પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રજાસત્તાક કોરિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન

Posted On: 22 FEB 2019 10:29AM by PIB Ahmedabad

આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી મૂન-જે-ઇન,

 

નામાંકિત પ્રતિનિધિઓ,

 

મિત્રો,

આનયોંગ

હા-સેયો!

નમસ્કાર!

 

કોરિયા આવવાના નિમંત્રણ માટે, અને અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે, હું રાષ્ટ્રપતિ મૂનનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે, અને જ્યારે હું પ્રધાનમંત્રી નહોતો બનેલો, ત્યારથી મારું માનવાનું રહ્યું છે કે ભારતના વિકાસ માટે, કોરિયાનું મોડલ કદાચ સૌથી વધુ અનુકરણીય છે. કોરિયાની પ્રગતિ ભારત માટે પ્રેરણાનો સ્રોત છે. અને એટલા માટે કોરિયાની યાત્રા કરવી એ મારા  માટે હંમેશા પ્રસન્નતાનો વિષય રહ્યો છે.

 

મિત્રો,

ગયા વર્ષે જુલાઈમાં અમને રાષ્ટ્રપતિ મૂનનું ભારતમાં સ્વાગત કરવાનો અવસર મળ્યો હતો. ઇસ્ટ એશિયા સમિટ અને જી-20 સમિટ વખતે પણ અમારી મુલાકાતો થઈ. મેં અનુભવ કર્યો છે કે ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી અને કોરિયાની ન્યુ સધર્ન પોલીસીનો તાલમેળ અમારી વિશેષ વ્યુહાત્મક ભાગીદારીને વધુ ઊંડાણ અને મજબૂતી આપવા માટે સુદ્રઢ મંચ આપી રહ્યા છે.

 

ઇન્ડો-પેસિફિકના સંબંધમાં ભારતનું વિઝન સમાવેશીતા, આસિયાનની કેન્દ્રીયતા અને પારસ્પરિક સમૃદ્ધિ પર વિશેષ ભાર મુકે છે. આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ભારત અને કોરિયા પારસ્પરિક મુલ્યો અને હિતોના આધાર પર, સંપૂર્ણ ક્ષેત્ર અને વિશ્વના લાભ માટે સાથે મળીને કામ કરી શકે છે.

 

અને મને ખુશી છે કે ગયા વર્ષે રાષ્ટ્રપતિજીની ભારત યાત્રા પછી ખુબ ટૂંકા સમયમાં અમે અમારા સંબંધોમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. આ પ્રગતિ અને ભવિષ્યમાં અમારા સંબંધોનો રોડમેપ, લોકો, શાંતિ અને સમૃદ્ધિના અમારા પારસ્પરિક દ્રષ્ટિકોણ પર આધારિત છે.

 

મિત્રો,

ગયા અઠવાડિયે ભારતમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ, રાષ્ટ્રપતિ મૂનના સંવેદના અને સમર્થનયુક્ત સંદેશ માટે અમે તેમના આભારી છીએ. અમે આતંકવાદ વિરુદ્ધ અમારા દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ અને સમન્વયને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

 

આજે ભારતના ગૃહ મંત્રાલય અને કોરિયાની રાષ્ટ્રીય પોલીસ એજન્સીની વચ્ચે સંપન્ન થયેલ એમઓયુ અમારા આતંકવાદ વિરોધી સહયોગને વધુ આગળ વધારશે. અને હવે સમય આવી ગયો છે કે વૈશ્વિક સમુદાય પણ વાતોથી આગળ વધીને, આ સમસ્યાના વિરોધમાં એકત્ર થઇને કાર્યવાહી કરે.

 

મિત્રો,

ભારતના આર્થિક પરિવર્તનમાં અમે કોરિયાને મૂલ્યવાન ભાગીદાર માનીએ છીએ.

અમારા વેપાર અને રોકાણના સંબંધો વધી રહ્યા છે. આજે રાષ્ટ્રપતિ મૂન અને મેં 2030 સુધી અમારા દ્વિપક્ષીય વ્યાપારને વધારીને 50 બિલીયન ડોલર સુધી લઇ જવાના લક્ષ્ય પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પુનરુચ્ચારણ કર્યું છે.

 

માળખાગત બાંધકામ, બંદર વિકાસ, દરિયાઈ (મરીન) અને ખાદ્ય પ્રક્રિયા, સ્ટાર્ટ અપ અને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં અમે અમારો સહયોગ વધારવા ઉપર સહમત થયા છીએ.

 

અમારી વધતી પારસ્પરિક ભાગીદારીમાં રક્ષા ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેનું એક ઉદાહરણ ભારતીય ભૂમિ દળ સેનામાં કે-9 “વજ્ર” આર્ટીલરી ગનને સામેલ કરવાના કિસ્સામાં જોઈ શકાય છે.

 

રક્ષા ઉત્પાદનમાં આ ઉલ્લેખનીય સહયોગને આગળ વધારવા માટે અમે સંરક્ષણ ટેકનોલોજી અને સહ-ઉત્પાદન પર એક રોડમેપ બનાવવા માટે પણ સહમતિ સાધી છે. અને તે અંતર્ગત અમે ભારતમાં બનાવવામાં આવી રહેલા સંરક્ષણ ઔદ્યોગિક કોરીડોરમાં કોરીયન કંપનીઓની ભાગીદારીનું પણ સ્વાગત કરીશું.

 

મિત્રો,

ગયા વર્ષે નવેમ્બરમાં અયોધ્યામાં આયોજિત ‘દીપોત્સવ’ મહોત્સવમાં પ્રથમ મહિલા કીમની મુખ્ય અતિથિના રૂપમાં ભાગીદારી એ અમારા માટે સન્માનનો વિષય હતો. તેમની યાત્રા વડે હજારો વર્ષોના અમારા સાંસ્કૃતિક સંબંધો પર એક નવો પ્રકાશ પડ્યો અને નવી પેઢીમાં ઉત્સુકતા અને જાગૃતતાનું વાતાવરણ નિર્માણ પામ્યું.

 

અમારા ઐતિહાસિક લોકોના લોકો સાથેના સંબંધોને હજુ વધારે મજબૂત કરવા માટે અમે ભારતમાં કોરિયાના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી જ શરુ કરી નાખી છે.

કોરિયા દ્વારા ભારતના નાગરિકો માટે ગ્રુપ વિઝાના સરળીકરણના નિર્ણયનું હું સ્વાગત કરું છું. તેનાથી અમારા દ્વિપક્ષીય પ્રવાસનનો વિકાસ થશે.

 

મારી આ કોરિયા યાત્રા એવા અગત્યના વર્ષમાં થઇ રહી છે જ્યારે મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. અને કોરિયામાં લોકશાહીના આંદોલનનો શતાબ્દી સમારોહ પણ ઉજવવામાં આવી રહ્યો છે.


અમારા મહાત્મા ગાંધી સ્મરણોત્સવ સંગ્રહ માટે રાષ્ટ્રપતિ મૂન દ્વારા લખવામાં આવેલ શ્રદ્ધાંજલિ માટે હું તેમનો આભારી છું.

 

મિત્રો,

આજે કોરિયાઈ પ્રાયદ્વિપમાં જે શાંતિ અને સ્થિરતા આપણને જોવા મળે છે તેનો શ્રેય રાષ્ટ્રપતિ મૂનના અથાક પ્રયાસોને જાય છે, તેમના દ્રઢ વિશ્વાસ અને ધીરજ માટે હું તેમનું અભિવાદન કરું છું.

 

અને કોરિયાઈ પ્રાયદ્વીપમાં સ્થાયી શાંતિ માટે ભારતના સંપૂર્ણ સહયોગની વચનબદ્ધતાનું પુનરુચ્ચારણ કરું છું. આજે બપોરે સિઓલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરવો એ મારા માટે ઘણા મોટા સન્માનનો વિષય હશે.

 

હું આ સન્માન મારી અંગત ઉપલબ્ધિઓના રૂપમાં નહિ પરંતુ ભારતની જનતા માટે કોરિયાની જનતાની સદભાવના અને સ્નેહના પ્રતિકના રૂપમાં સ્વીકાર કરીશ. મને અને મારા પ્રતિનિધિમંડળના કરવામાં આવેલા સ્નેહપૂર્ણ સ્વાગત અને આતિથ્ય-સત્કાર માટે હું રાષ્ટ્રપતિ મૂન, કોરિયાઈ સરકાર અને કોરિયાઈ જનતાનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું.

 

ખમ્સા-હમ-નિદા

આભાર!

 

J.Khunt



(Release ID: 1566219) Visitor Counter : 174