પોસ્ટેડ ઓન:
23 NOV 2026 9:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ, અકલ્પનીય અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં આશરે 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને અત્યંત ગરીબીનો દર 27.1 ટકાથી ઘટીને માત્ર 2.6 ટકા રહી ગયો છે. આ અસાધારણ સિદ્ધિમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), ભૂમિ સંસાધન (DoLR) તથા ગ્રામીણ વિકાસ યોજનાઓના યોગદાન પર મંથન કરવા અને આગળની વ્યૂહરચના નક્કી કરવા માટે આજે નવી દિલ્હી સ્થિત આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે એક દિવસીય વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી આ સંયુક્ત કાર્યશાળામાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી ભાગીરથ ચૌધરી અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાને પણ સહભાગિતા નોંધાવી હતી. શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આ સફળતાને “અસાધારણ, અકલ્પનીય અને અભૂતપૂર્વ ચમત્કાર” ગણાવી હતી.

આ મહત્વપૂર્ણ કાર્યશાળામાં ચારેય વિભાગોના ટોચના અધિકારીઓ- કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ શ્રી અતીશ ચંદ્રા, ગ્રામીણ વિકાસ સચિવ શ્રી રોહિત કંસલ, ભૂમિ સંસાધન વિભાગના સચિવ શ્રી દિલીપ કુમાર તથા DARE ના સચિવ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિર્દેશક ડૉ. એમ. એલ. જાટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચારેય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, સેક્શન ઑફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઑફિસર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.
અમેરિકાની વસ્તી કરતાં પણ વધુ 50 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર આવવું એ એક ચમત્કાર
કાર્યશાળામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, ICAR, ગ્રામીણ વિકાસ વિભાગ અને ભૂમિ સંસાધન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આપણા દેશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જે સિદ્ધિ હાંસલ કરી છે, તે ખરેખર અસાધારણ, અદ્ભુત અને અકલ્પનીય છે. સ્વયં વર્લ્ડ બેંકે સ્વીકાર્યું છે કે વિશ્વના કોઈ પણ દેશમાં આટલી ઝડપથી ગરીબી ઓછી થઈ નથી. આટલા વિશાળ જનસમૂહનું ગરીબી રેખાથી ઉપર આવવું એ એક ઐતિહાસિક ઘટના છે. તેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, તેમનું વિઝન અને તેમનો પરિશ્રમ તો છે જ, સાથે જ બંને મંત્રાલયોના દરેક અધિકારી અને કર્મચારીની પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે.

તમે માત્ર યોજનાઓ જ નથી બનાવી, પરંતુ દેશ બનાવ્યો છે; ઉત્સવના રૂપમાં ઉજવો આ સફળતાને
કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે આ સફળતા એમ જ નથી મળી ગઈ, પરંતુ તેની પાછળ આપ સૌનો પરસેવો અને પરિશ્રમ છે. તેમણે કહ્યું કે બેઠકમાં સૌ આનંદ અને ઉત્સવના ભાવથી બેસે, કારણ કે જ્યારે દેશે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે પ્રસન્નતાનું પ્રકટીકરણ આપણા ચહેરા પરથી પણ થવું જોઈએ. શ્રી ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી જીએ પણ આ વાત રેખાંકિત કરી છે કે “તમે માત્ર યોજના નથી બનાવી, પરંતુ દેશ બનાવ્યો છે.” તેમણે કહ્યું કે સામાન્ય રીતે સમીક્ષા બેઠકોમાં માત્ર ઉચ્ચ અધિકારીઓ જ આવી શકે છે, પરંતુ આ વખતે તેમણે નક્કી કર્યું કે પાયાના પથ્થર કહેવાતા સેક્શન ઑફિસર અને આસિસ્ટન્ટ સેક્શન ઑફિસરથી લઈને સચિવ સ્તર સુધીના તમામ સાથીઓને બોલાવવામાં આવે, કારણ કે ફાઈલ ત્યાંથી ચાલે છે. આપ સૌ આ પ્રગતિ યાત્રાના માત્ર સાક્ષી જ નહીં, પરંતુ તેના અસલી સારથી પણ છો. આ દરમિયાન શ્રી ચૌહાણે મંચ છોડીને પ્રેક્ષકોની વચ્ચે પણ બેઠા અને કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરીને તેમના પાયાના અનુભવો અને સૂચનો જાણ્યા.

બાકી રહેલા લોકોને પણ ગરીબીમાંથી બહાર કાઢવાનો સંકલ્પ
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આપણે માત્ર આજીવિકા માટે નહીં, પરંતુ જીવનની સાર્થકતા અને દેશની જનતાની સેવા માટે કામ કરીએ છીએ. જ્યારે કોઈ યોજના નીચેથી તૈયાર થઈને કેબિનેટમાંથી મંજૂર થાય છે અને જમીન પર ઉતરે છે, ત્યારે તેમાં દરેક સ્તરના કર્મચારીનું યોગદાન હોય છે. તેમણે કહ્યું કે હવે આપણી સામે પ્રધાનમંત્રી જીના બે મુખ્ય સંકલ્પો છે- પહેલું એ કે જે લોકો ગરીબી રેખાથી ઉપર આવી ચૂક્યા છે, તેઓ કોઈ પણ સ્થિતિમાં પાછા નીચે ન જાય, અને બીજું એ કે જે આશરે 2.6 થી 2.7 ટકા લોકો બાકી રહી ગયા છે, તેમને પણ ઝડપથી ગરીબી રેખાથી ઉપર ઉઠાવીને તેમના જીવન સ્તરને ઊંચું લાવવામાં આવે.

કૃષિ વિકાસ દર 4.45% ના ઐતિહાસિક સ્તરે, ICAR ના સંશોધનથી મળ્યો 13.85 ગણો લાભ
કૃષિ ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે કહ્યું કે વીતેલા 12 વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં ગર્વ લેવા જેવું અને ચમત્કાર જેવું કામ થયું છે. હરિત ક્રાંતિના સમયગાળામાં પણ કૃષિ વિકાસ દર 3 થી 3.5 ટકાની આસપાસ રહેતો હતો, પરંતુ આજે ભારતનો દાયકાવાર કૃષિ વિકાસ દર 4.45 ટકાના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ PM-કિસાન સન્માન નિધિ હેઠળ 4.66 લાખ કરોડ રૂપિયાથી વધુની સીધી સહાય, વિક્રમી 376.56 મિલિયન ટન ખાદ્યાન્ન અને 386.91 મિલિયન ટન બાગાયત ઉત્પાદન, સસ્તું કૃષિ ધિરાણ, પાક વીમો, પ્રાકૃતિક ખેતી, 10,000 FPO અને એગ્રીસ્ટેક જેવી ડિજિટલ પહેલોએ ખેડૂતોની આવક વધારી છે.

કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE/ICAR) ની રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે વૈજ્ઞાનિક નવીનીકરણોથી કૃષિ સંશોધન અને શિક્ષણમાં રોકાણ કરાયેલા પ્રત્યેક 1 રૂપિયા પર 13.85 રૂપિયાનો અને પશુપાલન સંશોધનમાં 20.81 રૂપિયાનો આર્થિક લાભ મળ્યો છે. વર્ષ 2014 પછીથી 3,436 નવી પાક જાતો બહાર પાડવામાં આવી, જેમાં 93 ટકા આબોહવા અનુકૂળ છે. બાયોફોર્ટિફાઈડ જાતો, 19.78 મિલિયન ટન મત્સ્ય ઉત્પાદન, 500 થી વધુ કૃષિ યંત્રો અને KVK માધ્યમથી વાર્ષિક 5 કરોડ ખેડૂતો સુધી ડિજિટલ પહોંચે ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી મજબૂતી આપી છે.


