જળશક્તિ મંત્રાલય
જળ સંરક્ષણ માટે જળ શક્તિ અભિયાનનો પ્રારંભ
પ્રધાનમંત્રીની હાકલના પગલે સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી
Posted On:
01 JUL 2019 7:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે જળ સંરક્ષણ અને જળ સુરક્ષા માટેના અભિયાન “જળ શક્તિ અભિયાન”ના પ્રારંભની જાહેરાત કરી હતી. આ અભિયાન ચોમાસાની ઋતુમાં 1 જુલાઇ 2019 થી 15 સપ્ટેમ્બર 2019 સુધી નાગરિકોની સહભાગીતાથી ચલાવવામાં આવશે. પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસાના સમાપન અરસામાં પણ વરસાદ આવતો હોવાથી તેવા રાજ્યો માટે 1 ઓક્ટોબર 2019 થી 30 નવેમ્બર 2019 દરમિયાન બીજા તબક્કાનું અભિયાન પણ ચલાવવામાં આવશે. આ અભિયાનમાં મુખ્યત્વે પાણીની અછત હોય તેવા જિલ્લાઓ અને બ્લોક (વિસ્તારો) પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે મન કી બાત સંબોધન આપ્યું હતું અને પાણી બચાવવા માટે તેમજ ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે દેશવાસીઓને સ્વચ્છ ભારત અભિયાનની જેમ જળ સંરક્ષણ માટે એકબીજા સાથે હાથ મિલાવીને જન આંદોલન ઉભું કરવાની હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ સામાન્ય નાગરિકો, હસ્તીઓ અને NGO જેવી સંસ્થાઓને નવીન વિચારો, પરંપરાગત જ્ઞાન, હાથ ધરવામાં આવેલા પગલાં, સફળતાની ગાથાઓ અને જળ સંરક્ષણ પર બનેલી ફિલ્મો માટે આમંત્રિત કર્યા હતા.
નવી દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતી વખતે જળ શક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક પરિવારને પ્રાથમિકતાના ધોરણે અને ટકાઉક્ષમ રીતે પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. મંત્રીએ કહ્યું હતું કે, જળ શક્તિ અભિયાન જળ સંરક્ષણ માટે લોકોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં 2.3 લાખથી વધુ સરપંચોને લખેલા પત્રની અસરનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં, જાળવણીમાં અને તળાવોમાં જળસ્તર ઉંચુ લાવવામાં તેમજ ગામડાની ટાંકીઓ ભરવામાં અને પાણીનો સંરક્ષણ કરવામાં મદદ મળશે. કેન્દ્રીય મંત્રીએ મીડિયાને આવા પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
મંત્રીએ જાહેર સેવા જાહેરાતનો વીડિયો પણ રિલિઝ કર્યો હતો જેમાં જળ સંરક્ષણના પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કરેલી હાકલનો સંદેશો દર્શાવવામાં આવ્યો છે.
પીવાલાયક પાણી અને ગટર વ્યવસ્થા વિભાગના સચિવ શ્રી પરમેશ્વરન ઐયરે માહિતી આપી હતી કે, જળ શક્તિ અભિયાન ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોનો સહિયારો પ્રયાસ છે અને DDWS દ્વારા તેનું સંકલન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, 256 જિલ્લામાં પાણીની અછત ધરાવતા 1592 બ્લોક (વિસ્તારો)માં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ મુલાકાત લેશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને કામ કરશે જેથી પાંચ મહત્વપૂર્ણ જળ સંરક્ષણ હસ્તક્ષેપ સુનિશ્ચિત કરી શકાય. આ પાંચ હસ્તક્ષેપો જળ સંરક્ષણ અને વરસાદી પાણીનો સંગ્રહ, પરંપરાગત અને અન્ય જળાશયો/ટાંકીઓનું નવીનીકરણ અને પુનઃઉપયોગ, બોરવેલ રિચાર્જ સ્ટ્રક્ચર, વોટરશેડ વિકાસ અને સઘન વનીકરણ હશે. જળ સંરક્ષણના આ પ્રયાસોમાં બ્લોક અને જિલ્લા જળ સંરક્ષણ યોજનાઓનો વિકાસ, સિંચાઇ માટે પાણીના કાર્યદક્ષ ઉપયોગને પ્રોત્સાહન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા પાકની બહેતર પસંદગી સહિત વિશેષ હસ્તક્ષેપો ઉમેરવામાં આવશે.
JSAની સાથે સાથે ખૂબ વિશાળ ધોરણે કમ્યુનિકેશન અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સ્વચ્છાગ્રહીઓ, સ્વ-સહાય સમૂહો, પંચાયતી રાજ સંસ્થાના સભ્યો, યુવા સમૂહો (NSS/NYKS/NCC), સંરક્ષણ કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને પેન્શનરો સહિત વિવિધ સમૂહોના સામૂહિક સંકલનનો સમાવેશ થાય છે.
J.Khunt
(Release ID: 1576578)
Visitor Counter : 661