સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ ખાતે ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ’ સેવાનો કર્યો શુભારંભ


પોસ્ટ વિભાગની પહેલ: અમદાવાદથી મુંબઈ, નવી મુંબઈ અને થાણે માટે હવે 24 કલાકમાં સ્પીડ પોસ્ટની ડિલિવરી – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ


ભારતીય ડાકની ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા’ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ બાદ હવે અમદાવાદમાં પણ શરૂ

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 8:45PM by PIB Ahmedabad

વર્તમાન બદલાતા પરિપ્રેક્ષ્યમાં મેલ અને પાર્સલ સેવાઓનું ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે અને ગ્રાહકોની વધતી જતી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી તકો ઊભી થઈ રહી છે. આ જ ક્રમમાં, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોના ઝડપી અને સમયબદ્ધ ડિલિવરીની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ઈન્ડિયા પોસ્ટે પોતાની પ્રીમિયમ પોસ્ટ સેવાઓમાં એક નવી પહેલ તરીકે ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા’ શરૂ કરી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 15 ઑક્ટોબર, 2026ના રોજ ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ના સમાપન દિવસે અમદાવાદ જીપીઓ ખાતે આ સેવાનો શુભારંભ કર્યો. આ સેવાના પ્રથમ ગ્રાહક તરીકે સુશ્રી ભાવિકા માંગુકિયાએ અમદાવાદ જીપીઓથી મહારાષ્ટ્રના થાણે માટે સ્પીડ પોસ્ટનું બુકિંગ કરાવ્યું. બુકિંગ બાદ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તેમને તેની રસીદ અર્પણ કરી. આ સેવા બલ્ક અને રિટેલ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ સેવાના દર સામાન્ય સ્પીડ પોસ્ટના દરથી અલગ રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે શુભારંભ બાદ જણાવ્યું કે આ સેવા અંતર્ગત હાલમાં અમદાવાદથી મુંબઈ, નવી મુંબઈ અને થાણે વિસ્તારમાં વિભાગ દ્વારા નિર્ધારિત ગંતવ્ય પિનકોડ પર યોગ્ય દસ્તાવેજોની 24 કલાકની અંદર ડિલિવરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં આ સેવા માટે અમદાવાદ જીપીઓ, નવરંગપુરા બીડી સેલ તથા શાહીબાગ સ્થિત બિઝનેસ પોસ્ટ સેન્ટરને બુકિંગ કેન્દ્રો તરીકે નિર્ધારિત કરવામાં આવ્યાં છે. આ સેવાનો વિસ્તાર કરતાં નવરંગપુરા હેડ પોસ્ટ ઑફિસ, એલિસબ્રિજ, માણેકબાગ અને પાલડી પોસ્ટ ઑફિસમાં પણ ટૂંક સમયમાં બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવશે. આ સેવાની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એટલે “આગામી દિવસે ડિલિવરીની ગેરંટી નહિતર ડિલિવરીમાં વિલંબ અથવા આર્ટિકલ ગુમ થવાની સ્થિતિમાં સંપૂર્ણ પોસ્ટલ શુલ્કની પરત ચુકવણી.” રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ પોસ્ટ વિભાગ દ્વારા આ આર્ટિકલ્સનું વિતરણ કરવામાં આવશે. આ વિશિષ્ટ સુવિધા ‘24 સ્પીડ પોસ્ટ’ને અન્ય સ્પર્ધાત્મક સેવાઓથી અલગ ઓળખ પ્રદાન કરે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઈન્ડિયા પોસ્ટે 1 ઑગસ્ટ, 1986ના રોજ પત્રો અને પાર્સલની સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત ડિલિવરી માટે સ્પીડ પોસ્ટ સેવાની શરૂઆત કરી હતી. ચાર દાયકાની આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેક્નોલોજી આધારિત અને ઝડપી ડિલિવરી આપતી સેવા બની ગઈ છે. આ જ ક્રમમાં, ઈન્ડિયા પોસ્ટ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ 17 માર્ચ, 2026ના રોજ દેશનાં છ મુખ્ય મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદમાં પણ આ સેવા શરૂ કરવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘24 સ્પીડ પોસ્ટ’ સેવામાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બી.એન.પી.એલ. સુવિધા, બલ્ક બુકિંગ માટે નિઃશુલ્ક પિકઅપ, એ.પી.આઈ. ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીયકૃત બિલિંગ જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓથી ગ્રાહકોને તેમની પોસ્ટલ વસ્તુઓની સુરક્ષિત અને વિશ્વસનીય ડિલિવરીનો વધારાનો વિશ્વાસ મળશે. ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા ખાસ કરીને વ્યાપારી સંસ્થાઓ, બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ, સરકારી કચેરીઓ તથા અન્ય સંગઠનો માટે ઉપયોગી સાબિત થશે, જેમને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની ઝડપી અને સમયબદ્ધ ડિલિવરી કરવી જરૂરી હોય છે. આ પહેલ પોસ્ટ વિભાગની પ્રીમિયમ સેવાઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

અમદાવાદ જીપીઓનાં સિનિયર પોસ્ટમાસ્ટર સુશ્રી મંજુલાબેન પટેલે જણાવ્યું કે આ સેવા અંતર્ગત મહત્તમ 500 ગ્રામ સુધીના યોગ્ય દસ્તાવેજો સ્વીકારવામાં આવશે. તેમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ બેંકિંગ સંબંધિત દસ્તાવેજો વગેરેનો સમાવેશ થાય છે. આ સેવાના સુચારુ સંચાલન માટે વિશેષ પોસ્ટ બેગ, પેકેજિંગ સામગ્રી, પ્રાથમિકતા સ્ટિકર, બારકોડ લેબલ તથા અન્ય નિર્ધારિત સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોએ દરેક ટપાલ પર મોકલનાર અને પ્રાપ્તકર્તાનું સંપૂર્ણ અને સાચું સરનામું લખવાનું રહેશે. આ ઉપરાંત, નિર્ધારિત નિયમો અનુસાર મોકલનાર અને પ્રાપ્તકર્તાના મોબાઇલ નંબર નોંધાવવા પણ જરૂરી રહેશે.

આ પ્રસંગે અમદાવાદના પ્રવર ડાક અધિક્ષક શ્રી શિશિર કુમાર, પ્રવર અધિક્ષક રેલ ડાક સેવા શ્રી પીયૂષ રાજક, જીપીઓનાં સિનિયર પોસ્ટમાસ્ટર સુશ્રી મંજુલાબેન પટેલ, સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વારિસ વહોરા, સહાયક અધિક્ષક શ્રી જગદીશ જીડ, શ્રી રોનક શાહ, નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી વિપુલ ચડોતરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


(રીલીઝ આઈડી: 2324127) મુલાકાતી સંખ્યા : 32
આ રીલીઝ વાંચો: English