ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

NFSUએ પ્રો. જયરાજસિંહ સરવૈયાને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કર્યા


પ્રો. સરવૈયાનું રાષ્ટ્રીય સન્માન NFSUની શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રતીક છે: ડૉ. જે.એમ. વ્યાસ

પોસ્ટેડ ઓન: 08 SEP 2026 6:03PM by PIB Ahmedabad

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર દ્વારા ફોરેન્સિક ફાર્મસીના ડીન અને ડ્રગ એન્ડ ફૂડ ફોરેન્સિક્સના સેન્ટર હેડ પ્રો. જયરાજસિંહ સરવૈયાનો સન્માન સમારોહનું આયોજન તા.8 સપ્ટેમ્બર, 2026ના રોજ કરવામાં આવ્યું હતું, જેમને તાજેતરમાં નવી દિલ્હીમાં શિક્ષક દિવસ સમારોહ દરમિયાન ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શ્રેષ્ઠ શિક્ષકનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

'પદ્મશ્રી'થી સન્માનિત, NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે પ્રો. સરવૈયાને તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, “ફોરેન્સિક ફાર્મસી પ્રત્યે પ્રો. સરવૈયાનું સમર્પણ અને ડ્રગ અને ફૂડ ફોરેન્સિક્સમાં તેમના વિશિષ્ટ યોગદાનથી NFSU ગૌરવ અનુભવે છે. રાષ્ટ્રીય સ્તરે તેમની યોગ્યતાનું સન્માન એ યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”

પોતાનો પ્રતિભાવ આપતા પ્રો. જયરાજસિંહ સરવૈયાએ ​​કહ્યું હતું કે, “ભારતના માનનીય રાષ્ટ્રપતિ તરફથી આ પુરસ્કાર પ્રાપ્ત કરવો એ એક વિશિષ્ટ સન્માન છે. આ માટે હું 'પદ્મશ્રી'થી સન્માનિત, NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસનો ખાસ આભાર વ્યક્ત કરું છું. હું આ સિદ્ધિ મારા વિદ્યાર્થીઓ, સાથીદારો અને NFSUને સમર્પિત કરું છું, જેણે હંમેશા શિક્ષણ અને સંશોધનમાં નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપ્યું છે.”

આ સન્માન-સમારોહમાં NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે; NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી સી.ડી. જાડેજા; NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી; NFSU-ભોપાલના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) સતીશ કુમાર; NFSU-ગુવાહાટીના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) પી.મૈતી; ડીન, એસોસિયેટ ડીન અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


(રીલીઝ આઈડી: 2307935) મુલાકાતી સંખ્યા : 41
આ રીલીઝ વાંચો: English