લોકસભા સચિવાલય
મજબૂત લોકશાહીનો પાયો સંવાદ, વિવિધ વિચારો અને અર્થપૂર્ણ જાહેર ભાગીદારી પર રચાયેલો છે: લોકસભા અધ્યક્ષ
ટેકનોલોજી અને યુવાનોની ભાગીદારી લોકશાહીને નવો આયામ આપી શકે છે: લોકસભા અધ્યક્ષ
લોકસભા અધ્યક્ષે નવતર પ્રયોગો અપનાવવામાં રાજ્ય વિધાનસભાઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધા માટે આહ્વાન કર્યું
ગોવાએ તેના વારસા અને નૈસર્ગિક પર્યાવરણના જતન સાથે આર્થિક વિકાસનું સફળતાપૂર્વક સંતુલન જાળવ્યું છે: લોકસભા અધ્યક્ષ
ગોવા વિધાનસભાએ યુવાનો, મહિલાઓ અને નાગરિકોની વધુ ભાગીદારી સાથે 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવો જોઈએ: લોકસભા અધ્યક્ષ
લોકસભા અધ્યક્ષે ગોવા વિધાનસભા ભવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત રજત જયંતી ઉજવણીના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો
પોસ્ટેડ ઓન:
06 OCT 2026 8:42PM by PIB Ahmedabad
ગોવા વિધાનસભા ભવનના 25 વર્ષ પૂર્ણ થવાના રજત જયંતી ઉજવણી કાર્યક્રમનું ઉદ્ઘાટન આજે ગોવાના રાજ્યપાલ શ્રી પુસાપતિ અશોક ગજપતિ રાજુ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સમારોહને સંબોધતા લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મજબૂત લોકશાહીનો પાયો સંવાદ, વિવિધ વિચારો અને અર્થપૂર્ણ જાહેર ભાગીદારી પર રચાયેલો છે. ધારાસભાઓ એ ચર્ચા, સંવાદ, વાદ-વિવાદ અને વિવિધ વિચારોના આદાનપ્રદાન માટેનું મંચ છે તે વાત નોંધતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે સંમતિ તેમજ અસંમતિ માટે અવકાશ હોય અને જ્યારે ધારાસભાની પ્રક્રિયામાં વિવિધ દ્રષ્ટિકોણ લાવવામાં આવે ત્યારે લોકશાહી વધુ મજબૂત બને છે. તેમણે કહ્યું કે ભારતની લોકશાહી તાકાત વિવિધ મંતવ્યો અને દ્રષ્ટિકોણને સમાવવાની તેની સંસ્થાઓની ક્ષમતા પર આધારિત છે.
વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી પ્રતિષ્ઠાનો સંદર્ભ આપતા શ્રી બિરલાએ કહ્યું કે ભારતના લોકશાહી અનુભવ અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાએ વિશ્વમાં દેશના અવાજને મજબૂત બનાવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 'વસુધૈવ કુટુમ્બકમ'ની સાંસ્કૃતિક ભાવનાને અપનાવીને વૈશ્વિક પડકારોના ઉકેલો શોધવામાં યોગદાન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે લોકશાહીની શક્તિ આખરે એ બાબતમાં પ્રતિબિંબિત થવી જોઈએ કે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને નીતિઓ, કાયદાઓ અને અસરકારક શાસનમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે. તેમણે ગોવા જેવા નાના રાજ્યોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની વિશેષ જવાબદારી પર પણ ભાર મૂક્યો હતો, જ્યાં પ્રતિનિધિઓ અને નાગરિકો વચ્ચે નિકટનો સંપર્ક હોય છે. તેમણે લોકપ્રતિનિધિઓને તેમના મતદારો દ્વારા સામનો કરવામાં આવતી આકાંક્ષાઓ, મુશ્કેલીઓ અને પડકારો પ્રત્યે સંવેદનશીલ રહેવા અને તેમના સમયસર નિવારણ માટે કામ કરવા વિનંતી કરી હતી.
ટેકનોલોજી નાગરિકોને નિયમો, કાયદાઓ, નીતિઓ, વિધાનસભાઓની ચર્ચાઓ અને સમિતિઓના કામકાજ અંગેની માહિતી મેળવવા માટે સક્ષમ બનાવીને વૈધાનિક પ્રક્રિયાઓ વિશે જાહેર સમજણમાં નોંધપાત્ર વધારો કરી શકે છે તેના પર ભાર મૂકતા લોકસભા અધ્યક્ષે વધુ પારદર્શિતા અને સુલભતા માટે આહ્વાન કર્યું જે ધારાસભાઓ અને લોકો વચ્ચેના જોડાણને વધુ ઊંડું બનાવી શકે છે. નવતર પ્રયોગો અપનાવવામાં રાજ્ય વિધાનસભાઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધા માટે આહ્વાન કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિધાનસભાઓએ એકબીજા પાસેથી શીખવું જોઈએ અને ટેકનોલોજી, વૈધાનિક પ્રક્રિયાઓ અને સાંસ્થિક સુધારા જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પદ્ધતિઓ (બેસ્ટ પ્રેક્ટિસ) શેર કરવી જોઈએ. તેમણે કહ્યું કે ઉદ્દેશ્ય લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવા માટે વિધાનસભાઓ વચ્ચે "સ્વસ્થ સ્પર્ધા" ઊભી કરવાનો હોવો જોઈએ.
લોકસભા અધ્યક્ષે લોકશાહી સંસ્થાઓમાં યુવાનોની વધુ ભાગીદારી પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતના યુવાનો ટેકનોલોજી, શિક્ષણ, સંશોધન અને નવીનતામાં અગ્રેસર છે, અને વૈધાનિક પ્રક્રિયામાં તેમની ભાગીદારી વધુ સારી નીતિઓ અને કાયદાઓના ઘડતરમાં યોગદાન આપશે. તેમણે ગોવા મુક્તિ આંદોલનના ઇતિહાસ અને રાજ્યની વૈધાનિક યાત્રાને ઉજાગર કરતા ચાર દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવાની ગોવા વિધાનસભાની પહેલને આવકારી હતી. તેમણે કહ્યું કે આવી પહેલો યુવાનોને વૈધાનિક સંસ્થાઓ સાથે જોડવામાં અને લોકશાહી પ્રક્રિયા વિશે તેમની સમજ વધારવામાં મદદ કરશે.
શ્રી બિરલાએ ઉલ્લેખ કર્યો હતો કે ગોવા એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે, જે માત્ર તેની નૈસર્ગિક સુંદરતા, દરિયાકિનારો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જ નહીં પરંતુ તેની સૌહાર્દપૂર્ણ જીવનશૈલી માટે પણ જાણીતું છે. તેમણે વર્તમાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, અધ્યક્ષો, મંત્રીઓ, સંસદસભ્યો અને ગોવા વિધાનસભાના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા જેમણે છેલ્લા 25 વર્ષોમાં રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે એવા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના યોગદાનનો પણ સ્વીકાર કર્યો જેમણે તેમની ચર્ચાઓ, વિચારો અને વૈધાનિક હસ્તક્ષેપો દ્વારા વિધાનસભાની ગરિમા અને પ્રતિષ્ઠાને મજબૂત કરી છે. શ્રી બિરલાએ કહ્યું કે ગોવાની વિકાસયાત્રા વિશિષ્ટ રહી છે કારણ કે રાજ્યએ તેના સમૃદ્ધ વારસા અને નૈસર્ગિક પર્યાવરણને જાળવી રાખીને ઉદ્યોગ, વેપાર, પ્રવાસન અને શિક્ષણને એકસાથે પ્રોત્સાહિત કરવાનું હતું. તેમણે કહ્યું કે આ સંતુલન જાળવવું એ એક પડકારજનક પણ મહત્વપૂર્ણ જવાબદારી રહી છે. તેમણે નોંધ્યું કે ગોવાએ આજે પ્રવાસન, ઉદ્યોગ અને શિક્ષણના ક્ષેત્રોમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે, સાથે સાથે તેના લોકોની ગરિમા અને જીવનની ગુણવત્તા પણ જાળવી રાખી છે. તેમણે ક્રમશઃ સરકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રયાસોની પ્રશંસા કરી જેમણે નીતિઓ, કાયદાઓ અને જન-ઉન્મુખ પહેલો દ્વારા આ યાત્રામાં યોગદાન આપ્યું છે.
