સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પેન્શનધારકો માટે પોસ્ટ વિભાગની ભેટ, હવે ઘરે બેઠા બનશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ભારત સરકાર દ્વારા પેન્શનધારકો માટે શરૂ કરવામાં આવેલી બાયોમેટ્રિક અને આધાર આધારિત ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા હવે ઘરે બેઠા પોસ્ટમેન દ્વારા મળશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગની ડોરસ્ટેપ સેવા દ્વારા પેન્શનધારકોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે ટ્રેઝરી અને બેંકમાં જવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટેડ ઓન: 09 NOV 2026 7:35PM by PIB Ahmedabad

હવે પેન્શનધારકોએ લાઇફ સર્ટિફિકેટ (હયાતીનું પ્રમાણપત્ર) જમા કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈપણ વિભાગમાં જવાની જરૂર રહેશે નહીં. પેન્શનધારકો પોતાના નજીકના પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કઢાવી શકશે. આ માટે માત્ર રૂ. 70ની ફી નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલી આપવામાં આવશે, જેથી પેન્શન મેળવવામાં કોઈ અડચણ નહીં આવે. આ અંગેની માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. આ પહેલ 'ડિજિટલ ઇન્ડિયા'ના વિઝનને વધુ સશક્ત બનાવવાની સાથે સરકારી સેવાઓ નાગરિકોના ઘરઆંગણે પહોંચાડવાની દિશામાં પોસ્ટ વિભાગનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ જ ક્રમમાં અમદાવાદ ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પેન્શનર શ્રી ઘનશ્યામભાઈ હરગોવનદાસ તથા શ્રીમતી જીવીબેન દલાભાઈ પરમારનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવની ઉપસ્થિતિમાં પોસ્ટમેન મારફતે સફળતાપૂર્વક બનાવીને આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, જેને 'જીવન પ્રમાણ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકાર દ્વારા પેન્શનધારકો માટે શરૂ કરવામાં આવેલી બાયોમેટ્રિક અને આધાર આધારિત ડિજિટલ સેવા છે. આ સેવા દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા અન્ય સરકારી સંસ્થાઓના પેન્શનધારકો બેંક કે પેન્શન કચેરીમાં ગયા વિના ઘરે બેઠા જ પોતે હયાત હોવા અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન રજૂ કરી શકે છે, જેથી તેમનું પેન્શન કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી શકે. શ્રી યાદવે વધુમાં જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેનનો સંપર્ક કરી શકે છે. પોસ્ટમેન પેન્શનધારકના ઘરે આવી બાયોમેટ્રિક ડિવાઇસ દ્વારા અંગૂઠા અથવા આંગળીની છાપના આધારે તેમનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તૈયાર કરી આપશે. આ માટે પેન્શનધારકે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર આપવાનો રહેશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનધારકના મોબાઇલ નંબર પર પુષ્ટિ માટેનો એસએમએસ મોકલવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે https://jeevanpramaan.gov.in/ppouser/login વેબસાઇટ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા દ્વારા ઓળખ) અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી ડિજિટલ પ્રક્રિયાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ખાસ કરીને દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પેન્શનધારકો સહિત તમામ પેન્શનધારકોને સરળતાથી અને સુવિધાજનક રીતે સરકારી સેવાઓનો લાભ મળી શકે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરાવ્યો હતો, ત્યારે 'બેંકિંગ સેવાઓ તમારા દ્વારે' એ તેમનું મુખ્ય વિઝન હતું. આ જ વિઝનને આગળ ધપાવતા પોસ્ટ વિભાગની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પેન્શન અને પેન્શનધારકોના કલ્યાણ વિભાગના સહયોગથી 1 થી 30 નવેમ્બર, 2026 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 5.0નું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. આ માટે દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પેન્શનધારકોને ટ્રેઝરી કચેરી સુધી પહોંચવામાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ મુસાફરી સહિતના ખર્ચાઓ પણ ભોગવવા પડે છે. આવી સ્થિતિમાં પોસ્ટ વિભાગની આ પહેલથી પેન્શનધારકોને મોટી રાહત અને સુવિધા મળશે. આ ઉપરાંત, પેન્શનધારકો પોસ્ટમેન મારફતે ઘરે બેઠા જ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રકમ પણ ઉપાડી શકશે.


(રીલીઝ આઈડી: 2334452) મુલાકાતી સંખ્યા : 23
આ રીલીઝ વાંચો: English