યો હતો, ન મોદી ચૂંટણી લડી રહ્યા હતા, ન મોદીના સાથી ચૂંટણી લડી રહ્યા હતા, દેશના સામાન્ય માનવી, જનતા જનાર્દન ચૂંટણી લડી રહી હતી. 130 કરોડ દેશવાસી ચૂંટણી લડી રહ્યા હતા. પોતાનાં સપનાંઓ માટે લડી રહ્યા હતા. લોકતંત્રનું સાચું સ્વરૂપ આ ચૂંટણીમાં દેખાઈ રહ્યું હતું.
મારા પ્રિય દેશવાસીઓ, સમસ્યાઓનું સમાધાન... તેની સાથે-સાથે સપનાં, સંકલ્પો અને સિદ્ધિનો કાળખંડ... આપણે હવે સાથેસાથે ચાલવાનું છે. એ સ્પષ્ટ વાત છે કે સમસ્યાઓનું જ્યારે સમાધાન થાય છે તો સ્વાવલંબનનો ભાવ ઉત્પન્ન થાય છે. સમાધાનથી સ્વાવલંબન તરફ ગતિ વધે છે. જ્યારે સ્વાવલંબન થાય છે, તો તમારામાં આપમેળે, સ્વાભિમાન ઉજાગર થાય છે. અને સ્વાભિમાનનું સામર્થ્ય ઘણું હોય છે. આત્મ સન્માનનું સામર્થ્ય બધાથી વધુ હોય છે. અને જ્યારે સમાધાન થાય, સંકલ્પ હોય, સામર્થ્ય હોય, સ્વાભિમાન હોય, ત્યારે સફળતાની આડે કંઈ નથી આવી શકતું. અને આજે દેશ તે સ્વાભિમાનની સાથે, સફળતાની નવી ઊંચાઈઓને પાર કરવા માટે, આગળ વધવા માટે કૃતનિશ્ચયી છે. જ્યારે આપણે, સમસ્યાઓનું સમાધાન જોઈએ છીએ, તો ટુકડાઓમાં ન વિચારવું જોઈએ. તકલીફો આવશે. એક સાથે, ...માટે હાથ લગાવીને છોડી દેવો, આ રીત દેશનાં સપનાંઓને સાકાર કરવા માટે કામ નહીં આવે. આપણે સમસ્યાઓને મૂળમાંથી મટાવવાની કોશિશ કરવી પડશે.
તમે જોયું હશે, આપણી મુસ્લિમ દીકરીઓ, આપણી બહેનો, તેમના માથા પર ત્રણ તલાકની તલવાર લટકતી હતી. તેઓ ડરી ડરીને જિંદગી જીવતી હતી. ત્રણ તલાકનો ભોગ કદાચ ન બની હોય પરંતુ ક્યારે પણ ત્રણ તલાકનો ભોગ બની શકે છે તે ભય તેમને જીવવા નહોતો દેતો, તેમને મજબૂર કરી દેતો હતો, દુનિયાના અનેક દેશ, ઇસ્લામિક દેશ, તેમણે પણ, આ કુપ્રથાને આપણાથી બહુ પહેલાં સમાપ્ત કરી દીધી હતી. પરંતુ કોઈ ને કારણથી આપણી મુસ્લિમ માતાઓ-બહેનોને હક આપવામાં, આપણે ખચકાતા હતા. જો આ દેશમાં, આપણે સતી પ્રથાને સમાપ્ત કરી શકીએ છીએ, આપણે ભ્રૂણ હત્યાને સમાપ્ત કરવાનો કાયદો બનાવી શકીએ છીએ, જો આપણે, બાળવિવાહ સામે અવાજ ઉઠાવી શકીએ છીએ, આપણે દહેજમાં લેવડદેવડની પ્રથાની વિરુદ્ધ કઠોર પગલાં ભરી શકીએ છીએ, તો શા માટે આપણે ત્રણ તલાકની વિરુદ્ધ પણ અવાજ ન ઉઠાવીએ! અને તે માટે ભારતના લોકતંત્રની ભાવનાને પકડીને, ભારતના બંધારણની ભાવનાનો, બાબાસાહેબની ભાવનાનો આદર કરીને, આપણી મુસ્લિમ બહેનોને પણ સમાન અધિકાર મળે, તેમની અંદર એક નવો વિશ્વાસ જન્મે, ભારતની વિકાસયાત્રામાં તેઓ પણ સક્રિય ભાગીદાર બને, તે માટે, અમે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય રાજનીતિના ત્રાજવે તોળવાનો નિર્ણય નથી હોતા. સદીઓ સુધી માતાઓ-બહેનોના જીવનની રક્ષાની બાંયધરી આપે છે.
તે જ રીતે, હું એક બીજું ઉદાહરણ આપવા માગું છું. ધારા 370. 35-એ. ધારા 370 અને 35-એ, શું કારણ હતું... આ સરકારની ઓળખ છે અમે સમસ્યાને ટાળતા પણ નથી, અમે સમસ્યાઓને ટાળતા પણ નથી અને ન તો અમે સમસ્યાઓને પાળીએ છીએ. હવે સમસ્યાઓને ટાળવાનો પણ સમય નથી. હવે સમસ્યાઓને પાળવાનો પણ સમય નથી. જે કામ છેલ્લાં સિત્તેર વર્ષમાં નથી થયાં, નવી સરકાર બન્યા પછી, સિત્તેર દિવસની અંદર-અંદર, ધારા 370 અને 35-એને દૂર કરવાનું કામ ભારતની સંસદનાં બંને ગૃહોએ- રાજ્યસભા અને લોકસભાએ બે તૃત્તીયાંશ બહુમતીથી પસાર કરી દીધું. તેનો અર્થ એ થયો કે દરેકના મનમાં આ વાત પડી જ હતી, પરંતુ પ્રારંભ કોણ કરે, આગળ કોણ આવે, કદાચ તેની જ રાહ હતી, અને દેશવાસીઓએ મને આ કામ આપ્યું અને મેં આપે જે મને કામ આપ્યું છે તેને જ કરવા માટે આવ્યો છું. મારું પોતાનું કંઈ નથી.
આપણે જમ્મુ-કાશ્મીર પુનર્રચનાની દિશામાં પણ આગળ વધ્યા. સિત્તેર વર્ષ દરેકે કંઈ ને કંઈ પ્રયાસ કર્યો. દરેક સરકારે કોઈ ને કોઈ પ્રયાસ કર્યો. પરંતુ ઈચ્છિત પરિણામો ન મળ્યાં. અને જ્યારે ઈચ્છિત પરિણામો નથી મળ્યાં ત્યારે નવી રીતે વિચારવાની, નવી રીતે ડગ માંડવાની આવશ્યકતા હોય છે. અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના નાગરિકોની આશા-આકાંક્ષા પૂરી થાય તે આપણી બધાની જવાબદારી છે. તેમનાં સપનાંને નવી પાંખ મળે, તે આપણા સહુની જવાબદારી છે. અને તે માટે, 130 કરોડ દેશવાસીઓએ આ જવાબદારીને ઉપાડવાની છે. અને આ જવાબદારીને પૂરી કરવા માટે, જે પણ અડચણો સામે આવી છે, તેમને દૂર કરવાનો અમે પ્રયાસ કર્યો છે.
છેલ્લાં સિત્તેર વર્ષમાં આ વ્યવસ્થાઓએ અલગાવવાદને બળ આપ્યું છે, ત્રાસવાદને જન્મ આપ્યો છે, પરિવારવાદને પોષ્યો છે, અને એક રીતે, ભ્રષ્ટાચાર અને ભેદભાવના પાયાને મજબૂતી આપવાનું જ કામ કર્યું છે. અને આથી, ત્યાંની મહિલાઓને અધિકાર મળે, ત્યાંના મારા દલિત ભાઈઓ-બહેનોને, દેશના દલિત ભાઈઓ-બહેનોને જે અધિકાર મળતા હતા તે ત્યાં નહોતો મળતો. આપણા દેશના જનજાતીય સમૂહને, દેશના જનજાતીય સમૂહ-ટ્રાઇબલ્સને, જે અધિકારો મળે છે, તે ત્યાંના જનજાતીય સમૂહને પણ મળવા જોઈએ. ત્યાંની સમાજવ્યવસ્થાના અનેક લોકો, ચાહે તે ગુર્જર હોય, બકરવાલ હોય, ગદ્દી હોય, સિપ્પી હોય, બાલ્ટી હોય, આવા અનેક જનજાતીય લોકો...તેમને પણ રાજકીય અધિકારો મળવા જોઈએ. તેમને તે આપવાની દિશામાં...આપણને આશ્ચર્ય થશે ત્યાંના આપણા સફાઈ કર્મચારી ભાઈઓ-બહેનો પર કાનૂની મનાઈ કરવામાં આવી હતી. તેમનાં સપનાંઓને કચડી નાખવામાં આવ્યાં હતાં. આજે આપણે તેમને આ આઝાદી આપવાનું કામ કર્યું છે.
ભારત વિભાજન થયું, લાખો-કરોડો લોકો વિસ્થાપિત થઈને આવ્યા, તેમનો કોઈ વાંક નહોતો, પરંતુ જે લોકો જમ્મુ-કાશ્મીરમાં આવીને વસ્યા, તેમને માનવીય અધિકારો પણ ન મળ્યા, નાગરિકના અધિકારો પણ ન મળ્યા. જમ્મુ-કાશ્મીરની અંદર મારાં પહાડી ભાઈ-બહેન પણ છે. અને આથી, તેમની પણ ચિંતા કરવાની દિશામાં આપણે પગલાં ભરવા માગીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે ભારત માટે, પ્રેરક બની શકે છે. ભારતની વિકાસયાત્રામાં બહુ મોટું યોગદાન આપી શકે છે. તેના એ પ્રાચીન મહાન દિવસોને પાછા આપવાના આપણે સહુ પ્રયાસ કરીએ. તે પ્રયાસો માટે આ જે નવી વ્યવસ્થા બની છે, તે સીધી સીધી નાગરિકોનાં હિતો માટે, કામ કરવા માટે, સુવિધા ઉત્પન્ન કરશે. હવે દેશનો, જમ્મુ-કાશ્મીરનો સામાન્ય નાગરિક પણ, દિલ્લી સરકારને પૂછી શકે છે,. તેને વચ્ચે કોઈ અડચણ નહીં આવે. આ સીધી સીધી વ્યવસ્થા આજે આપણે કરી શક્યા છીએ.
