પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધ્ય પ્રદેશની મુલાકાત લેશે, રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવશે

Posted On: 23 APR 2018 5:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધ્ય પ્રદેશના મંડલાની મુલાકાત લેશે. તેઓ જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવશે અને મંડલાથી સમગ્ર દેશના પંચાયતી રાજ પ્રતિનિધિઓને સંબોધન કરશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી આગામી પાંચ વર્ષ દરમિયાન આદિવાસીઓના સમગ્રતયા વિકાસ માટે એક રોડ મેપનું પણ અનાવરણ કરશે. તેઓ મંડલા જીલ્લામાં માનેરી ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના એલપીજી બોટલિંગ પ્લાન્ટના ખાતમુહૂર્તના ભાગરૂપે એક તકતીનું અનાવરણ પણ કરશે. તેઓ એક સ્થાનિક સરકારી ડિરેક્ટરીને પણ ખુલ્લી મુકશે.

સરકારના સ્વચ્છ, તંદુરસ્ત અને ઈલેક્ટ્રીફાઈડ ભારતની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ગામડાઓના એવા સરપંચોને પણ અભિનંદન પાઠવશે કે જેમણે 100 ટકા ધુમાડા રહિત રસોડા, મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત 100 ટકા રસીકરણ અને સૌભાગ્ય યોજના હેઠળ 100 ટકા વિદ્યુતીકરણના લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યો છે.

આ પ્રસંગે સર્વશ્રેષ્ઠ પંચાયત પુરસ્કાર યોજના હેઠળ રાષ્ટ્રીય ઈ પંચાયત પુરસ્કાર અને ગ્રામ પંચાયત વિકાસ પુરસ્કાર યોજનાના વિજેતાઓનું પણ અભિવાદન કરવામાં આવશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાંથી મહત્વાકાંક્ષી જીલ્લાઓના જીલ્લા કલેક્ટરો સાથે પણ ચર્ચા કરશે.    

J.Khunt

 



(Release ID: 1530014) Visitor Counter : 163