નાણા મંત્રાલય

અમદાવાદમાં યોજાયેલી બે દિવસીય "શહેરી વિકાસ : ટેકનોલોજીકલ ઉકેલ અને શાસનના પડકારો" પરિષદમાં વિકાસના ઘણાં બધા મહત્વના મુદ્દા ચર્ચાયા

પેનલીસ્ટોએ સંસ્થાકિય મુદ્દા, સાધનોના મોબિલાઈઝેશનની વ્યૂહરચના, મલ્ટીલેટરલ નાણાંકિય સંસ્થાઓ માટે ભલામણો અને નીતિ વિષયક સુધારા જેવા 4 વ્યાપક ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી.

Posted On: 20 APR 2018 3:43PM by PIB Ahmedabad

અમદાવાદ, 20-04-2018

ગુજરાતમાં અમદાવાદ ખાતે ગયા સપ્તાહે " શહેરી વિકાસ : ટેકનોલોજીકલ ઉકેલ અને શાસનના પડકારો" વિષય પર પરિષદનું આયોજન કરાયું હતું. આ પરિષદનું આયોજન ભારત સરકારના નાણાં મંત્રાલયે એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ) તથા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (એઆઈઆઈબી), રિસર્ચ એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપીંગ કન્ટ્રીઝ (આરઆઈએસ) નામની વિદેશ મંત્રાલયના નેજા હેઠળ ચાલતી સ્વાયત્ત સંશોધન સંસ્થા સાથે સંયુક્તપણે કર્યું હતું.

તા.25 અને 26 જૂન, 2018ના રોજ મુંબઈમાં યોજાનાર ત્રીજી એઆઇઆઇબીની વાર્ષિક બેઠકના અનુસંધાને આ પરિષદનું આયોજન કરાયું હતું. આ અગાઉ બે ક્ષેત્રીય પરિષદ અનુક્રમે માસ રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને બંદર તથા કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિષય પર કોલકત્તા અને વિશાખાપટ્ટનમમાં યોજાઈ ચૂકી છે.

ઉપરોક્ત બે દિવસની કોન્ફરન્સના તારણો વ્યક્ત કરી સમાપન પ્રવચન આપતાં કેન્દ્રના ભૂતપૂર્વ વિજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રધાન અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર ડો. વાય. કે. અલઘે જણાવ્યું હતું કે શહેરી વિકાસની બાબતમાં નીતિ ઘડનારા વર્ગે નીચેથી ઉપર તરફ જવાનો અભિગમ અપનાવવો જોઈએ, નહી કે ઉપરથી નીચેની તરફનો. તેમણે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ભંડોળની અછતમાં જે ઊણપ રહે છે તે નિવારીને નાના શહેરોને પણ આયોજન અને વિકાસ હેઠળ આવરી લેવા જોઈએ. તેમણે જણાવ્યું કે અસર પામેલા લોકોના, નાગરિક સમાજ અને અન્ય સહયોગીઓનાં મંતવ્યો અને સૂચનોને પણ આયોજન સફળ બને તે માટે આવરી લેવા જોઈએ.

ઉપરોક્ત બે દિવસની કોન્ફરન્સની વિવિધ બેઠકોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, સ્થાનિક સંસ્થાઓના અધિકારીઓ, નાગરિક સમાજના પ્રતિનિધિઓ, શિક્ષણ જગત અને વિવિધ નાણાંકિય સંસ્થાઓએ ભાગ લીધો હતો.

નિષ્ણાંતોએ કેટલાંક ઉદાહરણો આપીને શું કરવું જોઈએ અને શું નહીં તથા પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા.

પેનલીસ્ટોએ/સામેલ થયેલા લોકોએ સંસ્થાકિય મુદ્દા, સાધનોના મોબિલાઈઝેશનની વ્યૂહરચના, મલ્ટીલેટરલ નાણાંકિય સંસ્થાઓ માટે ભલામણો અને નીતિ વિષયક સુધારા જેવા 4 વ્યાપક ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી હતી.

પરિષદના તારણો અંગે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાશે અને તેને મુંબઈમાં જૂન, 2018ના આખરી સપ્તાહમાં યોજાનાર ત્રીજી એઆઈઆઈબીની વાર્ષિક સભામાં રજૂ કરાશે.

એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં નાણાંની સૌથી વધુ અછત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વર્તાય છે.

