પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બંધારણ દિવસ – 2017નાં સમાપન સત્રને સંબોધન કર્યું

Posted On: 26 NOV 2017 7:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ – 2017નાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું.

તેમણે ભારતનાં બંધારણને આપણી લોકશાહી રાજ્ય-વ્યવસ્થાનાં માળખાનું હાર્દ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બંધારણ દિવસ બંધારણનાં ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમણે કહ્યું હતું કે, બંધારણ તમામ કસોટીઓમાંથી પસાર થયું છે અને નિરાશાવાદીઓને ખોટા પુરવાર કર્યા છે.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં ડૉ. બી. આર. આંબેડકર, ડૉ. સચિદાનંદ સિંહા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને ટાંક્યાં હતાં. આ રીતે તેમણે બંધારણ અને તેની જોગવાઈઓ મારફતે સુશાસન માટેનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાસાં ઉજાગર કર્યા હતાં. તેનાં વિષયો, બંધારણની લાંબા સમય સુધી અમલ રહેવાની ક્ષમતા, દેશને માર્ગદર્શન આપવાની તેની કાર્યક્ષમતા અને તેમાં સુધારા-વધારા કરવા માટેની જોગવાઈઓ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંધારણ આપણાં દેશનું સંરક્ષક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે, ભારતનાં લોકોએ આપણાં બંધારણમાં આપણાં પ્રત્યે રાખવામાં આવેલી અપેક્ષાઓ પર ખરાં ઉતરવાં કામ કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, દેશની જરૂરિયાતો અને તેનાં પડકારોને ધ્યાનમાં રાખીને શાસન સાથે સંબંધિત વિવિધ સંસ્થાઓએ એકબીજાને સાથસહકાર આપવો જોઈએ અને આ રીતે એકબીજાને મજબૂત કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં આપણે નવા ભારતનું નિર્માણ કરવા, આપણાં દેશનાં સ્વાતંત્ર્યસેનાનીઓએ સ્વતંત્ર ભારત માટે જોયેલા સ્વપ્નોને સાકાર કરવા આપણી ઊર્જાનો સમન્વય કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંધારણને ભારતીયન સમાજનો એકતા અને અખંડતા માટેનો દસ્તાવેજ પણ ગણાવવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આપણાં દેશને આઝાદી મળી એ સમયે જે નબળાઈઓને ઓળખવામાં આવી હતી, એ હજુ પણ સંપૂર્ણપણે દૂર થઈ નથી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે જ્યારે ભારતનો આત્મવિશ્વાસ પરાકાષ્ઠાએ છે, ત્યારે વર્તમાન સમયને ભારતનો સુવર્ણકાળ કહી શકાય. તેમણે કહ્યું હતું કે, રચનાત્મક વાતાવરણનો ઉપયોગ નવા ભારતનું નિર્માણ કરવા ઝડપથી કરવો જોઈએ.

"સરળ જીવન"નાં મહત્ત્વ પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારની ભૂમિકા નિયમનકાર કરતાં વધારે સુવિધાકારની હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ "સરળ જીવન"નાં કેટલાંક ઉદાહરણો ટાંક્યાં હતાં, જે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊભા થયા છે, જેમ કે આવકવેરાનું ઝડપી રિફંડ, પાસપોર્ટની ઝડપી ડિલિવરી વગેરે. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલોથી સમાજનાં તમામ વર્ગો પર સકારાત્મક અસર થઈ છે. તેમણે કહ્યું હતું કે, આશરે 1200 જૂનાં અને બિનઅસરકારક કાયદા નાબૂદ કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સરળ જીવનથી "વેપાર-વાણિજ્યની સરળતા" પર સકારાત્મક અસર પણ થાય છે. તેમણે કહ્યું હતું કે, લોકઅદાલતો ન્યાયતંત્રમાં વિલંબિત કેસોની સંખ્યા ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે "સરળતાપૂર્વક અને સમયસર ન્યાય મળે" એ માટે સુધારો કરવા જરૂરી કેટલાંક અન્ય પગલાં સૂચવ્યાં હતાં.

દેશમાં અવારનવાર ચૂંટણીઓ યોજાવાનાં કારણે રાષ્ટ્રની તિજોરી પર મોટા પાયે નાણાકીય ભારણ પડે છે એ બાબતનો તેમજ સુરક્ષા દળો અને સરકારી કર્મચારીઓને ચૂંટણીનાં કામમાં રોકવા અને તેની વિકાસલક્ષી કાર્યક્રમો પર અસર જેવા અન્ય સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતા પર રચનાત્મક ચર્ચા કરવાની અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાર્યકારિણી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચેનું સંતુલન બંધારણની કરોડરજ્જુ છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ સર્વોચ્ચ અદાલતનાં ચુકાદાઓમાંથી કેટલાંક અવતરણો ટાંક્યા હતાં.

J.Khunt/RP



(Release ID: 1510969) Visitor Counter : 196


Read this release in: English , Tamil , Kannada