57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57મા IFFI ખાતે ‘ધ રિવર ટ્રેન’ના સમગ્ર ક્રૂએ બાળકની દુનિયામાં પગ મૂક્યો તેની કથા


આર્જેન્ટિનિયન ફીચર ફિલ્મ બાળપણના સપના અને સહયોગની ભાવનાને એકસાથે લાવે છે

‘ધ રિવર ટ્રેન’ અજાણ્યાનું અન્વેષણ કરવાની અને જીવનમાં પોતાનો માર્ગ શોધવાની સાર્વત્રિક ઇચ્છાને ઝીલે છે

પોસ્ટેડ ઓન: 27 NOV 2026 7:40PMby PIB Ahmedabadરીલીઝ આઈડી: 2342855Views: 2

સ્પેનિશ ભાષાની ફિલ્મ ‘ધ રિવર ટ્રેન’ (એલ ટ્રેન ફ્લુવિયલ) ના કલાકારો અને ક્રૂ—નિર્માતા વેલેન્ટાઈન ટોરે અને અભિનેત્રી રીટા પોલ્સે—ગોવામાં 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ના અવસર પર આજે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વાસ, મિત્રતા અને સંવેદનશીલતાએ ફિલ્મના નિર્માણને કેવી રીતે આકાર આપ્યો તે અંગે વાત કરી હતી. લોરેન્ઝો ફેરો અને લુકાસ એ. વિગ્નાલે દ્વારા દિગ્દર્શિત, આર્જેન્ટિનાની 75-મિનિટની સ્પેનિશ-ભાષાની ફીચર ફિલ્મનું IFFI 2026 ના આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિભાગમાં ભારતીય પ્રીમિયર યોજાયું હતું.

આર્જેન્ટિનાના પમ્પાસ વિસ્તારમાં આધારિત આ ફિલ્મ નવ વર્ષના મિલોની વાર્તા રજૂ કરે છે, જે પરંપરાગત આર્જેન્ટિનિયન લોકનૃત્ય મલામ્બોની તાલીમ લે છે, પરંતુ માત્ર ફિલ્મો દ્વારા જ જાણીતા શહેર બ્યુનોસ આયર્સમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું સપનું જુએ છે. જેમ જેમ તે એકલો બહાર નીકળે છે, તેમ અજાણી મુલાકાતો અને એકલતાની ક્ષણો તેને તેના પર લાદવામાં આવેલી અપેક્ષાઓથી પર એક દુનિયા શોધવા તરફ દોરી જાય છે. તેની આ સફર બાળપણ, સ્વતંત્રતા અને પોતાના સપના સાકાર કરવાના પડકારોનું અન્વેષણ કરે છે.

પ્રોજેક્ટની શરૂઆતને યાદ કરતા, શ્રી ટોરેએ કહ્યું કે તેની શરૂઆત એક નાની ફિલ્મ બનાવવા માટે મિત્રો વચ્ચેના અનૌપચારિક આમંત્રણથી થઈ હતી. એક સામાન્ય સાહસ તરીકે શરૂ થયેલી આ બાબત પરસ્પર વિશ્વાસ અને સામૂહિક પ્રયાસો દ્વારા ધીમે ધીમે એક ફીચર ફિલ્મમાં પરિણમી, અને આખરે બર્લિન, સાન સેબેસ્ટિયન અને બ્યુનોસ આયર્સના ફિલ્મ મહોત્સવોમાં આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચી.

ફિલ્મમાં પ્રોફેસરની ભૂમિકા ભજવતા સુશ્રી પોલ્સે અગાઉ અભિનયનો કોઈ અનુભવ ન ધરાવતા યુવાન મલામ્બો નર્તક મિલો બેરિયા સાથે કામ કરવા અંગે વાત કરી હતી. પરંપરાગત ફિલ્મ સેટની માંગણીઓ સાથે બાળક અનુકૂળ થાય તેવી અપેક્ષા રાખવાને બદલે, ક્રૂએ તેની જરૂરિયાતો અને મિજાજ મુજબ પોતાની કામ કરવાની પદ્ધતિઓમાં ફેરફાર કર્યો, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું કે આ સુગમતાએ યુવાન કલાકારને સર્જનાત્મક પ્રક્રિયાના કેન્દ્રસ્થાને રહેવા માટે સક્ષમ બનાવ્યા હતા.

ફિલ્મની દ્રશ્ય શૈલી વિશે બોલતા, નિર્માતાએ સમજાવ્યું કે 4:3 આસ્પેક્ટ રેશિયો ક્લાસિક સિનેમા પ્રત્યે દિગ્દર્શકોના આદરમાંથી પ્રેરિત હતો અને સાથોસાથ ટીમને તેના નિર્માણ બજેટમાં રહીને કામ કરવામાં પણ મદદરૂપ થયો છે. ફિલ્મના કેટલાક ભાગોમાં બ્લેક-એન્ડ-વ્હાઇટ છબીઓનો ઉપયોગ જૂના સિનેમાના વાતાવરણને જીવંત કરે છે અને કથાને સ્વપ્નવત ગુણવત્તા પ્રદાન કરે છે.

ભવિષ્ય તરફ નજર દોડાવતા, શ્રી ટોરેએ શેર કર્યું કે ટીમ 2027 માં બે ભાઈઓ વિશેની રોડ ફિલ્મ ‘પ્લાન ડી ફ્યુગા’ (Plan de fuga) નું શૂટિંગ શરૂ કરવાની યોજના ધરાવે છે. તેમણે સ્પેનમાં ‘ધ રિવર ટ્રેન’ ની તાજેતરની થિયેટર રિલીઝ વિશે પણ વાત કરી અને ભારતમાં ભવિષ્યમાં ફિલ્મ નિર્માણના સહયોગની આશા વ્યક્ત કરી હતી.

મિલોની સફર દ્વારા, ‘ધ રિવર ટ્રેન’ અજાણ્યાનું અન્વેષણ કરવાની અને જીવનમાં પોતાનો માર્ગ શોધવાની સાર્વત્રિક ઇચ્છાને ઝીલે છે. તેનું નિર્માણ એ વાતની પણ યાદ અપાવે છે કે જ્યારે સર્જનાત્મક મહત્વાકાંક્ષા સાથે સહાનુભૂતિ અને સામૂહિક પ્રયાસ જોડાય ત્યારે સામાન્ય શરૂઆતમાંથી પણ અર્થપૂર્ણ સિનેમા ઉદ્ભવી શકે છે.

આ સત્રનું સંચાલન અનુષ્કા સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ અહીં જુઓ:

 

IFFILOID અહીં વાંચો: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

SM/IJ/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342855
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026