મંત્રીમંડળ

કાનપુરમાં શહેરી જાહેર પરિવહન કનેક્ટિવિટીને વેગ મળશે

મંત્રીમંડળે કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી

23.785 કિમીના આઈઆઈટી-નૌબસ્તા કોરિડોરમાં 14 એલિવેટેડ અને 8 ભૂગર્ભ સ્ટેશનો હશે

8.60 કિમીના કૃષિ યુનિવર્સિટીથી બાર્રા-8 કોરિડોરમાં 4 એલિવેટેડ અને 4 ભૂગર્ભ સ્ટેશનો હશે

રૂ. 11076.48 કરોડના ખર્ચે 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે

Posted On: 28 FEB 2019 10:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા બે કોરિડોર વાળા કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જે કાનપુરના મુખ્ય જાહેર સ્થળો અને શહેરના ભરચક વિસ્તારોને જોડશે. મેટ્રો રેલ પ્રણાલીના અમલીકરણના પરિણામે વાહનોના ટ્રાફિકમાં ઘટાડો થશે અને રસ્તાઓ પરની ગીચતામાં તેમજ મુસાફરીના સમયમાં ઘટાડો થશે, મુસાફરી ખર્ચ અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. મેટ્રો રેલ પ્રણાલીથી પરિવહન કેન્દ્રિત વિકાસને પણ પ્રોત્સાહન મળશે જેથી કોરિડોરની આસપાસમાં વધુ રહેણાંક અને વ્યાપારિક સંકુલોનું નિર્માણ થશે.

 

મહત્વની વિશેષતાઓ

કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની મુખ્ય બાબતો નીચે દર્શાવ્યા અનુસાર છે-

1. આઈઆઈટીથી નૌબસ્તા કોરિડોરની લંબાઈ 23.785 કિમી છે, જે આંશિક એલિવેટેડ અને આંશિક અંડરગ્રાઉન્ડ છે અને તેમાં 22 સ્ટેશનો (14- એલિવેટેડ અને 8-અંડરગ્રાઉન્ડ)નો સમાવેશ થાય છે.

2. કૃષિ યુનિવર્સિટીથી બર્રા -8 સુધીના કોરિડોરની લંબાઈ 8.60 કિમી છે જેમાં 4 એલિવેટેડ અને 4 અંડરગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થાય છે.

3. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 11,076.48 કરોડ છે અને આ પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

 

કનેક્ટિવિટીની મુખ્ય બાબતો

આઈઆઈટી કાનપુરથી નૌબસ્તા સુધીનો કોરિડોર શહેરના હાર્દ સમા વિસ્તારોમાંથી પસાર થશે જેમાં આઈઆઈટી કાનપુર, સીએસજેએમ યુનિવર્સિટી, જીએસવાયએમ મેડિકલ કોલેજ, જનશક્તિ બસસ્ટેશન અને કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન સહિત કેટલીક અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે અને બસ સ્ટેશનો આવરી લેવામાં આવ્યા છે.

 

કૃષિ યુનિવર્સિટીથી બાર્રા-8નો કોરિડોર કાકાદેવ અને ગોવિંદનગર સહિત ખૂબ જ ગીચતાવાળા વિવિધ રહેણાંક વિસ્તારો વચ્ચે સરળતાથી કનેક્ટિવિટી પૂરી પાડશે. આ મેટ્રો રહેવાસીઓ, મુસાફરો, ઔદ્યોગિક કામદારો, મુલાકાતીઓ અને પ્રવાસીઓને ઈકો ફ્રેન્ડલી અને સાતત્યપૂર્ણ જાહેર પરિવહન ઉપલબ્ધ કરાવશે.

 

કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની વ્યાવસાયિક કામગીરી શરૂ થાય ત્યારથી અંદાજે 40 લાખની વસ્તીને સીધો અથવા પરોક્ષ ફાયદો થશે તેવી અપેક્ષા છે.

 

પ્રસ્તાવિત કોરિડોર રેલવે સ્ટેશનો સાથે મલ્ટીમોડેલ ઇન્ટિગ્રેશન ધરાવતા હશે અને બસ, ઈન્ટરમીડિયેટ પબ્લિક ટ્રાન્સપોર્ટ (આઈપીટી) તથા નોન મોટરાઈઝ ટ્રાન્સપોર્ટ (એનએમટી)નું ફીડર નેટવર્ક ધરાવતા હશે. આ પ્રોજેક્ટથી ભાડા અને જાહેરખબરો દ્વારા બિન-મુસાફરી ભાડાની આવક થશે તેમજ પરિવહન લક્ષી વિકાસ (ટીઓડી) અને વિકાસ અધિકારોનું સ્થાનાંતરણ (ટીડીઆર)ની પદ્ધતિ દ્વારા વેલ્યૂ કેપ્ચર ફાઈનાન્સિંગ (વીસીએફ) પણ થશે.

 

આ મેટ્રો રેલ કોરિડોરની આસપાસના રહેણાંક વિસ્તારોને આ પ્રોજેક્ટથી ખૂબ સારો ફાયદો થઈ શકશે કારણ કે આ વિસ્તારના લોકો તેમની આસપાસની જગ્યાએથી શહેરના વિવિધ વિસ્તારોમાં અનુકૂળતાપૂર્વક ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

 

પ્રોજેક્ટની વિગતો:

  • આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ભારત સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારની 50:50 માલિકીની સંયુક્ત કંપની ‘લખનઉ મેટ્રો રેલ કોર્પોરેશન’ની ‘ઉત્તરપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન’ (યુપીએમઆરસી) તરીકે પુનઃરચના કરાશે.
  • કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ભારત સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારની સમાન ભાગીદારીરૂપે આંશિક અને દ્વીપક્ષીય/બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સી/એજન્સીઓ પાસેથી સરળ લોન રૂપે આંશિક ભંડોળની જોગવાઈ કરવામાં આવશે.
  • આ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2019-20માં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પહેલેથી જ રૂ. 175 કરોડ ફાળવવામાં આવ્યા છે.

 

અસર

આ પ્રોજેક્ટ શહેરની શહેરી વસ્તીને પોષાય તેવી, સલામત, સુરક્ષિત અને અવિરત પરિવહન પ્રણાલીની સતત ઉપલબ્ધતા પૂરી પાડશે. તેનાથી અકસ્માતો, પ્રદૂષણ, મુસાફરીનો સમય, ઉર્જાનો વપરાશ, અસામાજિક ઘટનાઓમાં ઘટાડો થશે અને શહેરી વિસ્તરણનું નિયમન થશે તેમજ ટકાઉક્ષમ વિકાસ માટે જમીનનો ઉપયોગ થશે.

 

પૃષ્ઠભૂમિ:

કાનપુરની ગણના ઉત્તરપ્રદેશના સૌથી મોટા શહેરોમાં થાય છે અને અંદાજે 41 લાખ લોકોની વસ્તી ધરાવે છે. તે ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેમજ મોટાપાયે ઔદ્યોગિક અને વ્યાપરિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર છે. શહેરીકરણ અને વાહનોના ટ્રાફિકમાં ઝડપથી થઈ રહેલી વૃદ્ધિના કારણે શહેરમાં જાહેર પરિવહન પ્રણાલી પર તણાવ વધ્યો છે અને તેના પરિણામે હવાની ગુણવત્તા પણ ખરાબ થઈ છે. આવી પરિસ્થિતિમાં, કાનપુરમાં જાહેર પરિવહન પ્રણાલી વધુ મજબૂત કરવી આવશ્યક છે અને મેટ્રો રેલ પ્રોજેક્ટથી આ જરૂરિયાત સંતોષી શકાશે. આ પ્રોજેક્ટને મંજૂરી આપતી વખતે કેબિનેટે એવો પણ ભાર મૂક્યો હતો કે કાનપુરમાં મેટ્રો પ્રોજેક્ટની મંજૂરીના એક વર્ષમાં શહેર બસ સેવા પણ વધુ મજબૂત થવી જોઈએ.

 

RP



(Release ID: 1566834) Visitor Counter : 238