આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

અખબારી યાદીઃ ભારતની જીડીપીની વૃદ્ધિનાં અંદાજને વાસ્તવિકતાથી વધારે રજૂ કરવા સાથે સંબંધિત ડૉ. અરવિંદ સુબ્રમનિયનનાં તાજેતરનાં લેખ પર સ્પષ્ટતા

Posted On: 11 JUN 2019 8:05PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-06-2019

 

ભારતની જીડીપીનાં વૃદ્ધિદરને વાસ્તવિકતાથી વધારે આંકવાનાં સંબંધમાં ડૉ. અરવિંદ સુબ્રમનિયનને ટાંકીને મીડિયાનાં એક વર્ગમાં કેટલાક અહેવાલો પ્રકાશિત થયા છે, જે ઇકોનોમેટ્રિક મોડલ અને સંબંધિત પૂર્વધારણાઓનો ઉપયોગ કરીને વીજળીનો વપરાશ, ટૂ-વ્હીલરનું વેચાણ, વ્યવસાયીક વાહનોનું વેચાણ વગેરે જેવા સંકેતોનાં વિશ્લેષણ પર આધારિત છે.

સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જીડીપી (કુલ સ્થાનિક ઉત્પાદન)નાં સંકલનમાં રહેલી જટિલતાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવા નિયમિત સમયાંતરે વિવરણ જાહેર કર્યું છે. કોઈ પણ અર્થવ્યવસ્થામાં જીડીપીનું મૂલ્યાંકન કરવું એક જટિલ પ્રક્રિયા છે, જે અંતર્ગત અનેક ઉપાય અને માપદંડ વિકસિત કરવામાં આવે છે, જેથી અર્થવ્યવસ્થાની કામગીરીને વધારે સારી રીતે માપી શકાય. આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનાં પ્રયોજનની સાથે-સાથે સરખામણીની સુનિશ્ચિતતા કરવા માટે વિવિધ દેશ વ્યાપક ચર્ચાવિચારણા પછી સંયુક્ત રાષ્ટ્રમાં વિકસિત રાષ્ટ્રીય હિસાબ વ્યવસ્થાને અપનાવે છે. રાષ્ટ્રીય હિસાબ વ્યવસ્થા 2008 (એસએનએ) વર્ષ 2009માં સંયુક્ત રાષ્ટ્રનાં આંકડાકીય પંચ (યુએનએસસી) દ્વારા મંજૂર રાષ્ટ્રીય હિસાબ માટે આંતરરાષ્ટ્રીય આંકડાકીય માપદંડોનું નવીન સ્વરૂપ છે અને આ અગાઉનાં 1993 એસએનએનું નવીનત્તમ સ્વરૂપ છે. રાષ્ટ્રીય હિસાબો પર આંતર-સચિવાલય કાર્યદળનાં સભ્ય દેશોની સાથે ઊંડી ચર્ચાઓ અને ચર્ચાવિચારણા દ્વારા 2008 એસએનએને વિકસિત કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી હતી. ભારતે સલાહકાર નિષ્ણાત સમૂહની ચર્ચાઓમાં પણ ભાગ લીધો હતો. યુએનએસસીએ 2008 એસએનએને અપનાવવા દરમિયાન પોતાની ભલામણો લાગુ કરવા અને ઉપલબ્ધ ડેટા સ્રોતો પર આધારિત રાષ્ટ્રીય હિસાબ આંકડાકીયની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ માટે એનો ઉપયોગ કરવા માટે સભ્ય દેશો, પ્રાદેશિક અને પેટાપ્રાદેશિક સંગઠનોને પ્રોત્સાહન આપ્યું હતુ.