પરંતુ જ્યારે દેશ, આખો દેશ, બધા રાજકીય પક્ષોની અંદર પણ, એક પણ રાજકીય પક્ષ અપવાદ નથી, ધારા 370 હટાવવા માટે, 35-એને હટાવવા માટે, કોઈ પ્રખર રૂપથી તો કોઈ મૂક રૂપથી, સમર્થન આપતો રહ્યો છે. પરંતુ રાજનીતિની ગલીઓમાં, ચૂંટણીના ત્રાજવે તોળનારા કેટલાક લોકો, 370ના પક્ષમાં, કંઈ ને કંઈ કહેતા રહે છે. જે લોકો 370ની પક્ષમાં વકીલાત કરે છે, તેમને દેશ પૂછી રહ્યો છે- જો આ ધારા 370, આ આર્ટિકલ 370, આ 35-એ, આટલી મહત્ત્વપૂર્ણ હતી, આટલી અનિવાર્ય હતી, તેનાથી જ ભાગ્ય બદલવાનું હતું, તો સિત્તેર વર્ષ સુધી આટલી ભારે બહુમતી હોવા છતાં પણ, તમે લોકોએ તેને સ્થાયી કેમ ન કરી? અસ્થાયી કેમ બનાવે રાખી? જો આટલો દૃઢ વિશ્વાસ હતો, તો આગળ આવત, સ્થાયી બનાવી દેત, પરંતુ આનો અર્થ એ છે, તમે પણ જાણતા હતા, આ જે થયું છે તે બરાબર નથી થયું, પરંતુ સુધાર કરવાની તમારામાં હિંમત નહોતી, નિશ્ચય નહોતો, રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થચિહ્ન લાગતું હતું. મારા માટે દેશનું ભવિષ્ય જ સર્વસ્વ છે. રાજકીય ભવિષ્ય કંઈ નથી હોતું.
આપણા સંવિધાન નિર્માતાઓએ, સરદાર પટેલ જેવા મહાપુરુષોએ, દેશની એકતા માટે, રાજકીય એકીકરણ માટે, તે કઠિન સમયમાં પણ, મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા. હિંમત સાથે નિર્ણયો લીધા. દેશના એકીકરણનો સફળ પ્રયાસ કર્યો. પરંતુ ધારા 370ના કારણે, 35-એના કારણે, કેટલીક અડચણો પણ આવી. આજે લાલ કિલ્લા પરથી જ્યારે હું દેશને સંબોધિત કરી રહ્યો છું, ત્યારે હું ગર્વ સાથે એ કહું છું કે આજે દરેક હિન્દુસ્તાની કહી શકે છે વન નેશન, વન કૉન્સ્ટિટ્યૂશન. અને આપણે સરદાર સાહેબનું એક ભારત, શ્રેષ્ઠ ભારત - એ સપનાને ચરિતાર્થ કરવા માટે પ્રયત્નશીલ છીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે આપણે એ વ્યવસ્થાઓને નિશ્ચિત કરીએ જે દેશની એકતાને બળ આપે, દેશને જોડવા માટે, સિમેન્ટિંગ ફૉર્સના રૂપમાં ઉભરીને આવે, અને આ પ્રક્રિયા નિરંતર ચાલવી જોઈએ. તે એક સમય માટે નથી હોતી. અવિરત હોવી જોઈએ.
GSTના માધ્યમથી આપણે One Nation, One Tax, તે સપનાંને સાકાર કર્યું હતું. તે જ રીતે ગત દિવસોમાં, ઊર્જાના ક્ષેત્રમાં, One nation, one grid તે કામને પણ આપણે સફળતાપૂર્વક પાર કર્યું છે. તે જ રીતે, વન નેશન, વન મૉબિલિટી કાર્ડ, આ વ્યવસ્થાને પણ, આપણે વિકસિત કરી છે. અને આજે દેશમાં વ્યાપક રૂપે ચર્ચા ચાલી રહી છે – એક દેશ, એક સાથે ચૂંટણી. આ ચર્ચા થવી જોઈએ. લોકતાંત્રિક રીતે થવી જોઈએ. અને ક્યારેક ને ક્યારેક એક ભારત, શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા માટે, બીજી પણ આવી નવી ચીજોને આપણે જોડવી પડશે.
મારા પ્રિય દેશવાસીઓ, દેશે નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશને વિશ્વની અંદર પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવાનું છે. તો આપણે આપણા ઘરની અંદર પણ, ગરીબીથી મુક્તિના કામને પણ બળ આપવું જ પડશે. તે કોઈના માટે ઉપકાર નથી. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે, આપણે ગરીબીથી મુક્ત થવું જ પડશે. ગત પાંચ વર્ષમાં, ગરીબી ઘટાડવાની દિશામાં, ગરીબોની સંખ્યા, ગરીબીમાંથી બહાર આવે, તે દિશામાં ઘણા સફળ પ્રયાસો થયા છે. પહેલાંની સરખામણીમાં, વધુ ઝડપી ગતિએ, અને વધુ વ્યાપકતાથી, તેમાં સફળતા પ્રાપ્ત થઈ છે. પરંતુ તેમ છતાં, ગરીબ વ્યક્તિ...જો સન્માન તેને પ્રાપ્ત થઈ જાય છે, તેનું સ્વાભિમાન જાગી જાય છે, તો તે ગરીબી સામે લડવા માટે, સરકારની રાહ નહીં જુએ. તે પોતાના સામર્થ્યથી ગરીબીને પરાસ્ત કરવા માટે આગળ આવશે. આપણામાંથી સૌથી વધારે વિપરિત પરિસ્થિતિઓ સામે લડવાની તાકાત જો કોઈનામાં છે તો તે મારાં ગરીબ ભાઈઓ-બહેનોમાં છે. ગમે તેટલી ઠંડી કેમ ન હોય, તે મુઠ્ઠી બંધ કરીને રહી શકે છે, જેની અંદર એ સામર્થ્ય છે, આવો એ સામર્થ્યના આપણે પૂજારી બનીએ, અને તે માટે આપણે તેની રોજબરોજની મુશ્કેલીઓને દૂર કરીએ. કયું કારણ છે કે મારા ગરીબ પાસે શૌચાલય ન હોય, ઘરમાં વીજળી ન હોય, રહેવા માટે ઘર ન હોય, પાણીની સુવિધા ન હોય, બૅન્કમાં ખાતું ન હોય, ઋણ લેવા માટે શાહુકારના ઘરે જઈને એક રીતે, બધું ગિરવે રાખવું પડતું હોય, આવો ગરીબોના આત્મસન્માન, આત્મવિશ્વાસને, તેમના સ્વાભિમાનને પણ આગળ વધારવા, સામર્થ્ય દેવા માટે, આપણે તેના પ્રયાસ કરીએ.
ભાઈઓ-બહેનો, સ્વતંત્રતાનાં સિત્તેર વર્ષ થઈ ગયાં છે. ઘણાં બધાં કામ, બધી સરકારોએ પોતપોતાની રીતે કર્યાં છે. સરકાર કોઈ પણ પક્ષની કેમ ન હોય, કેન્દ્રની હોય, રાજ્યની હોય, દરેકે, પોતપોતાની રીતે પ્રયાસ કર્યા છે. પરંતુ એ પણ સચ્ચાઈ છે આજે હિન્દુસ્તાનમાં, લગભગ અડધાં ઘર એવાં છે જેમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. તેમને પીવાનું પાણી પ્રાપ્ત કરવા માટે, સંઘર્ષ કરવો પડે છે. માતાઓ-બહેનોને માથા પર વજન ઉંચકીને, બેડાં લઈને, બે-બે ત્રણ-ત્રણ પાંચ-પાંચ કિમી જવું પડે છે. બધી મહેનત પાણી માટે જ ચાલી જાય છે. અને આથી આ સરકારે, એક વિશેષ કામ પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. અને તે છે આપણા દરેક ઘરમાં જળ કેવી રીતે પહોંચે. દરેક ઘરને જળ કેવી રીતે મળે. પીવાનું શુદ્ધ પાણી કેવી રીતે મળે. અને આથી, હું આજે લાલ કિલ્લા પરથી ઘોષિત કરું છું કે આપણે આવનારા દિવસોમાં, જળજીવન મિશનને આગળ વધારીશું. આ જળજીવન મિશન, તેના માટે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરશે. અને આવનારાં વર્ષોમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ આ જળજીવન મિશન માટે, ખર્ચ કરવાનો આપણે સંકલ્પ કર્યો છે. જળસંચય હોય, જળસિંચન હોય, વર્ષાનાં ટીપેટીપાં પાણીને રોકવાનું કામ હોય, સમુદ્રી પાણીને કે ગંદા પાણીને શુદ્ધ બનાવવાનો વિષય હોય, ખેડૂતો માટે ટીંપે-ટીંપે વધુ પાક (પર ડ્રોપ, મોર ક્રોપ), માઇક્રૉઇરિગેશનનું કામ હોય, પાણી બચાવવાનું અભિયાન હોય, પ્રતિ સામાન્યથી સામાન્ય નાગરિક સજગ પણ બને, સંવેદનશીલ પણ બને, પાણીનું મહાત્મ્ય સમજે, આપણા અભ્યાસક્રમોમાં પણ, બાળકોને પણ બાળપણથી જ પાણીના મહાત્મ્યનું શિક્ષણ આપવામાં આવે, પાણીસંગ્રહ માટે, પાણીના સ્રોતોને પુનર્જીવિત કરવા માટે, આપણે સતત પ્રયાસ કરીએ. અને આપણે એ વિશ્વાસ સાથે આગળ વધીએ કે પાણીના ક્ષેત્રમાં, છેલ્લાં સિત્તેર વર્ષમાં જે કામ થયું છે, આપણે પાંચ વર્ષમાં, ચાર ગણાથી પણ વધુ એ કામ કરવાનું છે. હવે આપણે વધુ રાહ ન જોઈ શકીએ. અને આ દેશના મહાન સંત, સેંકડો વર્ષો પહેલાં, સંત થિરુવલુવરજીએ તે સમયે, એક મહત્ત્વપૂર્ણ વાત કહી હતી, સેંકડો વર્ષો પહેલાં, ત્યારે તો કદાચ કોઈએ પાણીના સંકટ વિશે વિચાર્યું પણ નહીં હોય. પાણીના મહાત્મ્ય વિશે પણ નહીં વિચાર્યું હોય. અને ત્યારે સંત થિરુવલુવરજીએ કહ્યું હતુઃ નીર ઇન્ડ્રી અભિયાદુ ઉલ્ગઃ, નીર ઇન્ડ્રી અભિયાદુ ઉલ્ગઃ
