માહિતી અને પ્રસારણ મંત્રાલય

આલોક કુમાર વર્માને સીબીઆઈના નિદેશક અને રાકેશ અસ્થાનાને વિશેષ નિદેશકની જવાબદારીમાંથી મુક્ત કરાયા


એમ. નાગેશ્વર રાવ, સીબીઆઈના નિદેશક તરીકેની જવાબદારી સંભાળશે

Posted On: 24 OCT 2018 2:33PM by PIB Ahmedabad

કેન્દ્રિય સતર્કતા આયોગે (Central Vigilance Commission-CVC) સીબીઆઈના સિનિયર અધિકારીઓને તેમની સામેના વિવિધ આરોપોના સંદર્ભમાં તા. 24 ઓગસ્ટ, 2018ના રોજ મળેલી ફરિયાદના આધારે સીબીઆઈના નિદેશકને 11 સપ્ટેમ્બર, 2018ના રોજ 3 અલગ-અલગ નોટિસ મોકલાવી હતી (સીવીસી કાયદા, 2003ની કલમ 11 હેઠળ) અને તા. 14 સપ્ટેમ્બર, 2018ના રોજ આયોગ સમક્ષ સંબંધિત ફાઈલો અને દસ્તાવેજો લઈને આયોગ સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. સીબીઆઈના નિદેશકને આ રેકર્ડ રજૂ કરવા માટે ઘણી તકો આપવામાં આવી હતી અને અનેક મુદતો પછી, સીબીઆઈએ તા. 24 સપ્ટેમ્બર, 2018ના રોજ 3 સપ્તાહમાં રેકર્ડ/ફાઈલો રજૂ કરવા માટે મુદત  આપી હતી. વારંવાર મુદત  અને ચેતવણી આપવા છતાં સીબીઆઈના નિદેશક  આયોગ સમક્ષ રેકર્ડ/ફાઈલો  રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સીવીસીને એવું લાગ્યું કે સીબીઆઈના નિદેશક ગંભીર આરોપો સંબંધે માગવામાં આવેલા રેકર્ડ/ફાઈલો રજૂ કરવામાં સહકાર આપી રહ્યા નથી.

સીવીસીને એમ પણ લાગી રહ્યુ હતુ કે સીબીઆઈના નિદેશક આયોગને સહયોગ આપતા નથી અને  જરૂરિયાત/નિર્દેશોના પાલનમાં રસ દાખવતા નથી અને આયોગના કામકાજમાં જાણી જોઈને અવરોધ ઉભો કરી રહ્યા છે.

સીબીઆઈમાં ઉભી થયેલી અસાધારણ અને અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સતર્કતા આયોગે ડીપીએસઈ (સીબીઆઈ)ના કાર્યાલય પર તપાસના પોતાના અધિકારની રૂએ (સીવીસી કાયદા 2003ની કલમ 8 હેઠળ) સીબીઆઈના નિદેશક આલોક કુમાર વર્માને અને સીબીઆઈના વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાને કામકાજ, અધિકાર, જવાબદારી અને અગાઉથી નોંધાયેલા કેસમાં તપાસ કરવાની ભૂમિકામાંથી મુક્ત કરવાનો આદેશ, ભ્રષ્ટાચાર નિયંત્રણ ધારા, 1988ની જોગવાઈઓ અનુસાર આપી દીધો છે અને તે નવો આદેશ મળે નહીં ત્યાં સુધી ચાલુ રહેશે.

ભારત સરકાર ઉપલબ્ધ દસ્તાવેજોની તપાસ અને મૂલ્યાંકન કર્યા પછી એ બાબતે સંતુષ્ઠ થઈ છે કે એવા અસાધારણ અને અભૂતપૂર્વ સંજોગો પેદા થયા છે કે જેમાં ડીપીએસઈ કાયદાની કલમ 4(2)ની જોગવાઈ મુજબ પ્રાપ્ત થયેલા અધિકારોની રૂએ મળેલી સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. ભારત સરકારે તેની સામે ઉપલ્બ્ધ કરાયેલા દસ્તાવેજોનુ મૂલ્યાંકન કરીને સમાનતા, નિષ્પક્ષતા અને કુદરતી ન્યાયના હિતમાં સીબીઆઈના નિદેશક આલોક કુમાર વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાને અનુક્રમે સીબીઆઈ નિદેશક અને સીબીઆઈના વિશેષ નિદેશક તરીકેની તેમની કામગીરી, સત્તા અને જવાબદારીમાંથી તથા તપાસ કરવાની ભૂમિકામાંથી મુક્ત કરી દીધા છે.

આ નિર્ણય વચગાળાની વ્યવસ્થા તરીકે કરવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ હાલની અસાધારણ અને અભૂતપૂર્વ પરિસ્થિતિ ઉભી કરનારા તમામ કેસમાં સીવીસીની તપાસ પૂરી થાય નહી ત્યા સુધી અને સીવીસી/સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવાય ત્યાં સુધી ચાલુ રહેશે.

ઉપર બતાવવામાં આવેલી પશ્ચાદભૂમિકાના સંદર્ભમાં કેબિનેટની નિમણુંક સમિતિએ સમર્થન આપ્યું છે કે આ વચગાળાની વ્યવસ્થાની મુદત દરમિયાન સીબીઆઈ નિદેશકની જવાબદારી અને કામકાજ કરવાની જવાબદારી સંયુક્ત નિદેશક શ્રી એમ. નાગેશ્વર રાવ તાત્કાલિક અસરથી સંભાળી લેશે.

 

NP/RP                                      



(Release ID: 1550678) Visitor Counter : 140


Read this release in: English , Marathi , Tamil