ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગુરૂવારે થયેલા પુલવામા હુમલાના પગલે સંસદના બંને ગૃહોના સર્વપક્ષીય નેતાઓની બેઠક યોજાઈ


આતંકવાદને સરહદપારથી મળતા સમર્થનની નિંદાનો ઠરાવ બેઠકમાં સર્વસંમતિથી સ્વીકારાયો

શ્રી રાજનાથસિંહે કહ્યું, સરકાર આતંકવાદને ધરમૂળમાંથી ખતમ કરવા મક્કમ

Posted On: 16 FEB 2019 3:54PM by PIB Ahmedabad

પુલવામામાં ગુરુવારે થયેલા આતંકવાદી હુમલાને પગલે આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહે સંસદના બંને ગૃહનાં સર્વપક્ષીય નેતાઓ સાથેની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઈકાલે તેમની શ્રીનગર મુલાકાત વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, સુરક્ષાદળોનું મનોબળ ઘણું મજબૂત છે અને આતંકવાદ વિરુદ્ધ કોઈપણ તાર્કિક નિષ્કર્ષ સુધી સતત લડવા માટે તેમણે મક્કમતા દાખવી છે. તેમણે કહ્યું કે, સરકારે આતંકવાદીઓ અને તેમના ગુનામાં ભાગીદારોનો સામનો કરવા માટે સુરક્ષાદળોને સુંપૂર્ણ છુટ આપી છે. સરકારે શરૂઆતથી જ આતંકવાદ વિરુદ્ધ જરાય પણ ન સાંખી લેવાની નીતિ અનુસરી છે. 14 ફેબ્રુઆરીએ થયેલો કાયરતાપૂર્ણ હુમલો આતંકીઓમાં ભારે નિરાશા હોવાનું પ્રતિત કરે છે.

શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં ખૂબ મોટી સંખ્યામાં શાંતિપ્રિય લોકો છે પરંતુ રાજ્યમાં કેટલાક ચોક્કસ તત્વો સરહદપારથી સંચાલિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા સુરક્ષાદળોએ આપેલું બલિદાન જરાય એળે નહીં જાય અને આતંકવાદ સામેની તેમની લડતમાં સમગ્ર દેશ એકજૂટ છે, સરકાર આપણી ભૂમિ પરથી આતંકવાદને ધરમૂળમાંથી ખતમ કરવા માટે મક્કમ છે, આ બેઠકે વૈશ્વિક સમુદાયને સંદેશો આપ્યો છે કે, રાષ્ટ્રહિતની બાબતોમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશનો એક જ સૂર છે.

શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, શહીદોના પરિવારજનોને કેન્દ્ર દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવશે, અમે રાજ્યોને પણ અપીલ કરીએ છે કે તેમને સંભવ હોય તેવી મહત્તમ મદદ કરે.

તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ સરકારના સમર્થનમાં આવ્યા હતા અને આ બાબતે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. બેઠકમાં પ્રસ્તાવ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ઠરાવનો મૂળપાઠ આ મુજબ છે:

 જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના 40 જાંબાજ જવાનોનો જીવ લેનારા કાયરતાપૂર્ણ આતંકી કૃત્યની અમે કઠોર નિંદા કરીએ છીએ. અમે અમારા તમામ દેશબંધુઓની સાથે છીએ અને દુઃખના આ સમયમાં તેમના પરિવારની પડખે ઉભા છીએ.

અમે તમામ પ્રકારના આતંકવાદ અને સરહદપારથી તેને આપવામાં આવતા સમર્થનની નિંદા કરીએ છીએ.

છેલ્લા ત્રણ દસકાથી ભારત સરહદપારથી થતા આતંદવાદનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં, ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને સરહદપારની તકતો દ્વારા પણ સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પડકારનો સામનો કરવા માટે ભારતે મક્કમતા અને સામર્થ્ય બંને દાખવ્યા છે. આ પડકારો સામેની લડતમાં સમગ્ર દેશ એક સૂરમાં પોતાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કરે છે. આજે, આતંકવાદ સામે આપણા સુરક્ષાદળોની લડતમાં અને ભારતની એકતા તેમજ અખંડતાના રક્ષણમાં અમે એક થઈને સાથે ઉભા છીએ.

આ બેઠકમાં કોંગ્રેસ, AIADMK, NCP, TDP, SP, AITC, AAP, BSP, BJD, LJP, RLSP, INLD, CPI (M), CPI, RJD, SAD, IUML, RPI (A), JKNC, NPF અને TRSના નેતાઓએ ભાગ લીધો હતો. સાથે કેન્દ્રીય  સંસદીય બાબતો, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ખાણમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

J.Khunt/RP



(Release ID: 1564883) Visitor Counter : 318


Read this release in: English , Urdu , Hindi , Marathi