કાપડ મંત્રાલય
ઉચ્ચ સ્તરીય જોર્ડનિયન ડેલીગેશને નવી દિલ્હીમાં સચિવ (ટેક્સટાઇલ) સાથે મુલાકાત કરી
ભારત અને જોર્ડને ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરી
પોસ્ટેડ ઓન:
01 OCT 2026 6:46PM by PIB Ahmedabad
જોર્ડનના રોકાણ મંત્રાલયના સેક્રેટરી જનરલ શ્રી ઝાહર અલ કતારનેહના નેતૃત્વમાં હાશેમાઇટ કિંગડમ ઓફ જોર્ડનના એક ઉચ્ચ સ્તરીય ડેલીગેશને ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે આજે નવી દિલ્હીમાં ટેક્સટાઇલ મંત્રાલય ખાતે ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના સચિવ સુશ્રી નીલમ શમી રાવ સાથે મુલાકાત કરી હતી.
જોર્ડનિયન ડેલીગેશનમાં ભારતમાં જોર્ડનના રાજદૂત શ્રી યુસુફ અબ્દેલઘાની; ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશનના નિયામક સુશ્રી હયા ઈમાન; અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓફિસર સુશ્રી નૂર મુરાદનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ટેક્સટાઇલ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

આ ચર્ચા દ્વિપક્ષીય વેપાર, સોર્સિંગ, રોકાણ અને આ ક્ષેત્રમાં સંયુક્ત સાહસો (જોઇન્ટ વેન્ચર્સ) સહિત ઉદ્યોગ ભાગીદારીના વિસ્તરણ પર કેન્દ્રિત હતી. 2025 માં વિશ્વમાંથી જોર્ડનની ટેક્સટાઇલ અને એપેરલ આયાત લગભગ USD 2 બિલિયન હતી, જ્યારે જોર્ડનમાં ભારતની નિકાસ લગભગ USD 48 મિલિયન હતી, જે 2.4% હિસ્સો ધરાવે છે અને ભારતને જોર્ડનનું ચોથું સૌથી મોટું સપ્લાયર બનાવે છે.
ભારતીય પક્ષે એપેરલ્સ, ફેબ્રિક્સ, ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ટેક્સટાઇલ અને મેડ-અપ્સમાં બહેતર સોર્સિંગ, રોકાણ અને ઉદ્યોગ ભાગીદારીની તકો સહિત ઉન્નત સહયોગની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

બંને પક્ષોએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી એક્સચેન્જ, ડિઝાઇન ઇનોવેશન અને એઆઈ-સક્ષમ ફેશન ફોરકાસ્ટિંગમાં સહયોગ સહિત ભારત અને જોર્ડનની અગ્રણી ફેશન, ડિઝાઇન અને ટેક્સટાઇલ સંસ્થાઓ વચ્ચે સંસ્થાકીય અને જ્ઞાન ભાગીદારીને મજબૂત કરવાની તકો પણ શોધી હતી.

બંને પક્ષોએ ટેક્સટાઇલ અને એપેરલમાં સહયોગ માટે ઓળખવામાં આવેલા ક્ષેત્રો પર સંરચિત અને સતત જોડાણ અને ફોલો-અપ સુગમ બનાવવા માટે પ્રસ્થાપિત સંસ્થાકીય તંત્રને પુનર્જીવિત કરવાની શક્યતા પર પણ ચર્ચા કરી હતી.

આ બેઠક સકારાત્મક નોંધ પર પૂર્ણ થઈ હતી, જેમાં બંને પક્ષો દ્વિપક્ષીય રીતે જોડાવા અને ચર્ચા દરમિયાન ઓળખવામાં આવેલા સહયોગના ક્ષેત્રોને આગળ ધપાવવા સંમત થયા હતા.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2317881)
મુલાકાતી સંખ્યા : 12