સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

દાદરા અને નગર હવેલી (DNH), દમણ અને વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટ્રા-સર્કલ રોમિંગ દ્વારા દૂરસંચાર સેવાઓની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દૂરસંચાર વિભાગની પહેલ

प्रविष्टि तिथि: 24 JUL 2026 8:03PM by PIB Ahmedabad

દાદરા અને નગર હવેલી (DNH), દમણ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દૂરસંચાર વિભાગ (DoT), ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા (LSA) દ્વારા સામાન્ય જનતાને દૂરસંચાર સેવાઓની સતત ઉપલબ્ધતા અને અવિરત સંચાર સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

વર્તમાન આપત્તિજનક પરિસ્થિતિ દરમિયાન દૂરસંચાર સેવાઓની ઉપલબ્ધતા વધારવા માટે, દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ (TSPs)ને અસરગ્રસ્ત જિલ્લાઓમાં (દાદરા અને નગર હવેલી, દમણ અને વલસાડ) 23 જુલાઈ 2026 ના રોજ રાત્રે 11:00 વાગ્યાથી 27 જુલાઈ 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઇન્ટ્રા-સર્કલ રોમિંગ (ICR) સક્રિય કરવા માટે નિર્દેશ આપ્યા છે.

શ્રી ગિરીશ કટારિયા, ઉપ મહાનિર્દેશક (DDG) તથા રાજ્ય દૂરસંચાર આપત્તિ સમન્વય સમિતિ (STDCC), DoT ગુજરાત LSA ના અધ્યક્ષ, એ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જો કોઈ મોબાઇલ ગ્રાહકના પોતાના ટેલિકોમ સેવા પ્રદાતાનું નેટવર્ક ઉપલબ્ધ ન હોય, તો તેઓ ઉપલબ્ધ અન્ય કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્ક સાથે જોડાઈ શકશે. તે માટે ગ્રાહકો તેમના મોબાઇલ ફોનના 'Mobile Network' સેટિંગ્સમાં જઈ ઉપલબ્ધ નેટવર્કમાંથી કોઈપણ ટેલિકોમ ઓપરેટરનું નેટવર્ક પસંદ કરી શકશે. આ અસ્થાયી વ્યવસ્થા આપત્તિના સમયમાં દૂરસંચાર સેવાઓની સતત ઉપલબ્ધતા જાળવવામાં મદદરૂપ બનશે.

દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને તેમના પુનઃસ્થાપન દળોને (Restoration Teams) ઉચ્ચ સતર્કતા પર રાખવા તથા જ્યાં પણ દૂરસંચાર સેવાઓમાં વિક્ષેપ સર્જાય ત્યાં તાત્કાલિક પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.

DoT ગુજરાત LSA ના વરિષ્ઠ અધિકારીઓ ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી અસરગ્રસ્ત જિલ્લાઓમાં દૂરસંચાર નેટવર્કની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. દૂરસંચાર સેવાઓનું ઝડપથી પુનઃસ્થાપન થાય અને બચાવ, રાહત તથા આપત્તિ વ્યવસ્થાપન કામગીરી માટે વિશ્વસનીય સંચાર ઉપલબ્ધ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

દૂરસંચાર વિભાગ કુદરતી આપત્તિઓ તથા અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોને અવિરત અને વિશ્વસનીય દૂરસંચાર સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.

 


(रिलीज़ आईडी: 2289214) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी