પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં; વલસાડનાં જુજવા ગામમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું

Posted On: 23 AUG 2018 1:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જોડાયાં હતાં અને પ્રધાનમંત્રીએ તેમાંથી કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ આ જ કાર્યક્રમમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને નોકરીના નિમણૂકપત્રોનું વિતરણ કર્યું હતું. આ યોજનાઓમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ વિકાસ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન સામેલ છે. આ ઉપરાંત એમણે મહિલા બેંક કોરસ્પોન્ડેન્ટને મિની-એટીએમનું વિતરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રક્ષાબંધનનો તહેવાર  આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને સંતોષ છે કે, આ પ્રસંગે એક લાખથી વધારે મહિલાઓને રક્ષાબંધનની ભેટ સ્વરૂપે તેમનાં નામે ઘર મળ્યાં છે. તેમણે કહ્યું હતું કે, નવું ઘર નવા સ્વપ્નો લઈને આવે છે અને એ સ્વપ્નોને સાકાર કરવા મહેનત કરવા માટે પરિવારનો નવો સહિયારો ઉત્સાહ જોવા મળે છે.

આજે ઇ-ગૃહપ્રવેશ દરમિયાન ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતા મકાનો જોઈને તેમણે કહ્યું હતું કે, કોઈ વચેટિયાઓ સંકળાયેલા ન હોવાથી જ આ શક્ય બન્યું છે. તેમણે કેન્દ્ર સરકારનું વર્ષ 2022 સુધી તમામને ઘરઆપવાનાં સ્વપ્નનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લાંબા સમયથી રાજકારણીઓને વૈભવી મકાનો મળવાની પ્રથા હતી, હવે ગરીબોને પોતાનું ઘરનું ઘર મળી રહ્યું છે અને આ પરિવર્તન આવ્યું છે.

પ્રધાનમંત્રીએ આજે જે અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત થયું તે યોજનાને ઇજનેરીનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાવતા જણાવ્યું હતું કે, પીવાનું સ્વચ્છ પાણી પૂરું પડવાને કારણે લોકોને વિવિધ પાણીજન્ય રોગોથી મુક્તિ મળશે.

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સરકાર ગરીબોને પોતાનું ઘરનું ઘર, વીજળી, પીવાનું સ્વચ્છ પાણી અને આરોગ્ય માટે લાભદાયી રાંધણ ગેસ પ્રદાન કરીને તેમનાં જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી રહી છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1543679) Visitor Counter : 220