શ્રી બિરલાએ નોંધ્યું હતું કે રજત જયંતી એ માત્ર છેલ્લા 25 વર્ષોની વિધાનસભાની અસરોની ઉજવણી કરવાનો અવસર ન હોવો જોઈએ, પરંતુ આગામી 25 વર્ષોની કલ્પના કરવાની તક પણ પૂરી પાડવી જોઈએ. તેમણે ગોવા વિધાનસભાને નાગરિકો, યુવાનો અને મહિલાઓની મહત્તમ ભાગીદારી સાથે વિકસિત ભારત વિઝન સાથે સુસંગત ભવિષ્યલક્ષી રોડમેપ તૈયાર કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે દરેક નાગરિક, ખાસ કરીને છેવાડાનો માનવી એવું અનુભવે કે વિધાનસભા એક એવું મંચ છે જે તેની આકાંક્ષાઓ અને અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને પ્રતિસાદ આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી 25 વર્ષોમાં લોકશાહી સંસ્થાઓને વધુ મજબૂત, વધુ સુલભ,જવાબદેહ, સંવેદનશીલ અને પરિણામલક્ષી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે વિધાનસભાઓના કામકાજમાં વધુ જાહેર ભાગીદારી લોકશાહી સંસ્થાઓને નાગરિકો પ્રત્યે વધુ જવાબદેહ અને જવાબદાર બનાવશે.
ગોવા વિધાનસભાને તેના વર્તમાન ભવનમાં 25 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા શ્રી બિરલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિધાનસભા તેની વિશિષ્ટ સંસ્કૃતિ, વારસો અને નૈસર્ગિક પર્યાવરણને જાળવી રાખીને ગોવાના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. તેમણે તમામ વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યો, અધ્યક્ષો, મુખ્યમંત્રીઓ અને અન્ય જનપ્રતિનિધિઓને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી જેમણે ગોવાના વિકાસમાં યોગદાન આપ્યું છે અને રાજ્યની લોકશાહી સંસ્થાઓને મજબૂત બનાવી છે.
આ પ્રસંગે શ્રી બિરલાએ ગોવા વિધાનસભા અને સચિવાલય ભવનના 'કસ્ટમાઇઝ્ડ માય સ્ટેમ્પ એન્ડ સ્પેશિયલ કવર વિથ સ્પેશિયલ કેન્સલેશન'નું વિમોચન કર્યું હતું અને પ્રખ્યાત હસ્તીઓનું સન્માન પણ કર્યું હતું.
ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત; ગોવા વિધાનસભાના અધ્યક્ષ ડો. ગણેશ ગાંવકર; ગોવા સરકારના વિધાનસભીય બાબતોના મંત્રી શ્રી મૌવિન ગોડિન્હો; ગોવા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી યુરી અલેમાઓ અને અન્ય મહાનુભાવોએ પણ આ પ્રસંગે સંબોધન કર્યું હતું.
ગોવા વિધાનસભાના અધ્યક્ષ ડો. ગણેશ ગાંવકરે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જોશુઆ પીટર ડી સોઝાએ આભારવિધિ કરી હતી.
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2319845)
મુલાકાતી સંખ્યા : 12