ગૃહ મંત્રાલય

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 લોકસભામાં પણ પસાર


70 વર્ષની પીડા ખતમ થઇ રહી હોવાથી આનંદની અભિવ્યક્તિ સ્વાભાવિક છે – શ્રી અમિત શાહ

પ્રધાનમંત્રીજીના સાહસના કારણે આજે ધારા 370નું કલંક દૂર થયું – કેન્દ્રીય ગૃહ મંત્રી

જમ્મુ-કાશ્મીર પૃથ્વીનું સ્વર્ગ હતું, છે અને રહેશે – શ્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ધારા 370ના કારણે જમ્મુ- કાશ્મીરમાં ભાગલાવાદને પાકિસ્તાન ઉશ્કેરી રહ્યું છે

જમ્મુ- કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થતા જ યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં કોઇ વાંધો નથી – શ્રી અમિત શાહ

જો 1948માં સૈન્યને છૂટ આપી દીધી હોત તો આજે પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર ન હોત, આખુ કાશ્મીર જ ભારતનો હિસ્સો હોત – કેન્દ્રીય ગૃહ મંત્રી

Posted On: 06 AUG 2019 7:57PM by PIB Ahmedabad

ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે અહિં લોકસભામાં જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરવા માટે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 અંતર્ગત બે સંકલ્પ અને એક બિલ વિચાર કરવા તેમજ પસાર કરવા માટે રજૂ કર્યા -

1. 370 (1)ની જોગવાઇઓ અનુસાર જમ્મુ અને કાશ્મીર માટે બંધારણનો વટહુકમ.

2. 370 (3) અનુસાર 370 રદ કરવાનો સંકલ્પ

3. જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠન માટે વિધેયક

શ્રી શાહે કહ્યું હતું કે તેમની સરકાર દેશની ભલાઇ માટે નિર્ણય લેવામાં પાછી નહિં પડે. આ સરકારનું લક્ષ્ય ખીણ પ્રદેશમાં ખુશી માટે કામ કરવાનું છે, ખીણ પ્રદેશના યુવાનો માટે કામ કરવાનું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર યુવાનો માટે સારું ભવિષ્ય આપવા માંગે છે, તેમને સારું શિક્ષણ, સારી રોજગારી આપવા માંગે છે. તેમને સંપન્ન બનાવવા માંગે છે જેથી ભારતના અન્ય ભાગોમાં જે પ્રકારે વિકાસ થયો તે પ્રકારે ખીણ પ્રદેશમાં પણ વિકાસ થઇ શકે.

શ્રી અમિત શાહે કહ્યું કે આખા દિવસની ચર્ચામાં કોઇ પણ સભ્યએ ધારા 370ના ફાયદાની વાત નથી કરી કારણ કે ધારા 370થી કોઇ ફાયદો છે જ નહીં. તેમણે ધારા 370ના કારણે જમ્મુ કાશ્મીરની જનતા સાથે થતા કપટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ધારા 370ના કારણે શિક્ષણ વ્યવસ્થા મજબૂત નથી થઇ શકી. આ ધારા મહિલા વિરોધી, આદિવાસી વિરોધી છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં લોકશાહી પ્રફુલ્લિત નથી થઇ, ભ્રષ્ટાચાર વધ્યો છે અને ચરમસીમાએ પહોંચી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે, ધારા 370 હટાવવાથી કોઇને કોઇ મતલબ નથી. અહિં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એટલે આટલો હોબાળો થઇ રહ્યો છે.

શ્રી શાહે આગળ કહ્યું કે ખીણ પ્રદેશના લોકો આપણા છે, અમે તેમને ગળે મળીશું. જો તેમના મનમાં કોઇ આશંકા હોય તો અમે ચર્ચા કરીશું પરંતુ પાકિસ્તાનની કૃપા મેળવનારાઓ સાથે કોઇ ચર્ચા નહિં થાય, હુર્રિયત સાથે પણ કોઇ ચર્ચા નહિં થાય.

