પ્રધાનમંત્રીનું કાર્યાલય

દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસ્બર્ગમાં બ્રિકસના આઉટરીચ સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 27 JUL 2018 3:14PM by PIB Ahmedabad

આદરણીય રાષ્ટ્રપતિ સિરિલ રમાફોસા,

બ્રિકસના મારા સાથી સભ્યો, વિશ્વભરમાંથી અહિં ઉપસ્થિત મારા તમામ આદરણીય સાથીઓ,

સૌથી પહેલા તો હું રાષ્ટ્રપતિ રમાફોસાને બ્રિકસમાં આઉટરીચ પ્રક્રિયાને સશક્ત બનાવવા માટે અભિનંદન પાઠવું છું. બ્રિકસ અને અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની વચ્ચે આ સંવાદ વિકાસના મહત્વપૂર્ણ વિષયો પર વિચારોના આદાન-પ્રદાનનો એક સારો અવસર છે. મોટી સંખ્યામાં આફ્રિકાના દેશોની અહિં ઉપસ્થિતિ સ્વાભાવિક પણ છે અને પ્રસન્નતાનો વિષય પણ. આફ્રિકાની સાથે ભારતના સંબંધો ઐતિહાસિક અને ગહન છે. આફ્રિકામાં સ્વતંત્રતા, વિકાસ અને શાંતિ માટે ભારતના ઐતિહાસિક પ્રયાસોના વિસ્તારને મારી સરકારે સૌથી વધુ પ્રાથમિકતા આપી છે. છેલ્લા ચાર વર્ષોમાં રાજ્યોના વડાઓ અને સરકારી સ્તરની 100થી વધુ દ્વિપક્ષીય યાત્રાઓ અને મુલાકાતોના માધ્યમથી અમારા આર્થિક સંબંધો અને વિકાસ સહયોગ નવી ઉંચાઈઓ પર પહોંચ્યા છે. આજે 40થી વધુ આફ્રિકી દેશોમાં 11 બિલિયન ડોલરથી વધુની 180 લાઈન ઑફ ક્રેડીટ કાર્યરત છે. પ્રતિ વર્ષ 8000 આફ્રિકન વિદ્યાર્થીઓને ભારતમાં શિષ્યવૃત્તિ, 48 આફ્રિકી દેશોમાં ટેલીમેડીસીન માટે ઈ-નેટવર્ક, અને ખાનગી ક્ષેત્ર દ્વારા 54 બિલિયન ડોલરના રોકાણથી, આફ્રિકામાં આફ્રિકન જરૂરિયાતોના આધારે ક્ષમતા નિર્માણ થઇ રહ્યું છે. પરમ દિવસે યુગાન્ડાની સંસદને સંબોધિત કરતા મેં ભારત અને આફ્રિકાની ભાગીદારીના 10 સિદ્ધાંતોનું વિસ્તૃત રીતે વર્ણન કર્યું હતું. આ 10 સિદ્ધાંતો આફ્રિકાની જરૂરિયાતો અનુસાર વિકાસ માટે સહયોગ, શાંતિ અને સુરક્ષા માટે સહકાર અને અમારા લોકોની વચ્ચે સેંકડો વર્ષ જૂના સંબંધોને વધુ મજબુત કરવા માટે દિશા નિર્દેશ છે. આફ્રિકાના બંદરો પર મુક્ત વેપાર ક્ષેત્રની મહત્વપૂર્ણ પહેલ માટે હું તમામ આફ્રિકી દેશોને હાર્દિક અભિનંદન આપું છું. આફ્રિકામાં ક્ષેત્રીય આર્થિક સંકલન માટે થઇ રહેલા વિવિધ પ્રયાસોનું પણ હું સ્વાગત કરું છું.

મહાનુભવો,

મુક્ત વ્યાપાર અને વાણિજ્યએ છેલ્લા ત્રણ દાયકાઓમાં લાખો કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. વૈશ્વિકરણ અને વિકાસના લાભને લોકો સુધી પહોંચાડવા એ આ પ્રક્રિયાનો મુખ્ય ભાગ હતો. અને ગ્લોબલ સાઉથ આ પ્રયાસમાં બરાબરનું ભાગીદાર હતું. 2008ના આથિક સંકટ પછીથી વૈશ્વિકરણના આ મૂળભૂત પાસા પર સંરક્ષણવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ પ્રવૃત્તિની વિકાસ દરમાં મંદીની સૌથી ઊંડી અસર આપણા જેવા તે દેશો પર પડી છે કે જે ઉપનિવેશ કાળમાં ઔદ્યોગિક પ્રગતિના અવસરોનો લાભ નથી ઉઠાવી શક્યા. આજે આપણે એકવાર ફરીથી ઐતિહાસિક વળાંક પર છીએ. ડિજિટલ ક્રાંતિના કારણે આપણા માટે નવી સંભાવનાઓ ઉત્પન્ન થઇ રહી છે અને એટલા માટે એ જરૂરી છે કે આપણે ઓટોમેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બીગ ડેટા એનાલિટિક્સના કારણે થનારા પરિવર્તનો માટે સંપૂર્ણ રીતે તૈયાર રહીએ. તેના માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્યપૂર્ણ કાર્યબળમાં રોકાણની જરૂરિયાત રહેશે અને સાથે જ સંકલિત વૈશ્વિક મૂલ્ય શ્રુંખલા, કામદારોની ગતિશીલતા, સુવાહ્ય સામજિક સુરક્ષા માળખુ અને ચોકસાઈપૂર્ણ રેમિટન્સ કોરીડોર પણ આપણી પ્રાથમિકતાઓ છે.

મહાનુભવો,

પોતાના ભાગીદાર દેશોની સાથે તેમના વિકાસ માટે ભારત સંપૂર્ણ યોગદાન આપતું રહ્યું છે. દક્ષિણ-દક્ષિણ સહયોગ અંતર્ગત પોતાના વિકાસના અનુભવોને વહેંચીને અમે અન્ય વિકાસશીલ દેશોમાં તકનીકી સહયોગ, તાલીમ અને ક્ષમતા નિર્માણ દ્વારા દરેક સંભવ સહયોગ એ અમારી વિદેશ નીતિનો મહત્વપૂર્ણ ભાગ છે. સાથે જ ભાગીદાર દેશોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ અનુસાર માળખાગત બાંધકામ, ઊર્જા, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સૂચના પ્રૌદ્યોગિકી જેવા ક્ષેત્રોમાં અમે પોતે વિકાસશીલ દેશ હોવા છતાં પણ ભારત યથા સામર્થ્ય આર્થિક સહાયતા આપતું રહ્યું છે. ભારતની પોતાની વિકાસ યાત્રામાં દક્ષિણ-દક્ષિણ સહયોગ એક પ્રમુખ આધાર રહ્યો છે. પોતાના વિકાસના અનુભવને વિકાસશીલ દેશો સાથે વહેંચવો એ ભારત માટે હંમેશાથી પ્રાથમિકતા રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!

 

RP



(Release ID: 1540545) Visitor Counter : 79