પોસ્ટેડ ઓન:
11 NOV 2026 8:52PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (11 નવેમ્બર, 2026) નવી દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26 એનાયત કર્યા હતા.
આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે માત્ર એક સંસ્થા સ્વચ્છતાના લક્ષ્યો હાંસલ કરી શકતી નથી. તેના માટે દરેક નાગરિક, દરેક ઘર, દરેક સમુદાય અને દરેક શહેરની ભાગીદારી જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર જાહેર સ્થળોના સૌંદર્યાત્મક આકર્ષણને જાળવવાની બાબત નથી. તે આપણા સ્વાસ્થ્ય, સામાજિક ચેતના અને વહીવટી જવાબદારીનું પણ એક સૂચક છે. તે ઘરમાં આપણી ટેવોનું પણ પ્રતિબિંબ છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દરેક નાગરિકે, ખાસ કરીને યુવાનો, મહિલાઓ, રેસિડેન્ટ વેલફેર એસોસિએશન્સ અને સામૂહિક સંસ્થાઓએ સ્વચ્છતાના વિવિધ પાસાઓ સાથે જોડાવું જોઈએ. તેમણે પોતાના અનુભવો શેર કરવા જોઈએ અને કોઈ પણ ક્ષતિઓ/ખામીઓ વિશે અહેવાલ આપવો જોઈએ, જેનું નિવારણ આપણા શહેરોને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે. આનાથી નગરપાલિકા વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે સતત સંવાદને પ્રોત્સાહન મળવું જોઈએ, જેથી વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારી મજબૂત બને.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે જ્યારે પોતાના આસપાસના વિસ્તારની સ્વચ્છતાનું મૂલ્યાંકન કરવાની વાત આવે છે ત્યારે નાગરિકો શ્રેષ્ઠ ન્યાયાધીશ હોય છે. તેથી, નાગરિક પ્રતિસાદનો ઉપયોગ માત્ર સર્વેક્ષણો અથવા રેન્કિંગ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. તેના બદલે, આ પ્રતિસાદે નગરપાલિકા સેવાઓમાં સુધારો કરવા અને સ્થાનિક પડકારોને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે કામ કરવું જોઈએ.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રે અસરકારક, પોસાય તેવી અને સુરક્ષિત ટેકનોલોજી વિકસાવવાની જરૂરિયાત છે. તેમણે એ નોંધતા આનંદ વ્યક્ત કર્યો હતો કે કેટલાક IITs અને અન્ય વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓ આ દિશામાં સક્રિયપણે કામ કરી રહી છે.

રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રે કેટલાંક સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આવા સાહસો રોજગારીની તકો ઊભી કરવાની સાથે વાસ્તવિક વિશ્વના સ્વચ્છતા પડકારોને ઉકેલવામાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ટાયર-2 અને ટાયર-3 શહેરોની ક્ષમતાઓ વધારવા પર વિશેષ ભાર મૂકવાની જરૂર છે, કારણ કે આ સૌથી ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રો છે. તેમની વિશિષ્ટ જરૂરિયાતો અને પડકારો છે. તેમનો વિકાસ તેમની ચોક્કસ સમસ્યાઓ અને પડકારોને ઉકેલવા માટે ડિઝાઇન કરાયેલા રાષ્ટ્રીય માળખાની અંદર થવો જોઈએ. તેમણે કહ્યું કે ટાયર-2 શહેરોના આયોજકો ટાયર-1 શહેરો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓમાંથી શીખી શકે છે, અને તેમ કરવા માટે, તેમણે ટાયર-1 શહેરોના આયોજકોના અનુભવોનો અભ્યાસ કરવો જોઈએ.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ, ભારતના સૌથી સ્વચ્છ શહેરોનું સન્માન કરે છે અને સ્વચ્છ ભારત મિશન-અર્બનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપે છે.
રાષ્ટ્રપતિનું હિન્દીમાં ભાષણ જોવા માટે અહીં ક્લિક કરો
SM/JY/JD