પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેટ્રોટેક - 2019નું ઉદઘાટન કર્યું; ઊર્જાને સામાજિક-આર્થિક વૃદ્ધિનું મુખ્ય પ્રેરક પરિબળ ગણાવ્યું

ઓઇલ અને ગેસ માટે પારદર્શક અને અનુકૂળ બજારોની સાથે જવાબદાર કિંમતની જરૂરઃ પ્રધાનમંત્રી

ઊર્જાનાં સમાન વિતરણનાં યુગનાં પ્રારંભમાં ભારતનું યોગદાન નોંધપાત્ર છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વાદળી જ્યોતની ક્રાંતિ ચાલી રહી છે. એલપીજીનો વ્યાપ 90 ટકાથી વધારે થઈ ગયો છે

Posted On: 11 FEB 2019 2:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં ભારતની મુખ્ય હાઇડ્રોકાર્બન પરિષદ પેટ્રોટેક – 2019ની 13મી એડિશનનું ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પોતાનાં પ્રારંભિક સંબોધનમાં ઊર્જાને સામાજિક-આર્થિક વૃદ્ધિનું મુખ્ય પ્રેરક પરિબળ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વાજબી કિંમતે, ઊર્જાનો સતત અને સ્થિર પુરવઠો અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ માટે આવશ્યક છે. તેનાથી આર્થિક લાભોની સાથે સમાજનાં ગરીબ અને વંચિત વર્ગોને મદદ મળે છે.

ઊર્જાનો ઉપભોગ પશ્ચિમમાંથી પૂર્વનાં દેશોમાં વધ્યો છે એમ જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શેલ ક્રાંતિ પછી અમેરિકા વિશ્વમાં ઓઇલ અને ગેસનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો, જોકે સસ્તી પુનઃપ્રાપ્ય ઊર્જા, ટેકનોલોજી અને ડિજિટલ ઉપયોગિતાઓ વચ્ચે સમન્વયનાં સંકેતો જોવા મળી રહ્યાં છે, જેનાથી સ્થિર વિકાસનાં ઘણા લક્ષ્યાંકો ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે જવાબદાર કિંમત તરફ આગળ વધવાની તાતી જરૂર છે, જે ઉત્પાદક અને ઉપભોક્તા એમ બંનેનાં હિતો વચ્ચે સંતુલન જાળવશે. આપણે ઓઇલ અને ગેસ એમ બંનેનાં પારદર્શક અને અનુકૂળ બજારો તરફ અગ્રેસર થવાની જરૂર છે. પછી જ આપણે મહત્તમ રીતે માનવજાતની ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ.

જળવાયુ પરિવર્તનનાં પડકારને ઝીલવા હાથ મિલાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયને યાદ અપાવતાં તેમણે કહ્યું હતું કે, પેરિસમાં સીઓપી-21 દરમિયાન આપણે આપણા માટે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, જેને આપણે પ્રાપ્ત કરી શકીશું. આ સંદર્ભમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે પોતાની કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા ઝડપથી હરણફાળ ભરી છે.

પ્રધાનમંત્રીએ ઊર્જા ક્ષેત્રમાં યોગદાન અને ભવિષ્યનાં વિઝન માટે મહામહિમ ડૉ. સુલતાન અલ ઝેબરને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી 4.0 દ્વારા નવી ટેકનોલોજી અને પ્રક્રિયાઓ સાથે ઉદ્યોગોમાં કામગીરી કરવાની પદ્ધતિમાં પરિવર્તન થશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે કંપનીઓની કાર્યદક્ષતા વધારવા, સલામતી વધારવા અને ખર્ચ ઘટાડવા નવીનત્તમ ટેકનોલોજી અપનાવી છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, લોકોને ઊર્જાનો સ્વચ્છ, વાજબી, સ્થિર અને સમાન પુરવઠો સાર્વત્રિક રીતે સુલભ કરાવવો જોઈએ, કારણ કે આપણે ઊર્જાની વિશાળ ઉપલબ્ધતાનાં યુગમાં પ્રવેશ કર્યો છે. પણ દુનિયાનાં એક અબજથી વધારે લોકો હજુ પણ વીજળીની સુલભતા ધરાવતાં નથી. અનેક લોકોને સ્વચ્છ રાંધણ ગેસ સુલભ નથી, ભારતે ઊર્જા સુલભતાની આ સમસ્યાઓનું સમાધાન કરવામાં નેતૃત્વ લીધું છે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને વર્ષ 2030 સુધીમાં દુનિયામાં બીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકશે તથા દુનિયામાં ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2040 સુધીમાં ઊર્જાની માગ વધીને બમણી થવાની અપેક્ષા હોવાથી અને ભારત ઊર્જા કંપનીઓ માટે આકર્ષક બજાર બની રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ડિસેમ્બર, 2016માં છેલ્લી પેટ્રોટેક પરિષદને યાદ કરી હતી, જેમાં તેમણે ભારતનાં ઊર્જાનાં ભવિષ્યનાં ચાર આધારસ્તંભો વિશે ઉલ્લેખ કર્યો હતો ઊર્જા સુલભતા, ઊર્જાદક્ષતા, ઊર્જાની સ્થિરતા અને ઊર્જાસુરક્ષા. ઊર્જાનું સમાન વિતરણ મુખ્ય ઉદ્દેશ પણ છે અને હવે ભારત માટે એ ટોચની પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું હતું કે, “આ માટે આપણે ઘણી નીતિઓ વિકસાવી છે અને એનો અમલ કર્યો છે. આ પ્રયાસોનાં પરિણામો જોવા મળે છે. આપણાં તમામ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પહોંચી છે.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે લોકો તેમની સહિયારી ક્ષમતામાં માનશે, ત્યારે તમામને ઊર્જા મળી શકશે.

અત્યારે વાદળી જ્યોતની ક્રાંતિચાલી રહી છે, એવી જાહેરાત કરીને પ્રધાનમંત્રીએ ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં થયેલા મોટાં સુધારા વિશે જણાવ્યું હતું કે,દેશમાં એલપીજીની પહોંચ 90 ટકાથી વધારે થઈ છે, જે પાંચ વર્ષ અગાઉ 55 ટકા હતી, અત્યારે ભારત દુનિયામાં ચોથી સૌથી મોટી રિફાઇનિંગ ક્ષમતા ધરાવે છે. તેનાથી વર્ષ 2030 સુધીમાં રિફાઇનિંગ ક્ષમતા આશરે 200 મિલિયન મેટ્રિક ટન સુધીની થઈ જશે.

તેમણે નોંધ્યું હતું કે, ભારત ગેસ આધારિત અર્થતંત્ર બનવા હરણફાળ ભરી રહ્યો છે. 16,000 કિલોમીટરથી વધારે લંબાઈ ધરાવતી ગેસ પાઇપલાઇનનું નિર્માણ થયું છે અને વધુ 11,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી ગેસ પાઇપલાઇનનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “400 જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે બિડનો દસમો રાઉન્ડ અને આપણી વસતિનાં 70 ટકા લોકોને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું કવરેજ પ્રાપ્ત થયું છે.

પેટ્રોટેક 2019માં ઓઇલ અને ગેસ ક્ષેત્રનાં દિગ્ગજો ઉપસ્થિત છે. સદીનાં છેલ્લાં 25 વર્ષ દરમિયાન પેટ્રોટેકે ઊર્જા ક્ષેત્રનાં પડકારોનો સામનો કરવાની ચર્ચા કરવા માટેનાં મંચ તરીકે કામ કર્યું છે. પેટ્રોટેક ઊર્જા ક્ષેત્રનાં ભવિષ્ય પર વિચાર કરવા માટેનું આદર્શ પ્લેટફોર્મ છે અને વૈશ્વિક સ્તરે ઊર્જા ક્ષેત્રમાં થઈ રહેલાં પરિવર્તનો, નીતિઓ અને નવીન ટેકનોલોજીઓનાં આગમનને પ્રતિબિંબિત કરવા માટે મંચ પ્રદાન કરશે, જે આ ક્ષેત્રમાં સ્થિરતા અને ભવિષ્યનાં રોકાણને પ્રભાવિત કરશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1563849) Visitor Counter : 187