પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ અંતર્ગત અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા

પોસ્ટેડ ઓન: 12 SEP 2026 1:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18મી બ્રિક્સ સમિટ દરમિયાન 12 સપ્ટેમ્બર, 2026ના રોજ હિઝ હાઇનેસ શેખ ખાલિદ બિન મોહમ્મદ સાથે બેઠક યોજી હતી.

બંને નેતાઓએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો, જે મજબૂત રાજકીય, સાંસ્કૃતિક, વ્યાપારી, ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત છે. તેમણે યુએઈના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની જાન્યુઆરી 2026માં ભારતની તાજેતરની સફળ મુલાકાતો અને મે 2026માં યુએઈની પ્રધાનમંત્રીની મુલાકાતને યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતની અધ્યક્ષતા હેઠળ બ્રિક્સમાં યુએઈની સક્રિય અને રચનાત્મક ભાગીદારીની પ્રશંસા કરી હતી. નેતાઓએ ભારતની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ અંતર્ગત સકારાત્મક પરિણામોનું સ્વાગત કર્યું હતું અને સંમતિ દર્શાવી હતી કે બંને દેશો સામાન્ય હિતો અને પ્રાથમિકતાઓને આગળ ધપાવવા અને બ્રિક્સ સહયોગને વધુ મજબૂત કરવા માટે આ મંચ દ્વારા નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.

નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિનો સ્વીકાર કર્યો હતો. તેમણે ઓડિશામાં 11.5 બિલિયન અમેરિકન ડોલરના સંકલિત ગ્રીનફિલ્ડ એલ્યુમિનિયમ પ્રોજેક્ટના વિકાસમાં રોકાણ કરવાની યુએઈની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીની જાહેરાતને સકારાત્મક રીતે નોંધી હતી, જે ભારતનું સૌથી મોટું સંકલિત એલ્યુમિનિયમ રોકાણ છે. આ પ્રોજેક્ટથી ઓડિશાને વૈશ્વિક એલ્યુમિનિયમ ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરવાની અપેક્ષા છે.

નેતાઓએ પરસ્પર લાભ માટે ભારત-યુએઈ ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં યુએઈના સૌથી નવા સોવરિન ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે 'લ ઇમાદ' (L’Imad) ભજવી શકે તેવી મહત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. તેમણે સંરક્ષણ, અવકાશ, અણુ ઊર્જા, ટેકનોલોજી અને ઈનોવેશન સહિતના વ્યૂહાત્મક અને ઉભરતા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવાની તકો પર પણ ચર્ચા કરી હતી.

આ મુલાકાતે નિયમિત નેતૃત્વ-સ્તરના જોડાણની પરંપરા અને ભારત અને યુએઈ વચ્ચેના સ્થાયી સંબંધોને આધાર આપતી પેઢી દર પેઢીની નિરંતરતાની પુનઃપુષ્ટિ કરી હતી.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2309436) મુલાકાતી સંખ્યા : 24