પોસ્ટેડ ઓન:
23 OCT 2026 4:57PM by PIB Ahmedabad
ભારત સરકારનો ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ (DoT) દેશભરમાં જાહેર વાઇ-ફાઇ હોટસ્પોટ્સ દ્વારા બ્રોડબેન્ડ કનેક્ટિવિટીના વિસ્તરણ માટે 'પ્રાઇમ મિનિસ્ટર્સ વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ' (PM-WANI) યોજનાને પ્રોત્સાહન આપી રહ્યો છે. 9 ડિસેમ્બર 2020 ના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના ડિજિટલ કોમ્યુનિકેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો અને સસ્તી બ્રોડબેન્ડ સેવાઓની પહોંચ સુધારવાનો છે.
પીએમ-વાણી (PM-WANI) માળખું સ્થાનિક ઉદ્યોગસાહસિકો, નાના દુકાનદારો અને અન્ય સંસ્થાઓને વિકેન્દ્રિત અને સ્કેલેબલ મોડલ દ્વારા જાહેર વાઇ-ફાઇ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવે છે. તેનો હેતુ ડિજિટલ સમાવેશને સરળ બનાવવાનો, સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવાનો અને નાના વ્યવસાયો માટે આવકના વધારાના સ્ત્રોતો ઊભા કરવાનો છે.
પીએમ-વાણી યોજનાની મુખ્ય વિશેષતાઓ પીએમ-વાણી ઇકોસિસ્ટમમાં નીચેના મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે:
- પબ્લિક ડેટા ઓફિસ (PDO): વપરાશકર્તાઓને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે PM-WANI-સુસંગત વાઇ-ફાઇ હોટસ્પોટ્સની સ્થાપના, જાળવણી અને સંચાલન કરે છે. સ્થાનિક દુકાનદારો અને નાના સંસ્થાનો આ માળખા હેઠળ DoT રજીસ્ટ્રેશનની અલગથી જરૂરિયાત વગર PDO તરીકે ભાગ લઈ શકે છે.
- પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર (PDOA): PDOs દ્વારા સંચાલિત વાઇ-ફાઇ હોટસ્પોટ્સને એકત્રિત કરે છે અને વપરાશકર્તા અધિકૃતતા (ઓથોરાઇઝેશન) અને એકાઉન્ટિંગ જેવા કાર્યોની સુવિધા આપે છે.
- એપ પ્રોવાઇડર: એવી એપ્લિકેશન્સ વિકસાવે છે જે વપરાશકર્તાઓને નોંધણી (રજીસ્ટ્રેશન), પ્રમાણીકરણ (ઓથેન્ટિકેશન) અને નજીકના PM-WANI-સુસંગત વાઇ-ફાઇ હોટસ્પોટ્સ શોધવામાં સક્ષમ બનાવે છે.
- સેન્ટ્રલ રજિસ્ટ્રી: PM-WANI ઇકોસિસ્ટમની કામગીરીને ટેકો આપીને, PDO, PDOA અને એપ પ્રોવાઇડર્સને લગતી માહિતી જાળવે છે.
નાગરિકો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે લાભો PM-WANI નજીકના જાહેર વાઇ-ફાઇ હોટસ્પોટ્સ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટની ઍક્સેસની સુવિધા આપે છે, જે વપરાશકર્તાઓને મોબાઇલ બ્રોડબેન્ડની સાથે સાથે કનેક્ટિવિટીનો વધારાનો વિકલ્પ પ્રદાન કરે છે. આ માળખું ખાસ કરીને જાહેર સ્થળો, વ્યાપારી સંકુલો અને એવા વિસ્તારો માટે સુસંગત છે જ્યાં સસ્તું ઇન્ટરનેટ શિક્ષણ, ડિજિટલ સેવાઓ, સંચાર અને આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપી શકે છે.
આ યોજના સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે તેમની વ્યાવસાયિક જરૂરિયાતો અને ટેક્નો-કોમર્શિયલ સદ્ધરતા અનુસાર વાઇ-ફાઇ હોટસ્પોટ સ્થાપવાની તકો પણ ઊભી કરે છે. PDO અધિકૃત PDOA અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISP) અથવા ટેલિકોમ સેવા પ્રદાતાઓ (TSP) પાસેથી યોગ્ય વાઇ-ફાઇ સાધનો અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મેળવી શકે છે.
પીએમ-વાણી ઇકોસિસ્ટમમાં ભાગીદારીને પ્રોત્સાહન ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ લાયક ઉદ્યોગસાહસિકો અને રસ ધરાવતી સંસ્થાઓને PM-WANI ઇકોસિસ્ટમમાં ભાગ લેવાની શક્યતાઓ તપાસવા પ્રોત્સાહિત કરે છે. રસ ધરાવતા હિતધારકો યોજનાની માર્ગદર્શિકા, નોંધણી પ્રક્રિયાઓ, સેન્ટ્રલ રજિસ્ટ્રી અને અન્ય સંબંધિત માહિતી માટે સત્તાવાર PM-WANI પોર્ટલનો સંદર્ભ લઈ શકે છે.
સત્તાવાર વેબસાઇટ: https://pmwani.gov.in/wani
પીએમ-વાણી દ્વારા, ભારત સરકાર જાહેર વાઇ-ફાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને પ્રોત્સાહિત કરીને, સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને ટેકો આપીને અને બ્રોડબેન્ડ સેવાઓની વ્યાપક પહોંચને સરળ બનાવીને ડિજિટલી કનેક્ટેડ ભારતના વિઝનને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે.