પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

Posted On: 14 JUL 2018 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કુલ રૂ. 900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ પરિયોજનાઓમાં વારાણસી શહેર ગેસ વિતરણ પરિયોજના અને વારાણસી-બલિયા મેમુ ટ્રેનના ઉદઘાટનનો સામાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પંચકોશી પરિક્રમા તથા સ્માર્ટ મિશન અને નમામી ગંગે હેઠળના કેટલાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો પમ શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધનની શરૂઆતમાં યુવા એથલિટ હિમા દાસાને અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન 21મી સદીની જરૂરિયાત અનુસાર કાશી નગરીને વિકસાવવા વિવિધ પ્રયાસો કર્યા છે અને સાથે-સાથે આ નગરની પ્રાચીન ઓળખને જાળવી પણ રાખી છે. તેમણે જણાવ્યું હતું કે, નવા ભારત માટે નવા બનારસનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સમન્વય થશે.

તેમણે કહ્યું હતું કે, અત્યારે આ નવા બનારસની અનુભૂતિ નગરનાં ખૂણેખૂણે થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં વારાણસીમાં મહત્ત્વપૂર્ણ રોકાણ થયું છે. તેમણે કહ્યું હતું કે, આશરે રૂ. 1000 કરોડનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે અથવા તો તેનો શિલાન્યાસ થયો છે, જે કાશીને વિકસાવવાનાં પ્રયાસોનો એક ભાગ છે.

પ્રધાનમંત્રીએ પરિવહનનાં વિવિધ માધ્યમો મારફતે પરિવર્તનનાં તેમનાં વિઝનને વિસ્તૃતપણે સમજાવ્યું હતું તથા જણાવ્યું હતું કે, આ જ કવાયતનાં ભાગરૂપે આજે આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારાણસી આ વિસ્તારમાં મેડિકલ સાયન્સનાં કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે, બીએચયુ (બનારસ હિંદુ યુનિવર્સિટી) વૈશ્વિક કક્ષાની સ્વાસ્થ્ય સંસ્થા વિકસાવવા એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) સાથે કામ કરશે.

પ્રધાનમંત્રીએ વારાણસી અને આ વિસ્તારનાં અન્ય કેન્દ્રોને જોડાણની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા જુદી-જુદી પહેલો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાશી મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. આ સંદર્ભમાં તેમણે આંતરરાષ્ટ્રીય સંમેલન સેન્ટરનો ઉલ્લેખ કર્યો હતો, જેનું શિલારોપણ તેમણે આજે કર્યું હતું. તેમણે વારાસણીનાં લોકોને જાપાન તરફથી આ ભેટ ધરવા બદલ જાપાનનાં પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબેનો આભાર માન્યો હતો. તેમણે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સારી કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર અને જનતાએ હાથ ધરેલી વિવિધ પહેલોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ચાર વર્ષ અગાઉ વારાણસીમાં માર્ગો અને અન્ય માળખાગત સુવિધાઓની નબળી સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શહેરનાં કચરા પર કોઈ પ્રક્રિયા વિના તેને ગંગા નદીમાં ઠાલવવામાં આવતો હતો, આજે ગંગોત્રીથી દરિયા સુધી ગંગા મૈયાને સ્વચ્છ કરવા વિવિધ પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે સુએઝ ટ્રીટમેન્ટ માટે વિવિધ પ્રોજેક્ટ વિશે વિગતવાર વાત કરી હતી, આ તમામ પ્રયાસોનાં પરિણામો ભવિષ્યમાં જોવા મળશે. તેમણે ઇન્ટિગ્રેટડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે પૂરજોશમાં ચાલી રહેલાં કામ પર ભાર મૂક્યો હતો. આ સેન્ટર વારાણસીને સ્માર્ટ સિટી બનાવશે. તેમણે કહ્યું હતું કે, સ્માર્ટ સિટીની પહેલ શહેરોમાં માળખાગત સુવિધાઓ વિકસાવવાની સાથે ભારતને નવી ઓળખ આપવા માટેનું અભિયાન પણ છે. તેમણે રાજ્ય સરકારને ઔદ્યોગિક નીતિ બનાવવા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આ નીતિ અને વાતાવરણનાં પરિણામો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. તેમણે નોઇડામાં તાજેતરમાં સેમસંગનાં મોબાઇલ ઉત્પાદન એકમનાં ઉદઘાટનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોબાઇલ ઉત્પાદન એકમો લાખો લોકો માટે રોજગારીનું સર્જન કરી રહ્યાં છે.

શહેર ગેસ વિતરણ પરિયોજનાની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારાણસીમાં 8000 ઘરો પાઇપ મારફતે રાંધણ ગેસ મેળવી રહ્યાં છે. તેમણે શહેરમાં જાહેર પરિવહન માટે ઇંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વારાણસીએ જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેન્યૂલ મેક્રોનને આપેલા આવકારને પ્રધાનમંત્રી યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વારાસણીમાં જાન્યુઆરી, 2019માં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થશે એટલે ટૂંક સમયમાં શહેરને તેમનો આતિથ્યસત્કાર દર્શાવવાની વધુ એક તક મળશે.

 

RP



(Release ID: 1538669) Visitor Counter : 98