પોસ્ટેડ ઓન:
10 NOV 2026 11:58AM by PIB Ahmedabad
અરુણાચલ પ્રદેશના બોમડિલા સ્થિત થુબચોગ ગાત્સેલ લિંગ (TGL) મઠ (લોઅર ગોમ્પા) ખાતે શાક્યમુનિ બુદ્ધના પવિત્ર અવશેષોના પ્રદર્શનથી હજારો શ્રદ્ધાળુઓને ભગવાન બુદ્ધ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવાની એક શુભ તક મળી છે. આ પ્રદર્શનના પ્રથમ બે દિવસો દરમિયાન કુલ 11,969 શ્રદ્ધાળુઓએ મઠની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પવિત્ર અવશેષોની હાજરીમાં પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા.

શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા પવિત્ર અવશેષો સાથે જોડાયેલી ઊંડી શ્રદ્ધા અને અધ્યાત્મિક ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જે બૌદ્ધો માટે અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે.
આ પ્રદર્શનનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી, અરુણાચલ પ્રદેશ સરકાર અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC), નવી દિલ્હીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. પવિત્ર અવશેષોના જાહેર દર્શન TGL મઠ ખાતે 13 નવેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે, જે વિવિધ મતક્ષેત્રો અને પ્રદેશોના શ્રદ્ધાળુઓને પ્રાર્થના કરવા અને આદર અર્પણ કરવાની તક પૂરી પાડશે.

શ્રદ્ધાળુઓની વ્યવસ્થિત ભાગીદારીની સુવિધા માટે, પ્રદર્શનના બાકીના દિવસો માટે મતક્ષેત્ર અને શ્રેણી વાઇઝ સમયપત્રક નીચે મુજબ છે:
- 11 નવેમ્બર, 2026: 5-કલાક્તાંગ વિધાનસભા મતક્ષેત્ર (AC), અરુણાચલ પ્રદેશના શ્રદ્ધાળુઓ
- 12 નવેમ્બર, 2026: 6-બુરાગાંવ-થ્રિઝિનો વિધાનસભા મતક્ષેત્ર (AC), અરુણાચલ પ્રદેશના શ્રદ્ધાળુઓ
- 13 નવેમ્બર, 2026: અન્ય જિલ્લાના શ્રદ્ધાળુઓ, જિલ્લામાં તૈનાત સશસ્ત્ર દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs) ના સભ્યો, અને જે શ્રદ્ધાળુઓ તેમના નિર્ધારિત દિવસોમાં હાજરી આપી શક્યા ન હતા.
તમામ નિર્ધારિત દિવસોમાં દર્શનનો સમય સવારે 8:30 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે.

બોમડિલા ખાતે જાહેર પ્રદર્શનના સમાપન પછી, પવિત્ર અવશેષોને પ્રદર્શનના આગામી સ્થળ નામસાઈ જિલ્લાની આગળની યાત્રા માટે 14 નવેમ્બર, 2026ના રોજ ઔપચારિક વિદાય આપવામાં આવશે. પવિત્ર અવશેષોને ગોલ્ડન પેગોડા, નામસાઈ ખાતે 14 થી 20 નવેમ્બર, 2026 સુધી જાહેર દર્શન માટે સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ, પવિત્ર અવશેષો 21 નવેમ્બર, 2026ના રોજ રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી ખાતે પરત ફરશે.

આ પ્રદર્શન ભારતની સમૃદ્ધ બૌદ્ધ વિરાસત અને સભ્યતાના વારસાને જાળવવા, પ્રોત્સાહિત કરવા અને પ્રદર્શિત કરવા માટે ભારત સરકારની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આવી પહેલો દ્વારા, ભારત સરકાર પવિત્ર બૌદ્ધ વિરાસત સુધી શ્રદ્ધાળુઓની પહોંચને સરળ બનાવવા, સાંસ્કૃતિક અને અધ્યાત્મિક સંબંધોને મજબૂત કરવા અને બૌદ્ધ ધર્મના ઉપદેશો અને તત્વજ્ઞાનમાં ભારતના કાયમી યોગદાનને પ્રોત્સાહિત કરવા માંગે છે.
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com