ગ્રામીણ વિકાસ અને ભૂમિ સંસાધન (DoLR) ની યોજનાઓએ બદલી ગામ-ગરીબની તસવીર
કાર્યશાળામાં ગ્રામીણ વિકાસ અને ભૂમિ સંસાધનની યોજનાઓની પાયાની અસરને વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવી. શ્રી ચૌહાણે કહ્યું કે ગરીબી નાબૂદીના આકારણીમાં ગ્રામીણ વિકાસ અને ભૂમિ સંસાધન વિભાગની ભૂમિકા અત્યંત અસરકારક રહી છે. રજૂઆતોમાં જણાવવામાં આવ્યું કે ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માધ્યમથી 10 કરોડથી વધુ મહિલાઓને સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી અને અત્યાર સુધીમાં 3.76 કરોડ ‘લખપતિ દીદીઓ’ બની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ 3.99 કરોડ પાકા ઘરોનું નિર્માણ થયું. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) થી 7.99 લાખ કિલોમીટર બારમાસી સડકોનું જાળ બિછાયું. વિકસિત ભારત-જી રામ જી (VB-G RAM G) હેઠળ ગ્રામીણ પરિવારોને હવે 125 દિવસોના રોજગારની ખાતરી મળી રહી છે, તો સામાજિક સહાય કાર્યક્રમો અને 99.9 ટકા DBT પારદર્શિતાએ છેવાડાના વ્યક્તિને સશક્ત બનાવ્યો છે.


ભૂમિ સંસાધન વિભાગ (DoLR) હેઠળ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના જળગ્રહણ વિકાસ ઘટક (WDC-PMKSY) માધ્યમથી જળ સંરક્ષણ અને ભૂમિ સુધારણાના કાર્યોથી 3.40 કરોડ હેક્ટર વિસ્તારનો ઉપચાર થયો છે. તેનાથી 61.15 લાખ ખેડૂતોને સીધો લાભ મળ્યો, સિંચાઈ વિસ્તાર અને દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ અને ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવકમાં 70 ટકા સુધીનો વધારો નોંધાયો.

બજેટ અને યોજનાઓમાં સુધારા માટે માંગ્યા સૂચનો, સિદ્ધિઓને જનતાની વચ્ચે લઈ જવાનો આહ્વાન
કાર્યશાળાના સમાપન સત્રમાં કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓ અને કર્મચારીઓને ખુલ્લું આમંત્રણ આપતા કહ્યું કે સિદ્ધિઓનો અર્થ એ નથી કે સુધારાની કોઈ શક્યતા નથી. PM-કિસાન અને e-NAM જેવી યોજનાઓ પર ઘણા સારા સૂચનો આવ્યા છે. જો કોઈના મનમાં બજેટને લઈને, હાલની યોજનાઓમાં સુધારાને લઈને અથવા ખેડૂતોની આવક વધારતી કોઈ નવી યોજનાને લઈને કોઈ વિચાર હોય, તો તેઓ નિઃસંકોચ લખીને મોકલે. શ્રી ચૌહાણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં વિભાગવાર નીચલા સ્તરના કર્મચારીઓ સાથે પણ અનૌપચારિક બેઠકો કરશે અને વિભાગના વડા તરીકે દરેક સાથી માટે સહજ અને સુલભ રહેશે.

શ્રી ચૌહાણે આ વાત પર પણ વિશેષ ભાર મૂક્યો કે વિભાગની સિદ્ધિઓ અને જનકલ્યાણકારી કાર્યોને માત્ર ફાઈલો અને ઔપચારિક પત્રો પૂરતા સીમિત ન રાખીને અસરકારક રીતે જનતા અને ખેડૂતોની વચ્ચે લઈ જવા એ આપણી ફરજ છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે આપણે સીધા જમીન પર જઈને સંવાદ કરીએ છીએ, ત્યારે સકારાત્મક સંદેશ સમગ્ર દેશમાં જાય છે. તેમણે કહ્યું કે સફર હજુ બાકી છે અને આપણે 2029, 2030-31 તથા ‘વિકસિત ભારત @2047’ ના લક્ષ્યાંકોને સમયસર હાંસલ કરવાના છે. મુક્ત વ્યાપાર કરારો (FTA) નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હવે આપણે ભારતીય કૃષિ ઉત્પાદનો સાથે વિશ્વના બજારમાં છવાઈ જવાનું છે.
SM/DK/JD