પોસ્ટેડ ઓન:
25 NOV 2026 12:01PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પંજાબના તરનતારન જિલ્લાના 'બૂહ હવેલિયાં' ગામમાં ‘કિસાન ચૌપાલ’માં ભાગ લીધો હતો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ખેતરોમાં ખેડૂતોની વચ્ચે બેસીને અને તેમની ચિંતાઓ તથા સૂચનો સાંભળતી વખતે, શ્રી ચૌહાણે પરાળી સળગાવ્યા વિના આધુનિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને પંચાયતોની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ કોઈ મોટી રાજકીય સભા યોજવા આવ્યા નથી, પરંતુ એક સેવક તરીકે તેમની વચ્ચે બેસવા અને તેમની ચિંતાઓ સમજવા આવ્યા છે. તેમણે પંજાબ સરકારને ખેડૂતોના હિતમાં ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ લાગુ કરવા વિનંતી કરી હતી અને ખેડૂત-તરફી નીતિઓ તથા MSP પર વિક્રમી ખરીદી પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ખેડૂતોની સેવા એ જ સદગુરુની સાચી પૂજા છે
‘કિસાન ચૌપાલ’ને સંબોધતા, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભાવુક થઈને જણાવ્યું હતું કે ખેડૂતો સમગ્ર દેશનું પેટ ભરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. તેમણે કહ્યું, “હું કોઈ નેતા નથી, હું ખેડૂતોનો સેવક છું. ગુરુ નાનક દેવ જીએ પણ લોકોની સેવા કરવાનો અને અહંકાર, ઈર્ષ્યા તથા દ્વેષથી દૂર રહેવાનો આ જ સંદેશ આપ્યો છે. “મંત્રીપદ કોઈ અહંકારને સંતોષવા માટે આપવામાં આવ્યું નથી, પરંતુ જનતાની સેવા માટે આપવામાં આવ્યું છે; અને મારા માટે ખેડૂતોની સેવા કરવી એ સદગુરુ ભગવાનની પૂજા કરવા બરાબર છે.”

‘હરિત ક્રાંતિ’ થી 'ખેત બચાવો અભિયાન' સુધી
પંજાબના ખેડૂતોના ઐતિહાસિક યોગદાનને સલામ કરતા, કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે જ્યારે દેશ અન્ન સંકટનો સામનો કરી રહ્યો હતો અને વિદેશથી ‘લાલ ઘઉં’ આયાત કરવા પડતા હતા, ત્યારે પંજાબના ખેડૂતોએ જ હરિત ક્રાંતિ લાવીને દેશના અનાજના ભંડારો ભરી દીધા હતા. પરંતુ આજે રાસાયણિક ખાતરો, જંતુનાશકોના અતિશય ઉપયોગ અને પરાળી સળગાવવાને કારણે આપણી ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. મિત્ર કીટકો અને અળસિયાં નાશ પામી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આપણે આજે જમીનની ફળદ્રુપતા નહીં બચાવીએ, તો આવનારી પેઢીઓ મોટા સંકટનો સામનો કરશે. છેલ્લા 6 વર્ષથી પરાળી ન સળગાવવા અને હેપ્પી સીડર તથા સીધી વાવણી (ડાયરેક્ટ સીડિંગ) અપનાવવા બદલ બૂહ હવેલિયાં અને આસપાસના વિસ્તારોના ખેડૂતોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આ ગામે દેશને ‘ખેત બચાવો અભિયાન'ની એક નવી દિશા બતાવી છે.

કૃષિ મશીનરી અંગે રાજ્ય સરકારને સલાહ
સંવાદ દરમિયાન, પ્રગતિશીલ ખેડૂતો સરદાર સુખવિંદર સિંહ (કિરતોવાલ), સરદાર જતિન્દર સિંહ (મુંડા પિંડ) અને પૂર્વ સરપંચ સરદાર ગુરનામ સિંહે પરાળી વ્યવસ્થાપનમાં પડતી વ્યવહારુ સમસ્યાઓ અને બેલર મશીનો પરની સબસિડી સંબંધિત સૂચનો રજૂ કર્યા હતા. ખેડૂતોના સૂચનોને ગંભીરતાથી લેતા, શ્રી ચૌહાણે તેમને ખાતરી આપી હતી કે તેઓ વિગતવાર ચર્ચા માટે તેમને દિલ્હી આમંત્રિત કરશે. દરમિયાન, સબસિડી હેઠળ પૂરી પાડવામાં આવતી મશીનરી અંગેની ફરિયાદોના જવાબમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર આ વર્ષે પણ CRM (પાક અવશેષ વ્યવસ્થાપન) માટે રાજ્ય સરકારને નોંધપાત્ર રકમ - આશરે 286 કરોડ રૂપિયા - પૂરી પાડી રહી છે. કેન્દ્ર સરકાર ભંડોળ પૂરું પાડે છે, જ્યારે મશીનો ખરીદવાની અને ગુણવત્તાની તપાસ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ખેડૂતોને સારી ગુણવત્તાવાળા મશીનો મળે અને ખામી સર્જાય તો સમારકામ માટે યોગ્ય વ્યવસ્થા હોય.

‘ફસલ બીમા યોજના’ અને વૈવિધ્યકરણ પર ભાર
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ખેતીને નફાકારક વ્યવસાય બનાવવા માટે, ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવો અને સંકલિત ખેતી અપનાવવી આવશ્યક છે, જેમાં પશુપાલન, મત્સ્યોદ્યોગ અને મરઘાં ઉછેરની સાથે પાક વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. તેમણે નિરાશા વ્યક્ત કરી હતી કે પંજાબમાં હજુ સુધી ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ લાગુ કરવામાં આવી નથી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમણે પૂર દરમિયાન મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો, જેમાં આ યોજના લાગુ કરવા વિનંતી કરવામાં આવી હતી જેથી કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન બદલ ખેડૂતોને વળતર મળી શકે.
પંજાબમાં ગઠબંધન પ્રગતિ અને વિકાસનો નવો માર્ગ ખોલશે
કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર ડાંગર અને ઘઉંનો સંપૂર્ણ જથ્થો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદે છે. વધુમાં, મોદી સરકાર કઠોળ (તુવેર, મસૂર અને અડદ) ની 100 ટકા ખરીદી તેમજ MSP પર કપાસની ખરીદીની ખાતરી આપે છે. અગાઉની UPA સરકારની સરખામણીમાં, મોદી સરકારે નોંધપાત્ર રીતે વધુ જથ્થામાં ખરીદી કરી છે, અને ભવિષ્યમાં પણ આ જળાવાઈ રહેશે.
SM/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com