અર્બન લોકલ બોડીઝ (ULBs) સહિતના ક્ષેત્રોમાં હાલમાં આડેધડ થઇ રહેલા વિકાસ અંગેની ચર્ચામાં જણાવાયુ હતું કે આનું કારણ શહેરી વિસ્તારો હોરિઝોન્ટલ રીતે વિસ્તરતા જાય છે અને તેને કારણે બિનકાર્યક્ષમતા ઉભી થાય છે અને ઉત્પાદકતાને નુકશાન થાય છે.

આથી એવું સૂચન કરવામાં આવ્યું હતું કે સેવાની આપૂર્તિ અને આવકોમાં વધારો કરવા માટે વર્ટિકલ ડેવલપમેન્ટ તરફ વળવું જોઈએ અને વધુ બહેતર કાર્યક્ષમતા અને ઉત્પાદકતા દાખવવી જોઈએ. આમ છતાં ઉર્જાનો વધુ વપરાશ અને ભરોસાપાત્ર વિજળીની જરૂરિયાત હલ કરવાની જરૂર છે તેવો ઉલ્લેખ પણ કરાયો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિકાસ માટે શરુ કરાયેલા સ્માર્ટ સીટીઝ, હાઉસિંગ ફોર ઓલ અને અમૃત વગેરે જેવા સમગ્રલક્ષી કાર્યક્રમોમાં ઝડપ વધારવાની જરૂર છે.

એવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે નવા અર્બન પ્લાનીંગના એજન્ડામાં યુએન સસ્ટેનેબલ ગોલ્સ જેવા ઘટકોનો સમાવેશ કરવો જોઈએ અને ક્લાયમેટ ચેન્જ અંગેની પેરિસ સંધિને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે મોટા મ્યુનિસિપલ કોર્પોરેશનો સારો વહિવટ ધરાવે છે અને કાર્યક્ષમ છે, જ્યારે નાના મ્યુનિસિપલ કોર્પોરેશનો કર વસૂલાતમાં અને યુઝર ચાર્જ વસૂલવામાં ક્ષમતાના અભાવને કારણે બિનકાર્યક્ષમ રહે છે. ગુજરાતમાં તાજેતરમાં આ બાબતોનું ધ્યાન રાખે અને પર્ફોર્મન્સનું મોનિટરીંગ કરે તેવા રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નરની કેટલીક મ્યુનિસિપાલિટીઝમાં નિમણુંક કરવામાં આવી છે.

મહત્વાકાંક્ષી જીલ્લાઓ-શહેરો, પ્રગતિશીલ શહેરોની ગતિને પકડી શકે તે માટે  સ્પર્ધાત્મક ફેડરાલિઝમને પ્રોત્સાહિત કરતા રેન્કીંગ મિકેનિઝમ જરૂર છે. આ સંદર્ભમાં લિવેબિલીટી ઈન્ડેક્સ અને સસ્ટેનેબિલીટી ઈન્ડેકસનું સૂચન કરવામાં આવ્યું હતું.

શહેરી વિકાસની જરૂરિયાતોમાં ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત સામાજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ જરૂરી છે. વેસ્ટ મેનેજમેન્ટ તથા અન્ય સમસ્યાઓ હલ કરવા નવી ટેકનોલોજી અપનાવવાની જરૂર છે.

શહેરી વિકાસના પડકારોનો ઉલ્લેખ કરતાં વક્તાઓએ જણાવ્યું હતું કે શાસનના વિવિધ સ્તરોને કારણે વિવિધ સેક્ટર વચ્ચે સંકલનનો અભાવ વર્તાય છે અને સ્વાયત્તતાનો ભંગ થાય છે. આયોજન અને અમલીકરણ એજન્સીઓ વચ્ચે  સંકલન કરવાની જરૂર છે. જીલ્લા પ્લાનીંગ કમિટિઓને પુનઃ સક્રિય બનાવીને મજબૂત કરવાની જરૂર છે, જેથી ULBs અને અન્ય પબ્લિક ડીલીવરી એજન્સીઓને જીલ્લા સ્તરે શહેરી વિકાસ માટેના સંકલનમાં સાંકળી શકાય. અર્બન લોકલ બોડીઝ અંગેના કાયદાઓને સુધારીને તેમને મજબૂત તથા સક્ષમ બનાવવાની જરૂર છે.

વધુમાં એવો પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે માત્ર ટેકનોલોજીકલ સોલ્યુશન દ્વારા શાસનના પડકારો હલ થઈ શકે નહીં. આથી રાજકિય ઉપાયોની પણ જરૂરિયાત રહે છે.

વ્યૂહરચના ઘડવાની વાત કરતાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPPs) ની ઘણી ક્ષમતા વણખેડાયેલી પડી છે. આવા PPPs નો અસરકારક ઉપયોગ જળ શુધ્ધિકરણ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, મલ્ટી લેવલ પાર્કિંગ અને અર્બન ટ્રાન્સપોર્ટ માટે કરવો જોઈએ.

જે અન્ય સૂચનો કરવામાં આવ્યા હતા તેમાં જમીન આધારિત ઈન્સ્ટ્રુમેન્ટસનો લાભ લેવા, ક્રેડિટ રેટીંગ મિકેનિઝમમાં સુધારા કરવા, મ્યુનિસિપલ એસેટ્સ બાબતે વધુ સ્પષ્ટતા દાખવવા તથા મિલકત વેરાના એકત્રીકરણની ક્ષમતામાં કાર્યક્ષમતા સુધારવાના સૂચનો કરાયા હતા.

ઘણાં વક્તાઓએ એવુ સૂચન કર્યું હતું કે રાષ્ટ્રિય ધોરણો, જમીન સંપાદન કરવામાં પારદર્શકતા અને જમીનના મૂલ્યાંકન તથા અન્ય બાબતોમાં પારદર્શકતા જળવાય તો જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સીધુ વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) આકર્ષી શકાશે.

શહેરો માટે ફાયનાન્સ કઈ રીતે કરવું તે બાબત ભારે ફેરફાર માંગી  લે છે. આથી મહદ્દઅંશે ગ્રાન્ટ દ્વારા ભંડોળ મેળવતા હોય તેવા શહેરોમાં અભિગમ બદલીને ખાત્રીપૂર્વકના ગ્રાન્ટ તથા નાણાંના વધુ કોમર્શિયલ ઉકેલો અપનાવવા જોઈએ તથા ખાનગી કંપનીઓને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સક્રિય કરવા જોઈએ. ઘણાં શહેરી ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને જે તકલીફ પડી રહી છે તેના કારણોમાં ઘણાં પ્રોજેક્ટની વાણિજ્યીક અર્થ ક્ષમતાનો અભાવ જવાબદાર છે. એવી ભલામણ કરવામાં આવી હતી કે અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોડલ ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટ તૈયાર કરવા જોઈએ. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રનો સહયોગ મેળવવામાં સહાય થઈ શકે તે માટે રિસ્ક ઈન્સ્યોરન્સની અર્થક્ષમતા તપાસવી જોઈએ.

આ ઉપરાંત તેમણે સૂચનો કર્યા હતા કે શહેરી લોકલ બોડીઝ દ્વારા મ્યુનિસિપલ બોન્ડઝ બહાર પાડવા, લેન્ડ પૂલીંગ અને લેન્ડ વેલ્યુ કેપ્ચર જેવા સાધનો મેળવવાના નવતર પ્રકારના માર્ગો અપનાવવા જોઈએ. લેન્ડ વેલ્યુ કેપ્ચર ફાયનાન્સ જેવા સાધનોને સ્ટાન્ડર્ડાઈઝ કરવા જોઈએ, જેથી તેનો વ્યાપક ઉપયોગ થઈ શકે. એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે ઈક્વિટીની તુલનામાં દેવા આધારિત સાધનોની અસરો તપાસવા વ્યાપક ચર્ચા થવી જોઈએ.

એવો અભિપ્રાય વ્યક્ત થયો હતો કે મલ્ટીલેટરલ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન ભંડોળ આપવા અંગે નિર્ણય લે ત્યારે તેમણે પ્રોજેક્ટના ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ત્રણ આર (રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ) નો અભિગમ અપનાવવો જોઈએ. મલ્ટીલેટરલ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશનો વધુ સક્રિય ભૂમિકા બજાવીને ભંડોળમાં જે અછત રહે છે તે નિવારવી જોઈએ.

ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું શહેર આધારિત આયોજન થવું જોઈએ. આવા કોરિડોર્સમાં વિવિધ રાજ્યોને આવરી લઈ આવાસ યોજનાઓ મહત્વનો આંતરિક હિસ્સો બની રહેવી જોઈએ. આવુ થશે તો સ્થળાંતર અટકાવવામાં સહાય થશે અને વિકેન્દ્રિત આર્થિક વૃધ્ધિ થઈ શકશે.

શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સમસ્યાઓ હલ કરવા માટે વ્યૂહાત્મક રીતે લાંબા ગાળાનું આયોજન કરવું જરૂરી છે. શહેરી વિકાસ માટેની ભવિષ્યની વ્યૂહરચનામાં અર્બન લોકલ બોડીઝ બાબતે ત્રણ એફ (ફંડઝ, ફંક્શન અને ફંક્સનરી) ને ધ્યાનમાં રાખીને સુધારા કરવા જોઈએ.

જે ભલામણો કરવામાં આવી હતી તેમાં શહેરી લોકલ બોડીઝનું સશક્તિકરણ, યુઝર ફી એકત્ર કરવામાં કાર્યક્ષમતા અને અસરકારકતા, જીલ્લા પ્લાનીંગ કમિટિઓનું સશક્તિકરણ, સંલગ્ન ઓથોરિટીને પ્રોફેશનલ બ્યૂરોકસી સાથે જોડવી અથવા બજારમાંના ઉચ્ચ નિષ્ણાંતોને જરૂરી સત્તાઓ આપવી. આ બધામાં કોર ટીમનો અભિગમ અપનાવવો જોઈએ.

ભરોસાપાત્ર અને ગુણવત્તાયુક્ત ડેટા મેળવવા સંબંધિ સમસ્યાઓ તથા તેને કારણે નીતિ વિષયક આયોજનમાં થઈ રહેલી અસર બાબતે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે લાંબા ગાળાના આયોજનમાં સહાય થઈ શકે તે માટે અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ડેટા બેઝ સ્થાપિત કરવો જોઈએ. એવું પણ સૂચન કરવામાં આવ્યુ હતુ કે ઓપન ડેટા અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેવા ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરીને સતત અપગ્રેડેશન કરતાં રહેવું જોઈએ. વક્તાઓ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે મજબૂત સંસ્થાકિય માળખુ અને શાસનનો પાયો જરૂરી છે. આવુ હોય તો જ નાણાંકિય સ્રોતો સહિતના સાધનોનો બગાડ અટકાવી શકાશે.

પ્રોજેક્ટમાં થતા વિલંબ બાબતે એવો નર્દેશ કરવામાં આવ્યો હતો કે સરકારમાં વિવિધ સ્તરો હોવાના કારણે તમામ સ્તરેથી મંજૂરીઓ મેળવવાની સમસ્યા રહે છે. આથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એવું સૂચન કરવામાં આવ્યું હતુ કે મૂડી રોકાણ પહેલાં, મૂડી રોકાણ દરમિયાન અને મૂડી રોકાણ પછી રોકાણકારોએ લેવા જેવા પગલાં અંગે એક ટુલ કીટની રચના કરવી જોઈએ. એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે સંસ્થાકિય પ્રક્રિયાઓ, ડિઝાઈનોનું પુનઃ માળખુ ઘડવાની અને તેને રિ-એન્જીનિયર કરવાની જરૂર છે.  આ ઉપરાંત વિવિધ પ્રક્રિયાઓ સરળ બનાવવી જોઈએ તથા હિસાબી પ્રણાલિઓમાં પણ ફેરફારની જરૂર છે. એવી પણ ભલામણ કરવામાં આવી હતી કે મેટ્રો શહેરોને નવા રાજ્યો ગણવાનો અભિગમ અપનાવવો જોઈએ.

વક્તાઓએ શહેરીકરણ માટે સમાવેશી અભિગમ અપનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગરીબોને કામ આવી શકે તેવી જાહેર પરિવહન વ્યવસ્થાની જરૂર છે. 'હાઉસીંગ ફોર ઓલ' ની નીતિને મધ્યમ વર્ગ તરફથી આર્થિક રીતે નબળા વર્ગો તરફ તથા ઔપચારિક ક્ષેત્ર તરફ વળવાની જરૂર છે.

યોગ્ય લેન્ડ ટાઈટલ વગર જમીન ધારણ કરવાના પડકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એવુ સૂચન કરવામાં આવ્યું હતું કે જમીન બાબતે ટાઈટલની સમસ્યાઓ નિવારીને ધિરાણ સંસ્થાઓ પાસેથી ધિરાણ મળી રહે તેવા સુધારા થાય તેની ખાતરી રાખવાની જરૂર છે.

નીતિ ઘડનાર વર્ગે વ્યાપક સમુદાય સાથે જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન  સંપર્ક રાખવો જરૂરી છે કે જેથી સરળતાથી જમીન સંપાદન થઈ શકે. પેનલીસ્ટો જણાવ્યું હતું કે ગરીબોના મંતવ્યનું એટલું જ મહત્વ હોવું જોઈએ જેટલું નાણાંકિય સંસ્થાઓ અને કન્સલ્ટન્ટના અભિપ્રાયનું હોય છે.

NP/J.Khunt/GP                                                                                                



(Release ID: 1530035) Visitor Counter : 302


Read this release in: Tamil , Urdu , English