જેમ કોઈ પણ આંતરરાષ્ટ્રીય માપદંડ માટે ડેટા સંબંધિત જરૂરિયાતો અત્યંત વધારે હોય છે અને ભારત જેવી વિવિધતાસભર અર્થવ્યવસ્થાઓને પ્રાસંગિક ડેટા સ્રોતોને વિકસિત કરવામાં સમય લાગે છે અને ત્યારબાદ તેઓ સંપૂર્ણપણે એસએનએ સંબંધિત જરૂરિયાતોને અનુરૂપ થઈ જાય છે. ડેટાનાં અભાવમાં વૈકલ્પિક પરોક્ષી (પ્રોક્સી) સ્રોત અથવા આંકડાકીય સર્વેક્ષણોનો ઉપયોગ જીડીપી/જીવીએ (કુલ મૂલ્ય સંવર્ધિત)માં વિવિધ ક્ષેત્રો (સેક્ટર)નાં યોગદાનનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. એસએનએમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, અનુમાનોને આધારે વર્ષને નિયમિત સમયાંતરે સંશોધિત કરી શકાય છે, જેથી આર્થિક સ્થિતિમાં થયેલા પરિવર્તનો, પદ્ધતિ સંબંધિત સંશોધનમાં થયેલી પ્રગતિ અને ઉપયોગકર્તાઓ (યુઝર)ની જરૂરિયાતોને ઉચિત સ્વરૂપે સમાવી શકાય.

અર્થવ્યવસ્થામાં થઈ રહેલાં માળખાગત પરિવર્તનોને ધ્યાનમાં રાખીને વિવિધ બૃહદ્ આર્થિક સંકેતો જેમ કે કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી), ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી), ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ) વગેરેનાં આધાર વર્ષને નિયમિત સમયાંતરે બદલવાની જરૂર છે, જેથી આ સંકેતોની પ્રસ્તુતતા જળવાઈ રહે અને માળખાગત પરિવર્તનોને પણ વધારે યથાર્થ સ્વરૂપે પરિભાષિત કરી શકાય. આ પ્રકારનાં સંશોધનથી વસતિગણતરીઓ અને સર્વેક્ષણોમાંથી પ્રાપ્ત નવા આંકડાનો ઉપયોગ થાય છે, પણ એ વહીવટી આંકડાઓ સાથે જોડાયેલી સૂચનાઓને પણ સમાવે છે, જે સમયેની સાથે વધારે દૃઢ થઈ ગયા છે. ભારતમાં જીડીપી સીરિઝ માટે આધારભૂત વર્ષ 2004-05ને બદલીને 2011-12 કરવામાં આવ્યું હતું અને એસએનએ 2008 અનુરૂપ વિવિધ સ્રોતો અને પદ્ધતિઓ અપનાવ્યાં પછી 30 જાન્યુઆરી, 2015નાં રોજ એને જાળવી રાખવામાં આવ્યું હતું. વિસ્તૃત આંકડાઓનાં સંકલનની પદ્ધતિ પર રાષ્ટ્રીય હિસાબ આંકડાકીય પર સલાહકાર સમિતિ (એસીએનએએસ)એ વિસ્તારપૂર્વક ચર્ચાવિચારણા કરી છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, રાષ્ટ્રીય આંકડાકીય પંચ, ભારતીય આંકડાકીય સંસ્થા (આઈએસઆઈ), રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા, નાણાં મંત્રાલય, કૃષિ મંત્રાલય અને કૉર્પોરેટ બાબતોનું મંત્રાલય, નીતિ આયોગ અને પસંદગીની રાજ્યો સરકારોનાં નિષ્ણાતો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આંકડાઓની ઉપલબ્ધતા અને પદ્ધતિ સંબંધિત પાસાઓને ધ્યાનમાં રાખ્યાં પછી આ સમિતિઓ દ્વારા સર્વસંમતિ અને સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવે છે.

આ ઉપરાંત ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)નાં વિશેષ ડેટા પ્રસાર ધારાધોરણો (એસડીડીએસ) અપનાવ્યાં છે અને એડવાન્સ રીલિઝ કેલેન્ડર (એઆરસી) અંદાજો જાહેર કરવા માટેનો નિર્ણય લે છે. આઇએમએફએ ભારતીય જીડીપીની શ્રેણીઓમાં ડબલ ડિફ્લેશનનાં ઉપયોગ પર ચોક્કસ પ્રશ્રો ઉઠાવ્યાં હતાં અને ભારતે આઇએમએફને જાણકારી આપી હતી કે, હાલ ડેટાની ઉપલબ્ધતા ભારતમાં એની ઉપયોગિતાની મંજૂરી આપતી નથી. હકીકતમાં કેટલાક મીડિયા અહેવાલોમાં જીડીપી વૃદ્ધિમાં ફેરફારો ટાંકવામાં આવ્યાં છે, ત્યારે આ માટે ડબલ ડિફ્લેશન (ફુગાવાનો બે ગણો ઘટાડો)નો સ્વીકારનાં પરિણામો જવાબદાર હોવાની શક્યતા છે, જેને વિવિધ લેખકોએ પોતાનાં આગવી વિશિષ્ટ ધારણાઓ અંતર્ગત માન્યતા આપી છે. આ પ્રકારનાં વિવિધ પ્રકારનાં મતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હિસાબ આંકડાકીય પર સલાહકાર સમિતિ (એસીએનએએસ) આ તબક્કે ડબલ ડિફ્લેશનને સ્વીકારવા સંમત થઈ નહોતી. ઉપરાંત થોડા દેશોમાં જ ડબલ ડિફ્લેશનનો ઉપયોગ થાય છે, જે આંતરિક ચીજવસ્તુઓને ડિફ્લેટ (ફુગાવાનો ઘટાડો) કરવા ઉત્પાદક ભાવ સૂચકાંક (પીપીઆઈ) ધરાવે છે.

વિશ્વ બેંકનાં જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય ખાતાનાં અંદાજોની સચોટતા અને વિવિધ દેશો સાથે તેમની સરખામણી કરવાની ક્ષમતાનો આધાર જીડીપી અને એનાં ઘટકો પર આંકડાનાં સમયસર સુધારા પર નિર્ભર છે. તમામ દેશોમાં જીડીપી ડેટામાં અવારનવાર સુધારા થાય છે તેમજ માસિક, ત્રિમાસિક, વાર્ષિક જીડીપીનાં આંકડાઓ વચ્ચે ફરક હોય છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ) પોતાનાં ટેકનિકલ મિશનો દ્વારા એસએનએની ભલામણોનાં અમલની સમીક્ષા પણ કરે છે અને જરૂરી ટેકનિકલ સહયોગ પૂરો પાડે છે. ઉપરાંત આઇએમએફની કલમ 4 હેઠળ સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા અને નાણાં મંત્રાલયનાં અધિકારીઓ વર્ષે મિશન સાથે આદાનપ્રદાન કરે છે, જે આર્થિક વિકાસ અને નીતિઓ સાથે સંબંધિત મુદ્દાઓ પર હોય છે. જીડીપીનાં સંકલન માટે વિસ્તૃત પદ્ધતિમાં મંત્રાલયનાં વેબસાઇટ પર ઉપલબ્ધ પાછળની શ્રેણીઓ સામેલ છે. આ પણ નોંધી શકાય છે કે, રાષ્ટ્રીય ખાતા વિભાગ, જે વિસ્તૃત એગ્રીગેટનું અને અન્ય રાષ્ટ્રીય ખાતાનાં આંકડાઓનું સંકલન કરે છે, એ આઇએસઓ (ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ્સ) 9001:2015 સર્ટિફાઇડ છે, જે એની પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનાં ગુણવત્તાયુક્ત મેનેજમેન્ટ માટે મળેલુ છે.

કોઈ પણ આધારભૂત સંશોધન સાથે, નવા અને વધારે નિયમિત ડેટા સ્રોતો ઉપલબ્ધ થવાથી, સરળ અને સંપૂર્ણ અર્થતંત્રનાં મોડલ માટે જૂની અને નવી શ્રેણીની સરખામણી ઉચિત નથી એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે. એવું પણ જોવા મળી શકે છે કે, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પ્રસ્તુત જીડીપીમાં વૃદ્ધિની ધારણા એમઓએસપીઆઈ દ્વારા જાહેર કરેલા અંદાજોને મોટાં ભાગે અનુરૂપ હોય. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા જીડીપીનાં અંદાજો સ્વીકૃત પ્રક્રિયાઓ, પદ્ધતિઓ અને ઉપલબ્ધ ડેટા પર આધારિત હોય છે તથા એમાં તટસ્થતુપૂર્વક અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોનાં પ્રદાનને માપવામાં આવે છે.

DK/NP/J.Khunt/GP(Release ID: 1574036) Visitor Counter : 235


Read this release in: English , Marathi , Hindi