પોસ્ટેડ ઓન:
08 AUG 2026 5:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સહયોગથી ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા આયોજિત 'ઈન્ડિયા મેડિકલ ડિવાઈસ 2026' ના બીજા દિવસે સીઈઓ રાઉન્ડટેબલને સંબોધિત કર્યું હતું.
આ રાઉન્ડટેબલે ભારતના મેડટેક (MedTech) ક્ષેત્રના ભવિષ્ય વિશે વિચારમંથન કરવા માટે વરિષ્ઠ નીતિ નિર્માતાઓ અને તબીબી ઉપકરણ ઉદ્યોગના નેતાઓને એકસાથે લાવ્યા હતા. તેમાં શ્રી મનોજ જોશી, સચિવ, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ; ડૉ. એમ શ્રીનિવાસ, સભ્ય, નીતિ આયોગ; ડૉ. રાજીવ બહલ, સચિવ, સ્વાસ્થ્ય સંશોધન વિભાગ અને મહાનિર્દેશક, આઈસીએમઆર (ICMR); શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ, સચિવ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ; શ્રી અમરદીપ સિંહ ભાટિયા, સચિવ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT); શ્રી સુનીલ કુમાર બર્નવાલ, સીઈઓ, નેશનલ હેલ્થ ઓથોરિટી; શ્રી અનંત સ્વરૂપ, સેક્રેટરી જનરલ, ફિક્કી (FICCI); શ્રી તુષાર શર્મા, ચેર, ફિક્કી મેડિકલ ડિવાઇસિસ કમિટી; શ્રી હિમાંશુ બૈદ, કો-ચેર, ફિક્કી મેડિકલ ડિવાઇસિસ કમિટી; શ્રી ભરત શેષા, કો-ચેર, ફિક્કી મેડિકલ ડિવાઇસિસ કમિટીએ હાજરી આપી હતી. વૈશ્વિક, સ્થાનિક મેડટેક કંપનીઓ અને MSMEs ના 40 થી વધુ સીઈઓ (CEOs) એ આ રાઉન્ડટેબલમાં ભાગ લીધો હતો.
સીઈઓ રાઉન્ડટેબલે ભારતના તબીબી ઉપકરણ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, ઇનોવેશન અને રોકાણને પ્રોત્સાહન આપવા, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરવા અને ભારતીય તબીબી ઉપકરણ કંપનીઓને તેમના વૈશ્વિક પદચિહ્નો વિસ્તારવા માટે સક્ષમ વાતાવરણ પૂરું પાડવા અંગે ઉચ્ચ સ્તરીય સંવાદ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

દિવસની શરૂઆતમાં, ભારત સરકારના સ્વાસ્થ્ય સંશોધન વિભાગના સચિવ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે, “યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) તરફ ભારતના માર્ગમાં ઇનોવેટિવ થેરાપીઓ માટે રીઇમ્બર્સમેન્ટ મેકેનિઝમ” વિષય પરના સત્રની અધ્યક્ષતા કરતા પુરાવા-આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રના નવતર પ્રયોગો (innovations) પરવડે તેવી, સુલભ અને ટકાઉ આરોગ્યસંભાળમાં રૂપાંતરિત થવા જોઈએ.

ડૉ. બહલે ભારપૂર્વક જણાવ્યું હતું કે મજબૂત ક્લિનિકલ પુરાવાઓ નિયામક, રીઇમ્બર્સમેન્ટ અને પ્રાપ્તિ સંબંધી નિર્ણયોનો આધાર હોવો જોઈએ. તેમણે નોંધ્યું હતું કે નવીન તકનીકો મૂલ્ય દર્શાવે અને દર્દી પરિણામોમાં સુધારા માટે અર્થપૂર્ણ યોગદાન આપે તે સુનિશ્ચિત કરવા માટે પુરાવા-આધારિત અભિગમ આવશ્યક છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સાર્થક ખર્ચ-અસરકારકતા અને આરોગ્ય-આર્થિક મૂલ્યાંકન માટે ક્લિનિકલ અસરકારકતા પર ઉચ્ચ-ગુણવત્તાવાળા પુરાવા આવશ્યક છે. તેમણે ચેતવણી આપી હતી કે પુરાવા નિર્માણમાંથી મુક્તિ માંગવાથી હેલ્થ ટેકનોલોજી એસેસમેન્ટ (HTA), રીઇમ્બર્સમેન્ટ અને પ્રાપ્તિ સત્તાધિકારીઓ સમક્ષ તકનીકો માટે તેમનું મૂલ્ય સ્થાપિત કરવું મુશ્કેલ બની શકે છે.

સહભાગીઓએ એક એવા માળખાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો જે આરોગ્યસંભાળ સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાની સાથે સાથે નવી તબીબી તકનીકોને અપનાવવામાં ટેકો આપી શકે. સત્રમાં રેખાંકિત કરવામાં આવ્યું હતું કે ભારતમાં નવીન તબીબી તકનીકોને વ્યાપકપણે અપનાવવા માટે વિશ્વસનીય ક્લિનિકલ પુરાવા, પારદર્શક HTA પ્રક્રિયાઓ, વાસ્તવિક કિંમતો, ટકાઉ રીઇમ્બર્સમેન્ટ પદ્ધતિઓ, ચિકિત્સકોની વધુ ભાગીદારી અને મજબૂત તાલીમ પ્રણાલીઓની જરૂર પડશે. આ ચર્ચા એક એવું રીઇમ્બર્સમેન્ટ ઇકોસિસ્ટમ વિકસાવવા પર કેન્દ્રિત હતી જે પરવડે તેવી ક્ષમતા અને નાણાકીય ટકાઉપણું સાથે નવીન તકનીકો સુધી પહોંચનું સંતુલન જાળવે છે.
SM/JD