અર્થાત્ જ્યારે પાણી સમાપ્ત થઈ જાય છે, તો પ્રકૃતિનું કાર્ય અટકી જાય છે. ઊભું રહી જાય છે. એક રીતે વિનાશ પ્રારંભ થઈ જાય છે. મારો જન્મ ગુજરાતમાં થયો. ગુજરાતમાં એક તીર્થક્ષેત્ર છે મહુડી નામે. ઉત્તરી ગુજરાતમાં છે. જૈન સમુદાયના લોકો ત્યાં દર્શન માટે જાય છે. આજથી લગભગ સો વર્ષ પહેલાં ત્યાં એક જૈન મુનિ થયા. તેઓ ખેડૂતના ઘરે જન્મ્યા હતા. ખેડૂત હતા. ખેતરમાં કામ કરતા હતા. પરંતુ જૈન પરંપરા સાથે જોડાઈને તેઓ દીક્ષિત થયા. જૈન મુનિ બન્યા. લગભગ સો વર્ષ પહેલાં તેઓ લખીને ગયા છે. તેમણે લખ્યું છે. બુદ્ધિસાગરજી મહારાજે. તેમણે લખ્યું છેઃ એક સમય એવો આવશે, જ્યારે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે. તમે વિચાર કરો, લગભગ સો વર્ષ પહેલાં, એક સંત લખીને ગયા કે પાણી કરિયાણાની દુકાનમાં વેચાશે. આજે આપણે પીવાનું પાણી કરિયાણાની દુકાનમાંથી ખરીદીએ છીએ. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા? મારા પ્રિય દેશવાસીઓ, ન આપણે થાકવાનું છે, ન આપણે રોકાવાનું છે, ન આપણે અટકવાનું છે, ન આપણે આગળ વધવાથી ખચકાવાનું છે. આ અભિયાન સરકારી ન બનવું જોઈએ. જળસંચયનું આ અભિયાન, જેવી રીતે સ્વચ્છતાનું અભિયાન ચાલ્યું હતું, જન સામાન્યનું અભિયાન બનવું જોઈએ. જનસામાન્યના આદર્શોને લઈને, જનસામાન્યની અપેક્ષાઓને લઈને, જનસામાન્યના સામર્થ્યને લઈને, આપણે આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે આપણો દેશ, તે દૌરમાં પહોંચ્યો છે, જેમાં, ઘણી બધી વાતોથી પોતાને છુપાવી રાખવાની જરૂર નથી. આપણે પડકારોને સામેથી સ્વીકાર કરવાનો સમય આવી ગયો છે. ક્યારેક રાજકીય નફા-નુકસાનના હેતુથી, આપણે નિર્ણય કરીએ છીએ. પરંતુ તેનાથી દેશની ભાવિ પેઢીનું બહુ નુકસાન થાય છે. આવી જ રીતે એક વિષય છે, જેને હું આજે લાલ કિલ્લા પરથી સ્પર્શ કરવા માગું છું. અને તે વિષય છે – આપણે ત્યાં બેફામ રીતે જે જનસંખ્યાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, તે જનસંખ્યા વિસ્ફોટ આપણા માટે, આપણી આવનારી પેઢી માટે, અનેક નવાં સંકટો પેદા કરી રહ્યો છે. પરંતુ એ માનવું પડશે કે આપણા દેશમાં, એક જાગૃત વર્ગ છે જે આ વાતને સુપેરે સમજે છે. તેઓ પોતાના ઘરમાં શિશુને જન્મ દેતા પહેલાં, સારી રીતે વિચારે છે, કે હું તેની સાથે ક્યાંક અન્યાય તો નહીં કરી દઉં ને. તેની જે માનવીય આવશ્યકતાઓની પૂર્તિ થશે તે હું પૂરી કરી શકીશ કે નહીં. તેનાં જે સપનાં છે તેને પૂરાં કરવા માટે હું મારી ભૂમિકા ભજવી શકીશ કે નહીં. આ તમામ પરિમાણોથી પોતાના પરિવારના લેખાજોખા લઈને આપણા દેશમાં આજે પણ સ્વયંપ્રેરણાથી એક નાનકડો વર્ગ પરિવારને સીમિત કરીને પોતાના પરિવારનું પણ ભલું કરે છે અને દેશનું ભલું કરવામાં બહુ મોટું યોગદાન આપે છે. આ બધાં સન્માનના અધિકારી છે. તેઓ આદરના અધિકારી છે. તેમનું જેટલું સન્માન કરીએ...નાનો પરિવાર રાખીને પણ તેઓ દેશભક્તિને જ પ્રગટ કરે છે. તેઓ દેશભક્તિની અભિવ્યક્તિ કરે છે. હું ઈચ્છીશ કે આપણે તમામ સમાજના લોકો પોતાના જીવનને બારીકાઈથી જોઈએ કે તેમણે પોતાના પરિવારમાં જનસંખ્યા વૃદ્ધિથી પોતાને બચાવીને, પરિવારની કેટલી સેવા કરી, જોતજોતામાં એક-બે પેઢી જ નહીં, પરિવાર કેવી રીતે આગળ વધી ગયો છે, બાળકોએ કેવું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તે પરિવાર બીમારીથી કેવી રીતે મુક્ત છે, તે પરિવાર પોતાની પ્રાથમિક આવશ્યકતાઓને કેવી સારી રીતે પૂરી કરે છે, આપણે પણ તેમનામાંથી શીખીએ, અને આપણા ઘરમાં કોઈ પણ શિશુને જન્મ આપતા પહેલાં, આપણે વિચારીએ, કે જે બાળક મારા ઘરમાં આવશે, શું તેની આવશ્યકતાઓની પૂર્તિ માટે, મેં પોતાની જાતને તૈયાર કરી છે? શું હું તેને સમાજના ભરોસે જ છોડી દઈશ? હું તેને તેના નસીબ પર છોડી દઈશ? કોઈ માબાપ એવાં ન હોઈ શકે કે જે પોતાનાં બાળકોને આ પ્રકારની જિંદગી મજબૂર થવાના છે, તેમ છતાં બાળકોને જન્મ આપતાં રહે છે. અને આથી, એક સામાજિક જાગૃતિની આવશ્યકતા છે. જે લોકોએ આ બહુ મોટી ભૂમિકા ભજવી છે તેમના સન્માનની આવશ્યકતા છે. અને તેમના જ પ્રયાસોનાં ઉદાહરણ લઈને સમાજના બાકી વર્ગ જે હજુ પણ તેનાથી બહાર છે, તેમને જોડીને, જનસંખ્યા વિસ્ફોટ, તેની આપણે ચિંતા કરવી જ પડશે. સરકારોએ પણ, ભિન્નભિન્ન યોજનાઓ હેઠળ, આગળ આવવું પડશે. ચાહે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, બધાએ આ જવાબદારીને ખભેખભા મેળવીને પૂરું કરવું જોઈએ. આપણે અસ્વસ્થ સમાજનો વિચાર ન કરી શકીએ. આપણે અશિક્ષિત સમાજ ન વિચારી શકીએ. એકવીસમી સદીનું ભારત સપનાંને પૂરાં કરવાનું સામર્થ્ય વ્યક્તિથી શરૂ થાય છે, પરિવારથી શરૂ થાય છે. જો વસતિ શિક્ષિત નથી, તંદુરસ્ત નથી, તો ન એ ઘર પણ સુખી હોય છે, ન એ દેશ પણ સુખી થાય છે. વસતિ શિક્ષિત હોય, સામર્થ્યવાન હોય, કૌશલ્યયુક્ત હોય, અને પોતાની ઈચ્છા-આવશ્યક્તાઓની પૂર્તિ કરવા માટે, ઉપયુક્ત વાતાવરણ પ્રાપ્ત કરવા માટે, સંસાધન ઉપલબ્ધ હોય તો મને લાગે છે કે દેશ આ વાતો પર પૂર્ણ સાથ આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે સારી રીતે જાણો છો કે ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદે આપણા દેશને કલ્પના બહારનું નુકસાન કર્યું છે. અને એવી રીતે ઉધઈની જેમ આપણા જીવનમાં ઘૂસી ગયો છે, તેને કાઢવા માટે આપણે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. સફળતા પણ મળી છે. પરંતુ બીમારી એટલી ઊંડી પેસી ગઈ છે, બીમારી એટલી ફેલાઈ ગઈ છે કે આપણે હજુ વધુ પ્રયાસો અને તે પણ માત્ર સરકારી સ્તર પર જ નહીં, દરેક સ્તરે કરતા જ રહેવું પડશે. અને તે નિરંતર કરવા પડશે. તે એક વાર કરવાથી પૂરું થનારું કામ નથી. કેમ કે ખરાબ ટેવો, ક્યારેક જેમ જૂની બીમારી હોય છે, ક્યારેક ઠીક થઈ જાય છે, પરંતુ તક મળતાં જ તે બીમારી ઉથલો મારે છે, તેમ આ એક એવી બીમારી છે તેને આપણે નિરંતર, આપણે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને, તેને નિરસ્ત કરવાની દિશામાં અનેક પગલાં ભર્યાં છે. દરેક સ્તરે પ્રમાણિકતા અને પારદર્શિતાને બળ મળે તે માટે પણ ખૂબ જ પ્રયાસો કરવામાં આવ્યા છે. તમે જોયું હશે કે પાછલા પાંચ વર્ષમાં- આ વખતે આવતાં જ સરકારમાં બેસેલા સારા-સારા લોકોને કાઢી મૂકાયા છે. અમારા આ અભિયાનમાં જે અડચણરૂપ બનતા હતા તેમને કહ્યું કે તમે તમારું કામ સમેટી લો, હવે દેશને તમારી સેવાની જરૂર નથી. અને હું સ્પષ્ટ માનું છું, વ્યવસ્થાઓમાં પરિવર્તન થવું જોઈએ. પરંતુ સાથેસાથે સમાજજીવનમાં પણ પરિવર્તન થવું જોઈએ. સમાજજીવનમાં પરિવર્તન થવું જોઈએ તેની સાથેસાથે વ્યવસ્થાઓને ચલાવનારા લોકોના મનમસ્તિષ્કમાં પણ પરિવર્તન થવું ઘણું અનિવાર્ય છે. ત્યારે જ આપણે ઈચ્છિત પરિણામોને પ્રાપ્ત કરી શકીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, દેશ આઝાદીના આટલા વર્ષો બાદ એક રીતે પરિપક્વ થઈ ગયો છે. આપણે આઝાદીના 75 વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ આઝાદી, સહજ સંસ્કાર, સહજ સ્વભાવ, સહજ અનુભૂતિ, તે પણ આવશ્યક હોવું જોઈએ. હું હંમેશા એક વાત મારા ઓફિસરો સાથે બેસું છું ત્યારે કરું છું. સાર્વજનિક રૂપે બોલતો નહોતો પરંતુ આજે મન કર્યું કે બોલી જ દઉં. હું મારા અધિકારીઓને વારે વારે કહેતો હોઉં છું કે શું આઝાદીના આટલા વર્ષો બાદ રોજની ઝીંદગીમાં સરકારોની જે દખલ છે સામાન્ય નાગરિકના જીવનમાં શું આપણે તે દખલને ઘટાડી ન શકીએ. ખતમ ન કરી શકીએ. આઝાદ ભારતનો મારો મતલબ એ છે કે ધીરેધીરે સરકારો લોકોની જિંદગીમાથી બહાર આવે, લોકો પોતાની જિંદગી જીવવા માટે , નિર્ણય કરવા માટે