મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને નામિબિયા તથા પનામાનાં ચૂંટણી વ્યવસ્થાપન એકમો વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે ભારત અને ઇલેક્શન કમિશન ઓફ નામિબિયા (ઈસીએન) તથા ઇલેક્શન ટ્રિબ્યુનલ ઓફ પનામા (ઇટીપી) વચ્ચે ચૂંટણીનાં વ્યવસ્થાપન અને વહીવટનાં ક્ષેત્રમાં સાથ-સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ) કરવાનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્ય વિશેષતાઓ:

આ સમજૂતી કરારમાં એવી પ્રમાણભૂત કલમો/જોગવાઈઓ સામેલ છે, જે મુખ્યત્વે ચૂંટણીનાં વ્યવસ્થાપન અને વહીવટનાં ક્ષેત્રમાં સાથસહકારને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, જેમાં ચૂંટણીની પ્રક્રિયાનાં સંગઠનાત્મક અને ટેકનિકલ વિકાસ વિશે જાણકારી અને અનુભવનું આદાનપ્રદાન કરવું, માહિતીનું આદાન-પ્રદાન કરવું, સંસ્થાગત ક્ષમતાઓનું નિર્માણ કરવું અને એને મજબૂત કરવી, કર્મચારીઓને તાલીમ આપવી, નિયમિત ચર્ચાવિચારણા વગેરેને પ્રોત્સાહન આપવાનું સામેલ છે.

અસરઃ

આ સમજૂતીકરાર દ્વિપક્ષીય સાથસહકારને પ્રોત્સાહન આપશે. એનું લક્ષ્યાંક ઇલેક્શન કમિશન ઓફ નામિબિયા (ઈસીએન) અને ઇલેક્શન ટ્રિબ્યુનલ ઓફ પનામા (ઇટીપી) માટે ટેકનિકલ સહાયતા/ક્ષમતાનું નિર્માણ કરવાનું છે. આ સમજૂતીમાં ચૂંટણીનાં વ્યવસ્થાપન અને વહીવટનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવાનો તથા એ દેશોમાં ચૂંટણી યોજવા સુધી સહાયતા ઉપલબ્ધ કરાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. પરિણામસ્વરૂપે ભારતનાં આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહન મળશે.

પૃષ્ઠભૂમિઃ

ચૂંટણી પંચ કેટલાંક દેશો અને સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીને દુનિયાભરમાં ચૂંટણી સાથે સંબંધિત બાબતો અને ચૂંટણીની પ્રક્રિયાઓનાં ક્ષેત્રમાં સાથસહકારને પ્રોત્સાહન આપે છે. ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે, જે દુનિયામાં સૌથી મોટી ચૂંટણીઓનું આયોજન કરે છે. ચૂંટણી પંચની એ જવાબદારી છે કે, તે જુદી જુદી સામાજિક-રાજકીય અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા લગભગ 85 કરોડ મતદાતાઓનાં દેશમાં સ્વતંત્ર અને તટસ્થ ચૂંટણીનું આયોજન કરે. ભારતમાં લોકશાહીની સફળતાએ દુનિયાભરની લગભગ દરેક રાજકીય વ્યવસ્થાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

ઉત્કૃષ્ટતા હાંસલ કરવાનાં પ્રયાસોમાં ચૂંટણી પંચ ચૂંટણી અને એની સાથે સંબંધિત બાબતોમાં દ્વિપક્ષીય સંબંધ સ્થાપિત કરવાનાં ઉદ્દેશ સાથે વિદેશી ચૂંટણી એકમો તરફથી વિવિધ પ્રસ્તાવ પ્રાપ્ત કરે છે. ચૂંટણી પંચે ચૂંટણીનાં વ્યવસ્થાપન અને વહીવટનાં ક્ષેત્રનાસંબંધમાં ઇલેક્શન કમિશન ઓફ નામિબિયા (ઇસીએન) અને ઇલેક્શન ટ્રિબ્યુનલ ઓફ પનામા (ઇટીપી)ની સાથે પોતાનાં સમજૂતી કરાર વિશે આ પ્રસ્તાવ કાયદા અને ન્યાય મંત્રાલય, વ્યવસ્થાપન વિભાગને મોકલ્યો છે.

 

J.Khunt/RP



(Release ID: 1563443) Visitor Counter : 136