માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

NHAIની બેરિયર-લેસ MLFF ટોલિંગ સિસ્ટમ કાર્યરત ફી પ્લાઝામાં ચોખ્ખી ટોલ આવકમાં 19.84% નો વધારો થયો


સાત MLFF પ્લાઝામાં સંચિત કામગીરી MLFF-પૂર્વેના સંબંધિત બેઝલાઇનની સરખામણીમાં ચોખ્ખી આવકમાં 19.84% નો વધારો દર્શાવે છે. ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ

પોસ્ટેડ ઓન: 23 NOV 2026 5:20PM by PIB Ahmedabad

દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં પરિવર્તન લાવતા, મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટેકનોલોજી દ્વારા બેરિયર-લેસ ટોલિંગના અમલીકરણથી નેશનલ હાઇવેના મુસાફરો તેમજ સરકારને નોંધપાત્ર લાભ મળી રહ્યા છે, જેમાં કાર્યરત પ્લાઝામાં ચોખ્ખી ટોલ આવક અને ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં મોટો વધારો થયો છે. બેરિયર-લેસ પહેલે ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂરિયાત દૂર કરીને નેશનલ હાઇવેની મુસાફરીમાં પરિવર્તન લાવવાની ટેકનોલોજી-સંચાલિત ટોલિંગની સંભાવના દર્શાવી છે. આ સિસ્ટમ વાહનોની અવિરત અવરજવરને સરળ બનાવે છે, ભીડ અને મુસાફરીનો સમય ઘટાડે છે, ઇંધણનો વપરાશ અને વાહનોમાંથી થતા ઉત્સર્જનને ન્યૂનતમ કરે છે, તથા ટોલ કલેક્શનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે.

ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે 1લી મે 2026 ના રોજ સફળ પ્રારંભ બાદ, MLFF સિસ્ટમ ક્રમશઃ અન્ય આઠ ટોલ પ્લાઝા ખાતે કાર્યરત કરવામાં આવી છે, જેમાં મુંડકા, દૌલતપુરા, ઘરૌંડા, મનોહરપુરા, શાહજહાંપુર, પરાનુર, નેમિલી અને ચેનાસમુદ્રમનો સમાવેશ થાય છે. 31 ઓક્ટોબર 2026 ના રોજ, આ સાત પ્લાઝા (નવેમ્બર 2026 માં લાઇવ થયેલા નેમિલી અને ચેનાસમુદ્રમને બાદ કરતાં) માં સંચિત કામગીરી MLFF-પૂર્વેના સંબંધિત બેઝલાઇનની સરખામણીમાં NHAI ની ચોખ્ખી આવકમાં 19.84% નો વધારો દર્શાવે છે. ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

ચોખ્ખી આવકમાં નોંધપાત્ર વધારો

MLFF ના પ્રારંભ પહેલાના સમયગાળાની સરખામણીમાં, 01 નવેમ્બર 2026 સુધી તેમની સંબંધિત શરૂઆતની તારીખોથી સાત કાર્યરત MLFF પ્લાઝાની સંચિત કામગીરી નીચે મુજબ છે:

MLFF ફી પ્લાઝા

લાઇવ થવાની તારીખ

MLFF-પૂર્વેના સમયગાળાની સાપેક્ષે ચોખ્ખી આવકમાં વધારો

ચોર્યાસી, ગુજરાત

01.05.2026

23.06%

મુંડકા, દિલ્હી

11.05.2026

23.55%

દૌલતપુરા, રાજસ્થાન

19.06.2026

15.66%

ઘરૌંડા, હરિયાણા

25.06.2026

17.39%

મનોહરપુરા, રાજસ્થાન

01.07.2026

24.51%

શાહજહાંપુર, ઉત્તર પ્રદેશ

01.08.2026

16.57%

પરાનુર, તમિલનાડુ

01.10.2026

26.95%

7 પ્લાઝામાં સરેરાશ વધારો

 

21.10%

એકંદર વધારો (સંયુક્ત વેઇટેડ આધાર)

 

19.84%

(નેમિલી ટોલ પ્લાઝા અને ચેનાસમુદ્રમ ટોલ પ્લાઝા અનુક્રમે 12.11.26 અને 21.11.26 ના રોજ લાઇવ થયા હોવાથી ઉપર ધ્યાનમાં લેવામાં આવ્યા નથી)

નિરપેક્ષ દ્રષ્ટિએ, સાત પ્લાઝાએ આશરે ₹449.72 કરોડના સંબંધિત MLFF-પૂર્વેના બેન્ચમાર્કની સામે લગભગ ₹538.95 કરોડની સંચિત ચોખ્ખી આવક પેદા કરી છે, જે આશરે ₹89.23 કરોડની વધારાની ચોખ્ખી આવક દર્શાવે છે.

