પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું, મોતિહારીમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો
प्रविष्टि तिथि:
10 APR 2018 1:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોતિહારી ખાતે સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું. ચંપારણમાં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ ચળવળની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ અનેક મહત્વનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું. જળ પુરવઠા અને સ્વચ્છતા ક્ષેત્રમાં તેમણે મોતીઝીલ પરિયોજના, બેત્તીયાહ નગર પરિષદ જલ પુરવઠા યોજના અને ચાર ગંગા પ્રકલ્પો જેવા કે સઈદપુર સીવેજ નેટવર્ક, પટના; પહાડી સીવેજ નેટવર્ક, ઝોન 4, પટના; પહાડી સીવેજ નેટવર્ક, ઝોન 5, પટના તથા પહાડી એસટીપી પરિયોજનાનું શિલારોપણ દર્શાવતી તકતીઓનું અનાવરણ પણ કર્યું હતું.
રેલવે ક્ષેત્રમાં પ્રધાનમંત્રીએ મુઝફ્ફરપુર અને સગૌલી તથા સગૌલી અને વાલ્મીકીનગર વચ્ચેની રેલવે લાઈનોને બમણી કરવા માટે શિલાન્યાસ પણ કર્યો. તેમણે માધેપુરા ઇલેક્ટ્રિક લોકોમોટીવ ફેક્ટરીના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વીડિયો લિંકના માધ્યમથી તેમણે સૌપ્રથમ 12000 એચપી ફ્રેઇટ ઇલેક્ટ્રિક લોકોમોટીવ અને ચંપારણ હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ બિહાર ઝારખંડ સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 ના રોડ લેન માટે, મોતિહારી ખાતે પેટ્રોલિયમ ઓઈલ લ્યુબ અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડના એલપીજી ટર્મિનલ તથા સગૌલી ખાતે એચપીસીએલના એલપીજી પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
તેમણે વિજેતા સ્વચ્છાગ્રહીઓને પુરસ્કાર પણ એનાયત કર્યા.
આ પ્રસંગે એક ઉત્સાહી જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આજે મોતિહારીનું વાતાવરણ એવા જ જન આંદોલનના જુસ્સાથી ભરેલું છે જેવું આજથી એક સદી અગાઉ ચંપારણ સત્યાગ્રહ વખતે હતું.
તેમણે વધુમાં કહ્યું કે સત્યાગ્રહથી સ્વછાગ્રહની આ યાત્રામાં બિહારના લોકોએ તેમની નેતૃત્વ કરવાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. તેમણે છેલ્લા એક અઠવાડિયામાં બિહારમાં શૌચાલય નિર્માણમાં થયેલ ઉલ્લેખનીય પ્રગતિની પણ નોંધ લીધી હતી. આ માટે તેમણે રાજ્યના લોકો અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રસંશા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભલે તે સ્વચ્છ ભારત અભિયાન હોય, કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈ હોય કે પછી નાગરિક સુવિધાનો વિકાસ હોય, કેન્દ્ર સરકાર હંમેશા રાજ્ય સરકારની સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આજના દિવસે જાહેર કરવામાં આવેલા 6600 કરોડ રૂપિયાની કિંમતના પ્રકલ્પો પ્રદેશ અને રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. તેમણે મોતીઝીલના નવનિર્માણ માટેની પરિયોજનાનો પણ ઉલ્લેખ કર્યો કે, જેને તેમણે મોતિહારીના ઈતિહાસના એક ભાગ તરીકે દર્શાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, કચરાનું ગંદુ પાણી ગંગા નદીમાં પ્રવેશતું અટકાવવા માટે 3000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 11 પરિયોજનાઓ અત્યાર સુધીમાં મંજુર કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બિહાર રાજ્યમાં ઉજ્જવલા યોજના અંતર્ગત આશરે 50 લાખ મહિલાઓ એલપીજીના જોડાણથી લાભાન્વિત થઇ છે. આ સંદર્ભમાં તેમણે આજે જાહેર કરવામાં આવેલી એલપીજી અને પેટ્રોલિયમ પરિયોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે જાહેર કરવામાં આવેલ પરિયોજનાઓ પૂર્વ ભારતને ભારતના વિકાસ એન્જીન તરીકે વિકસિત કરવાના વ્યાપક લક્ષ્યનો એક ભાગ છે. તેમણે આજે જાહેર કરવામાં આવેલ માર્ગ અને રેલવે પ્રકલ્પોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માધેપુરા ઇલેક્ટ્રિક લોકોમોટીવ ફેક્ટરીનું મેક ઇન ઇન્ડિયાના મુખ્ય ઉદાહરણ અને પ્રદેશમાં રોજગારીના સ્રોત તરીકે વર્ણન કર્યું. તેમણે કહ્યું કે 12000 એચપી એન્જીન જેમાંનું સૌપ્રથમ આજે બહાર પાડવામાં આવ્યું છે તે માલવાહક ટ્રેનોની ઝડપને વધારવામાં ઉલ્લેખનીય સહાયતા કરશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માટેનું કાર્ય કે જે સૌપ્રથમ 2007માં મંજુર કરવામાં આવ્યું હતું તે ત્રણ વર્ષ પહેલા શરૂ થયું હતું અને તેનો પ્રથમ તબક્કો હાલ પૂરો થઇ ગયો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર લોકોની મદદથી તેના તમામ લક્ષ્યાંકો અને પ્રતિજ્ઞાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
સ્વચ્છતામાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ અંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સ્વચ્છતાનો વ્યાપ 2014માં 40 ટકા હતો તે આજે વિસ્તૃત બનીને 80 ટકા સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે શૌચાલયોનું નિર્માણ એ સામાજિક અસંતુલનનો અંત લાવી રહ્યું છે અને સામાજિક આર્થિક સશક્તિકરણ તથા સ્ત્રી સશક્તિકરણનું સાધન બની રહ્યું છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાનના વિશાળ જન આંદોલનની ઘટનાને 21 મી સદીમાં વિશ્વના કોઈપણ ખૂણામાં ઘટેલી ઘટના કરતા સર્વશ્રેષ્ઠ ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞા એ સ્વચ્છ અને સમૃદ્ધ ભારતનો એક નવો અધ્યાય લખશે.
J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1528481)
आगंतुक पटल : 244