પોસ્ટેડ ઓન:
26 NOV 2026 4:31PM by PIB Ahmedabad
કાયદા અને ન્યાય મંત્રાલયના વિધાયી વિભાગે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક વિશેષ કાર્યક્રમ સાથે બંધારણ દિવસ 2026 ની ઉજવણી કરી, જે તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં ભારતના બંધારણની અદ્યતન આવૃત્તિના વિમોચનને ચિહ્નિત કરે છે. આ કાર્યક્રમમાં કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અર્જુન રામ મેઘવાલ તથા વિધાયી વિભાગ અને કાયદાકીય બાબતોના વિભાગના સચિવ ડૉ. રાજીવ મણિની ઉપસ્થિતિમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત (National Song) અને રાષ્ટ્રગાન (National Anthem) સાથે થઈ, ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ અને મંત્રી દ્વારા પરંપરાગત દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પહેલને ઉજાગર કરતી એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ફિલ્મે બંધારણને માત્ર એક પ્રકાશન તરીકે નહીં પરંતુ ભારતના લોકોના સંઘર્ષ, સમર્પણ, સાંસ્કૃતિક વારસા, ભાષાકીય ગૌરવ અને લોકશાહી ચેતનાના કાયમી પ્રતીક તરીકે અને દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાની ખાતરી આપતા ચાર્ટર તરીકે વર્ણવ્યું હતું. તેણે ડૉ. બી. આર. આંબેડકર અને બંધારણ સભાના સભ્યો દ્વારા કલ્પના કરાયેલા સર્વસમાવેશક, સમાન અને ન્યાયી ભારત તેમજ તે વિઝનને સાકાર કરવામાં ભારતીય ભાષાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરી હતી. તેણે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે આ પહેલ બંધારણને ગ્રામીણ વિસ્તારો, આદિવાસી સમુદાયો અને યુવા પેઢીના નાગરિકોની વધુ નજીક લાવશે, અને તે સંકલ્પ સાથે સમાપ્ત થઈ કે બંધારણ સંસદ અને અદાલતો પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ પરંતુ દરેક ગામ, દરેક ઘર, દરેક શાળા અને દરેક નાગરિક સુધી પહોંચવું જોઈએ.

ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં ભારતના બંધારણની અદ્યતન આવૃત્તિનું વિમોચન કર્યું હતું. આ બંધારણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નાગરિકો માટે દેશના સર્વોચ્ચ કાયદાને સુલભ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
પોતાના વિશેષ સંબોધનમાં, ઉપરાષ્ટ્રપતિએ બંધારણના કાયમી મહત્વ અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા તથા બંધુતાના મૂલ્યોને જાળવી રાખવામાં તેની ભૂમિકાને રેખાંકિત કરી. તેમણે દરેક નાગરિક માટે બંધારણીય જ્ઞાન સુલભ બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

સભાને સંબોધતા, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે બંધારણ સભાના સભ્ય અને મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. બી. આર. આંબેડકરના યોગદાનને યાદ કર્યું, જેમણે રાષ્ટ્રને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સ્તંભો પર આધારિત દૂરંદેશી બંધારણ આપ્યું છે. તેમણે બંધારણને ભારતના લોકશાહી માળખાના પાયા તરીકે વર્ણવ્યું અને નાગરિકોમાં તેમના બંધારણીય અધિકારો અને ફરજો પ્રત્યેની જાગૃતિ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ડૉ. રાજીવ મણિએ સ્વાગત પ્રવચન આપ્યું અને બંધારણ દિવસના મહત્વ તથા નાગરિકોને તેમની પોતાની ભાષાઓમાં બંધારણ અને અન્ય કાયદાઓ સુલભ બનાવવાના વિભાગના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ ઐતિહાસિક અવસરને શક્ય બનાવવામાં ફાળો આપનારા સૌનો આભાર માન્યો, અને નોંધ્યું કે બંધારણ અમલમાં આવ્યા બાદ પ્રથમ વખત બંધારણની અદ્યતન આવૃત્તિ તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં ઉપલબ્ધ છે.
તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં ભારતના બંધારણની અદ્યતન આવૃત્તિનું વિમોચન બંધારણીય જ્ઞાનની સર્વસમાવેશક પહોંચને પ્રોત્સાહન આપવા, બંધારણીય સાક્ષરતાને મજબૂત બનાવવા અને બંધારણના આદર્શોને દરેક નાગરિકની વધુ નજીક લાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
SM/IJ/JD