પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઓલ ઇન્ડિયા રેડિયો પર મન કી બાત 2.0 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.06.2019)

Posted On: 30 JUN 2019 12:08PM by PIB Ahmedabad

 

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. એક લાંબા અંતરાલ બાદ ફરીથી એકવાર, આપ સહુની વચ્ચે, મન કી બાત, લોકોની વાત, જન-જનની વાત, લોકમનની વાત, તેની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ચૂંટણીની દોડાદોડીમાં વ્યસ્તતા તો ઘણી હતી પરંતુ મન કી બાતની જે મજા છે, તે ગાયબ હતી. એક ઓછાપણુ અનુભવી રહ્યો હતો. પોતાનાની વચ્ચે બેસીને, હળવા માહોલમાં 130 કરોડ દેશવાસીઓના પરિવારના એક સ્વજનના રૂપમાં, કેટલીયે વાતો સાંભળતા હતા, પુનરાવર્તન કરતા હતા અને ક્યારેક-ક્યારેક આપણી જ વાતો આપણા માટે પ્રેરણા બની જતી હતી.

તમે કલ્પના કરી શકો છો કે આ વચ્ચેનો સમયગાળો ગયો હશે, કેવો ગયો હશે. રવિવાર, છેલ્લો રવિવાર – 11 વાગ્યે મને પણ લાગતું હતું કે અરે, કંઈક છૂટી ગયું – તમને પણ લાગતું હતું ને !  ચોક્કસ લાગતું હશે. કદાચ આ કોઈ નિર્જીવ કાર્યક્રમ નહોતો. આ કાર્યક્રમમાં જીવંતતા હતી, પોતિકાપણું હતું, મનનો મેળ હતો, દિલોનું જોડાણ હતું અને તેને કારણે વચ્ચેનો જે સમય ગયો, તે સમય ઘણો કઠિન લાગ્યો મને. હું દરેક ક્ષણે કંઈક miss કરી રહ્યો હતો અને જ્યારે હું મન કી બાત કરું છું ત્યારે ભલે બોલતો હું હોવ છું, શબ્દો કદાચ મારા છે, અવાજ મારો છે પરંતુ કથા તમારી છે, પુરુષાર્થ તમારો છે, પરાક્રમ તમારું છે. હું તો માત્ર મારા શબ્દો, મારી વાણીનો ઉપયોગ કરતો હતો અને તેને કારણે હું આ કાર્યક્રમને નહીં, તમને miss કરી રહ્યો હતો. એક ખાલીપણું અનુભવી રહ્યો હતો. એકવાર તો મન થઈ ગયું કે ચૂંટણી સમાપ્ત થતાં જ તરત જ તમારી વચ્ચે જ ચાલ્યો આવું. પરંતુ પછી લાગ્યું – ના તે રવિવાર વાળો ક્રમ જળવાવો જોઈએ. પરંતુ આ રવિવારે બહુ રાહ જોવડાવી. ખેર, આખરે મોકો મળી જ ગયો છે. એક પારિવારિક વાતાવરણમાં મન કી બાત, નાની-નાની, હળવી, સમાજ, જીવનમાં, જે બદલાવનું કારણ બને છે. એક રીતે તેનો આ ક્રમ, એક નવા ભાવને જન્મ આપતો અને એક પ્રકારથી નવા ભારતની ભાનવાને સમર્થન આપતો આ ક્રમ આગળ વધે.

