પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે દેશભરનાં આશા, એએનએમ અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 11 SEP 2018 2:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ દેશભરમાં ત્રણની ટીમ – આશા કાર્યકર્તા, આંગણવાડી કાર્યકર્તા અને એએનએમ (સહાયક નર્સ મિડવાઇફ)ને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું હતું. તેમણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા, આરોગ્ય અને પોષણ સેવાઓનો સુધારો કરવા અને દેશમાં કુપોષણ ઘટાડવા માટે પોષણ અભિયાનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સંયુક્તપણે કામ કરવાનાં એમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પાયાનાં આરોગ્ય કાર્યકર્તાઓનાં યોગદાનને બિરદાવ્યું હતું તથા મજબૂત અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં એમનાં પ્રયાસો માટે આભાર માન્યો હતો. આ વાર્તાલાપ સપ્ટેમ્બર મહિનાની પોષણ માહ તરીકેની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. પોષણ માહ દર વર્ષ સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દરેક કુટુંબ સુધી પોષણનો સંદેશ પહોંચાડવાનો છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પોષણ અભિયાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે, પોષણ માહની શરૂઆત રાજસ્થાનનાં ઝુંઝુંનૂમાંથી થઈ હતી, જેમાં સ્ટંટિંગ, એનિમિયા, કુપોષણ અને જન્મ સમયે ઓછા વજન જેવી સમસ્યાઓને ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ અભિયાનમાં મહત્તમ મહિલાઓ અને બાળકોને સાંકળવામાં આવે એ આવશ્યક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર પોષણ અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધા સાથે સંબંધિત પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રસીકરણનાં પ્રયાસો ઝડપથી વધી રહ્યાં છે, જે ખાસ કરીને મહિલાઓ અને બાળકોને મદદરૂપ થાય છે.

દેશભરનાં આરોગ્ય કાર્યકર્તાઓ અને લાભાર્થીઓએ પ્રધાનમંત્રીને પોતાનાં અનુભવો જણાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ત્રણ ની ટીમ – આશા, એએનએમ અને આંગણવાડી કાર્યકર્તાઓની મિશન ઇન્દ્રધનુષનો અસરકારક રીતે અમલ કરવા માટેની કટિબદ્ધતા અને પ્રયાસોને બિરદાવ્યાં હતાં તેમજ ત્રણ કરોડથી વધુ બાળકો અને 85 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીકરણ કવચ પ્રદાન કરવા માટે પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ આ બેઠક દરમિયાન સુરક્ષિત માતૃત્વ અભિયાન વિશે વધુ માહિતી પ્રસરાવવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ નવજાત બાળકની સારસંભાળની સફળતાની પણ પ્રશંસા કરી હતી, દર વર્ષે દેશભરનાં 1.25 મિલિયન બાળકો જેનો લાભ લે છે. એનું નામ બદલીને ઘર આધારિત બાળકની સારસંભાળ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આશા કાર્યકર્તા અગાઉ જન્મનાં પ્રથમ 42 દિવસમાં 6 મુલાકાત લેવાને બદલે હવે પ્રથમ 15 મહિનામાં 11 વાર મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીએ દેશનાં સ્વાસ્થ્ય અને વૃદ્ધિ વચ્ચેનાં સંબંધ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો દેશનાં બાળકો નબળાં હોય, તો એની વૃદ્ધિ પણ ધીમી થશે. કોઈપણ બાળક માટે જીવનના પહેલાં એક હજાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ દરમિયાન મળેલો પૌષ્ટિક ખોરાક, ખાણી-પીણીની આદતો એ નક્કી કરે છે કે તેનું શરીર કેવું બનશે, ભણવા- લખવામાં એ કેવું બનશે, માનસિક રીતે કેટલું મજબૂત હશે, જો દેશનો નાગરિક સારી રીતે પોષિત હશે, વિકસિત હશે તો દેશના વિકાસને કોઈ રોકી નહિ શકે. આ જ કારણોસર શરૂઆતના હજાર દિવસોમાં દેશના ભવિષ્યની સુરક્ષાનું એક મજબૂત તંત્ર વિકસિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

વળી એ પણ નોંધપાત્ર બાબત છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાનાં અહેવાલ મુજબ, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયોનો ઉપયોગ થવાથી દર વર્ષે 3 લાખ નિર્દોષ જીવન બચવાની સંભવિતતા છે. પ્રધાનમંત્રીએ ફરી એકવાર સ્વચ્છતા માટે દેશનાં નાગરિકોને તેમની કટિબદ્ધતા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારતની પ્રથમ લાભાર્થી બાળકી કરિશ્માનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે આયુષ્માન બેબી તરીકે પ્રસિદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, કરિશ્મા 10 કરોડથી વધારે પરિવારો માટે આશાનું પ્રતીક છે, જેમને ચાલુ મહિને 23મી તારીખે રાંચીથી શરૂ થનારી આયુષ્માન ભારત યોજનાનો લાભ મળવાનો છે.

પ્રધાનમંત્રીએ આશા કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર દ્વારા અપાતું નિયમિત ઇન્સેન્ટિવ બમણું કરવાની જાહેરાત પણ કરી હતી. ઉપરાંત આશાનાં તમામ કાર્યકર્તાઓ અને તેમનાં મદદનીશોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ નિઃશુલ્ક વીમાકવચ પ્રદાન કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આંગણવાડીનાં કાર્યકર્તાઓનાં માનદ્ વેતનમાં પણ નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી જેમને રૂ. 3000 મળતાં હતાં, તેમને હવે રૂ. 4500 મળશે. એ જ રીતે જે લોકોને રૂ. 2200 મળતાં હતાં એમને હવે રૂ. 3500 મળશે. આંગણવાડી મદદનીશો માટે માનદ્ વેતન પણ રૂ. 1500થી વધારીને રૂ. 2250 કરવામાં આવ્યું છે.

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1545760) Visitor Counter : 315