મંત્રીમંડળ

મંત્રીમંડળે માનવ અધિકાર સંરક્ષણ (સંશોધન) બિલ, 2018ને મંજૂરી આપી

Posted On: 04 APR 2018 7:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશમાં માનવ અધિકારોનું વધુ સારી રીતે રક્ષણ કરવા અને તેનાં સંવર્ધન માટે માનવ અધિકાર સંરક્ષણ (સંશોધન) બિલ, 2018ને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.

આ બિલની મુખ્ય વિશેષતાઓ:

(1) બિલમાં માનવ અધિકાર પંચનાં માનનીય સભ્ય સ્વરૂપે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચને સામેલ કરવાની દરખાસ્ત છે.

(2) બિલ પંચની રચનામાં એક મહિલા સભ્યને સામેલ કરવાની જોગવાઈ ધરાવે છે.

(3) બિલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તથા રાજ્ય માનવ અધિકાર પંચનાં અધ્યક્ષ પદ માટે યોગ્યતા અને પસંદગી માટેનાં ધારાધોરણો કે માપદંડો વધારવાનો પ્રસ્તાવ ધરાવે છે.

(4) બિલમાં દેશનાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં માનવ અધિકારોનાં ઉલ્લંઘન સાથે સંબંધિત કેસનાં નિકાલ માટે એક વ્યવસ્થા ઊભી કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.

(5) બિલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાજ્ય માનવ અધિકાર પંચનાં અધ્યક્ષ અને સભ્યોનાં કાર્યકાળમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે, જેથી તેને અન્ય પંચોનાં અધ્યક્ષ અને સભ્યોનાં કાર્યકાળને અનુરૂપ બનાવી શકાય.

લાભઃ

આ સંશોધનથી ભારતમાં માનવ અધિકાર સંસ્થાઓ મજબૂત થશે તથા સંસ્થાઓ પોતાની જવાબદારીઓ અને ભૂમિકાઓ તથા ફરજો અસરકારક રીતે અદા કરી શકશે. એટલું જ નહીં, સંશોધિત કાયદાથી માનવ અધિકાર સંસ્થા જીવન, સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિનાં સન્માન સાથે સંબંધિત અધિકારોને સુનિશ્ચિત કરવામાં સહમત વૈશ્વિક માપદંડોનું પાલન કરશે.

પૃષ્ઠભૂમિઃ

માનવ અધિકાર સંરક્ષણ ધારા, 1993માં સુધારા-વધારા કરવાથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) અને રાજ્ય માનવ અધિકાર પંચ (એસએચઆરસી) અસરકારક રીતે માનવ અધિકારોનું રક્ષણ કરી શકશે અને તેને પ્રોત્સાહન આપવા પોતાની સ્વાયતત્તા, સ્વતંત્રતા, વિવિધતામાં એકતા અને વ્યાપક કાર્યો સાથે સંબંધિત પેરિસ સિદ્ધાંતનું પાલન કરશે.

RP



(Release ID: 1527771) Visitor Counter : 184


Read this release in: English , Marathi , Assamese , Tamil