કેટલાયે બધા સંદેશા ગત કેટલાક મહિનામાં આવ્યા છે જેમાં લોકોએ કહ્યું કે મન કી બાત ને તેઓ મિસ કરી રહ્યા હતા. જ્યારે હું વાંચું છું, સાંભળુ છું, મને સારું લાગે છે. હું પોતિકાપણું અનુભવું છું. ક્યારેક-ક્યારેક મને એ લાગે છે કે આ મારી સ્વથી સમષ્ટિની યાત્રા છે. આ મારી અહમ થી વયમની યાત્રા છે. મારા માટે,  તમારી સાથે મારો આ મૌન સંવાદ એક પ્રકારથી મારી આધ્યાત્મિક યાત્રાની અનુભૂતિનો પણ અંશ હતો. કેટલાય લોકોએ મને ચૂંટણીની દોડાદોડમાં, હું કેદારનાથ શા માટે જતો રહ્યો, ઘણાં સવાલો પૂછ્યા છે. તમારો હક છે, તમારી જિજ્ઞાસા પણ હું સમજી શકું છું અને મને લાગે છે કે ક્યારેક મારા એ ભાવોને તમારા સુધી ક્યારેક પહોંચાડું પરંતુ આજે મને લાગે છે કે જો હું એ દિશામાં ચાલી નીકળીશ તો કદાચ મન કી બાત નું રૂપ જ બદલાઈ જશે અને તેથી જ ચૂંટણીની આ દોડાદોડી, જય-પરાજયના અનુમાન, હજુ પોલિંગ પણ બાકી હતું અને હું નીકળી પડ્યો. મોટાભાગના લોકોએ તેમાંથી રાજકીય અર્થ કાઢ્યા છે. મારા માટે, મને મળવાનો એ અવસર હતો. એક પ્રકારથી હું, મને મળવા ચાલ્યો ગયો હતો. હું વધારે વાતો તો આજે નહીં કહું, પરંતુ એટલું જરૂર કહીશ કે મન કી બાતના આ અલ્પ વિરામને કારણે જે ખાલીપણું હતું, કેદારની ખીણમાં, એક એકાંત ગુફામાં, કદાચ તેણે કંઈક ભરવાનો અવસર જરૂર આપ્યો હતો. બાકી તમારી જિજ્ઞાસા છે, - વિચારું છું કે ક્યારેક તેની પણ ચર્ચા કરીશ. ક્યારે કરીશ, હું નહીં કહી શકું પરંતુ કરીશ જરૂર, કારણ કે તમારો મારા પર હક બને છે. જેવી રીતે કેદારના વિષયમાં લોકોએ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેવી જ રીતે એક સકારાત્મક ચીજોને બળ આપવાનો તમારો પ્રયાસ, તમારી વાતોમાં સતત હું અનુભવી રહ્યો છું. મન કી બાત માટે જે પત્રો આવે છે, જે input પ્રાપ્ત થાય છે, તે નિયમિત સરકારી કામકાજથી બિલકુલ અલગ હોય છે. એક પ્રકારે તમારા પત્રો પણ મારા માટે પ્રેરણાનું કારણ બની જાય છે તો ક્યારેક ઉર્જાનું કારણ બની જાય છે. ક્યારેક ક્યારેક તો મારી વિચાર પ્રક્રિયાને આગળ ધપાવવાનું કામ તમારા કેટલાક શબ્દો કરી દે છે. લોકો, દેશ અને સમાજની સામે ઉભેલા પડકારોને સામે રાખે છે તો તેની સાથે-સાથે સમાધાન પણ દેખાડે છે.  મેં જોયું છે કે પત્રોમાં લોકો સમસ્યાઓનું તો વર્ણન કરે છે પરંતુ એ પણ વિશેષતા છે કે સાથે સાથે, સમાધાનના પણ કંઈકને કંઈક સૂચનો, કંઈકને કંઈક કલ્પના, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રગટ કરી દે છે. જો કોઈ સ્વચ્છતા માટે લખે છે તો ગંદકી પ્રત્યે તેની નારાજગી પણ દેખાડી રહ્યા છે પરંતુ સ્વચ્છતાના પ્રયત્નોના વખાણ પણ કરતા હોય છે. કોઈ પર્યાવરણની ચર્ચા કરે છે તો તેની પીડા તો અનુભવાય જ છે, પરંતુ સાથે સાથે તેમણે, પોતે જે પ્રયોગ કર્યા હોય તે પણ જણાવે છે – જે પ્રયોગ તેમણે જોયા છે તે પણ જણાવે છે અને જે કલ્પનાઓ તેમના મનમાં છે તેનું પણ ચિત્રણ કરે છે. એટલે કે એક પ્રકારથી સમસ્યાઓનું સમાધાન સમાજવ્યાપી કેવી રીતે હોય, તેની ઝલક તમારી વાતોમાં હું અનુભવી રહ્યો છું. મન કી બાત દેશ અને સમાજ માટે એક અરીસાની જેમ છે. તે આપણને દેખાડે છે કે દેશવાસીઓની અંદર આંતરિક મજબૂતી, તાકાત અને ટેલેન્ટની પણ કોઈ અછત નથી. જરૂરિયાત છે એ મજબૂતી અને ટેલેન્ટને સમાવવાની, અવસર આપવાની, તેને ક્રિયાન્વિત કરવાની. મન કી બાત એ પણ જણાવે છે કે દેશના વિકાસમાં બધા 130 કરોડ દેશવાસી મજબૂતી અને સક્રિયતાથી જોડાવા ઈચ્છે છે અને હું એક વાત જરૂરથી કહીશ કે મન કી બાતમાં મને એટલા પત્રો આવે છે, એટલા ટેલિફોન કોલ આવે છે, એટલા સંદેશા મળે છે, પરંતુ ફરિયાદનું તત્વ બહુ જ ઓછું હોય છે અને કોઈએ કંઈક માંગ્યું હોય, પોતાના માટે માંગ્યું હોય તેવી તો એક પણ વાત, ગત પાંચ વર્ષમાં મારા ધ્યાનમાં આવી નથી. તમે કલ્પના કરી શકો છો, દેશના વડાપ્રધાનને કોઈ પત્ર લખે, પરંતુ પોતાને માટે કંઈ માંગે નહીં, આ દેશના કરોડો લોકોની ભાવના કેટલી ઉંચી હશે. હું જ્યારે આવી ચીજોનું એનાલિસિસ  કરું છું – તમે કલ્પના કરી શકો છો, મારા દિલને કેટલો આનંદ આવતો હશે, મને કેટલી ઉર્જા મળતી હશે. તમને કલ્પના નથી કે તમે મને ચલાવો છો, તમે મને દોડાવો છો, તમે મને પળે પળ પ્રાણવાન બનાવી રહ્યા છો અને એ જ સંબંધ હું કંઈક મિસ કરતો હતો. આજે મારું મન ખુશીઓથી ભરેલું છે. જ્યારે મેં છેલ્લે કહયું હતું કે આપણે ત્રણ-ચાર મહિના પછી મળીશું, તો લોકોએ તેનો પણ રાજકીય અર્થ કાઢ્યો હતો અને લોકોએ કહ્યું કે અરે! મોદીજીને કેટલો આત્મવિશ્વાસ છે, તેમને ભરોસો છે. આત્મવિશ્વાસ મોદીનો નહોતો – આ વિશ્વાસ, તમારા વિશ્વાસના ફાઉન્ડેશનનો હતો. તમે જ હતા જેણે વિશ્વાસનું રૂપ લીધું હતું અને તેને જ કારણે સહજ રૂપથી છેલ્લી મન કી બાત માં મેં કહી દીધું હતું કે હું કેટલાક મહિનાઓ પછી ફરીથી તમારી પાસે આવીશ. Acutally  તો હું આવ્યો નથી, તમે મને લાવ્યા છો, તમે જ મને બેસાડ્યો છે અને તમે જ મને ફરી એકવાર બોલવાની તક આપી છે. આ જ ભાવના સાથે ચલો, મન કી બાતનો ક્રમ આગળ વધારીયે.

