પ્રધાનમંત્રીનું કાર્યાલય

સ્વીડનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 17 APR 2018 11:59PM by PIB Ahmedabad

મારા મિત્ર સ્વીડનના સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી લવૈન,

ભારતીય મૂળના મારા ઊર્જાવાન તમામ દોસ્તો,

સ્વીડન નિવાસી અન્ય તમામ મિત્ર સમુદાય

ગુડ ઇવનીંગ !

આપ સૌ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર.

સ્વીડનમાં મારો અને મારા પ્રતિનિધિ મંડળના સ્વાગત સત્કાર કરવા બદલ હું અહિંની જનતા અને સરકારનો તથા ખાસ કરીને સ્વીડનનાં મહારાજ અને સ્વીડનનાં પ્રધાનમંત્રી શ્રી લવૈનનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

પ્રધાનમંત્રી લવૈનજીએ હજુ હમણાં જ સંબોધનમાં જે ઉત્સાહપૂર્ણ શબ્દો કહ્યા તે મારા મનને સ્પર્શી ગયા છે. ગઈ કાલે રાત્રે તેમણે પોતે હવાઇ મથક પર આવીને મારૂ સ્વાગત કર્યું. એટલું જ નહીં, મને હોટલ સુધી મૂકવા માટે પણ આવ્યા હતા.

આ માત્ર મારૂ જ નહીં, આપ સૌનું અને સવા સો કરોડ ભારતીયોનું પણ સન્માન છે. આવી ભાવનાઓને કારણે જ વર્ષ 2016માં તે મેક ઈન ઇન્ડિયા કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવ્યા હતા અને ગયા વર્ષે સ્વીડનમાં એવા જ પ્રકારના આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વીડનમાં વસવાટ કરનારા ભારતીયો માટે તેમના મનમાં જે પ્રેમ છે અને ભારત તરફ તેમનો પ્રેમ અને ભાવના દાખવવા બદલ હું તેમને કોટી-કોટી અભિનંદન પાઠવું છું.

હું આપ સૌને આગ્રહ કરૂં છું કે સ્વીડનના પ્રધાનમંત્રી માટે ઊભા થઈને તાળીઓ સાથે તેમનું સન્માન કરીએ.

સાથીઓ, પોતાના નવતર પ્રકારના કૌશલ્યો દ્વારા, વ્યાવસાયિક અભિગમ દ્વારા તથા સાંસ્કૃતિક જોડાણની ભાવના સાથે અને ભારતીય મૂલ્યોના માધ્યમથી તમે અહીં એક અલગ ઓળખ સ્થાપિત કરી છે.

ભારતની બહાર રહીને પણ તમે જે પ્રકારે ભારતીયતાને, ભારતના આત્માને પોતાની અંદર સાચવીને રાખ્યો તે માટે હું તમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

તમારામાંથી કોઈ તામિલ બોલતાં હશે કે કોઈ તેલગુ, કોઈ કન્નડમાં વાત કરે છે તો કોઈ મલયાલમમાં, કોઈ બંગાળી ભાષામાં તો કોઈ મરાઠી ભાષામાં. ભારતમાં લગભગ 100 જેટલી ભાષાઓ અને 1700 બોલીઓ છે. હું જો આ બધાની યાદી બતાવવા બેસીશ તો કદાચ સવાર સુધી મારૂ ભાષણ શરૂ રહેશે.

ભાષા અલગ-અલગ હોઈ શકે છે, સ્થિતીઓ અને પરિસ્થિતીઓ પણ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ એક બાબત એવી છે કે જે આપણને સૌને એક સૂત્રમાં બાંધીને રાખે છે અને તે છે - ભારતીય હોવાનું ગર્વ.

આ એ જ ભાવના છે, જે આપણને બધાંને એક બીજા સાથે જોડીને રાખે છે, બાંધીને રાખે છે. કપરા સમયમાં સાથે ઊભા રહેવાની પ્રેરણા આપે છે, નવી ઊર્જા આપે છે, નવો સંકલ્પ આપે છે.

આ એજ ભાવના છે કે, જેને કારણે જ્યારે ક્યાંયથી પણ વંદે માતરમ્ તેમજ ભારત માતા કી જયનો ઉદઘોષ કાનમાં પડે છે ત્યારે આપણે સૌ ઊભા થઈ જઈએ છીએ.

આ એજ ભાવના છે કે જેના કારણે ભારતની સફળતા પર મેરી કોમ અને સાઇના નેહવાલ જેવા ભારતીયોની સફળતા પર દરેક ભારતીયની છાતી ગર્વથી ગજ-ગજ ફૂલે છે.

સાથીઓ, આજે દેશ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આજે ભારતમાં એક એવી સરકાર છે કે જે ભારતની શાખ માટે, ભારતના સ્વાભિમાન માટે, ભારતને 21મી સદીમાં નવી ઉંચાઈ પર પહોંચાડવા માટે દિવસ - રાત એક કરી રહી છે.

ચાર વર્ષ પહેલાં ભારતની જનતાએ અમને સૌનો સાથ સૌનો વિકાસના નામે અભૂતપૂર્વ જનાદેશ આપ્યો હતો.

વિતેલા ચાર વર્ષમાં અમે વિકસીત અને સમાવેશી ભારતનું નિર્માણ કરવા માટે, નવા ભારતનું નિર્માણ કરવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. અમે સ્વતંત્ર ભારતને 75 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં એટલે કે વર્ષ 2022 સુધીમાં સંકલ્પથી સિદ્ધિનું પ્રણ લીધું છે.

સાથે-સાથે અમે વિશ્વમાં ભારતની સમૃદ્ધ પરંપરાને માટે તથા ભારતીયતા માટે સન્માન વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોય કે આયુર્વેદ હોય, વસુધૈવ કુટુંબકમ્’નો પ્રાચીન ભારતીય દ્રષ્ટિકોણ હોય કે કુદરત સાથે સમતુલન અને સમન્વય દર્શાવવાના આપણાં પ્રયાસ હોય. આપ સૌના સહયોગથી ફરી ભારત વિશ્વમાં એક વૈચારિક અગ્રણી તરીકે સ્થાપિત થઈ રહ્યું છે.

સાથીઓ એટલું જ નહીં, આફ્રિકા હોય કે પેસિફિક સમુદ્રનો કોઈ નાનકડો દેશ હોય, કે પછી આસિયાન અથવા યુરોપ કે એશિયા, સૌ આજે ભારતને એક વિશ્વસનીય સાથી અને એક ભરોસાપાત્ર મિત્ર તરીકે જોઈ રહ્યા છે.

નેપાળમાં આવેલો ભૂકંપ હોય કે પછી શ્રીલંકામાં આવેલુ પૂરનું જળસંકટ હોય. આવા સંજોગોમાં માનવતા ભારત તરફ નજર માંડે છે. યમનમાં યુદ્ધની વચ્ચે ફક્ત 4,000થી વધુ ભારતીયોને જ નહીં, પણ 2000 જેટલા અન્ય દેશના નાગરિકોને પણ આપણે સુરક્ષિત બહાર લાવ્યા હતા.

વિતેલા ચાર વર્ષોમાં અમારા દ્વારા એક પછી એક એવા પગલાઓ ઉઠાવવામાં આવ્યા હતા કે જેનાથી ભારત પ્રત્યે દુનિયાની અપેક્ષા અને વિશ્વાસમાં વધારો થાય.

તમે જોયું હશે કે થોડા દિવસો પહેલાં દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાળી ધરતી માટે ભારતના આ મોટા પ્રયાસની સાથે ખૂબ જ ટૂંકા ગાળામાં 60 થી વધુ દેશો જોડાઈ ચૂક્યા છે.

મિસાઈલ તકનીક અંકુશ વ્યવસ્થા હોય કે ઓસ્ટ્રેલિયા ગ્રુપ હોય, કે પછી વેસેનાર એરેન્જમેન્ટ હોય, આ ત્રણેય સંગઠનોમાં ભારતનું સભ્યપદ એ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતના વધી રહેલા વર્ચસ્વનો સંકેત આપે છે.

સાથીઓ, આપણી તકનીકિ ક્ષમતાની દુનિયામાં પ્રતિષ્ઠા છે. ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ દુનિયાનાં ટોચનાં પાંચ સંશોધન કાર્યક્રમોમાંનો એક છે. ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ ઉચ્ચત્તમ ગુણવત્તાનો તો છે જ સાથે-સાથે ઓછો ખર્ચાળ છે. આ જ કારણે આપણે દુનિયાનાં કેટલાક દેશો માટે એક આશાનું કિરણ બન્યા છીએ જેમનો પોતાનો કોઇ અંતરિક્ષ કાર્યક્રમ નથી. ગયા વર્ષે આપણે દક્ષિણ એશિયા ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું હતું જે આપણા પાડોશી દેશોને કામમા આવી રહ્યો છે.

સાથીઓ, દેશમાં અમે ટેકનોલોજીનો ઉપયોગ જવાબદારી અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે કરી રહ્યા છીએ.

ડિજિટલ માળખા દ્વારા હવે સરકાર અને નાગરિકોની વચ્ચે જોડાણની પદ્ધતિ બદલાઈ ગઈ છે. સરકાર સુધી પહોંચવું એ હવે વિશેષ અધિકાર નહીં, પરંતુ એક પ્રણાલી બની ગઈ છે. સામાન્યમાં સામાન્ય માનવી પણ સરકાર સાથે સીધો સંવાદ સાધી શકે છે.

સરકારની કામ કરવાની પદ્ધતિઓને કારણે તમારા માનસમાં અગાઉ જે તસવીર હતી તે હવે બદલાઈ ચૂકી છે. હવે સરકારી કચેરીઓમાં ફાઈલને રોકી રાખવાની સંસ્કૃતિ રહી નથી, પરંતુ જે કામ વર્ષોથી અટકીને પડ્યા હતા તે પૂરા કરવા તરફ જોર લગાવવામાં આવી રહ્યું છે.

આજે ભારતમાં વેપાર કરવાનું સરળ બની ગયું છે. 42 ક્રમાંકની છલાંગ લગાવીને ભારત વેપાર-વાણિજ્યમાં સરળતાનાં ક્રમાંકમાં પહેલીવાર ટોચના 100 દેશોમાં સ્થાન પામ્યું છે. દેશમાં આડકતરી કરવેરાની વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારા કરીને જીએસટીને ઉદ્યોગ જગત સમક્ષ મૂકીને જીવનનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. દેશના કરવેરાના પાયામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ રહી છે અને જે વ્યાવસાયી અગાઉ જાત જાતની ચેક પોસ્ટ અને નાકાઓથી પરેશાન થઈ જતા હતા તે હવે ચિંતામુક્ત થયા છે.

સામાજીક કલ્યાણ માટે જેએએમ એટલે કે જનધન બેંક ખાતુ, આધારથી ઓળખ અને મોબાઈલ ટેકનોલોજીની વ્યવસ્થા બાબતે તમે સાંભળ્યું હશે. આ ત્રણેયનો મેળાપ કરીને સીધા લાભ હસ્તાંતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેનાથી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ જેમને મળવો જોઈતો હતો તેમને મળી રહ્યો છે. આનાથી સરકારે ગરીબોના હક્કની સુરક્ષા કરી છે. તમને એ જાણીને આનંદ થશે કે એક સમયે એવો જમાનો હતો કે જ્યારે કોઈ દિકરીનો જન્મ થયો ન હોય તો પણ તે વિધવા થઈ જતી હતી અને તેનું પેન્શન શરૂ થઈ જતું હતું. તમે સમજ્યા હશો કે કેવી સ્થિતી હશે, પરંતુ આજે પરિસ્થિતી બદલાઈ ગઇ છે અને ગરીબોના હક્કના પૈસા તેમને સીધા પ્રાપ્ત થઈ રહ્યા છે. અને જે ભૂતિયા લોકો હતા તેમના નામ નિકળી જવાના કારણે આ યોજનાથી લગભગ રૂ. 83 હજાર કરોડ એટલે કે 12 અબજ ડોલરથી પણ વધુની રકમ ખોટા હાથોમાં જતી અટકી છે.

સાથીઓ, અગાઉ માત્ર ગરીબી હટાવવાની વાતો થતી હતી અને નારા લગાવવામાં આવતા હતા, પરંતુ આજે એ સંસ્કૃતિને પણ અમે પાછળ મૂકી દીધી છે. દેશના ગરીબોનું જીવન ધોરણ ઊંચુ લઈ જવા માટે તેમને સશક્તિકરણનું સાધન બનાવવામાં આવ્યા છે.

સશક્તિકરણ ભલે કોઈ સમાજનું હોય કે કોઈ નબળા વર્ગનું હોય કે પછી મહિલાઓનું હોય. સૌનો સાથ, સૌનો વિકાસ આ મૂળ મંત્ર હકીકતમાં રૂપાંતરિત થઈ રહ્યો છે.

ઉજ્જવલા યોજના હેઠળ અમે સમગ્ર દેશમાં ગરીબ મહિલાઓને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર આપી રહ્યા છીએ. વર્ષ 2020 સુધીમાં અમે 80 મિલિયન જોડાણો આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને બે વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 36 મિલિયન જોડાણો તો આપી દેવામાં પણ આવ્યા છે.

આપણી માતાઓ અને બહેનો અગાઉ જે સ્થળે રસોઈ બનાવતી હતી ત્યાં દિવસભરમાં 400 સિગારેટ જેટલો ધૂમાડો ફૂંકવો પડતો હતો. આજે તેમને રસોઈ માટે સ્વચ્છ બળતણ પ્રાપ્ત થયું છે.

રસોઈ ગેસની ઉપલબ્ધિમાં પણ સુધારો થયો છે. તમારામાંથી ઘણાં લોકો અમુક વર્ષો પહેલાં ભારતથી બહાર આવ્યા હશે. તમને એ બાબત યાદ હશે કે, એ સમયે ગેસનું સિલિન્ડર પણ કાળા બજારમાં મળતું હતું. તેના માટે પણ વિનંતીઓ કરવી પડતી હતી કે પછી પડોશીઓ પાસેથી સિલિન્ડર માંગવું પડતું હતું અને એ પછી રસોઈ બનાવી શકાતી હતી. આજે એવી હાલત છે કે ગેસ એજન્સીવાળા તમને મોબાઈલ પર ફોન કરીને જણાવે છે કે ઘણો સમય થયો, સિલિન્ડર લઈને આવું કે?

મુદ્રા જેવી માઈક્રો ફાયનાન્સ યોજના દ્વારા દેશના ખૂણે-ખૂણે ઉદ્યોગ સાહસિકોને નવી તકો પ્રાપ્ત થઈ રહી છે. જે લોકોને કોઈ લોન આપતું ન હતું, જેમને નાની-નાની ધંધાકીય યોજના માટે કોઈ નાણાંકિય ટેકો નહોતો તેમના માટે અમે મુદ્રા યોજના બનાવી અને પરિણામ એ આવ્યું કે આ યોજના દ્વારા અત્યાર સુધીમાં બધા મળીને લગભગ 5.3 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ 90 અબજ ડોલર દ્વારા 12 કરોડ (120 મિલિયન) લોકોને ધિરાણ અપાઈ ચૂક્યુ છે. આ 120 મિલિયન લોન નથી, 120 મિલિયન સપનાં છે, જેને સાકાર કરવા માટે અમે એક વ્યવસ્થા ઊભી કરી છે. આ વ્યવસ્થા નોકરીઓનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ પણ સાબિત થઈ રહી છે. આ ઉદ્યોગ સાહસિકોમાંથી 74 ટકા મહિલાઓ છે.

અટલ ઈનોવેશન મિશન, સ્કીલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા ભવિષ્યની આર્થિક પ્રગતિ માટેની એક વ્યવસ્થા ઊભી થઈ રહી છે.

આ વર્ષે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને હજારોની સંખ્યામાં તેમણે દેશની સામે ઊભા થયેલા પડકારો બાબતે તેમના ઉકેલ રજૂ કર્યા હતા. મેં પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરની આ યુવા પ્રતિભાઓ સાથે સમય વિતાવ્યો હતો.

આ પ્રકારના પ્રયાસોને વેગ આપવા માટે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું પણ સર્જન કરી રહ્યા છીએ. આજે અમે સ્વીડનની સાથે અભિનવ ભાગીદારી કરી છે. જાન્યુઆરીમાં ઇઝરાયલની સાથે નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા માટે આઈક્રિએટ કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.

ઈનોવેશન હોય કે કૌશલ્ય વિકાસ હોય. આ બધું ઉદ્યોગસાહસિકતા માટે ત્યારે જ કામમાં આવે છે, જ્યારે દેશના નાગરિકનું જીવન સ્તર સારૂં હોય.

આજે સરકારનું ધ્યાન જીવન જીવવાની સરળતા પર મંડાયેલુ છે. થોડા દિવસો પહેલા દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આયુષમાન ભારત શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ દુનિયાની સૌથી મોટી યોજના છે, મિત્રો, તેની બરાબરી દુનિયામાં કોઈ પણ સ્થળે થઈ શકે તેમ નથી. તેના પહેલા તબક્કાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

તેના બે તબક્કા છે - પહેલા સમગ્ર દેશમાં હેલ્થ અને વેલનેસ સેન્ટરની વ્યવસ્થા વિસ્તારવી પડશે અને તે પછી દેશની 40 ટકા સૌથી ગરીબ વસતિને રૂ. 5 લાખના આરોગ્ય વીમાનું કવચ પૂરૂ પાડવામાં આવશે.

ભાઈઓ અને બહેનો આ માત્ર સુધારો નથી, પરંતુ એક પરિવર્તન છે અને અમારો એ સંકલ્પ છે કે ભારતને બદલીને જ રહીશું.

સાથીઓ, આ વર્ષે 2જી ઓકટોબરથી માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની જન્મજયંતીનાં 150 વર્ષની ઉજવણી કરશે. અમે નક્કી કર્યું છે કે આ મહામાનવને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતમાં પરિવર્તનનો એક મહા યજ્ઞ કરીશું. અમારો માર્ગ ભલે લાંબો હોય, પરંતુ અમારો માર્ગ સાચો છે અને મંજિલ સુધી પહોંચવાનો સંકલ્પ અડગ છે.

મિત્રો, આ પરિવર્તન પામેલા ભારત, નવા ભારતના નિર્માણ માટે સ્વીડનની સાથે આપણી મજબૂત ભાગીદારીને અમે ખૂબ જ મહત્વની માનીએ છીએ. માત્ર સ્વીડન સાથે જ નહીં, પણ અન્ય નોર્ડિક દેશોની સાથે પણ અમારી ભાગીદારીને અમે નવા સ્તર સુધી લઈ જવા માંગીએ છીએ.

સ્વીડન સિવાય આજે મને ડેન્માર્ક, નોર્વે, આઇસલેન્ડ અને ફિનલેન્ડના પ્રધાનમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરવાની તક મળી છે. દ્વિપક્ષીય વાતચીત સિવાય પહેલીવાર નોર્ડિક દેશો અને ભારતના નેતાની વચ્ચે ઇન્ડિયા-નોર્ડિક શિખર સંમેલન હજુ થોડી વાર પહેલાં જ પૂર્ણ થયું છે. નવીનીકરણ, કૌશલ્ય વિકાસ અને તકનીકિ સહયોગ માટે અમે પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

મિત્રો, ભારતની વિકાસ ગાથા અને આંતરરાષ્ટ્રીય દરજ્જામાં તમારૂં પણ ખૂબ મોટું યોગદાન છે. સ્વીડનમાં ભલે આપણું એક જ દૂતાવાસ હોય, પરંતુ આપણા રાજદૂતો એકલા નથી. તમે સૌ ભારતના રાજદૂતો છો.

પરંતુ, આજે હું અહિંયા તમને એક આગ્રહ કરવા માંગુ છું. તમે ભારતની સાથે માત્ર લાગણી વિષયક જોડાણ પૂરતા જ સીમિત ન રહો. તમારામાંથી જો કોઈ સંશોધન કરવા માંગતુ હોય, વેપાર કે મૂડી રોકાણ કરવા માંગતુ હોય તો તેમના માટે આજે ઉભરી રહેલા નવા ભારતમાં અવસરોનો ભંડાર છે.

નવું ભારત તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે અને હવે તો ભારત અને સ્વીડન વચ્ચે સીધી હવાઇ સેવા પણ શરૂ થઈ ગઈ છે. તો પછી, વિલંબ શા માટે?

ભાઈઓ અને બહેનો, સમય ઓછો છે. મારે આગળના કાર્યક્રમ માટે લંડન પહોંચવાનું છે, પરંતુ આટલા થોડાક સમય માટે તમારી સાથે જોડાવાની અને તમારી સાથે વાત કરવાની મને જે તક મળી તેનાથી મને ઘણું સારૂ લાગી રહ્યું છે. મને ખૂબ જ આનંદ થયો છે.

આપ અહિંયા આવ્યા અને નવા ભારતની વાત કરવાની મને તમે તક આપી. તમારા સત્કાર અને આશિર્વાદ માટે હું ફરી એક વાર તમારા સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. હું પ્રધાનમંત્રીજીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું, કારણ કે ભારતીય સમુદાય પ્રત્યે તેમનો જે પ્રેમ છે તે તેમણે આજે અહીં આપણી વચ્ચે આવીને વ્યક્ત કર્યો છે અને એ માટે પણ પ્રધાનમંત્રીને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું  છું.

આપનો આભાર.

 

NP/J.Khunt/RP



(Release ID: 1529732) Visitor Counter : 129


Read this release in: English , Marathi , Tamil