પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની રવાન્ડાની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-રવાન્ડાનું સંયુક્ત નિવેદન

Posted On: 24 JUL 2018 11:45PM by PIB Ahmedabad
  1. ભારતનાં માનનીય પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ રવાન્ડા ગણરાજ્યનાં રાષ્ટ્રપતિ, મહામહિમ પૉલ કગામેનાં નિમંત્રણ પર 23-24 જુલાઈ, 2018નાં રોજ રવાન્ડા ગણરાજ્યની સત્તાવાર મુલાકાત કરી હતી. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ સામેલ હતું, જેમાં ભારત સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ હતાં. આ યાત્રામાં ભારતનું એક મોટું વેપારી શિષ્ટમંડળ પણ સામેલ હતું. આ કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની રવાન્ડાની પ્રથમ યાત્રા હતી.
  2. રાષ્ટ્રપતિ પૉલ કગામેએ વર્ષ 2017માં ભારતની સત્તાવાર યાત્રા કરી હતી તથા ત્યારબાદ ક્રમશઃ વાઇબ્રન્ટ ગુજરાત અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનાં સ્થાપના સંમેલનમાં ભાગ લીધો હતો. ભારતનાં ઉપરાષ્ટ્રપતિએ વર્ષ 2017માં રવાન્ડાનો પ્રવાસ કર્યો હતો.
  3. પ્રધાનમંત્રી મોદીનું તેમનાં આગમન થતા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ પૉલ કગામેની સાથે સ્ટેટ હાઉસ, કિગાલીમાં 23 જુલાઈ, 2018ને સોમવારનાં રોજ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીનાં સન્માનમાં એક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
  4. પ્રધાનમંત્રીનાં કાર્યક્રમમાં શિષ્ટમંડળ સ્તરની બેઠક, ભારતીય સમુદાય સાથે વાતચીત અને ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ (ફિક્કી) અને રવાન્ડા ડેવલપમેન્ટ બોર્ડ (આરડીબી) દ્વારા સંયુક્ત સ્વરૂપે આયોજિત એક વેપારી કાર્યક્રમને સંબોધિત કરવાનો કાર્યક્રમ સામેલ હતો. પ્રધાનમંત્રીએ ગિસોઝી નરસંહાર મેમોરિયલનો પ્રવાસ પણ કર્યો હતો અને તુત્સી વિરૂદ્ધ 1994નાં નરસંહાર પીડિતોનાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ 24 જુલાઈનાં રોજ કિગાલીની બહાર રવારુ આદર્શ ગામમાં ‘ગિરિન્કા કાર્યક્રમ’ એક પરિવાર, એક  ગાયની સામાજિક સંરક્ષણ યોજનામાં ભાગ લીધો હતો અને આ યોજનામાં ભારતનાં યોગદાન સ્વરૂપે ગાયોની ભેટ આપી હતી. આ ભેટની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
  5. બંને નેતાઓએ ચર્ચાવિચારણા દરમિયાન દ્વિપક્ષીય સહયોગનાં સંપૂર્ણ સમન્વ્યની સમીક્ષા કરી હતી અને વ્યૂહાત્મક ભાગીદારીનાં સમગ્ર સંદર્ભમાં રવાન્ડા અને ભારત વચ્ચે ઉત્કૃષ્ટ સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ એ તથ્ય પર પ્રકાશ પાડ્યો હતો કે, વર્ષ 2018માં આફ્રિકાનાં વિવિધ દેશોમાં 18 નવા નિવાસી ભારતીય મિશન ખુલશે, જેમાં સૌપ્રથમ મિશન રવાન્ડામાં ખુલશે. આ બાબત ભારતનાં રવાન્ડા સાથેનાં સંબંધનું મહત્ત્વ સૂચવે છે. રાષ્ટ્રપતિ પૉલ કગામેએ આ સંબંધોમાં આ નવા વિકાસલક્ષી પાસાંનું સ્વાગત કર્યું હતું. વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)નાં સ્થાપના સંમેલનમાં ભાગ લેવા બદલ રાષ્ટ્રપતિ કગામેની તાજેતરની ભારતની યાત્રાને યાદ કરીને પ્રધાનમંત્રી મોદીએ રવાન્ડા દ્વારા આઇએસએ પર ત્વરિત હસ્તાક્ષર અને મંજૂરીની પ્રશંસા કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ કગામેનાં નેતૃત્વમાં રવાન્ડા દ્વારા ઉલ્લેખનીય વિકાસ અને પરિવર્તનની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ 44 દેશો દ્વારા હસ્તાક્ષરિત થયેલા આફ્રિકા મહાખંડનાં મુક્ત વ્યાપાર ક્ષેત્ર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આફ્રિકા સંઘનાં અધ્યક્ષ સ્વરૂપે રાષ્ટ્રપતિ કગામેએ ભજવેલી ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તેમનાં નેતૃત્વમાં મહાખંડને આર્થિક એકીકરણનાં માર્ગે આગળ વધવામાં ઉચિત માર્ગદર્શન પ્રાપ્ત મળશે. તેમણે આફ્રિકા સંઘની સાથે સંબંધો મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
  6. રાષ્ટ્રપતિ કગામેએ રવાન્ડા સાથે અને વાસ્તવમાં આફ્રિકાનાં અન્ય દેશોની સાથે વિકાસ માટે સહયોગની પુષ્ટિ કરવા બદલ ભારતનો આભાર માન્યો હતો. હકીકતમાં રવાન્ડા અને આફ્રિકાનાં અન્ય દેશોએ એક્ઝિમ બેંકનાં માધ્યમ થકી ભારતીય લાઇન ઑફ ક્રેડિટ અંતર્ગત લગભગ 400 મિલિયન ડોલરની યોજનાઓ (જળવિદ્યુત, કૃષિ, કૌશલ્ય વિકાસ, માળખાગત સુવિધા), વિવિધ પ્રકારનાં અનુદાનથી ચાલતી યોજનાઓ (વીટીસી, સૌર વિદ્યુતીકરણ) તથા તાલીમ અને શિષ્યાવૃત્તિનાં કાર્યક્રમો (આઇટીઇસી, આઇસીસીઆર, આઇએએફએસ)નો લાભ મેળવ્યો છે. તેમણે રવાન્ડામાં ડિજિટલ સર્વસમાવેશકતા માટે ભારતની અન્ય પહેલોનું  પુનરાવર્તન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપનાની આગેવાનીમાં ભારતનાં નેતૃત્વની પ્રશંસા કરી હતી.
  7. પ્રધાનમંત્રીએ ઇ-લાઇબ્રેરીની જોગવાઈ સહિત ડિજિટલ શિક્ષણનાં ક્ષેત્રમાં એક વિશેષ કાર્યદળની સ્થાપનાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ કગામેએ રવાન્ડાનાં શૈક્ષણિક ક્ષેત્રમાં થયેલા લાભ માટે આ દળની પ્રશંસા કરી હતી.
  8. પ્રધાનમંત્રીએ લાંબા ગાળાનાં વેપારી વિઝા અને ભારતીયો માટે વર્ક પરમિટનું સૂચન કર્યું હતું તેમજ રાષ્ટ્રપતિ કગામેને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ ભારતીય રોકાણકારો માટે રવાન્ડાની સુગમ યાત્રા માટે આ બાબતે વિચાર કરશે.
  9. બંને નેતાઓએ ચર્ચાવિચારણા કર્યા પછી :
    • દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી;
    • લોકોનાં આદાન-પ્રદાન માટે વધારે લોકોને પ્રોત્સાહન આપવાની સંમતિ વ્યક્ત કરી હતી;
    • આફ્રિકામાં યુએનપીકેએફ (યુનાઇટેડ નેશન્સ પીસ કીપિંગ ફોર્સ)નાં બે મોટાં યોગદાન કરનાર દેશો તરીકે સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ જાળવવાનાં કાર્યોમાં સહયોગને મજબૂત કરવા સંમતિ વ્યક્ત કરી હતી;
    • ઊર્જા ક્ષેત્રમાં સહયોગની સંભવિતતાઓ પર વિચાર કરવા માટે સંમતિ વ્યક્ત કરી હતી;
    • સ્વાસ્થ્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સંમતિ વ્યક્ત કરી હતી; તથા
    • પર્યટનને પ્રોત્સાહન આપવામાં અનુભવ અને કુશળતાને એકબીજા સાથે વહેંચવાનો નિર્ણય લીધો હતો.
  10. બંને નેતાઓએ આતંકવાદનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી હતી તથા ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારનું આતંકવાદી કૃત્ય ઉચિત નથી, ભલે તેનું પ્રેરકબળ કોઈ પણ હોય અથવા કોઈ પણ જગ્યાએ હોય અને કોઈ પણે તેની પ્રેરણા આપી હોય. આ સંદર્ભમાં બંને નેતાઓએ સરહદ પારનાં આતંકવાદનાં જોખમ પર પોતાની સહિયારી ચિંતાઓ વ્યક્ત કરી હતી તથા આતંકવાદને રોકવા અને તેની સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોનાં મહત્ત્વ પર  ભાર મૂક્યો હતો.
