પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિની ઉજવણીના ઉપક્રમે સ્મારક સિક્કો પ્રસિદ્ધ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
13 JAN 2019 12:36PM by PIB Ahmedabad
વાહે ગુરુજી કા ખાલસા... વાહે ગુરુજી કી ફતેહ!!
દેશના જુદા-જુદા ખૂણેથી અહિં પધારેલા આપ સૌ મહાનુભવોનું હું સ્વાગત કરું છું. આપ સૌને, સમગ્ર દેશને લોહરીની લાખ લાખ વધામણી. ખાસ કરીને મારા આપણા દેશના અન્નદાતા સાથીઓની માટે પાકની લણણીની આ ઋતુ અનંત ખુશીઓને લઈને આવે તેવી મંગળકામના કરું છું.
સાથીઓ, આજે ગુરુ ગોવિંદ સિંહ મહારાજનું પ્રકાશ પર્વ દેશ ઉજવી રહ્યું છે. ખાલસા પંથના સર્જનહાર, માનવતાના પાલનહાર, ભારતીય મૂલ્યોની માટે સમર્પિત ગુરુ ગોવિંદ સિંહજીને હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશોત્સવ પર્વ પર આપ સૌ સાથીઓની સાથે-સાથે, દેશ અને દુનિયાભરમાં શીખ પંથ સાથે જોડાયેલા અને ભારતીય સંસ્કૃતિની માટે સમર્પિત લોકોને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, ગયું વર્ષ આપણે ગુરુ ગોવિંદ સિંહજી મહારાજની 350મી જન્મ જયંતિ વર્ષના રૂપમાં ઉજવ્યું હતું. શીખ પંથના આ મહત્વપૂર્ણ અવસરને વધુ યાદગાર બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી મને એક 350 રૂપિયાનો સ્મૃતિ સિક્કો દેશવાસીઓને સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે.
આમ તો ગુરુ ગોવિંદ સિંહજીનો સિક્કો આપણા લોકોના દિલો પર સેંકડો વર્ષોથી લાગેલો રહ્યો છે અને આગળ પણ અનેક હજારો વર્ષો સુધી ચાલતો રહેવાનો છે. એટલા માટે જેમનું કર્તૃત્વ એક મૂલ્ય બનીને આપણા જીવનને ચલાવતું રહ્યું છે, આપણને લોકોને પ્રેરણા આપતું રહ્યું છે, તેને હંમેશા યાદ રાખવાનો આપણે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. આ તેમના પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો એક નાનકડો પ્રયાસ માત્ર છે અને તેની માટે અમે સૌ એક સંતોષની લાગણીનો અનુભવ કરીએ છે.
સાથીઓ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના વ્યક્તિત્વમાં અનેક બાબતોનો સંગમ હતો. તેઓ ગુરુ તો હતા જ, પરંતુ સાથે શ્રેષ્ઠ ભક્ત પણ હતા.
તેઓ જેટલા સારા યોદ્ધા હતા તેટલા જ ઉત્તમ કવિ અને સાહિત્યકાર પણ હતા. અન્યાયની વિરુદ્ધ તેમનું જેટલું કડક વલણ હતું, તેટલો જ શાંતિ માટે આગ્રહ પણ હતો.
માનવતાની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, તેમના સર્વોચ્ચ બલિદાનથી દેશ અને દુનિયા પરિચિત છે.
ઇન પૂત્રન કે કારણ, વાર દીએ સુત ચાર ।
ચાર મુએ તો ક્યા હુઆ, જીવિત કઈ હજાર ।।
હજારો સંતાનોની રક્ષા માટે પોતાના સંતાનોને, પોતાના જ વંશનું બલિદાન જેણે આપી દીધુ. રાષ્ટ્રની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, ત્યાગ અને બલિદાનનું આનાથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે છે.
સાથીઓ, વીરતાની સાથે તેમની જે ધીરતા હતી, ધૈર્ય હતું, તે અદભૂત હતું. તેઓ સંઘર્ષ કરતા હતા પરંતુ ત્યાગની પરાકાષ્ઠા અભૂતપૂર્વ હતી. તેઓ સમાજમાં બદીઓની વિરુદ્ધ લડતા હતા. ઊંચ નીચનો ભાવ, જાતિવાદનું ઝેર, તેના વિરુદ્ધ પણ ગુરુ ગોવિંદ સિંહજીએ સંઘર્ષ કર્યો હતો. આ જ બધા મૂલ્યો નવા ભારતના નિર્માણના મૂળમાં રહેલા છે.
સાથીઓ, ગુરુ સાહેબે જ્ઞાનને કેન્દ્રમાં રાખીને ગુરુ ગ્રંથ સાહિબના દરેક શબ્દને જીવન મંત્ર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે ગુરુ ગ્રંથ સાહિબ જ, તેનો દરેક શબ્દ, તેનું દરેક પાનું, આવનારા યુગો સુધી આપણને પ્રેરણા આપતું રહેશે. આગળ જતા જ્યારે પંચ પ્યારે અને ખાલસા પંથની રચના થઇ, તેમાં પણ સમગ્ર ભારતને જોડવાનો તેમનો પ્રયાસ હતો.
ખાલસા પંથનો વિકાસ ગુરુ સાહેબના લાંબા સમયના ગહન ચિંતન મનન અને અધ્યયનનું પરિણામ હતું. તેઓ વેદ, પુરાણ અને અન્ય પ્રાચીન ગ્રંથોના જાણકાર હતા. ગુરુ સાહેબને ગુરુ નાનક દેવથી લઈને ગુરુ તેગ બહાદુર સુધી શીખ પંથની પરંપરા, મોગલ શાસન દરમિયાન શીખ પંથ સાથે જોડાયેલી ઘટનાઓની વ્યાપક જાણકારી તેમને હતી. દેશ સમાજમાં ઘટી રહેલી દરેક ઘટના પર તેમણે પોતાના વિચાર રજૂ કર્યા.
સાથીઓ, તમારામાંથી અનેક લોકોએ ‘શ્રી દસમગ્રંથ સાહેબ’ વાંચ્યો હશે. ભાષા અને સાહિત્ય પર જે તેમની પકડ રહી હતી તે અદભૂત છે. જીવનના દરેક રસનું વ્યાખ્યાનએ રીતે કરવામાં આવ્યું છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ સ્પર્શી જાય છે. અલંકાર હોય, પદશૈલી હોય, છંદ હોય, પ્રવાહ હોય, મંત્રમુગ્ધ કરનારું છે. ભારતીય ભાષાઓને લઈને તેમની જાણકારી અને તેમનો મોહ અતુલનીય હતો.
સાથીઓ, ગુરુ ગોવિંદ સિંહજીનું કાવ્ય ભારતીય સંસ્કૃતિના તાણાવાણા, આપણા જીવન દર્શનની સરળ અભિવ્યક્તિ છે. જેવું તેમનું વ્યક્તિત્વ બહુઆયામી હતું, તેવું જ તેમનું કાવ્ય પણ અનેક બીજા વિવિધ વિષયોને સમાહિત કરનારુ છે. સાહિત્યના અનેક જાણકાર તો તેમને સાહિત્યકારોના પ્રેરક અને પોષક પણ માને છે.
સાથીઓ, કોઇપણ દેશની સંસ્કૃતિ તેની મહિમાને ઉજ્જવળ કરે છે. નિખારે છે. એવામાં સંસ્કૃતિને સમૃદ્ધ કરવી અને તેનો પ્રચાર પ્રસાર કરવો એ હંમેશાથી દુનિયાની શક્તિશાળી સભ્યતાઓની પ્રાથમિકતામાં રહ્યું છે. આ જ પ્રયત્ન વીતેલા સાડા 4 વર્ષોથી અમારી સરકાર કરી રહી છે.
ભારતની પાસે જે સાંસ્કૃતિક અને જ્ઞાનની વિરાસત છે, તેને દુનિયાના ખૂણે-ખૂણા સુધી પહોંચાડવાનો વ્યાપક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યોગથી લઈને આયુર્વેદ સુધી પોતાની પ્રતિષ્ઠાને પુનઃ પ્રસ્થાપિત કરવામાં દેશ સફળ થયો છે. આ કામ સતત ચાલુ જ છે.
સાથીઓ, વૈશ્વિક આરોગ્ય, સમૃદ્ધિ અને શાંતિને લઈને આપણા ઋષિઓ, મુનિઓ અને ગુરુઓએ જે સંદેશ આપ્યો તે સંદેશ વડે દુનિયા લાભાન્વિત થાય, તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરુ ગોવિંદ સિંહજીનું 350મું પ્રકાશપર્વ તો આપણે ઉજવ્યું જ, હવે ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતિના સમારોહોની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે અમને હમણાં કેટલાક દિવસોથી પાવન અવસરો સાથે જોડાવાનું સૌભાગ્ય ખાસ કરીને મળ્યું છે.
સરકારે નિર્ણય લીધો છે કે આ પ્રકાશોત્સવ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો ઉજવવામાં આવશે જ, સમગ્ર વિશ્વમાં આપણા દુતાવાસોમાં પણ આ સમારોહનું આયોજન કરવામાં આવશે.
એટલું જ નહીં, તમે એ પણ ખૂબ સારી રીતે જાણો છો કે હવે કેન્દ્ર સરકારના અથાક અને અભૂતપૂર્વ પ્રયાસ વડે કરતારપુર કૉરીડોર બનવા જઈ રહ્યો છે. હવે ગુરુ નાનકના ચિંધેલા માર્ગ પર ચાલનાર દરેક ભારતીય, દરેક શીખ, દૂરબીનના બદલે પોતાની આંખો વડે નારોવાલ જઈ શકશે અને વિઝા વગર જ ગુરુદ્વારા દરબાર સાહેબના દર્શન પણ કરી શકશે.
ઓગસ્ટ 1947માં જે ભૂલ થઇ હતી, આ તેનું પ્રાયશ્ચિત છે. આપણા ગુરુનું સૌથી મહત્વપૂર્ણ સ્થળ માત્ર કેટલાક જ કિલોમીટર દૂર હતું, પરંતુ તેને પણ આપણી સાથે ન લેવામાં આવ્યું. આ કૉરીડોર તે નુકસાનને ઓછું કરવાનો એક પ્રમાણિક પ્રયાસ છે.
સાથીઓ, ગુરુ ગોવિંદ સિંહજી હોય કે પછી ગુરુ નાનક દેવજી, આપણા દરેક ગુરુએ ન્યાયની સાથે ઉભા રહેવાની શિક્ષા આપી છે. તેમના દર્શાવેલા માર્ગ પર ચાલીને આજે કેન્દ્ર સરકાર 1984માં શરુ થયેલા અન્યાયના સમયને ન્યાય સુધી પહોંચાડવામાં લાગેલી છે. દાયકાઓ સુધી માતાઓએ, બહેનોએ, દીકરા દીકરીઓએ, જેટલા આંસુ વહાવ્યા છે, તેમને લૂછવાનું કામ, તેમને ન્યાય અપાવવાનું કામ હવે કાયદો કરશે.
સાથીઓ, આજના આ પવિત્ર દિવસ ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના દેખાડેલા 11 સૂત્રીય માર્ગ પર ચાલવાનો ફરીથી સંકલ્પ લેવાની જરૂર છે. આજે જ્યારે ભારત એક સશક્ત રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થવાની રાહ પર ચાલી નીકળ્યું છે, ત્યારે ભારતની ભાવનાને વધુ સશક્ત કરવાની જરૂર છે.
મને વિશ્વાસ છે કે, આપણે સૌ ગુરુજીના બતાવેલા માર્ગ વડે નવા ભારતના આપણા સંકલ્પને વધુ મજબૂત કરીશું.
એક વાર ફરી આપ સૌને પ્રકાશ પર્વની શુભેચ્છાઓ. તમારી માટે નવું વર્ષ અઢળક ખુશીઓ લઈને આવે, એ જ કામના સાથે-
જો બોલે, સો નિહાલ!... સત શ્રી અકાલ!
RP
(Release ID: 1559924)
Visitor Counter : 847