આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

કેબિનેટે નવી દિલ્હીના નોર્થ અને સાઉથ બ્લોક કોમ્પ્લેક્સ ખાતે યુગે યુગીન ભારત મ્યુઝિયમના વિકાસને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 11 NOV 2026 3:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (PIB) દ્વારા મૂલ્યાંકન કરાયા મુજબ ₹3,230 કરોડના અંદાજિત કુલ પ્રોજેક્ટ ખર્ચ સાથે નવી દિલ્હીના નોર્થ અને સાઉથ બ્લોક કોમ્પ્લેક્સ ખાતે આવેલા યુગે યુગીન ભારત મ્યુઝિયમ (YYBM) ના વિકાસને મંજૂરી આપી છે.

મુદ્દાવાર વિગતો

  • યુગે યુગીન ભારત મ્યુઝિયમની પરિકલ્પના ભારતની ભૌતિક અને અભૌતિક સાંસ્કૃતિક વિરાસતના એકીકૃત આલેખન દ્વારા તેની સભ્યતાની વિરાસતની નિરંતરતા, વિવિધતા અને સમૃદ્ધિ દર્શાવતા એક સીમાચિહ્નરૂપ સિવિલાઇઝેશનલ મ્યુઝિયમ તરીકે કરવામાં આવી છે.
  • મ્યુઝિયમનો વિકાસ ઐતિહાસિક નોર્થ અને સાઉથ બ્લોક કોમ્પ્લેક્સના અનુકૂલનશીલ પુનઃઉપયોગ દ્વારા કરવામાં આવશે, જે તેમની સ્થાપત્ય લાક્ષણિકતા અને વિરાસતના મહત્વને જાળવી રાખીને તેમને એક જાહેર સાંસ્કૃતિક સંસ્થામાં પરિવર્તિત કરશે.
  • આશરે 1,78,509 ચોરસ મીટરના સૂચિત બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલું આ મ્યુઝિયમ સમકાલીન મ્યુઝિયમ પ્રથાઓ, ઇમર્સિવ ટેકનોલોજી અને મુલાકાતી-કેન્દ્રિત વ્યાખ્યાને એકીકૃત કરશે. વિશ્વના અગ્રણી આંતરરાષ્ટ્રીય સંગ્રહાલયોના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું 'યુગે યુગીન ભારત સંગ્રહાલય', વિશ્વમાં સૌથી મોટો પ્રદર્શન વિસ્તાર ધરાવતું સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે.
  • મ્યુઝિયમ ક્યુરેટેડ થીમેટિક ગેલેરીઓ, પ્રદર્શનો અને તેની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ, જ્ઞાન પ્રણાલીઓ, કલાત્મક પ્રથાઓ અને વિરાસતની વ્યાખ્યા દ્વારા ભારતની સભ્યતાની યાત્રા રજૂ કરશે.
  • પ્રોજેક્ટમાં ગેલેરી વિકાસ, સંગ્રહ સ્ટોરેજ અને સંરક્ષણ સુવિધાઓ, મુલાકાતી સુવિધાઓ, ટેકનોલોજી અને ઇમર્સિવ અનુભવોનું એકીકરણ, લેન્ડસ્કેપિંગ, ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ સિસ્ટમ્સ અને સંલગ્ન માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે.
  • મ્યુઝિયમનો વિકાસ મ્યુઝિયમ આયોજન, વિરાસત સંરક્ષણ, પ્રદર્શન ડિઝાઇન અને ટકાઉ સાંસ્કૃતિક વ્યવસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત રીતે, ભારતના વિવિધ સાંસ્કૃતિક સંદર્ભને અનુકૂળ રીતે કરવામાં આવી રહ્યો છે.

પૃષ્ઠભૂમિ

યુગે યુગીન ભારત મ્યુઝિયમની સ્થાપનાની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા 18 મે 2023 ના રોજ કરવામાં આવી હતી.