જ્યારે દેશમાં કટોકટી લગાવવામાં આવી ત્યારે તેનો વિરોધ માત્ર રાજકીય ક્ષેત્ર સુધી સીમિત રહ્યો નહોતો, રાજનેતાઓ સુધી સીમિત નહોતું રહ્યું, જેલના સળીયા સુધી, આંદોલન સમેટાઈ નહોતું ગયું. જન-જનના દિલમાં એક આક્રોશ હતો. ગુમાવેલા લોકતંત્રની એક તરસ હતી. દિવસ-રાત જ્યારે સમયસર ખાવાનું ખાઈએ છીએ ત્યારે ભૂખ શું હોય છે તે ખબર નથી હોતી તેવી જ રીતે સામાન્ય જીવનમાં લોકતંત્રના અધિકારોની શું મજા છે એ તો ત્યારે ખબર પડે છે,  જ્યારે કોઈ લોકતાંત્રિક અધિકારોને છીનવી લે છે. કટોકટીમાં દેશના દરેક નાગરિકને લાગવા લાગ્યું હતું કે તેનું કંઈક છીનવી લેવામાં આવ્યું છે. જેનો તેણે જીવનમાં ક્યારેય ઉપયોગ નહોતો કર્યો તે પણ જો છીનવાઈ ગયું છે તો તેનું એક દર્દ, તેના દિલમાં હતું અને તે એટલા માટે નહોતું કે ભારતના બંધારણે કેટલીક વ્યવસ્થા કરી છે જેને કારણે લોકતંત્ર સમૃદ્ધ થયું છે. સમાજ વ્યવસ્થાને ચલાવવા માટે, બંધારણની પણ જરૂરિયાત હોય છે, કાયદા-કાનૂન, નિયમોની પણ આવશ્યકતા હોય છે, અધિકાર અને કર્તવ્યની પણ વાત થાય છે પરંતુ ભારત ગર્વ સાથે કહી શકે છે કે અમારા માટે, કાયદા નિયમોથી પર, લોકતંત્ર અમારા સંસ્કાર છે, લોકતંત્ર અમારી સંસ્કૃતિ છે, લોકતંત્ર અમારો વારસો છે અને તે વારસાને લઈને અમે મોટા થયા છીએ અને તેથી તેની અછત દેશવાસીઓ અનુભવી રહ્યા છે અને કટોકટીમાં આપણે અનુભવ કર્યો હતો અને તેથી દેશે, પોતાના માટે નહીં, એક આખી ચૂંટણીની પોતાના હિત માટે નહીં, લોકતંત્રની રક્ષા માટે આહૂતિ આપી દીધી હતી. કદાચ દુનિયાના કોઈ દેશમાં ત્યાંના દરેક લોકોએ લોકતંત્ર માટે પોતાના બાકી હકોની, અધિકારોની, આવશ્યકતાઓની પરવા ન કરતા માત્ર લોકતંત્ર માટે મતદાન કર્યું હોય, તો એવી એક ચૂંટણી આ દેશે 77 માં જોઈ. હાલમાં જ લોકતંત્રનું મહાપર્વ, બહુ મોટું ચૂંટણી અભિયાન, આપણા દેશમાં સંપન્ન થયું. અમીરથી લઈને ગરીબ, દરેક લોકો આ પર્વમાં ખુશીથી, આપણા દેશના ભવિષ્યનો ફેંસલો કરવા તત્પર હતા.

જ્યારે કોઈ પણ ચીજ આપણી બહુ જ નજીક હોય છે આપણે તેના મહત્વને underestimate કરીએ છીએ, તેના amazing facts ની પણ અવગણના થઈ જાય છે. આપણને જે બહુમૂલ્ય લોકતંત્ર મળ્યું છે તેને આપણે બહુ જ સરળતાથી granted માની લઈએ છીએ પરંતુ, આપણે સ્વયં એ યાદ અપાવતા રહેવું જોઈએ કે આપણું લોકતંત્ર બહુ જ મહાન છે અને આ લોકતંત્રને આપણી નસેનસમાં જગ્યા મળી છે – સદીઓની સાધનાથી, પેઢી દર પેઢીના સંસ્કારોથી, એક વિશાળ વ્યાપક મનની અવસ્થાથી. ભારતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધારે લોકોએ વોટ આપ્યો, sixty one Crore. આ સંખ્યા આપણને બહુ જ સામાન્ય લાગી શકે છે પરંતુ જો દુનિયાના હિસાબથી હું કહું, જો એક ચીનને આપણે છોડી દઈએ તો ભારતમાં દુનિયાના કોઈપણ દેશની

વસ્તી થી વધારે લોકોએ વોટિંગ કર્યું હતું. જેટલા મતદાતાઓએ 2019ની લોકસભા ચૂંટણીમાં વોટ આપ્યો, તેની સંખ્યા અમેરિકાની કુલ જનસંખ્યાથી પણ વધારે છે, લગભગ બે ગણી છે. ભારતમાં કુલ મતદાતાઓની જેટલી સંખ્યા છે તે આખા યુરોપની જનસંખ્યાથી પણ વધારે છે. આ આપણા લોકતંત્રની વિશાળતા અને વ્યાપકતાનો પરિચય કરાવે છે. 2019ની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીના ઈતિહાસમાં, દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી હતી. તમે કલ્પના કરી શકો છો, આ પ્રકારની ચૂંટણી પૂર્ણ કરાવવામાં કેટલા મોટા સ્તર પર સ્ત્રોતો અને માનવશક્તિની આવશ્યકતા ઉભી થઈ હશે. લાખો શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓની દિવસ-રાતની મહેનતથી ચૂંટણી શક્ય બની શકી. લોકતંત્રના આ મહાયજ્ઞને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે જ્યાં અર્ધસૈનિક દળના લગભગ 3 લાખ સુરક્ષાકર્મીઓએ પોતાની જવાબદારી નિભાવી, તો અલગ-અલગ રાજ્યોના 20 લાખ પોલીસકર્મીઓએ પણ પરિશ્રમની પરાકાષ્ઠા કરી. આ જ લોકોની સખત મહેનતના ફળ સ્વરૂપે, આ વખતે ગત વખતથી પણ વધારે મતદાન થયું. મતદાન માટે આખા દેશમાં લગભગ 10 લાખ પોલિંગ સ્ટેશન, લગભગ 40 લાખથી વધુ ઈવીએમ મશીન, 17 લાખથી વધુ વીવીપેટ મશીન, તમે કલ્પના કરી શકો છો કેટલો મોટો તામ-ઝામ. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કે એ સુનિશ્ચિત થઈ શકે કે કોઈ મતદાતા પોતાના મતાધિકારોથી વંચિત ન હોય. અરૂણાચલ પ્રદેશના એક રિમોટ વિસ્તારમાં માત્ર એક મહિલા મતદાતા માટે પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ચૂંટણી પંચના અધિકારીઓએ ત્યાં પહોંચવા માટે, બે-બે દિવસ સુધી યાત્રા કરવી પડી – આ જ તો લોકતંત્રનું સાચું સન્માન છે. દુનિયામાં સૌથી વધુ ઉંચાઈ પર સ્થિત મતદાન કેન્દ્ર પણ ભારતમાં જ છે. આ મતદાના કેન્દ્ર હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ ક્ષેત્રમાં 15000 ફીટની ઉંચાઈ પર સ્થિત છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં ગર્વથી ભરેલું વધુ એક તથ્ય પણ છે. કદાચ ઈતિહાસમાં પહેલીવાર થયું હશે કે મહિલાઓએ પુરુષોની જેમ જ ઉત્સાહથી મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં મહિલાઓ અને પુરુષોની મતદાનની ટકાવારી લગભગ-લગભગ બરાબર હતી. તેનાથી જ જોડાયેલું વધુ એક ઉત્સાહવર્ધક તથ્ય એ છે કે આજે સંસદમાં રેકોર્ડ 78 (seventy eight) મહિલા સાંસદ છે. હું ચૂંટણી પંચને અને ચૂંટણી પ્રક્રિયાથી જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને ઘણા-ઘણા અભિનંદન આપું છું અને ભારતના જાગૃત મતદાતાઓને નમન કરું છું.

        મારા પ્યારા દેશવાસીઓ, તમે કેટલીયે વખત મારા મોંએથી સાંભળ્યું હશે કે ‘બુકે નહીં બુક’, મારો આગ્રહ હતો કે શું આપણે સ્વાગત-સત્કારમાં ફૂલોને બદલે પુસ્તકો આપી શકીએ છીએ. ત્યારથી ઘણી જગ્યાએ લોકો પુસ્તકો આપવા લાગ્યા છે. મને હાલમાં જ કોઈએ પ્રેમચંદ કી લોકપ્રિય કહાનીયાં નામનું પુસ્તક આપ્યું. મને ઘણું સારું લાગ્યું. જો કે બહુ સમય નથી મળી શક્યો, પરંતુ પ્રવાસ દરમિયાન મને તેમની કેટલીક વાર્તા ફરીથી વાંચવાનો મોકો મળી ગયો. પ્રેમચંદે તેમની વાર્તામાં સમાજનું જે યથાર્થ ચિત્રણ કર્યું છે, વાંચતી વખતે તેમની છબી તમારા મનમાં બનવા લાગે છે. તેમની લખેલી એક-એક વાત જીવંત થઈ જાય છે. સહજ, સરળ ભાષામાં માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરનારી તેમની વાર્તાઓ, મારા મનને પણ સ્પર્શી ગઈ. તેમની વાર્તાઓમાં આખા ભારતનું મનોભાવ સમાયેલું છે. જ્યારે હું તેમની લખેલી નશા નામની વાર્તા વાંચી રહ્યો હતો, તો મારું મન પોતાની રીતે જ સમાજમાં વ્યાપેલી આર્થિક વિષમતાઓ પર જતું રહ્યું. મને મારા યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા કે કેવી રીતે આ વિષય પર રાત-રાત સુધી ચર્ચાઓ થતી હતી. જમીનદારના પુત્ર ઈશ્વરી અને ગરીબ પરિવારના વીરની આ વાર્તાથી શીખ મળે છે કે જો તમે સાવધાન નથી તો ખરાબ સંગતની અસર ક્યારે ચડી જાય છે, ખબર નથી પડતી. બીજી વાર્તા, જેણે મારા હ્રદયને અંદર સુધી સ્પર્શી લીધું, એ હતી ઈદગાહ. એક બાળકની સંવેદનશીલતા, તેનો તેની દાદી માટે વિશુદ્ધ પ્રેમ, આટલી નાની ઉંમરમાં આટલો પરિપક્વ ભાવ. 4-5 વર્ષનો હામિદ જ્યારે મેળામાંથી ચીપીયો લઈને તેની દાદી પાસે પહોંચે છે તો સાચે જ માનવીય સંવેદના તેની ચરમસિમા પર પહોંચી જાય છે. આ વાર્તાની છેલ્લી પંક્તિ બહુ જ ભાવુક કરનારી છે કારણ કે તેમાં જીવનની એક મોટી સચ્ચાઈ છે, બાળક હામિદ વૃદ્ધ હામિદની જગ્યાએ હતો – વૃદ્ધા અમીના, બાળકી અમીના બની ગઈ હતી.

        આવી જ એક માર્મિક વાર્તા છે પૂસ કી રાત. આ વાર્તામાં ગરીબ ખેડૂતના જીવનની મુશ્કેલીનું સજીવ ચિત્રણ જોવા મળ્યું. પોતાનો પાક નષ્ટ થયો હોવા છતાં, પણ હલ્કૂ ખેડૂત એટલા માટે ખુશ થાય છે કે હવે તેને સખત ઠંડીમાં ખેતરમાં નહીં સૂવું પડે. જો કે આ વાર્તા લગભગ સદી પહેલાંની છે પરંતુ તેની પ્રાંસગિકતા, આજે પણ તેટલી જ અનુભવાય છે. તેને વાંચ્યા બાદ મને એક અલગ પ્રકારની જ અનુભૂતિ થઈ.  

        જ્યારે વાંચવાની વાત થઈ રહી છે, ત્યારે કોઈ મીડિયામાં, હું કેરળની અક્ષરા લાઈબ્રેરી વિશે વાંચતો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ લાઈબ્રેરી ઈડુક્કીના ગાઢ જંગલો વચ્ચે વસેલા એક ગામડાંમાં છે. અહીંના પ્રાથમિક વિદ્યાલયના શિક્ષક પી.કે.મુરલીધરન અને નાની ચા ની દુકાન ચલાવનારા પી.વી.ચિન્નાથમ્પી, આ બંનેએ આ લાઈબ્રેરી માટે અથાગ પરિશ્રમ કર્યો છે. એક સમય એવો પણ રહ્યો, જ્યારે પોટલામાં બાંધીને અને પીઠ પર લાદીને અહીંયા પુસ્તકો લાવવામાં આવ્યા હતા. આજે આ લાઈબ્રેરી, આદિવાસી બાળકોની સાથે, દરેકને એક નવો માર્ગ દેખાડી રહી છે.

ગુજરાતમાં વાંચે ગુજરાત અભિયાન એક સફળ પ્રયોગ રહ્યો. લાખોની સંખ્યામાં દરેક ઉંમરના વ્યક્તિએ પુસ્તકો વાંચવાના આ અભિયાનમાં ભાગ લીધો હતો. આજની ડિજીટલ દુનિયામાં ગૂગલ ગુરુના સમયમાં, હું તમને પણ આગ્રહ કરીશ કે કેટલોક સમય કાઢીને પોતાના રોજના daily routine માં પુસ્તકોને જરૂર સ્થાન આપો. તમે ખરેખર બહુ જ enjoy કરશો અને જે પણ પુસ્તકો વાંચો તેના વિશે નરેન્દ્ર મોદી એપ પર જરૂરથી લખો જેથી મન કી બાતના દરેક શ્રોતા પણ તેના વિશે જાણી શકે.

મારા પ્રિય દેશવાસીઓ, મને એ વાતની ખુશી છે કે આપણા દેશના લોકો એ મુદ્દા પર વિચારી રહ્યા છે જે ન માત્ર વર્તમાન પરંતુ ભવિષ્ય માટે પણ મોટો પડકાર છે. હું નરેન્દ્ર મોદી એપ અને Mygov’ પર તમારી Comments વાંચી રહ્યો હતો અને મેં જોયું કે પાણીની સમસ્યાને લઈને કેટલાય લોકોએ ઘણું લખ્યું છે. બેલાગાવીના પવન ગૌરાઈ, ભૂવનેશ્વરના સિતાંશુ મોહન પરીદા આ ઉપરાંત યશ શર્મા, શાહાબ અલ્તાફ ઉપરાંત પણ ઘણા લોકોએ મને પાણી સાથે જોડાયેલા પડકાર વિશે લખ્યું છે. પાણીનું આપણી સંસ્કૃતિમાં ઘણું જ મહત્વ છે. ઋગ્વેદના આપઃ સુક્તમમાં પાણી વિશે કહેવામાં આવ્યું છે,

 

आपो हिष्ठा मयो भुवः, तान ऊर्जे दधातन, महे रणाय चक्षसे

यो वः शिवतमो रसः, तस्य भाजयते:, नः उषतीरिव मातरः ।।

 

એટલે કે જળ જ જીવન આપનાર શક્તિ, ઉર્જાનો સ્ત્રોત છે. આપ માં સમાન એટલે કે માતાની જેમ આપના આશિર્વાદ આપો. આપની કૃપા અમારા પર વરસાવતા રહેજો. પાણીની અછતથી દેશના કેટલાય ભાગો દર વર્ષે પ્રભાવિત થાય છે. તમને આશ્ચર્ય થશે કે આખા વર્ષમાં વરસાદથી જે પાણી પ્રાપ્ત થાય છે તેના માત્ર 8 ટકા જ આપણા દેશમાં બચાવવામાં આવે છે. માત્ર 8 ટકા. હવે સમય આવ્યો છે કે આ સમસ્યાનું સમાધાન કાઢવામાં આવે. મને વિશ્વાસ છે કે, આપણે અન્ય કેટલીયે સમસ્યાઓની જેમ જ જનભાગીદારીથી, જનશક્તિથી, એકસો ત્રીસ કરોડ દેશવાસીઓના સામર્થ્ય, સહયોગ અને સંકલ્પથી આ સંકટનું પણ સમાધાન કરી જ લેશું. પાણીનું મહત્વ સર્વોપરી રાખતા, દેશમાં નવું જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. તેનાથી પાણીથી સંબંધિત દરેક વિષયો પર ઝડપથી નિર્ણયો લેવામં આવશે. કેટલાક દિવસો પહેલા મેં કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો. મેં દેશભરના સરપંચોને પત્ર લખ્યો, ગ્રામ પ્રધાનોને. મેં ગ્રામ પ્રધાનોને લખ્યું કે પાણી બચાવવા માટે, પાણીનો સંગ્રહ કરવા માટે, વરસાદનું ટીપે-ટીપું પાણી બચાવવા માટે, તેઓ ગ્રામ સભાની બેઠક બોલાવીને, ગામલોકો સાથે બેસીને તેઓ વિચાર-વિમર્શ કરે. મને પ્રસન્નતા છે કે તેમણે આ કાર્યમાં પૂર્ણ ઉત્સાહ દેખાડ્યો અને આ મહિનાની 22 તારીખે હજારો પંચાયતોમાં કરોડો લોકોએ શ્રમદાન કર્યું. ગામ-ગામમાં લોકોએ પાણીના એક-એક ટીપાંનો સંગ્રહ કરવાનો સંકલ્પ લીધો.

        આજે મન કી બાત કાર્યક્રમમાં હું તમને એક સરપંચની વાત સંભળાવવા માગું છું. સાંભળો, ઝારખંડના હજારીબાગ જિલ્લામાં કટકમસાંડી બ્લોકની લુપુંગ પંચાયતના સરપંચે આપણને સહુને શું સંદેશ આપ્યો છે :  

 

“મારું નામ દિલીપ કુમાર રવિદાસ છે. પાણી બચાવવા માટે જ્યારે વડાપ્રધાનજીએ અમને પત્ર લખ્યો તો અમને વિશ્વાસ જ ન થયો કે વડાપ્રધાને અમને પત્ર લખ્યો છે. જ્યારે અમે 22 તારીખે ગામના લોકોને ભેગા કરીને, વડાપ્રધાનનો પત્ર વાંચીને સંભળાવ્યો તો ગામના લોકો બહુ ઉત્સાહિત થયા અને પાણી બચાવવા માટે તળાવની સફાઈ અને નવું તળાવ બનાવવા માટે શ્રમદાન કરીને પોત-પોતાની ભાગીદારી નિભાવવા તૈયાર થઈ ગયા. વરસાદ પહેલા આ ઉપાય કરવાથી, આવનારા સમયમાં અમને પાણીની અછત નહીં રહે. એ સારું થયું કે અમારા વડાપ્રધાને અમને ઠીક સમય પર અમને ચેતવી દીધા.”

        બિરસા મુંડાની ઘરતી, જ્યાં પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી રાખવો સંસ્કૃતિનો ભાગ છે. ત્યાંના લોકો ફરી એકવાર જળ સંરક્ષણ માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. મારા તરફથી દરેક ગ્રામ પ્રધાનોને, દરેક સરપંચોને તેમની સક્રિયતા માટે ઘણી-ઘણી શુભકામનાઓ. દેશભરમાં આવા કેટલાય સરપંચ છે જેમણે જળ સંરક્ષણનું બીડું ઝડપી લીધું છે. એક પ્રકારે આખા ગામનો એ અવસર બની ગયો છે. એવું લાગી રહ્યું છે કે ગામના લોકો, હવે પોતાના ગામમાં જાણે જળ મંદિર બનાવવાની સ્પર્ધામાં લાગી ગયા છે. જેમ કે મેં કહ્યું, સામૂહિક પ્રયાસના ઘણા જ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આખા દેશમાં જળ સંકટથી બહાર આવવાની કોઈ એક ફોર્મ્યૂલા ન હોઈ શકે. તેને માટે દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ દરેકનું લક્ષ્ય એક જ છે, અને તે છે પાણી બચાવવું, જળ સંરક્ષણ.

        પંજાબમાં drainage lines ને ઠીક કરવામાં આવી રહી છે. આ પ્રયાસથી water logging ની સમસ્યાથી છૂટકારો મળી રહ્યો છે. તેલંગાણાના થીમાઈપલ્લીમાં ટેન્ક નિર્માણથી ગામના લોકોની જિંદગી બદલાઈ રહી છે. રાજસ્થાનના કબીરધામમાં ખેતરોમાં બનાવવામાં આવેલા નાનાં તળાવોથી એક મોટો બદલાવ આવ્યો છે. હું તમિલનાડુના વેલ્લોરમાં એક સામૂહિક પ્રયાસ વિશે વાંચી રહ્યો હતો જ્યાં નાગ નદીને પુનઃજીવિત કરવા માટે 20 હજાર મહિલાઓ એક સાથે આવી. મેં ગઢવાલની એ મહિલાઓ વિશે પણ વાંચ્યું છે જે સાથે મળીને rainwater harvesting પર ઘણું સારું કામ કરી રહી છે. મને વિશ્વાસ છે કે આ પ્રકારના કેટલાય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જ્યારે આપણે એક થઈને, મજબૂતીથી પ્રયાસ કરીએ છીએ તો અશક્યને પણ શક્ય કરી શકીએ છીએ. જ્યારે જન-જન જોડાશે, જળ બચશે. આજે મન કી બાત ના માધ્યમથી હું દેશવાસીઓને 3 અનુરોધ કરી રહ્યો છું.

        મારો પહેલો અનુરોધ છે, - જેવી રીતે દેશવાસીઓએ સ્વચ્છતાને એક જન આંદોલનનું રૂપ આપી દીધું. આવો, તેવી જ રીતે જળ સંરક્ષણ માટે પણ એક જન આંદોલનની શરૂઆત કરીએ. આપણે સહુ સાથે મળીને પાણીનું દરેક ટીપું બચાવવાનો સંકલ્પ કરીએ અને મને તો વિશ્વાસ છે કે પાણી પરમેશ્વરનો આપેલો પ્રસાદ છે, પાણી પારસનું રૂપ છે. પહેલા કહેવાતું હતું કે પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. હું કહું છું કે પાણી પારસ છે અને પારસથી, પાણીના સ્પર્શથી નવજીવન નિર્મિત થઈ જાય છે. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે એક જાગૃતિ અભિયાનની શરૂઆત કરો. તેમાં પાણી સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે જણાવો, સાથે જ પાણી બચાવવાના ઉપાયોનો પ્રચાર-પ્રસાર કરો. હું વિશેષ રૂપથી અલગ-અલગ ક્ષેત્રની હસ્તીઓને, જળ સંરક્ષણ માટે innovative campaigns નું નેતૃત્વ કરવાનો આગ્રહ રાખું છું. ફિલ્મ જગત હોય, રમત-ગમતનું ક્ષેત્ર હોય, મીડિયાના આપણા સાથીઓ હોય, સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, સાંસ્કૃતિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, કથા-કિર્તન કરનારા લોકો હોય, દરેક વ્યક્તિ પોત-પોતાની રીતે આ આંદોલનનું નેતૃત્વ કરે. સમાજને જગાડે, સમાજને જોડે, સમાજની સાથે જોડાય. તમે જુઓ, તમારી આંખોની સામે આપણે પરિવર્તન જોઈ શકીશું.

        દેશવાસીઓ મારો બીજો અનુરોધ છે. આપણા દેશમા પાણીના સંરક્ષણ માટે કેટલીયે પારંપારિક રીતો સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે. હું તમને બધાને, જળ સંરક્ષણની એ પારંપારિક રીતોને share કરવાનો આગ્રહ કરું છું. તમારામાંથી કોઈને પણ જો પોરબંદર, પૂજ્ય બાપૂના જન્મ સ્થાન પર જવાનો મોકો મળ્યો હશે તો પૂજ્ય બાપૂના ઘરની પાછળ જ બીજું ઘર છે, ત્યાં 200 વર્ષ જૂનો પાણીનો ટાંકો છે અને આજે પણ તેમાં પાણી છે અને વરસાદના પાણીને રોકવાની વ્યવસ્થા છે, તો હું હંમેશા કહેતો હતો કે જે પણ કીર્તિમંદિર જાય, તે આ પાણીના ટાંકાને જરૂર જુએ. આવા કેટલાય પ્રકારના પ્રયોગ દરેક જગ્યા પર હશે.

        આપ સહુને મારો ત્રીજો અનુરોધ છે. જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓની, સ્વયં સેવી સંસ્થાઓની અને આ ક્ષેત્રમાં કામ કરનારા દરેકની, તેમની જે જાણકારી હોય, તેને તમે share કરો જેથી એક બહુજ સમૃદ્ધ, પાણી માટે સમર્પિત, પાણી માટે સક્રિય સંગઠનોનો, વ્યક્તિઓનો એક ડેટાબેઝ બનાવી શકાય. આવો, આપણે જળ સંરક્ષણથી જોડાયેલી, વધુમાં વધુ પદ્ધતિઓની એક સૂચી બનાવીને, લોકોને જળ સંરક્ષણ માટે પ્રેરિત કરીએ. તમે બધા  #JanShakti4JalShakti હેશટેગનો ઉપયોગ કરીને તમારું content share કરી શકો છો.  