  11. બંને નેતાઓએ જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારો તથા પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાને વધારવા, સ્થાયી વિકાસ કરવા જેવા પડકારોને ઝીલવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં પોતાનો વધારે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા  પુનઃવ્યક્ત કરી હતી.
  12. આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે નીચેનાં સમજૂતી કરારો/સંધિઓ પર હસ્તાક્ષર થયાં હતાં :
    • સંરક્ષણ સહયોગ પર સમજૂતી કરાર.
    • દ્વિપક્ષીય વેપાર માટેનાં કરાર.
    • ભારતની આઇસીએઆર (રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા) અને રવાન્ડા કૃષિ અને પશુ સંસાધન વિકાસ બોર્ડ, કિગાલી વચ્ચે ડેરી ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર.
    • ભારતની કેન્દ્રીય ચર્મ સંશોધન સંસ્થા (સીએલઆરઆઈ) અને રવાન્ડાની રાષ્ટ્રીય ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સંસ્થા (એનઆઈઆરડીએ) વચ્ચે સમજૂતી કરાર.
    • સાંસ્કૃતિક આદાન-પ્રદાન પર સમજૂતી કરાર.
    • કૃષિ અને પશુ સંસાધનોમાં સહયોગ પર સમજૂતી કરારમાં સંશોધન
    • ઔદ્યોગિક પાર્કોમાં વિકાસ અને કિગાલી સેઝનાં વિસ્તાર માટે 100 મિલિયન અમેરિકન ડોલરનાં એલઓસી (લાઇન ઑફ ક્રેડિટ)નો કરાર.
    • કૃષિ ક્ષેત્રમાં પ્રોજેક્ટ સાથે સંબંધિત યોજનાઓનાં ઘટકોને નાણાકીય સહાય માટે 100 મિલિયન અમેરિકન ડોલરનો એલઓસી (લાઇન ઑફ ક્રેડિટ) કરાર.
  13. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ નીચેની જાહેરાતો કરી હતીઃ
    • રવાન્ડા સરકારનાં ગિરિન્કા કાર્યક્રમને ટેકો આપવા રવાન્ડાને 2,00,00 અમેરિકન ડોલરની ભેટ આપવી.
    • રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઈઆરટી)નાં 100,000 પુસ્તકો અને ડિજિટલાઇઝેશન તથા શૈક્ષણિક પુસ્તકો અને સંબંધિત શૈક્ષણિક સામગ્રીની ઓનલાઇન સુલભતા માટે ટેકો આપવો.
    • કિગાલીમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્રની સ્થાપના કરવી, જે રવાન્ડાનાં યુવાઓને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય વધારવા માટે તાલીમ પ્રદાન કરશે.
    • ડેરી ઉત્પાદન અને પ્રોસેસિંગનાં ક્ષેત્રમાં તાલીમ માટે ટૂંકા ગાળાનાં સંપૂર્ણ નાણાકીય ભંડોળનાં 25 સ્લોટ.
    • કિગાલીમાં ગિસોજી નરસંહાર મેમોરિયલ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેની રવાન્ડાની પ્રથમ મહિલા દ્વારા સંચાલિત ઇમ્બુટો ફાઉન્ડેશન, બંનેને 10,000 અમેરિકન ડોલરનું યોગદાન.

14.   પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રી પોલ કગામેનો રવાન્ડામાં તેમનાં નિવાસ દરમિયાન તેમને અને તેમનાં પ્રતિનિધિમંડળનો ઉષ્માસભર આતિથ્ય સત્કાર કરવા માટે આભાર માન્યો હતો તથા રાષ્ટ્રપતિ કગામેને ભારત આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.  

RP



(Release ID: 1541661) Visitor Counter : 168


Read this release in: English , Marathi , Tamil