ઐતિહાસિક નોર્થ અને સાઉથ બ્લોક ઇમારતો, સરકારી કચેરીઓના સ્થાનાંતરણ પછી, મહત્વપૂર્ણ જાહેર સાંસ્કૃતિક હેતુ માટે તેમના અનુકૂલનશીલ પુનઃઉપયોગ માટે એક અનોખી તક પૂરી પાડે છે. આ પ્રોજેક્ટ આ આઇકોનિક ઇમારતોની સ્થાપત્ય અને વિરાસતની લાક્ષણિકતાને જાળવી રાખીને તેમને નવી સંસ્થાકીય ભૂમિકા આપવાનો પ્રયાસ કરે છે.

આ પ્રસ્તાવનું મૂલ્યાંકન પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (PIB) દ્વારા 27 જુલાઈ 2026 ના રોજ કરવામાં આવ્યું હતું, અને સંસ્કૃતિ મંત્રાલયે તેની ભલામણો સાથે સંમતિ આપી છે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકો

આ પ્રોજેક્ટ નાણાકીય વર્ષ 2026-27 થી નાણાકીય વર્ષ 2030-31 દરમિયાન તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે. શણગારની થીમ પર આધારિત પ્રથમ ઉદ્ઘાટન ગેલેરી 2027ના ઉત્તરાધમાં નોર્થ બ્લોકમાં જનતા માટે ખુલ્લી મુકાય તેવી અપેક્ષા છે. વધુ ગેલેરીઓ ઉમેરવા માટે એક મોડ્યુલર અભિગમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સામગ્રી અને સંગ્રહનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને YYBMમાં પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રીય મ્યુઝિયમ અને અન્ય સંસ્કૃતિ મંત્રાલયના મ્યુઝિયમો, 52 ASI સાઇટ મ્યુઝિયમો અને વિવિધ અન્ય રાજ્ય મ્યુઝિયમો તથા ખાનગી સંગ્રહોમાંથી આશરે 1.8 મિલિયન વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે.

અન્ય ગેલેરીઓ સ્થાપત્ય અને સિટીસ્કેપ્સ, ગણિત અને ખગોળશાસ્ત્ર, ભાષાઓ અને લિપિઓ, આસ્થા અને આધ્યાત્મિકતા અને ભારત કનેક્ટ્સ - વેપાર અને વિચારો જેવી થીમ્સ પર વિકસાવવામાં આવી રહી છે.

સંકલિત પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ડિઝાઇન અને તકનીકી દેખરેખ, ગુણવત્તા આશ્વાસન અને સમયાંતરે નિરીક્ષણ દ્વારા અમલીકરણ હાથ ધરવામાં આવશે.

રોજગારી સર્જનની ક્ષમતા સહિત મુખ્ય અસર

યુગે યુગીન ભારત મ્યુઝિયમ દ્વારા મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક અને રોજગાર સંબંધિત પરિણામો આવવાની અપેક્ષા છે.

  • સભ્યતાની વિરાસતનું સંરક્ષણ: તે ભારતના સભ્યતાના વિકાસ, નિરંતરતા અને વિવિધતાને રજૂ કરવા માટે એક સંકલિત સંસ્થાકીય પ્લેટફોર્મ પૂરું પાડશે, જે ભૌતિક અને અભૌતિક વિરાસતના સંરક્ષણ અને પ્રસારને મજબૂત બનાવશે.
  • વિરાસતી ઇમારતોનો અનુકૂલનશીલ પુનઃઉપયોગ: આ પ્રોજેક્ટ ઐતિહાસિક નોર્થ અને સાઉથ બ્લોક ઇમારતોની સ્થાપત્ય અને વિરાસતની લાક્ષણિકતાને જાળવી રાખીને તેમને એક મહત્વપૂર્ણ જાહેર સાંસ્કૃતિક હેતુ આપશે.
  • સાંસ્કૃતિક પ્રવાસન અને આંતરરાષ્ટ્રીય જોડાણ: મ્યુઝિયમ એક મુખ્ય સાંસ્કૃતિક સ્થળ તરીકે ઉભરી આવવાની અપેક્ષા છે, જે દેશી અને વિદેશી મુલાકાતીઓને આકર્ષિત કરશે અને ભારતની વૈશ્વિક સાંસ્કૃતિક ઉપસ્થિતિ અને સોફ્ટ પાવરને મજબૂત કરશે.
  • શિક્ષણ અને સંશોધન: તે જાહેર શિક્ષણ, શૈક્ષણિક સંશોધન, જ્ઞાનના આદાનપ્રદાન અને ભારતીય વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ તથા જ્ઞાન પ્રણાલીઓ સાથે જોડાણ માટેની તકો પૂરી પાડશે.
  • રોજગારીનું સર્જન: આ પ્રોજેક્ટ તેના નિર્માણ અને કામગીરીના તબક્કા દરમિયાન પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે, જે હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રોમાં આજીવિકાને સપોર્ટ કરવા ઉપરાંત કારીગરો, શિલ્પકારો, સંશોધકો, મ્યુઝિયોલોજિસ્ટ્સ, ડિઝાઇનર્સ, કલાકારો અને અન્ય સર્જનાત્મક વ્યાવસાયિકો માટે તકો ઊભી કરશે.
  • મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન: સુવ્યવસ્થિત વેન્ડર વિકાસ પહેલો દ્વારા, આ પ્રોજેક્ટ વિશ્વસ્તરીય મ્યુઝિયમ સામગ્રી અને ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે, જે ભારતીય કારીગરો, ઉત્પાદકો, સંરક્ષણ વ્યાવસાયિકો અને ટેકનોલોજી પ્રદાતાઓ માટે તકો ઊભી કરશે.
  • મુલાકાતી-કેન્દ્રિત અને સમાવેશી માળખું: સમકાલીન મ્યુઝિયમ ટેકનોલોજી અને સુલભ મુલાકાતી સુવિધાઓ જાહેર જોડાણ વધારશે અને એકંદર મ્યુઝિયમ અનુભવમાં સુધારો કરશે.

કુલ ખર્ચ

સંબંધિત એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા તકનીકી મૂલ્યાંકન સહિત વિગતવાર સ્થાપત્ય અને પ્રદર્શન ડિઝાઇન, એન્જિનિયરિંગ અને મ્યુઝિયમ આયોજન આવશ્યકતાઓના આધારે અંદાજિત કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹3,230 કરોડ છે.

મ્યુઝિયમ ટિકિટ વેચાણ, ખાદ્ય અને પીણાં સુવિધાઓ, કાર્યક્રમો અને સ્થળનું ભાડું, ડિજિટલ અનુભવો, માર્ગદર્શિત પ્રવાસો (ગાઇડેડ ટૂર), રિટેલ આઉટલેટ્સ અને અન્ય મુલાકાતી સેવાઓ દ્વારા પુનરાવર્તિત આવક જનરેટ કરે તેવી પણ અપેક્ષા છે. મ્યુઝિયમને વર્ષમાં 1 કરોડ મુલાકાતીઓના પ્રવાહને સંભાળવા માટે સજ્જ કરવામાં આવી રહ્યું છે.

લાભાર્થીઓની સંખ્યા

મ્યુઝિયમની પરિકલ્પના સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ, સંશોધકો, વિદ્વાનો, સાંસ્કૃતિક પ્રેક્ટિશનરો, દેશી અને વિદેશી પ્રવાસીઓ અને અન્ય મુલાકાતીઓને સેવા આપતી એક રાષ્ટ્રીય જાહેર સાંસ્કૃતિક સંસ્થા તરીકે કરવામાં આવી છે.

એક જાહેર સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થા તરીકે, તે ભારતની સભ્યતાની વિરાસત વિશે શીખવા, સંશોધન, સાંસ્કૃતિક જોડાણ અને મૂલ્યાંકન માટેની તકો પૂરી પાડશે. આ પ્રોજેક્ટ માટે નિશ્ચિત લાભાર્થીઓની સંખ્યા લાગુ પડતી નથી.

આવરી લેવાયેલ રાજ્યો/જિલ્લાઓ

આ સંગ્રહાલય નવી દિલ્હીના નોર્થ અને સાઉથ બ્લોક સંકુલમાં સ્થિત હશે. જોકે તેનું ભૌતિક માળખું રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રિત છે, પરંતુ આ સંસ્થાનો ઉદ્દેશ્ય ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુલાકાતીઓ તેમજ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને સેવા પૂરી પાડવાનો છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2334986) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Kannada