દરેક રસ્તા તેમના માટે ખૂલ્લા હોવા જોઈએ. મરજી થાય એ દિશામાં, દેશના હિતમાં તેમજ પરિવારની ભલાઈમાટે, સ્વયંના સપના માટે આગળ વધે એવી ઈકો સિસ્ટમ આપણે બનાવવી જ પડશે અને તેથી સરકારનું દબાણ ન હોવું જોઈએ. પરંતુ સાથેસાથે જ્યાં મુસિબતની પળ હોય તો સરકારનો અભાવ પણ ન હોવો જોઈએ. ન સરકારનું દબાણ હોય, ન સરકારનો અભાવ હોય, પરંતુ આપણે સપનાંઓને લઈને આગળ વધીએ. સરકાર આપણા સાથીના રૂપમાં દરેક વખતે હાજર હોય. જરૂરિયાત પડે તો લાગવું જોઈએ કે હાં છે કોઈ ચિંતાનો વિષય નથી. શું એ પ્રકારની વ્યવસ્થા આપણે વિકસીત કરી શકીએ છીએ? આપણે જરૂરિયાત વગરના કેટલાય કાયદાઓ ખતમ કરી નાખ્યા. ગત 5 વર્ષમાં એક પ્રકારથી મેં રોજ એક જરૂરિયાત વગરનો કાયદો ખતમ કર્યો હતો. દેશના લોકો સુધી કદાચ આ વાત પહોંચી નહીં હોય. રોજ એક કાયદો ખતમ કર્યો, 1450 કાયદાઓ ખતમ કર્યા. સામાન્ય માનવીના જીવન પરથી બોજ ઓછો થઈ ગયો. અત્યારે સરકારને 10 સપ્તાહ થયા છે અને આ 10 સપ્તાહમાં 60 જેટલા કાયદાઓ ખતમ કરી દીધા. ‘ઈઝ ઓફ લીવીંગ’ એ આઝાદ ભારતની આવશ્યકતા છે. અને તેથી જ અમે ઈઝ ઓફ લીવીંગને બળ આપવા માંગીએ છીએ. તેને જ આગળ લઈ જવા માંગીએ છીએ. આજે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અમે ઘણી પ્રગતિ કરી છે. પહેલા 50 માં પહોંચવાનું સપનું છે. તેના માટે કેટલાય રિફોર્મની જરૂર પડશે. કેટલીયે નાની-મોટી અડચણો. કોઈ નાનો ઉદ્યોગ શરૂ કરવા માગે છે, નાનું કામ કરવા માગે છે તો અહીં ફોર્મ ભરો, ત્યાં ફોર્મ ભરો, સેંકડો ઓફિસમાં ચક્કર લગાવતા રહે છે અને તેને મળી જ નથી શકતું. તેને ખતમ કરતાં કરતાં, રિફોર્મ કરતાં કરતાં કેન્દ્ર અને રાજ્યોને પણ સાથે લઈને, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને પણ સાથે લઈને અમે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના કામમાં ઘણું જ કરવામાં સફળ થયા છીએ. આજે દુનિયાને પણ વિશ્વાસ પેદા થયો છે કે ભારત જેવો આટલો મોટો દેશ ડેવેલોપિંગ કન્ટ્રી, તે આટલો મોટો જમ્પ લગાવી શકે છે. અને આ જ્યારે સપનું જોવું છું ત્યારે મને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ એ તો એક પડાવ છે. મારી મંઝિલ તો છે ઈઝ ઓફ લીવીંગ. સામાન્ય માનવીના જીવનમાં તેને સરકારી કામમાં કોઈ મહેનત ન કરવી પડે, તેના હકનું તેને સહજ રૂપથી મળે અને તેથી જ આપણે આગળ વધવાની જરૂરિયાત છે. અમે તે દિશામાં કામ કરવા માંગીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ આગળ વધે પરંતુ ઈન્ક્રિમેન્ટલ પ્રોગ્રેસ, તેના માટે દેશ વધારે રાહ ન જોઈ શકે. આપણે હાઈ જમ્પ લગાવવો પડશે, આપણે છલાંગ લગાવવી પડશે, આપણે આપણા વિચારને પણ બદલવો પડશે. ભારતને ગ્લોબલ બેન્ચમાર્કની બરાબરીમાં લાવવા માટે આપણા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેની તરફ પણ જવું પડશે અને કોઈ કંઈપણ કહે, કોઈ કંઈ પણ લખે પરંતુ સામાન્ય માનવીના સપનાં સારી વ્યવસ્થાઓનાં હોય છે. સારી ચીજ તેને સારી લાગે છે, તેની તેમાં રૂચી જાગે છે અને તેથી જ અમે નક્કી કર્યું છે કે આ ફંડમાં 100 લાખ કરોડ રૂપિયા, -100 લાખ કરોડ રૂપિયા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે લગાવવામાં આવશે. જેનાથી રોજગાર પણ મળશે, જીવનમાં એક નવી વ્યવસ્થાઓનો વિકાસ થશે જે આવશ્યકતાઓની પૂર્તિ કરશે. સાગર માલા પ્રોજેક્ટ હોય કે ભારત માલા પ્રોજેક્ટ હોય, કે આધુનિક રેલવે સ્ટેશન બનાવવાનું હોય, બસ સ્ટેન્ડ બનાવવાના હોય, એરપોર્ટ બનાવવાના હોય, કે આધુનિક હોસ્પિટલ બનાવવાની હોય કે વિશ્વસ્તરના એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટનું નિર્માણ કરવાનું હોય, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી પણ આ બધી ચીજોને અમે આગળ વધારવા માંગીએ છીએ. હવે દેશમાં સી-પોર્ટ માટે પણ આવશ્યકતા છે. સમાન જીવનનું પણ મન બદલાયું છે. આપણે તેને સમજવું પડશે. પહેલા એક જમાનો હતો કે જો કાગળ પર એક નિર્ણય થઈ જાય, કે એક રેલવે સ્ટેશન ફલાણા વિસ્તારમાં બનવાનું છે, તો મહિનાઓ સુધી, વર્ષો સુધી એક સકારાત્મક ગૂંજ રહેતી હતી, કે ચાલો આપણે ત્યાં નજીકમાં એક રેલવે સ્ટેશન આવે છે. આજે સમય બદલાઈ ચૂક્યો છે. આજે સામાન્ય નાગરિક રેલવે સ્ટેશન મળવાથી સંતુષ્ટ નથી, તે તરત પૂછે છે કે વંદે ભારત એક્સપ્રેસ અમારા વિસ્તારમાં ક્યારે આવશે. તેનો વિચાર બદલાઈ ગયો છે. જો આપણે એક સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવી દઈએ, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન બનાવી દઈએ, તો ત્યાંનો નાગરિક એમ નથી કહેતો કે શાબાશ બહુ સારું કામ કર્યું છે, તે તરત જ કહે છે, સાહેબ વિમાનમથક ક્યારે આવે છે. એટલે કે હવે તેનો વિચાર બદલાઈ ચૂક્યો છે. ક્યારેક રેલવેના સ્ટોપેજથી સંતુષ્ટ થનારો, મારા દેશનો નાગરિક સારામાં સારું રેલવે સ્ટેશન મળ્યા બાદ તરત જ કહે છે સાહેબ એ બધું તો ઠીક છે વિમાન મથક ક્યારે આવશે. પહેલાં કોઈપણ નાગરિકને મળીએ તો તે કહેતો હતો કે સાહેબ પાકો રસ્તો ક્યારે આવશે. અમારે ત્યાં પાકો રસ્તો ક્યારે બનશે. આજે કોઈ મળે છે તો તરત જ કહે છે સાહેબ, ફોર લેન વાળો રસ્તો બનશે કે છ લેન વાળો. માત્ર પાકા રસ્તા સુધી સીમિત તેના વિચાર અને હું માનું છું કે આકાંક્ષિ ભારત માટે તે બહુ મોટી વાત હોય છે. પહેલા ગામની બહાર વિજળીનો થાંભલો ખાલી લાવીને સૂવડાવી દેવાતો હતો તો લોકો કહેતા કે ચલો ભાઈ વિજળી આવી. હજુ તો થાંભલો નીચે પડેલો જ છે, અંદર નાખવામાં પણ નથી આવ્યો. આજે વિજળીના તાર પણ લાગી જાય, ઘરમાં મીટર પણ લાગી જાય તો તેઓ પૂછે છે કે સાહેબ 24 કલાક વિજળી ક્યારે આવશે. હવે તે માત્ર થાંભલા અને તારથી સંતુષ્ટ નથી, તે ઈચ્છે છે, પહેલા જેમ મોબાઈલ આવ્યા તો લાગતું હતું કે મોબાઈલ ફોન આવી ગયા. તે એક સંતોષનો અનુભવ કરતો હતો પરંતુ આજે તરત ચર્ચા કરવા લાગે છે કે ડેટાની સ્પીડ શું છે. આ બદલી રહેલા મિજાજને, બદલાતા સમયને આપણે સમજવો પડશે અને તે પ્રકારથી જ ગ્લોબલ બેન્ચમાર્ક સાથે આપણે આપણા દેશને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે... ક્લિન એનર્જી હોય, ગેસ બેઝ ઈકોનોમી હોય, ગેસ ગ્રીડ હોય, ઈ-મોબીલિટી હોય, આવા અનેક ક્ષેત્રોમાં આપણે આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, સામાન્ય રીતે આપણા દેશમાં સરકારોની ઓળખ એ બનતી રહી કે સરકારે ફલાણા વિસ્તાર માટે શું કર્યું, ફલાણા વર્ગ માટે શું કર્યું, ફલાણા સમૂહ માટે શું કર્યું, સામાન્ય રીતે શું આપ્યું, કેટલું આપ્યું, કોને આપ્યું, કોને મળ્યું તેની જ આસપાસ સરકાર અને જનમાનસ ચાલતા રહ્યા અને તેને સારું પણ માનવામાં આવ્યું. હું પણ, કદાચ એ સમયની માગ રહી હશે, આવશ્યકતા રહી હશે, પરંતુ હવે કોને શું મળ્યું, કેવી રીતે મળ્યું, ક્યારે મળ્યું, કેટલું મળ્યું આ બધાના હોવા છતાં આપણે બધા મળીને દેશને ક્યાં લઈ જઈશું, આપણે બધા મળીને દેશને ક્યાં પહોંચાડીશું, આપણે બધા મળીને દેશ માટે શું અચીવ કરીશું, આ સપનાંઓને લઈને જીવવું, ઝઝૂમવું અને ચાલી નીકળવું એ સમયની માગ છે. અને તેથી સો બિલિયન ડોલર ઈકોનોમી, તેનું સપનું સેવ્યું છે. 130 કરોડ દેશવાસી જો નાની નાની ચીજોને લઈને નીકળી પડે તો ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમી, કેટલાયને મુશ્કેલ લાગે છે તે ખોટા ન હોઈ શકે, પરંતુ જો અઘરું કામ નહીં કરીએ તો દેશ આગળ કેવી રીતે વધશે. મુશ્કેલ પડકારને નહીં ઉઠાવીએ તો ચાલવાનો મિજાજ ક્યાંથી બનશે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ આપણે હંમેશા ઉંચુ નિશાન રાખવું જોઈએ. અને અમે રાખ્યું છે પરંતુ તે હવામાં નથી. આઝાદીના 70 વર્ષ પછી આપણે 2 ટ્રિલિયન ડોલર ઈકોનોમી પર પહોંચ્યા હતા. 70 વર્ષની આપણી વિકાસયાત્રાએ આપણને 2 ટ્રિલિયન ડોલર ઈકોનોમી પર પહોંચાડ્યા હતા. પરંતુ 2014થી 2019, પાંચ વર્ષની અંદર અંદર આપણે 2 ટ્રિલિયનથી 3 ટ્રિલિયન પહોંચી ગયા, એક ટ્રિલિયન ડોલર આપણે જોડી દીધા. જો પાંચ વર્ષમાં 70 વર્ષમાં જે થયું તેમાં આટલો મોટો કૂદકો લગાવ્યો, તો આવનારા પાંચ વર્ષમાં આપણે ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બની શકીએ છીએ. અને આ સપનું દરેક હિન્દુસ્તાનીનું હોવું જોઈએ. અને જ્યારે ઈકોનોમી વધે છે તો જીવન પણ સારું બનાવવાની સુવિધા વધે છે. નાના માં નાના વ્યક્તિના સપનાઓને સાકાર કરવા માટે અવસર પેદા થાય છે. અને આ જ અવસર પેદા કરવા માટે દેશના આર્થિક ક્ષેત્રોમાં આપણે આ વાતને આગળ લઈ જવાની છે. જ્યારે તમે સપનાં જુઓ છો કે દેશના ખેડૂતોની આવક બે ગણી થવી જોઈએ, જ્યારે આપણે સપનું જોઈએ છીએ કે આઝાદીના 75 વર્ષ, હિન્દુસ્તાનમાં કોઈ પરિવાર, ગરીબ થી ગરીબ, તેનું પાક્કું ઘર હોવું જોઈએ. જ્યારે આપણે સપનું જોઈએ કે જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી હોય ત્યારે દેશના દરેક પરિવાર પાસે વિજળી હોવી જોઈએ. જ્યારે આપણે સપનાં જોઈએ કે આઝાદીના 75 વર્ષ કરીએ ત્યારે હિન્દુસ્તાનના દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક હોય, બ્રોડબેન્ડની કનેક્ટિવિટી હોય, લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશનની સુવિધા હોય, એ બધા જ્યારે સપનાં જોવે છે, આપણી સમુદ્રી સંપત્તિ, બ્લુ ઈકોનોમી, આ ક્ષેત્રને આપણે બળ આપીએ, આપણા માછીમાર ભાઈઓ-બહેનોને આપણે તાકાત આપીએ, આપણા ખેડૂતો અન્નદાતા છે, ઉર્જાદાતા બને, આપણા ખેડૂતો, તેઓ પણ એક્સ્પોર્ટર કેમ ન બને, દુનિયામાં આપણી અંદર આપણા ખેડૂતો દ્વારા પેદા કરાયેલી ચીજોનો ડંકો કેમ ન વાગે, આ સપનાંઓને લઈને આપણે ચાલવા માંગીએ છીએ. આપણા દેશને એક્સપોર્ટર બનાવવો જ પડશે. આપણે દુનિયા માત્ર હિન્દુસ્તાનને બજાર બનાવીને જોવે, અમે પણ દુનિયાના બજારમાં પહોંચવા માટે ભરપૂર પ્રયાસ કરીએ. આપણા દરેક જિલ્લામાં, દુનિયાના દરેક દેશોની જે તાકાત હોય છે, નાના નાનાં દેશોની એ તાકાત આપણા એક એક જિલ્લામાં હોય છે. આપણે એ સામર્થ્યને સમજવાનું છે. એ સામર્થ્યને આપણે ચેનલાઈઝ કરવાનું છે અને આપણા દરેક જિલ્લા એક્સપોર્ટ હબ બનવાની દિશામાં કેમ ન વિચારે. દરેક જિલ્લાનું પોતાનું હેન્ડિક્રાફ્ટ છે, દરેક જિલ્લાની અંદર પોતપોતાની વિશેષતાઓ, જો કોઈ જિલ્લા પાસે અત્તરની ઓળખ છે, તો કોઈ જિલ્લા પાસે સાડીઓની ઓળખ છે. કોઈ જિલ્લાઓ પાસે તેના વાસણો જાણીતા છે, તો કોઈ જિલ્લામાં મિઠાઈ જાણીતી છે. દરેક પાસે વિવિધતા છે, સામર્થ્ય છે. અમે ગ્લોબલ માર્કેટ માટે ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય અને એ વિવિધતાને દુનિયાને પરિચીત કરાવતા આપણે જો તેને એક્સપોર્ટને બળ આપીશું, દુનિયાના માર્કેટને કેપ્ચર કરવાની દિશામાં આપણે કામ કરીશું તો દેશના નવયુવાનોને રોજગાર મળશે. આપણી સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને, માઈક્રો લેવલની ઈન્ડસ્ટ્રીઝને આને કારણે એક બહુ જ મોટી તાકાત મળશે અને તે તાકાતને આપણે વધારવાની છે. આપણો દેશ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટે દુનિયા માટે અજાયબી હોઈ શકે છે. પરંતુ કોઈને કોઈ કારણથી જેટલી ઝડપથી આપણે તે કરવું જોઈએ, તે આપણે નથી કરી શકતા. આવો આપણે બધા દેશવાસી નક્કી કરીએ કે આપણે દેશના ટુરિઝમને બળ આપવું છે. આપણે તે કામ માટે ટુરિઝમ વધે છે, ઓછામાં ઓછી મૂડી રોકાણથી વધુમાં વધુ રોજગાર મળે છે. દેશની ઈકોનોમીને બળ મળે છે. અને દુનિયાભરના લોકો આજે ભારતને નવી રીતે જોવા માટે તૈયાર છે. આપણે વિચારીએ કે દુનિયા આપણા દેશમાં કેવી રીતે આવે. આપણા ટુરિઝમ ક્ષેત્રને કેવી રીતે બળ મળે અને તેને માટે ટુરિસ્ટ ડેસ્ટિનેશનની વ્યવસ્થા હોય, સામાન્ય માનવીની આવક વધારવાની વાત હોય, સારું ભણતર, નવા રોજગારના અવસર પ્રાપ્ત થાય, મધ્યમવર્ગના લોકોના સપનાંઓને સાકાર કરવાની ઉંચી ઉડાણ માટે દરેક લોન્ચિંગ પેડ તેમને મળવાપાત્ર હોવા જોઈએ, આપણા વૈજ્ઞાનિકોને સારા સંસાધનો માટે સંપૂર્ણ સુવિધા હોય, આપણી સેના પાસે સારા સરંજામ હોય, તે પણ દેશમાં બનાવવામાં આવેલા હોય, તો હું માનું છું કે આવા અનેક ક્ષેત્ર છે જે ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમી માટે ભારતને એક નવી શક્તિ આપી શકે છે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, આજે દેશમાં આર્થિક સિદ્ધી પ્રાપ્ત કરવાનું સારું વાતાવરણ છે. જ્યારે ગવર્નમેન્ટ સ્થિર હોય છે, પોલીસી પ્રીડિક્ટેબલ હોય છે, વ્યવસ્થાઓ સ્થિર હોય છે તો દુનિયાનો પણ એક ભરોસો બને છે, દેશની જનતાએ એ કામ કરીને દેખાડ્યું છે. વિશ્વ પણ ભારતની પોલિટીકલ સ્ટેબિલીટીને ઘણાં ગર્વ અને આદર સાથે જોઈ રહ્યું છે. આપણે આ અવસરને જવા દેવો જોઈએ નહીં. આજે વેપાર કરવા માટે વિશ્વ આપણી સાથે ઉત્સુક છે. તે આપણી સાથે જોડાવા માંગે છે. આજે આપણા માટે ગર્વનો વિષય છે કે મોંઘવારીને કન્ટ્રોલ કરતા આપણે વિકાસદરને વધારનારા, એક મહત્વપૂર્ણ સમિકરણોને લઈને ચાલ્યા છીએ. ક્યારેક વિકાસદર તો વધી જાય છે પરંતુ મોંઘવારી કાબૂમાં નથી રહેતી. ક્યારેક મોંઘવારી વધી જાય છે તો વિકાસદરના ઠેકાણા નથી હોતા. પરંતુ આ એવી સરકાર છે જેણે મોંઘવારીને કાબૂમાં પણ કરી અને વિકાસદરને આગળ પણ વધાર્યો. આપણી અર્થવ્યવસ્થાના ફન્ડામેન્ટલ્સ ઘણા મજબૂત છે અને આ મજબૂતિ આપણને આગળ લઈ જવા માટે ભરોસો આપે છે. તેવી જ રીતે જીએસટી જેવી વ્યવસ્થા વિકસીત કરવી, આઈબીસી જેવા રિફોર્મ લાવવા, તે પોતાનામાં જ એક નવો વિશ્વાસ પેદા કરવા ઈચ્છે છે. આપણા દેશમાં ઉત્પાદન વધે, આપણી પ્રાકૃતિક સંપત્તિઓનું પ્રોસેસિંગ વધે, વેલ્યૂ એડિશન થાય, વેલ્યૂ એડેડ વસ્તુઓ દુનિયામાં એક્સપોર્ટ થાય અને દુનિયાના અનેક દેશો સુધી, આપણે કેમ ન સપનાં જોઈએ કે દુનિયાનો કોઈ દેશ એવો નહીં હોય, જ્યાં કોઈને કોઈ વસ્તુ ભારતથી જતી નહીં હોય. હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો એવો નહીં હોય, જ્યાંથી કંઈને કંઈ એક્સ્પોર્ટ ના થતું હોય. જો આ બંને ચીજને લઈને આપણે ચાલીએ, તો આપણે આવક વધારી શકીએ છીએ. આપણી કંપનીઓ, આપણા ઉદ્યમીઓ તેઓ પણ દુનિયાના બજારમાં જવાનાં સપનાં જુએ. દુનિયાના બજારમાં જઈને ભારતના રૂતબાને ત્યાં અવાજ આપવાની તાકાત આપે. આપણા રોકાણકારો વધુ કમાય, આપણા રોકાણકારો વધુ રોકાણ કરે, આપણા રોકાણકારો વધુ રોજગાર પેદા કરે, તેને પ્રોત્સાહન આપવા માટે અમે સંપૂર્ણ રીતે આગળ આવવા તૈયાર છીએ. આપણા દેશમાં કેટલીક એવી ખોટી માન્યતાઓએ ઘર કરી લીધું છે, એ માન્યતાઓમાંથી બહાર નીકળવું પડશે. જે દેશની વેલ્થને ઉત્પન્ન કરે છે, જે દેશના વેલ્થ ક્રિએશનમાં કોન્ટ્રિબ્યૂટ કરે છે, તે બધા દેશની સેવા કરી રહ્યા છે. આપણે વેલ્થ ક્રિએટરને શંકાની નજરે ન જોઈએ. આપણે તેમના પ્રતિ હીન ભાવથી ન જોઈએ. આવશ્યકતા છે કે દેશમાં વેલ્થ ક્રિએટ કરનારાઓનું પણ તેટલું જ માન-સન્માન અને પ્રોત્સાહન હોવું જોઈએ. તેમનું ગૌરવ વધવું જોઈએ અને વેલ્થ ક્રિએટ નહીં થાય તો વેલ્થ ડિસ્ટ્રિબ્યુટ પણ નહીં થાય. જો વેલ્થ ડિસ્ટ્રિબ્યુટ નહીં થાય તો દેશના ગરીબ માણસની ભલાઈ નહીં થાય અને તેથી જ વેલ્થ ક્રિએશન તે પણ આપણા જેવા દેશ માટે એક મહત્વપૂર્ણ બાબત છે અને તેને પણ આપણે આગળ લઈ જવાનું છે. જે લોકો વેલ્થ ક્રિએટ કરવામાં લાગ્યા છે મારા માટે તેઓ પણ આપણા દેશની વેલ્થ છે, તેમનું સન્માન, તેમનું ગૌરવ તેમને નવી તાકાત આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે વિકાસની સાથે, શાંતિ અને સુરક્ષા જે તેની અનિવાર્ય બાબત છે. શાંતિ અને સુરક્ષા વિકાસના અનિવાર્ય પગલાં છે. દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાયેલી છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં, કોઈને કોઈ રૂપમાં મોતનો પડછાયો ફરી રહ્યો છે. વિશ્વ શાંતિ, વિશ્વ સમૃદ્ધિ માટે ભારતે પોતાની ભૂમિકા નિભાવવી પડશે. વૈશ્વિક પરિવેશમાં ભારત મૂકદર્શક બનીને નહી રહી શકે અને ભારત આતંક ફેલાવનારાઓની સામે મજબૂતી સાથે લડી રહ્યું છે. વિશ્વના કોઈપણ ખૂણામાં આતંકી ઘટના, એ માનવતાવાદની સામે છેડાયેલું યુદ્ધ છે. અને તેટલે જ માનવતાવાદી શક્તિઓ વિશ્વભરમાં એક થાય, આતંકવાદને પાળનારા, આતંકવાદને પ્રોત્સાહન આપનારા, આતંકવાદને એક્સ્પોર્ટ કરનારા, આવી બધી તાકાતોને દુનિયાની સામે તેના સાચા સ્વરૂપે પ્રસ્તુત કરવા. દુનિયાની તાકાતને જોડીને આતંકવાદને નષ્ટ કરવાના પ્રયાસોમાં ભારત પોતાની ભૂમિકા નિભાવે તેવું અમે ઈચ્છીએ છીએ. કેટલાક લોકોએ માત્ર ભારતને જ નહીં આપણા પડોશી દેશોને પણ આતંકવાદથી બરબાદ કરીને રાખ્યા છે. બાંગ્લાદેશ પણ આતંકવાદથી ઝઝૂમી રહ્યું છે. અફઘાનિસ્તાન પણ આતંકવાદથી ઝઝૂમી રહ્યું છે. શ્રીલંકાની અંદર ચર્ચમાં બેઠેલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આટલી મોટી દર્દનાક વાત છે અને તેથી આપણે આતંકવાદની સામે જ્યારે આપણે લડાઈ લઈએ છીએ ત્યારે આપણે આ પૂરા ભૂ-ભાગની શાંતિ અને સુરક્ષા માટે પણ આપણી ભૂમિકા નિભાવવા માટે સક્રિય કામ કરીએ છીએ. આપણો પડોશી, આપણો એક સારો મિત્ર અફઘાનિસ્તાન, ચાર દિવસ પછી તે પોતાનો આઝાદી દિવસ મનાવશે અને આ તેમની આઝાદીનું 100મું વર્ષ છે. હું આજે લાલ કિલ્લાથી અફઘાનિસ્તાનના મારા મિત્રોને જ્યારે 100મી આઝાદીનો ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે, ચાર દિવસ બાદ, હું અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. આતંક અને હિંસાનો માહોલ બનાવવાવાળાઓને, તેમને ફેલાવનારાઓને, ભયનું વાતાવરણ પેદા કરનારાઓને નેસ્તનાબૂદ કરે છે સરકારની નીતિ, સરકારની રણનીતિ અને તેમાં આપણી સ્પષ્ટતા સાફ છે. અમને કોઈ જ હિટકિચાટ નથી. આપણા સૈનિકોએ, આપણા સુરક્ષાબળોએ, સુરક્ષા એજન્સીઓએ ઘણું જ પ્રશંસનિય કામ કર્યું છે. સંકટની ઘડીમાં પણ દેશને શાંતિ આપવા માટે, યુનિફોર્મમાં ઉભેલા બધા લોકોએ પોતાના જીવનની આજ આહૂત કરીને આપણી કાલને ઉજાગર કરવા માટે જીવન ખપાવી દીધું. હું તે બધાને સલામ કરું છું. હું તેમને નમન કરું છું. પરંતુ સમય રહેતા રિફોર્મની પણ ઘણી આવશ્યકતા રહેતી હોય છે. તમે જોયું હશે આપણા દેશમાં સૈન્ય વ્યવસ્થા, સૈન્ય શક્તિ, સૈન્ય સંસાધનો, તેના રિફોર્મ પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અનેક સરકારોએ તેની ચર્ચા કરી છે. અનેક કમિશન બેઠા છે. અનેક રિપોર્ટ આવ્યા છે અને બધા રિપોર્ટ લગભગ એક જ સ્વરને ઉજાગર કરતા રહ્યા છે, 19-20 નો ફરક છે, વધારે ફરક નથી. પરંતુ આ વાતોને સતત કહેવામાં આવી છે. આપણી ત્રણેય જળ, જમીન અને આકાશ, તેમના વચ્ચે કો-ઓર્ડિનેશન તો છે. આપણે ગર્વ કરી શકીએ તેવી આપણી સેનાની વ્યવસ્થા છે. કોઈપણ હિન્દુસ્તાનીને ગર્વ હોય એવું હોય. તે પોતાની રીતે આધુનિકતા માટે પણ પ્રયાસ કરે. પરંતુ આજે જેમ દુનિયા બદલાઈ રહી છે, આજે યુદ્ધના રૂપ બદલાઈ રહ્યા છે, રૂપ-રંગ બદલાઈ રહ્યા છે. આજે જેવી રીતે ‘ટેક્નોલોજી ડ્રીવન’ વ્યવસ્થાઓ બની રહી છે ત્યારે ભારતે પણ ટુકડાઓમાં વિચારવાથી નહીં ચાલે. આપણી આખી સૈન્ય શક્તિને એક થઈને, એકસાથે આગળ વધવાની દિશામાં કામ કરવું પડશે. જળ, જમીન, આકાશમાંથી એક આગળ રહે અને બીજા બે પગલાં પાછળ રહે, ત્રીજા ત્રણ પગલાં પાછળ રહે તો ન ચાલી શકે. ત્રણેય એકસાથે એક જ ઉંચાઈ પર આગળ વધે, કો-ઓર્ડિનેશન સારું હોય, સામાન્ય માનવીને અનૂકૂળ હોય, વિશ્વમાં બદલાઈ રહેલા યુદ્ધ અને સુરક્ષાના માહોલને અનૂરૂપ હોય, આ વાતોને ધ્યાનમાં રાખતાં આજે હું લાલ કિલ્લાથી એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવા માંગુ છું. આ વિષયના જે જાણકાર છે તેઓ ઘણાં લાંબા સમયથી આ વિષયની માગ કરી રહ્યા હતા. આજે અમે નિર્ણય કર્યો છે કે હવે અમે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સીડીએસ તેની વ્યવસ્થા કરીશું અને આ પદના ગઠન બાદ ત્રણેય સેનાઓની સર્વોચ્ચ સ્તર પર એક પ્રભાવી નેતૃત્વ મળશે. હિન્દુસ્તાનને દુનિયાની ગતિમાં આ સીડીએસ એક બહુ જ મહત્વપૂર્ણ રિફોર્મ કરવાનું અમારું જે સપનું છે તેના માટે બળ આપનારું કામ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે લોકો ભાગ્યવાન છીએ કે આપણે એક એવા કાલખંડમાં જનમ્યા છીએ, આપણે એક એવા કાલખંડમાં જીવી રહીએ છીએ, આપણે એક એવા કાલખંડમાં છીએ જ્યારે આપણે કંઈને કંઈ કરવાનું સામર્થ્ય રાખીએ છીએ. ક્યારેક મનમાં હંમેશા રહે છે કે આપણે આઝાદીની જંગ ચાલી રહી હતી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા મહાપુરુષ પોતાના બલિદાન માટે સ્પર્ધા કરી રહ્યા હતા. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં, આઝાદીના દિવાના, ઘરેઘરે-ગલીઓ ગલીઓમાં જઈને આઝાદીના સપનાંને સાકાર કરવા દેશને જગાડી રહ્યા હતા. આપણે તે સમયે નહોતા. આપણે પેદા નહોતા થયા. પરંતુ દેશ માટે મરવાનો મોકો અમને નથી મળ્યો, દેશ માટે જીવવાનો મોકો જરૂર મળ્યો છે. અને આ સૌભાગ્ય છે કે આ કાલખંડ એવો છે કે આ વર્ષ આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે. પૂજ્ય બાપૂ મહાત્મા ગાંધી તેમની 150 મી જન્મજયંતિનું આ પર્વ છે. આવા અવસર આપણને આ કાલખંડમાં મળ્યો તે આપણું સૌભાગ્ય છે. અને બીજું આપણી આઝાદીના 75 વર્ષ, દેશની આઝાદી માટે જીવ આપનાર લોકોનું સ્મરણ આપણને કંઈક કરવાની પ્રેરણા આપે છે. આ અવસરને આપણે ગુમાવવો ન જોઈએ. 130 કરોડ દેશવાસીઓના હ્રદયમાં મહાત્મા ગાંધીના સપનાંઓને અનૂરૂપ, દેશની આઝાદીના દિવાનાઓના સપનાંને અનુરૂપ, આઝાદીના 75 વર્ષ અને ગાંધીના 150, આ પર્વને આપણી પ્રેરણાનો મહાન અવસર બનાવીને આપણે આગળ વધવાનું છે. મેં આ લાલ કિલ્લાથી 2014માં સ્વચ્છતા માટે વાત કહી હતી, 2019માં કેટલાક સપ્તાહ પછી મને વિશ્વાસ છે, ભારત પોતાને ઓપન ડેફિકેશન ફ્રી જાહેર કરી શકશે. રાજ્યોએ, ગામોએ, નગરપાલિકાઓએ બધાએ, મીડિયાએ જન આંદોલન ઉભું કર્યું. સરકાર ક્યાંય નજર ન આવી, લોકોએ ઉઠાવી લીધું અને પરિણામ સામે છે.
