ગૃહ મંત્રાલય

ચક્રવાત વાયુ – ગૃહ મંત્રાલયે ગુજરાત અને દીવ માટે વિસ્તૃત એડવાઇઝરી પ્રસ્તુત કરી

Posted On: 11 JUN 2019 7:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ચક્રવાત વાયુ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કર્યા પછી ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવનાં વિસ્તાર માટે વિસ્તૃત એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં સાવચેતીનાં ભાગરૂપે તમામ પગલા લેવા વિનંતી કરવામાં આવી છે, જેથી કોઈ જાનહાનિ ન થાય, મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઓછામાં ઓછું નુકસાન થાય અને ચક્રવાત પછી તમામ આવશ્યક સેવાઓ વહેલામાં વહેલી તકે પુનઃ શરૂ થાય એવી સુનિશ્ચિતતા થઈ શકે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને દરિયાકિનારાનાં નીચાણવાળા વિસ્તારો અને જોખમકારક વિસ્તારોમાંથી લોકોને સમયસર સલામત જગ્યાએ ખસેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

ગુજરાત અને દીવનાં વહીવટીતંત્રએ 12મી જૂન, 2019ની વહેલી સવારથી જોખમકારક વિસ્તારોમાંથી આશરે 3 લાખ લોકોને સ્થળાંતરણ કરવાની યોજના બનાવી છે. આ લોકોને આશરે 700 ચક્રાવાત રાહત છાવણીઓમાં ખસેડવામાં આવશે. રાજ્ય સરકાર અને દીવ વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને જોખમકારક વિસ્તારો ખાલી કરાવવા, શોધકામ માટે, બચાવ કામગીરી માટે અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે એનડીઆરએફની 39 ટીમોને અગાઉથી તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સેનાની 34 ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યાં છે અને કેન્દ્રિય ગૃહ સચિવ 12મી જૂનનાં રોજ કેન્દ્ર સરકારનાં મંત્રાલયો/સંસ્થાઓ તથા ગુજરાત અને દીવનાં મુખ્ય સચિવ/સલાહકાર સાથે સમીક્ષા બેઠક યોજશે.

 


(Release ID: 1573965) Visitor Counter : 229


Read this release in: English , Urdu , Hindi , Bengali