મારા પ્રિય દેશવાસીઓ, મારે એક વાત માટે પણ આપનો આભાર વ્યક્ત કરવો છે અને દુનિયાના લોકોનો પણ આભાર વ્યક્ત કરવો છે. 21 જૂને ફરી એકવાર યોગ દિવસ પર જે સક્રિયતા સાથે, ઉમંગ સાથે, એક-એક પરિવારની ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓએ, એક સાથે આવીને યોગ દિવસને મનાવ્યો. Holistic Health Care માટે જે જાગૃતિ આવી છે તેમાં યોગ દિવસનું મહાત્મ્ય વધતું જઈ રહ્યું છે.  વિશ્વના દરેક ખૂણામાં, સૂરજ ઉગતાં જ જો કોઈ યોગ પ્રેમી તેનું સ્વાગત કરે છે, તો સૂરજ આથમવા સુધીની એ આખી યાત્રા છે. કદાચ જ કોઈ એવી જગ્યા હશે જ્યાં માનવ હોય અને યોગ સાથે જોડાયેલો ન હોય, આટલું મોટું, યોગે રૂપ લઈ લીધું છે. ભારતમાં, હિમાલયથી હિન્દ મહાસાગર સુધી, સિયાચીનથી લઈને સબમરીન સુધી, એરફોર્સથી લઈને aircraft carriers સુધી, AC gymsથી લઈને તપી રહેલા રણ સુધી, ગામડાંથી લઈને શહેરો સુધી – જ્યાં પણ શક્ય હતું, એવી દરેક જગ્યા પર ન માત્ર યોગ કરવામાં આવ્યો, પરંતુ તેને સામૂહિક રૂપથી celebrate પણ કરવામા આવ્યો.  

દુનિયાના કેટલાય દેશોના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, જાણીતી હસ્તીઓ, સામાન્ય નાગરિકોએ મને ટ્વીટર પર દેખાડ્યું કે કેવી રીતે તેણે પોતપોતાના દેશમાં યોગ મનાવ્યો. એ દિવસે, દુનિયા એક બહુ મોટા ખુશખુશાલ પરિવાર જેવી લાગી રહી હતી.

આપણે સહુ જાણીએ છીએ કે એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ અને સંવેદનશીલ વ્યક્તિઓની આવશ્યકતા હોય છે અને યોગ તે સુનિશ્ચિત કરે છે. તેથી યોગનો પ્રચાર-પ્રસાર સમાજ સેવાનું એક મહાન કાર્ય છે. શું આવી સેવાને માન્યતા આપીને તેને સન્માનિત ન કરવી જોઈએ.? વર્ષ 2019માં યોગના પ્રમોશન અને development માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે Prime Minister’s Awards ની જાહેરાત, મારા માટે એક મોટા સંતોષની વાત હતી. આ પુરસ્કાર દુનિયાભરના એ સંગઠનોને આપવામાં આવ્યો છે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય કે તેમણે કેવી રીતે યોગના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉદાહરણ માટે ‘જાપાન યોગ નિકેતન’ ને જ લઈ લો, જેણે યોગને આખા જાપાનમાં લોકપ્રિય બનાવ્યો છે. જાપાન યોગ નિકેતન ત્યાંની કેટલીયે ઈન્સ્ટિટ્યૂટ અને ટ્રેનિંગ કોર્સિસ ચલાવે છે અથવા ઈટલીના Ms. Antonietta Rozzi તેનું જ નામ લઈ લો, જેમણે સર્વ યોગ ઈન્ટરનેશનલની શરૂઆત કરી અને આખા યુરોપમાં યોગનો પ્રચાર-પ્રસાર કર્યો.  તે પોતાનામાં જ એક પ્રેરક ઉદાહરણ છે. જો આ યોગથી જોડાયેલો વિષય છે, તો શું ભારતીયો તેમાં પાછળ રહી શકે છે? બિહાર યોગ વિદ્યાલય, મુંગેર તેને પણ સન્માનિત કરવામાં આવી, ગત કેટલાય દસકાઓથી તે યોગને સમર્પિત છે. આવી જ રીતે સ્વામી રાજર્ષિ મુનિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે લાઈફ મિશન અને લકુલિશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી. યોગની વ્યાપક ઉજવણી અને યોગનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવાવાળાઓનું સન્માન, બંનેએ જ આ યોગ દિવસને ખાસ બનાવી દીધો.

મારા પ્રિય દેશવાસીઓ, આપણી આ યાત્રા આજે આરંભ થઈ રહી છે. નવા ભાવ, નવી અનુભૂતિ, નવા સંકલ્પ, નવું સામર્થ્ય, પરંતુ હા, હું તમારા સૂચનોની રાહ જોતો રહીશ. તમારા વિચારો સાથે જોડાવું, મારા માટે એક બહુ મોટી યાત્રા છે. મન કી બાત તો નિમિત્ત છે. આવો આપણે મળતા રહીએ. વાતો કરતા રહીએ. તમારા ભાવોને સાંભળતો રહું, સાચવતો રહું, સમજતો રહું. ક્યારેક-ક્યારેક તે ભાવોને જીવવાનો પ્રયાસ કરતો રહું. તમારા આશિર્વાદ મળતા રહે. તમે જ મારી પ્રેરણા છો, તમે જ મારી ઉર્જા છો. આવો સાથે મળીને મન કી બાત ની મજા લેતા લેતા, જીવનની જવાબદારીઓને પણ નિભાવતા જઈએ. ફરી એકવાર આવતા મહીને મન કી બાત માટે ફરીથી મળીશું. તમને બધાને મારા ખૂબ-ખૂબ ધન્યવાદ...

નમસ્કાર....  

 

RP



(Release ID: 1576354) Visitor Counter : 1112