હું મારા પ્રિય દેશવાસીઓ એક નાની અપેક્ષા આજે તમારી સામે રાખવા માંગુ છું. આ 2 ઓક્ટોબરે આપણે ભારતને સિંગલ યૂઝ પ્લાસ્ટિક, શું તેનાથી દેશને મુક્તિ અપાવી શકીએ. આપણે નીકળી પડીએ, ટોળીઓ બનાવીને નીકળી પડીએ, સ્કૂલ-કોલેજ આપણે બધા, પૂજ્ય બાપૂને યાદ કરતા આજે ઘરમાં પ્લાસ્ટિક હોય, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો હાર ચાર રસ્તા પર પડ્યો હોય, બધું ભેગું કરો, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામપંચાયત બધા તેને જમા કરવાના પ્રયાસ કરે અને આપણે પ્લાસ્ટિકને વિદાય આપવાની દિશામાં 2 ઓક્ટોબરે પહેલું, એક મજબૂત પગલું ભરી શકીએ છીએ.
આવો મારા દેશવાસીઓ આપણે તેને આગળ વધારીએ અને પછી હું સ્ટાર્ટઅપવાળાઓને, ટેક્નિશિયન્સને, ઉદ્યમીઓને આગ્રહ કરું છું કે આપણે આ પ્લાસ્ટિકના રિ-સાયકલ માટે શું કરીએ. જેવી રીતે હાઈવે બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. તેવી ઘણી રીત હોઈ શકે છે પરંતુ જેને કારણે અનેક સમસ્યાઓ પેદા થઈ રહી છે તેની મુક્તિ માટે આપણે જ અભિયાન છેડવું પડશે. પરંતુ સાથેસાથે આપણે ઓલ્ટરનેટ વ્યવસ્થા પણ આપવી પડશે. હું તો બધા દુકાનદારોને આગ્રહ કરીશ કે તમે તમારી દુકાન પર હંમેશા બોર્ડ લગાવો છો, એક બોર્ડ એ પણ લગાવી દો, કૃપા કરીને અમારી પાસેથી પ્લાસ્ટિકની થેલીની અપેક્ષા ન રાખો. તમે તમારા ઘરેથી કપડાંની થેલી લઈને આવો અથવા તો અમે કપડાંની થેલી પણ વેચીશું, લઈ જાવ. આપણે એક વાતાવરણ બનાવીએ. દિવાળી પર આપણે અલગ-અલગ લોકોને ગીફ્ટ આપીએ છીએ , કેમ ન આ વખતે અને દરેક વખતે કપડાંના થેલા લોકોને ગીફ્ટ કરીએ. જેથી કપડાંના થેલા લઈને માર્કેટ જશે તો તમારી કંપનીની જાહેરાત પણ થશે. તમે માત્ર ડાયરી આપો છો તો કંઈ નથી થતું, કેલેન્ડર આપો છો તો કંઈ નથી થતું, થેલા આપશો તો જ્યાં પણ જશે થેલા તમારી જાહેરાત પણ કરતા રહેશે. આપણે દરેક ચીજોને, અને જ્યૂટના થેલા હોય, મારા ખેડૂતોને મદદ કરશે. કપડાંના થેલા હોય, મારા ખેડૂતને મદદ કરશે. નાના-નાનાં કામ છે. ગરીબ વિધવા માં સિવણ કરતી હશે તેને મદદ કરશે. એટલે કે આપણો નાનો નિર્ણય પણ સામાન્ય માનવીના જીવનમાં કેવી રીતે બદલાવ લાવી શકે છે, આપણે તે દિશામાં કામ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું સપનું હોય, સ્વાવલંબી ભારતનું સપનું હોય, મહાત્મા ગાંધીના આદર્શોને જીવવા, આજે પણ પ્રસ્તુત છે. મહાત્મા ગાંધીના વિચાર આજે પણ સ્તુત્ય છે. અને તેથી જ મેક ઈન ઈન્ડિયાનું મિશન જે આપણે લીધું છે તેને આપણે આગળ વધારવાનું છે. મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ આપણી પ્રાથમિકતા કેમ ન હોવી જોઈએ. આપણે નક્કી કરીએ કે હું મારા જીવનમાં મારા દેશમાં જે બને છે, મળે છે તે મારી પ્રાથમિકતા હશે. અને આપણે લકી કાલ માટે લોકલ પ્રોડક્ટને બળ આપવાનું છે. લકી કાલ માટે લોકલ, સુહાની કાલ માટે લોકલ, ઉજ્જવળ કાલ માટે લોકલ. જે ગામમાં બને છે પહેલાં તેની પ્રાથમિકતા. ત્યાં નથી તો તાલુકામાં, તાલુકામાંથી બહાર નીકળીને જિલ્લામાં, જિલ્લાની બહાર જવું પડે તો રાજ્યમાં અને હું નથી માનતો કે તેની બહાર આવશ્યકતા હોય તો જવું પડે. કેટલું મોટું બળ પ્રાપ્ત થશે. આપણી ગ્રામિણ અર્થરચનાને કેટલું મોટું બળ મળશે. લઘુ ઉદ્યમીઓને કેટલું બળ મળશે. આપણી પરંપરાગત ચીજોને કેટલું બળ મળશે.
ભાઈઓ-બહેનો આપણને મોબાઈલ ફોન ગમે છે. આપણને વોટ્સએપ મોકલવું સારું લાગે છે, આપણને ફેસબુક, ટ્વીટર પર રહેવું સારું લાગે છે પરંતુ દેશની ઈકોનોમીમાં પણ તેને કારણે આપણે મદદ કરી શકીએ છીએ. જાણકારી માટે ટેકનોલોજીને જેટલો ઉપયોગ છે, આધુનિક ભારતના નિર્માણ માટે પણ ટેક્નોલોજીનો એટલો ઉપયોગ છે. અને સામાન્ય નાગરિક, આપણે ડિજીટલ પેમેન્ટ માટે કેમ ન કરીએ. આજે આપણને ગર્વ છે કે આપણા રૂ-પે કાર્ડ સિંગાપોરમાં ચાલી રહ્યું છે. આપણું રૂ-પે કાર્ડ આવનારા દિવસોમાં વધુ દેશોમાં પણ ચાલશે. આપણું એક ડિજીટલ પ્લેટફોર્મ મજબૂતી સાથે આગળ વધીરહ્યું છે. પરંતુ આપણા ગામમાં નાની-નાની દુકાનોમાં પણ. આપણા શહેરના નાનાં-નાનાં મોલમાં પણ, આપણે કેમ ડિજીટલ પેમેન્ટને બળ આપીએ. આવો, ઈમાનદારી માટે, ટ્રાન્સપરન્સી માટે અને દેશની ઈકોનોમીને તાકાત આપવા માટે આપણે આ ડિજીટલ પેમેન્ટ અને હું તો વેપારીઓને કહેવા માંગુ છું કે તમે બોર્ડ લગાવો છો. ગામમાં જઈએ ત્યારે બોર્ડ હોય છે, આજે રોકડા, કાલે ઉધાર. આવું બોર્ડ લગાવેલું હોય છે. આજે રોકડા, કાલે ઉધાર. હું ઈચ્છું છું કે હવે તો આપણે બોર્ડ લગાવવું જોઈએ કે ડિજીટલ પેમેન્ટને હા, અને રોકડાને ના. આ એક માહોલ બનાવવો જોઈએ. હું બેન્કિંગ ક્ષેત્રને આગ્રહ કરું છું, વેપાર જગતના લોકોને આગ્રહ કરું છું કે આવો આપણે આ વાતને બળ આપીએ. આપણા દેશમાં મીડલ ક્લાસ, હાયર મીડલ ક્લાસનો વર્ગ વધતો જાય છે. સારી વાત છે. વર્ષમાં એક-બે વખત પરિવાર સાથે દુનિયાના અલગ-અલગ દેશોમાં ટુરિસ્ટના રૂપમાં પણ જાય છે. બાળકોને એક્પોઝર મળે છે, સારી વાત છે. પરંતુ હું આજે આવા દરેક પરિવારને આગ્રહ કરું છું દેશ માટે, જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યું છે ત્યારે, દેશ માટે મહાપુરુષોએ બલિદાન આપ્યા છે ત્યારે, જીવન ખપાવી દીધું છે ત્યારે, શું તમે નથી ઈચ્છતા કે તમારા સંતાન પણ આપણા દેશની બારિકીઓને સમજે. કયા માં-બાપ નહીં ઈચ્છે કે અમારી આવનારી પેઢી, ભાવનાઓથી આ માટી સાથે જોડાય. તેના ઈતિહાસ સાથે જોડાય, તેની હવા સાથે, પાણી સાથે નવી ઉર્જા પ્રાપ્ત કરે. તે આપણે પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. આપણે કેટલાય આગળ વધીએ પરંતુ મૂળમાંથી કપાવું આપણને ક્યારેય બચાવી ન શકે, વધારી ન શકે. અને તેથી જ દુનિયામાં ટુરિસ્ટના રૂપમાં ભલે જતા હોવ, શું હું તમારી પાસે એક વસ્તુ માંગી શકું છું, લાલ કિલ્લા પરથી, દેશના નવયુવાનોના રોજગાર માટે, વિશ્વમાં ભારતની ઓળખ બનાવવા માટે, ભારતનું સામર્થ્ય ઉજાગર કરવા માટે મારા પ્રિય દેશવાસીઓ આજે હું એક નાની માગ કરી રહ્યો છું. શું તમે નક્કી કરી શકો છો કે 2022, આઝાદીના 75 વર્ષ પહેલાં આપણે આપણા પરિવારની સાથે ભારતના ઓછામાં ઓછા 15 ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર જઈશું. બહુ જ મુશ્કેલી હશે તો પણ જઈશું. ત્યાં સારી હોટેલ્સ નહીં હોય તો પણ જઈશું. ક્યારેક ક્યારેક મુશ્કેલીઓ પણ જિંદગી જીવવા કામ લાગે છે. આપણે બાળકોને આદત લેવડાવીએ કે આ જ આપણો દેશ છે અને એકવાર જવાનું શરૂ કરીશું તો ત્યાં વ્યવસ્થા વિકસીત કરનારા લોકો પણ આવવા લાગશે. કેમ ન આપણા દેશમાં 100 એવા મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવેલપ ન કરીએ, કેમ ન દરેક રાજ્યમાં 2 અથવા 5 અથવા 7 ટોપ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તૈયાર ન કરીએ. ટાર્ગેટ કરીને નક્કી કરીએ અને આપણે નક્કી કરીએ આપણું નોર્થ-ઈસ્ટ, આટલી પ્રાકૃતિક સંપદાઓ છે પરંતુ કેટલી યુનિવર્સિટી હશે, જે પોતાનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન નોર્થ-ઈસ્ટને બનાવે છે. વધારે કોન્ટ્રિબ્યૂટ કરવું નથી પડતું. તમે સાત દિવસ, 10 દિવસ વિતાવો છો પરંતુ દેશની અંદર વિતાવો. તમે જુઓ, તમે જ્યાં જઈને આવશો, ત્યાં નવી દુનિયા ઉભી કરીને આવશો. બીજ રોપીને આવશો. જીવનમાં તમને પણ સંતોષ મળશે અને હિન્દુસ્તાનના લોકો જવાનું શરૂ કરે, તો દુનિયાના લોકો પણ આવવાનું શરૂ કરશે. આપણે દુનિયામાં જઈએ અને કહીએ કે તમે આ જોયું છે તો ટુરિસ્ટ આપણને પૂછે કે ભાઈ તમે હિન્દુસ્તાનથી આવો છો તો તમે તામિલનાડુનું તે મંદિર જોયું છે. અને આપણે કહીએ કે ના હું નથી ગયો તો એ આપણને પૂછશે કે ભાઈ કમાલ છે, હું તમારા દેશમાં તામિલનાડુનું મદિર જોવા ગયો હતો અને તમે અહીંયા આવ્યા છો. આપણે દુનિયામાં જઈએ, આપણા દેશને જાણીને જઈએ. આપણે તે કામ કરી શકીએ છીએ. હું મારા ખેડૂત ભાઈઓને આજે આગ્રહ કરવા માંગુ છું. તમારી પાસે હું કંઈક માંગવા ઈચ્છું છું. મારા ખેડૂતો માટે, મારા દેશવાસીઓ માટે. આ ધરતી આપણી માં છે, ભારત માતા કી જય, બોલતાં જ આપણી અંદર ઉર્જાનો સંચાર થાય છે. વંદે માતરમ બોલતા જ આ ધરતી માટે ખપી જવાની પ્રેરણા મળે છે. એક દિર્ઘકાલીન ઈતિહાસ આપણી સામે આવે છે. પરંતુ શું ક્યારેય આપણે આ ધરતી માં નાં સ્વાસ્થ્યની ચિંતા કરી છે. આપણે જેવી રીતે કેમિકલનો ઉપયોગ કરીએ છીએ, કેમિકલ ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરીએ છીએ, પેસ્ટિસાઈડ્ઝનો ઉપયોગ કરીએ છીએ, આપણા આ ધરતી માં ને બરબાદ કરી રહ્યા છીએ. આ માં ના સંતાનના રૂપમાં, એક ખેડૂતના રૂપમાં મને મારી ધરતી માં ને બરબાદ કરવાનો હક નથી. મારી ધરતી માં ને દુખી કરવાનો હક નથી. મારી ધરતી માં ને બિમાર બનાવવાનો હક નથી. આવો આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે. પૂજ્ય બાપૂએ આપણને રસ્તો દેખાડ્યો છે. શુ આપણે 10 ટકા, 20 ટકા, 25 ટકા આપણા ખેતરમાં આ કેમિકલ ફર્ટિલાઈઝરને ઘટાડીશું. બની શકે તો મુક્તિ અભિયાન ચલાવીશું. તમે જુઓ દેશની કેટલી મોટી સેવા થશે. આપણી ધરતી માં ને બચાવવા માટે તમારું કેટલું મોટું યોગદાન હશે. વંદે માતરમ કહીને જે ફાંસીના ફંદા પર ચડી ગયા હતા તેના સપનાં ને પૂરા કરવા માટે આ ધરતી માં ને બચાવવાનું તમારું કામ તેના પણ આશિર્વાદ પ્રાપ્ત કરશે. જે ક્યારેક ફાંસીના તખતા પર ચડીને વંદે માતરમ કહ્યા કરતા હતા. અને તેથી જ હું આપને આગ્રહ કરું છું કે અને મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ તે કરીને રહેશે. મારા ખેડૂતો મારી આ માગને પૂર્ણ કરશે તે મને વિશ્વાસ છે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, આપણા દેશના પ્રોફેશનલ્સ, તેમની આજે આખી દૂનિયામાં બોલબાલા છે. તેમના સામર્થ્યની ચર્ચા છે. લોકો તેમને માને છે. સ્પેસ હોય, ટેક્નોલોજી હોય, આપણે નવા મુકામો પ્રાપ્ત કર્યા છે. આપણા માટે ખુશીની વાત છે કે આપણું ચંદ્રયાન ઝડપથી ચંદ્રની તરફ આગળ વધી રહ્યું છે જ્યાં હજુ સુધી કોઈ ગયું નથી. આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધી છે. રમત-ગમતના મેદાનોમાં, આપણે બહુ ઓછા નજરે પડતાં હતાં. આજે દુનિયાના રમત-ગમતના મેદાનોમાં મારા દેશના 18-20 વર્ષના બાળકો, બાળકીઓ હિન્દુસ્તાનનો ત્રિરંગો ઝંડો ફરકાવી રહ્યા છે. કેટલો ગર્વ થાય છે. દેશના ખેલાડીઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે. મારા દેશવાસીઓ આપણે આપણા દેશને આગળ વધારવાનો છે. આપણે આપણા દેશમાં બદલાવ લાવવાનો છે. આપણે આપણા દેશમાં નવી ઉંચાઈઓને પાર કરવાની છે. અને તે હળીમળીને કરવાનું છે. સરકાર અને જનતાએ મળીને કરવાનું છે. 130 કરોડ દેશવાસીઓએ કરવાનું છે. દેશનો પ્રધાનમંત્રી પણ તમારી જેમ જ દેશનો એક બાળક છે, આ દેશનો એક નાગરિક છે. આપણે બધાએ મળીને કરવાનું છે. આવનારા દિવસોમાં ગામડાંઓમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર ખોલવા પડશે. હેલ્થ સેન્ટર બનાવવા પડશે. દરેક ત્રણ લોકસભા વચ્ચે એક મેડિકલ કોલેજ, આપણા નવયુવાન લોકોને ડોક્ટર બનવાનું સપનું પૂરું કરાવે છે. બે કરોડથી વધુ ગરીબોના ઘર બનાવવાના છે. આપણે 15 કરોડ ગ્રામીણ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવાનું છે. સવા લાખ કિલોમીટર ગામના રસ્તાઓ બનાવવાના છે. દરેક ગામને બ્રોડબેન્ડ કનેક્ટિવીટી, ઓપ્ટિકલ ફાઈબરથી જોડવાના છે. 50 હજારથી પણ વધુ નવા સ્ટાર્ટઅપની જાળ લગાવવાની છે. અનેક સપનાઓને લઈને આગળ વધવાનું છે. અને તેથી જ ભાઈઓ-બહેનો આપણે દેશવાસીઓએ મળીને સપનાંઓને લઈને દેશને આગળ વધારવા માટે ચાલવાનું છે અને આઝાદીના 75 વર્ષ તેના માટે બહુ મોટી પ્રેરણા છે. હું જાણું છું કે લાલ કિલ્લાની જગ્યા પર સમયની એક સીમા છે. 130 કરોડ દેશવાસીઓ, તેમના સપનાં પણ છે, 130 કરોડ દેશવાસીઓના પોતાના પડકારો પણ છે. દરેક સપનાનું, પડકારોનું એક મહત્વ પણ છે. કોઈ વધારે મહત્વપૂર્ણ છે, કોઈ ઓછા મહત્વપૂર્ણ છે. એવું નથી. પરંતુ વરસાદની ઋતુ છે લાંબુ બોલતાં બોલતાં દિવસ પૂર્ણ થવાની સંભાવના નથી. અને એટલે જ દરેક મુદ્દાનું પોતાનું મહત્વ હોવા છતાં જેટલી વાત આજે કહી શક્યો, કહી શક્યો. જે નથી કહી શક્યો તે પણ મહત્વપૂર્ણ છે. તે વાતોને લઈને આપણે આગળ વધીએ. દેશને આપણે આગળ વધારવાનો છે. આઝાદીના 75 વર્ષ, ગાંધીના 150, અને ભારતના બંધારણને 70 વર્ષ થઈ રહ્યા છે. બાબાસાહેબ આંબેડકરના સપનાં અને આ વર્ષ મહત્વનું છે ગુરુનાનક જયંતિનું. 550મું પ્રકાશ પર્વ પણ છે. આવો બાબાસાહેબ આંબેડકર, ગુરુનાનકજીની શિક્ષાને લઈને આપણે આગળ વધીએ અને એક ઉત્તમ સમાજનું નિર્માણ, ઉત્તમ દેશનું નિર્માણ, વિશ્વની આશા-અપેક્ષાને રૂપ ભારતનું નિર્માણ આપણે કરવાનું છે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો આપણે જાણીએ છીએ કે આપણા લક્ષ્ય હિમાલય જેટલા જ ઉંચા છે. આપણા લક્ષ્ય હિમાલય જેટલા જ ઉંચા છે. આપણા સપનાં અગણીત છે. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે આપણો ભરોસો અને ભરોસાની ઉડાન તેની આગળ આકાશ પણ કંઈ નથી. તે સંકલ્પ છે. આપણું સામર્થ્ય હિંદ મહાસાગર જેટલું અફાટ છે. આપણી કોશિશો ગંગાની ધારા જેટલી પવિત્ર છે. નિરંતર છે. અને સૌથી મોટી વાત, આપણા મૂલ્યોની પાછળ હજારો વર્ષોની જૂની સંસ્કૃતિ, ઋષિ-મુનિઓની તપસ્યા, દેશવાસીઓનો ત્યાગ, કઠોર પરિશ્રમ તે આપણી પ્રેરણા છે.
આવો આપણે આ વિચારો સાથે, આ જ આદર્શો સાથે આવા સંકલ્પો સાથે સિદ્ધી પ્રાપ્ત કરવાના લક્ષ્યને લઈને આપણે ચાલી નીકળ્યા નવા ભારતના નિર્માણ કરવા માટે. પોતાની જવાબદારીને નિભાવતા નવો આત્મવિશ્વાસ, નવો સંકલ્પ, નવા ભારત બનાવવાની જડીબુટ્ટી છે. આવો આપણે મળીને દેશને આગળ વધારીએ. આ જ એક અપેક્ષા સાથે હું ફરી એકવાર દેશ માટે જીવનારા, દેશ માટે ઝઝૂમનારા, દેશ માટે શહીદ થનારા, દેશ માટે કરી છૂટનારા દરેકને નમન કરતા, મારી સાથે બોલો -
જય હિન્દ...
જય હિન્દ...
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
વંદે માતરમ,
વંદે માતરમ...
ખૂબ ખૂબ ધન્યવાદ.
J.Khunt/RP
(Release ID: 1582108)
Visitor Counter : 886