નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

1 ઓક્ટોબર 2026ના રોજ NPS દિવસ નિમિત્તે અમદાવાદથી NPS સંચય વાન યાત્રાને લીલી ઝંડી બતાવવામાં આવી

પોસ્ટેડ ઓન: 01 OCT 2026 6:21PM by PIB Ahmedabad

સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) ગુજરાત દ્વારા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના સહયોગથી 1 ઓક્ટોબર 2026 ના રોજ NPS દિવસ નિમિત્તે અમદાવાદથી NPS સંચય વાન યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી.

સમાજના છેવાડાના માનવી સુધી NPS સંચય અંગે જાગરૂકતા પહોંચાડવાના અને પાત્ર લાભાર્થીઓનીં સ્થળ પર જ નોંધણી સુગમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચાર શહેરો - દિલ્હી, અમદાવાદ, કોલકાતા અને બેંગલુરુથી એકસાથે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના લોન્ચિંગ કાર્યક્રમમાં SLBC ગુજરાતના કન્વીનર અને બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર શ્રી રવીશ કુમાર; બેંક ઓફ બરોડા, અમદાવાદ ઝોનના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રંજીત કુમાર દાસ, સાથે PFRDAના પ્રતિનિધિઓ, વરિષ્ઠ બેંક અધિકારીઓ, બેંકિંગ કરસ્પોન્ડન્ટ્સ અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

NPS સંચય એ PFRDA દ્વારા રજૂ કરવામાં આવેલ નેશનલ પેન્શન સિસ્ટમનો એક સરળ વેરિઅન્ટ (પ્રકાર) છે, જે અસંગઠિત ક્ષેત્રોમાં પેન્શન કવરેજનો વિસ્તાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ખાસ કરીને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ અને અન્ય અસંગઠિત ક્ષેત્રના વ્યવસાયોમાં રોકાયેલા લોકો માટે વિશેષ સુસંગત છે.

આ વાન યાત્રા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2026 દરમિયાન ગુજરાતના 15 જિલ્લાઓમાં પરિભ્રમણ કરશે અને દરેક જિલ્લામાં ત્રણ સ્થળોને આવરી લેશે. યાત્રા દરમિયાન, NPS સંચયની વિશેષતાઓ અને લાભો સમજાવવા માટે જાગરૂકતા સત્રો યોજવામાં આવશે, જ્યારે પાત્ર વ્યક્તિઓને સ્થળ પર જ સબ્સ્ક્રાઇબર નોંધણી માટે પણ સુવિધા પૂરી પાડવામાં આવશે.

આ પહેલ બેંકો અને ગ્રાઉન્ડ લેવલના નાણાંકીય સમાવેશન કાર્યકરોના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરીને ખેડૂતો, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના કામદારો, ગ્રામીણ સાહસિકો અને અસંગઠિત ક્ષેત્રના અન્ય પાત્ર સભ્યોમાં પેન્શન જાગરૂકતા અને નાણાંકીય સુરક્ષાને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.

NPS સંચય વાન યાત્રાનો પ્રારંભ એ છેવાડાના માનવી સુધી પેન્શન જાગરૂકતા અને પહોંચ લઈ જવા તથા સમગ્ર ગુજરાતમાં સમાવેશી સામાજિક સુરક્ષા કવરેજને મજબૂત કરવા તરફનું બીજું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.


(રીલીઝ આઈડી: 2317830) મુલાકાતી સંખ્યા : 32
આ રીલીઝ વાંચો: English