શ્રી શાહે એમ પણ કહ્યું કે મેં જ્યારે પણ સંસદમાં જમ્મુ કાશ્મીરની વાત કરી છે ત્યારે તેમાં હંમેશા પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર અને અક્સાઇ ચીન પણ સામેલ છે. વિપક્ષ દ્વારા જમ્મુ કાશમીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં હોવાનું કહેવાયું તે અંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ બાબતે કોઇ પણ મામલો પડતર નથી અને જમ્મુ કાશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે. ભારતની સરહદની અંદર કોઇપણ નિર્ણય લેવા માટે ગૃહ સક્ષમ છે.

શ્રી અમિત શાહે પ્રધાનમંત્રીએ ગૃહમાં પ્રવેશ કરતા જ સાંસદો દ્વારા કરાયેલા અભિવાદન પર વિપક્ષના વિરોધ અંગે કહ્યું કે, 70 વર્ષની પીડા ખતમ થઇ રહી હોય તો આનંદની અભિવ્યક્તિ સ્વાભાવિક છે.

શ્રી અમિત શાહે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કાયદાની સ્થિતિ ન વણસે તે માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, સુરક્ષા માટે ત્યાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. શ્રી શાહે એમ પણ જણાવ્યું કે ધારા 370 તો પહેલાંથી જ અસ્થાયી છે અને અસ્થાયી વ્યવસ્થાને 70 વર્ષ સુધી ખેંચવામાં આવી હતી.

શ્રી શાહે પ્રસ્તાવનો વિરોધ કરનારા સભ્યોને સવાલ કર્યો હતો કે જ્યારે ઐતિહાસિકરૂપે કેન્દ્રીય નાણાંનો મોટાભાગનો હિસ્સો જમ્મુ કાશ્મીરને આપવામાં આવ્યો, તે પછી પણ અહિં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય સુવિધાઓ, રોજગારીની તકો વગેરે જેવા વિકાસના કાર્યોમાં શા માટે ઉપેક્ષા કરવામાં આવી છે? રાજ્યનો દેશના અન્ય રાજ્યોની જેમ શા માટે વિકાસ નથી થઇ શક્યો? શ્રી શાહે કહ્યું હતું કે રાજકીય ફાયદા માટે યુવા વર્ગનો ઉપયોગ કરવામાં આવે છે અને રાજ્યના માત્ર ત્રણ પરિવારોએ આ ભંડોળથી વ્યક્તિગત લાભ લીધો છે. તે સિવાય મંત્રીએ જાતિ, વર્ગ, જ્ઞાતિ અને મૂળ સ્થાનના આધારે ધારા 370ની જોગવાઇઓને ભેદભાવપૂર્ણ ગણાવી હતી. બિલનો વિરોધ કરનારા સભ્યોને તેમણે કહ્યું કે માત્ર રાજકીય કારણોથી શોર મચાવશો નહિં પરંતુ ધારા 370થી દેશને કેટલું નુકસાન થઇ રહ્યું છે તે વાત પર ચર્ચા કરો.

શ્રી શાહે જણાવ્યુ હતું કે અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી, જમ્મુ કાશ્મીરમાં ખાનગી રોકાણ માટે દરવાજા ખુલશે જેથી ત્યાં વિકાસની સંભાવના વધશે. રોકાણમાં વૃદ્ધિથી રોજગારીનું નિર્માણ થવામાં વૃદ્ધિ થશે અને રાજ્યમાં સામાજિક તેમજ આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો આવશે. તેમણે કહ્યું કે ઉદ્યોગોના વિકાસ માટે ખાનગી લોકો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા રોકાણ આવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.

તેમણે કહ્યું હતું કે, આજે ઐતિહાસિક ભુલ સુધારવાનો દિવસ છે. આ ગૃહે ભારતની એકતા અને અખંડિતા માટે આ અગાઉ ઘણી ઐતિહાસિક ક્ષણો જોઇ છે અને ઘણી વખત ગૃહે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ફરી એકવાર મારો અનુરોધ છે કે આજે આ બિલ પર ઐતિહાસિક નિર્ણય લેવા માટે તમામ સભાસદો આગળ આવે.

 

RP    


(Release ID: 1581403) Visitor Counter : 397
Read this release in: English , Urdu , Marathi , Hindi