આવકમાં થયેલો વધારો ખાસ કરીને નોંધપાત્ર છે કારણ કે તે ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં નોંધપાત્ર વધારા અને કલેક્શન ખર્ચમાં ઘટાડાની સાથે હાંસલ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે MLFF માત્ર ઝડપી ટોલ કલેક્શનને જ સરળ બનાવી રહ્યું નથી પરંતુ ટોલ કલેક્શનની કાર્યક્ષમતા અને વ્યાપમાં પણ સુધારો કરી રહ્યું છે, જેનાથી આવકમાં થતો ઘટાડો ઓછો થાય છે અને લાગુ પડતી વપરાશકર્તા ફીની વધુ સારી વસૂલાત સુનિશ્ચિત થાય છે.

વધુમાં, આ પ્લાઝાઓમાં જારી કરાયેલી ઈ-નોટિસના મૂલ્યના લગભગ 60% રકમ પહેલેથી જ વસૂલ થઈ ચૂકી છે. આ પ્રારંભિક તબક્કે ચુકવણી ટાળતા વાહનો પાસેથી પણ નિયમપાલન સુનિશ્ચિત કરવામાં અને વપરાશકર્તા ફી વસૂલવામાં ટેકનોલોજી-સક્ષમ અમલીકરણની અસરકારકતાને પ્રતિબિંબિત કરે છે.

ટોલ ચોરી સામે અમલીકરણ

બેરિયર-લેસ ટોલિંગ તરફના સંક્રમણથી નોંધપાત્ર કામગીરી અને નાણાકીય લાભ થયા હોવા છતાં, ટોલ ચુકવણી ટાળવા માટે અમુક વાહન માલિકો જાણીજોઈને તેમની વાહન નોંધણી નંબર પ્લેટ ઢાંકતા, છુપાવતા અથવા તેમાં ચેડાં કરતા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. NHAI એ આવા કિસ્સાઓની ગંભીર નોંધ લીધી છે અને આવા ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત રાજ્ય સરકારો અને અમલીકરણ એજન્સીઓ સાથે નજીકથી સંકલન કરી રહી છે. ઘરૌંડા ટોલ પ્લાઝા સહિત કેટલાક MLFF સ્થળોએ પોલીસ ચેક પોસ્ટ્સ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે અને મોટર વાહન અધિનિયમ, 1988 ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ચલણ આપવામાં આવી રહ્યા છે.

સાથોસાથ, NHAI આવા વાહનોને ઓળખવા અને તેમના નોંધાયેલા માલિકોને શોધવા માટે વ્હીકલ ફિંગરપ્રિન્ટિંગ અને વાહન ડેટાબેઝ સાથે સંકલન સહિત AI-આધારિત તકનીકી ઉકેલો તૈનાત કરી રહી છે. ન ચૂકવેલી વપરાશકર્તા ફીની વસૂલાત માટે ઈ-નોટિસ જારી કરવામાં આવી રહી છે અને નિર્ધારિત અમલીકરણ માળખા અનુસાર આવી નોટિસ ન ચૂકવવામાં આવે તેવા કિસ્સાઓમાં લાગુ પડતી VAHAN સેવાઓ પ્રતિબંધિત કરવામાં આવી રહી છે.

NHAI નેશનલ હાઇવેના વપરાશકર્તાઓને વધુ સુવિધા, ઝડપી અને અવિરત મુસાફરી તથા બહેતર મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે નેશનલ હાઇવે નેટવર્કમાં બેરિયર-લેસ ટોલિંગનો વિસ્તાર કરવા માટે પ્રતિબદ્ધ છે. સાથોસાથ, ટોલ ચોરી રોકવા, જાહેર આવકનું રક્ષણ કરવા અને તમામ હાઇવે વપરાશકર્તાઓ દ્વારા નિયમપાલન સુનિશ્ચિત કરવા માટે ઓથોરિટી રાજ્ય સરકારોના સંકલનમાં ટેકનોલોજી-સંચાલિત દેખરેખ અને અમલીકરણને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2340425) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी