આયુષ
આયુર્વેદ, સર્વગ્રાહી સ્વાસ્થ્ય સંભાળ અને પર્યાવરણીય ટકાઉપણું વધારવા માટે ITRA જામનગર અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાંચ વર્ષના મોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરાયા
સંશોધન, શિક્ષણ, ક્ષમતા નિર્માણ, સંકલિત સુખાકારી અને પર્યાવરણીય ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સહયોગ
પોસ્ટેડ ઓન:
09 SEP 2026 12:05PM by PIB Ahmedabad
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), આયુષ મંત્રાલય હેઠળ જામનગર ખાતેની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, એ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ (HFI), કાન્હા શાંતિ વનમ, હૈદરાબાદ સાથે પાંચ વર્ષના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
MoU એ આયુર્વેદિક શિક્ષણ, ક્લિનિકલ પ્રેક્ટિસ અને સંશોધનમાં ITRAની અને ધ્યાન, યોગ, જીવનશૈલી પદ્ધતિઓ અને પર્યાવરણીય પહેલોમાં HFIની પૂરક શક્તિઓનો લાભ લેવા માટેનું એક માળખું પૂરું પાડે છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય એકીકૃત અભિગમ દ્વારા નિવારક અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય સંભાળને પ્રોત્સાહન આપવાનો છે.
ગઈકાલે કાન્હા શાંતિ વનમ ખાતે યોજાયેલી હિતધારકોની સલાહકાર બેઠકમાં આ સહયોગ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ, પદ્મ ભૂષણ દાજી, નીતિ આયોગના સભ્ય ડૉ. શ્રીનિવાસ, આયુષ મંત્રાલયના સચિવ પદ્મ શ્રી વૈદ્ય રાજેશ કોટેચા અને નીતિ આયોગ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ MoU પર ઓગસ્ટ 2026માં ITRAના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટના શ્રી કુમાર કન્નન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સહકારના મુખ્ય ક્ષેત્રોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગી સંશોધન, વિદ્યાર્થી અને ફેકલ્ટી વિનિમય કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમો, જ્ઞાનની આપ-લે, ક્ષમતા નિર્માણ, ઇનોવેશન અને બૌદ્ધિક સંપદા વિકાસનો સમાવેશ થાય છે. આ ભાગીદારી રોગ અટકાયત અને સંકલિત સુખાકારી સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન અને શૈક્ષણિક સહયોગને પણ ટેકો આપશે.
આ સહયોગ પુરાવા-આધારિત સંશોધન, નિવારક સ્વાસ્થ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આયુર્વેદના વૈશ્વિક પ્રચારને આગળ ધપાવવાના આયુષ મંત્રાલયના પ્રયાસો સાથે સુસંગત છે, જે સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સતત વિકાસને પ્રોત્સાહન આપે છે.

SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad