માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
કેબિનેટે બિહારમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) હેઠળ રૂ. 3590.73 કરોડના કુલ મૂડી ખર્ચે NH-22 ના મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી
प्रविष्टि तिथि:
19 AUG 2026 3:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે બિહારમાં NH-22 ના મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 82.578 કિમીની કુલ લંબાઈ સાથે રૂ. 3590.73 કરોડના કુલ મૂડી ખર્ચે હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર વિકસાવવામાં આવશે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ બિહારના વિસ્તરતા નેશનલ હાઈવે નેટવર્ક સાથેના તેના એકીકરણને કારણે નોંધપાત્ર વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ ધરાવે છે. તે સોનબરસા ખાતેની ભારત-નેપાળ બોર્ડરને NH-27 (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) પર આવેલા મુઝફ્ફરપુર જેવા આર્થિક કેન્દ્રો સાથે જોડતા મુખ્ય ફીડર કોરિડોર તરીકે કામ કરે છે. આ પ્રોજેક્ટ મુઝફ્ફરપુર, મકસૂદપુર, રુન્ની સૈદપુર, થુમ્મા, ડુમરા, ભુતાહી અને સોનબરસાના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કરશે.
આ પ્રોજેક્ટથી મુસાફરો અને માલસામાનની ઝડપી અને સુરક્ષિત અવરજવર શક્ય બનશે, મુસાફરીની કાર્યક્ષમતામાં સુધારો થશે અને પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થશે તેવી અપેક્ષા છે. તેને 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં સરેરાશ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક રહેશે અને તેમાં કોઈ એટ-ગ્રેડ મીડિયન ઓપનિંગ્સ (at-grade median openings) નહીં હોય, જે ઝડપી અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરશે.
પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના સિદ્ધાંતો અનુસાર આયોજિત આ પ્રોજેક્ટ ઔદ્યોગિક વિસ્તારો અને મોટા રેલવે સ્ટેશનો સહિતના મુખ્ય આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ નોડ્સ સાથેની કનેક્ટિવિટી સુધારીને મલ્ટીમોડલ એકીકરણમાં વધારો કરશે. સુધારેલી કનેક્ટિવિટી માલસામાન અને કૃષિ પુરવઠા શૃંખલાઓની કાર્યક્ષમ અવરજવરને સુગમ બનાવશે, પ્રાદેશિક આર્થિક વૃદ્ધિને ટેકો આપશે અને બૌદ્ધ સર્કિટ અને સીતામઢીના ઐતિહાસિક જાનકી પુનોરા ધામ મંદિર જેવા મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સુધી વધુ સારી પહોંચ પૂરી પાડશે.
NH-22 નો મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા પટ્ટો નેશનલ ફ્રેટ ગ્રીડ સાથે સીમલેસ લિંકેજ સુનિશ્ચિત કરીને નોંધપાત્ર વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ ધરાવે છે. તે NH-31 અને NH-122 જેવા હાલના કોરિડોર સાથે સુમેળ સાધીને બરૌની જેવા ઔદ્યોગિક ક્ષેત્રો અને ગંગા નદી કિનારે આવેલા લોજિસ્ટિક્સ હબ સુધી કનેક્ટિવિટી વધારે છે. તે ભીઠ્ઠામોર (Bhithamore) ખાતે નજીકના લેન્ડ પોર્ટ દ્વારા સીમાપાર મુસાફરો અને કાર્ગોની અવરજવરમાં પણ વધારો કરે છે.
આ ઉપરાંત, પ્રોજેક્ટમાં ટ્રાફિકની અવરજવર જાળવી રાખવા અને સુરક્ષિત, હાઇ-સ્પીડ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સાત મોટા પૂલો (જેમાં બાગમતી નદી પરનો 340 મીટર લાંબો મોટો પુલ સામેલ છે), ત્રણ રેલવે ઓવર બ્રિજ (ROBs) અને બે ફ્લાયઓવર (1170 મીટર અને 270 મીટર) ની જોગવાઈ છે.
આ પ્રોજેક્ટ સરેરાશ મુસાફરીની સ્પીડમાં વધારો કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને એકંદર માર્ગ સુરક્ષા, બળતણ કાર્યક્ષમતા અને વાહન સંચાલન ખર્ચમાં સુધારો કરશે, જેથી પ્રાદેશિક ગતિશીલતા અને સામાજિક-આર્થિક વિકાસમાં વધારો થશે.
આ પ્રોજેક્ટ સમગ્ર બિહારમાં મુખ્ય આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ નોડ્સ સુધી સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડે છે. વધુમાં, અપગ્રેડ કરેલો કોરિડોર પાંચ પીએમ ગતિ-શક્તિ આર્થિક નોડ્સ (ચાર ઔદ્યોગિક વસાહતો અને એક મેગા ફૂડ પાર્ક), ચાર સામાજિક નોડ્સ (બાબા ગરીબનાથ મંદિર, માતા જાનકી મંદિર, પુનોરા ધામ, મુઝફ્ફરપુર અને સીતામઢી આકાંક્ષી જિલ્લાઓ), અને બે લોજિસ્ટિક નોડ્સ (મુઝફ્ફરપુર અને સીતામઢી રેલવે સ્ટેશનો) સાથે કનેક્ટિવિટી વધારશે, જેથી આ પ્રદેશમાં માલસામાન અને મુસાફરોની ઝડપી અવરજવર સુગમ બનશે.


SM/DK/JD
(रिलीज़ आईडी: 2301156)
आगंतुक पटल : 12