સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 9.23 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોને 49.81 લાખથી વધુ સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું: લોકસભામાં સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્માનો લેખિત જવાબ
એલ્ડરલાઈન હેલ્પલાઈન 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત, AVYAY હેઠળ 734 વરિષ્ઠ નાગરિક ઘરોને સમર્થન
प्रविष्टि तिथि:
21 JUL 2026 5:23PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય દેશભરમાં વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ, ગૌરવ અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે અટલ વયો અભ્યુદય યોજના (AVYAY) હેઠળ વ્યાપક શ્રેણીની પહેલોનો અમલ કરી રહ્યું છે. આ યોજના હેઠળની ફ્લેગશિપ પહેલોમાં એલ્ડરલાઈન – વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન (14567), ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સીનિયર સિટીઝન્સ (IPSrC), સીનિયરકેર એજિંગ ગ્રોથ એન્જિન (SAGE) અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY) નો સમાવેશ થાય છે. આ પહેલોનો સામૂહિક હેતુ વૃદ્ધ નાગરિકો માટે સુલભ સહાય સેવાઓ, સંસ્થાકીય સંભાળ, તકનીકી નવીનતા અને સહાયક સાધનો સુનિશ્ચિત કરવાનો છે.
આ માહિતી માનનીય સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા દ્વારા ડૉ. ડી. પુરંદેશ્વરી, શ્રી અતુલ ગર્ગ, શ્રી અરુણ ભારતી, શ્રીમતી શામ્ભવી અને ડૉ. લતા વાનખેડે સહિત સંસદના માનનીય સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો કે એલ્ડરલાઈન (14567) હાલમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે અને વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો, હસ્તક્ષેપ, રેસ્ક્યૂ અને ફરિયાદ નિવારણ સેવાઓ પૂરી પાડે છે. હેલ્પલાઈન રાષ્ટ્રીય રજાઓ સિવાયના તમામ દિવસોમાં સવારે 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી કાર્ય કરે છે, જે જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિઓને સમયસર સહાય સુનિશ્ચિત કરે છે.
લેખિત જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સીનિયર સિટીઝન્સ (IPSrC) હેઠળ, મંત્રાલય હાલમાં 734 વરિષ્ઠ નાગરિક ઘરોને તેમના સંચાલન અને જાળવણી માટે ગ્રાન્ટ-ઈન-એઈડ દ્વારા સમર્થન આપી રહ્યું છે. આ ઘરો વૃદ્ધ વ્યક્તિઓને, ખાસ કરીને જેઓ નિરાધાર છે અથવા સહાયની જરૂરિયાત ધરાવે છે તેમને સંસ્થાકીય સંભાળ અને આવશ્યક સેવાઓ પૂરી પાડે છે.
મંત્રાલયે સીનિયરકેર એજિંગ ગ્રોથ એન્જિન (SAGE) પહેલ શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ 2022 માં SAGE પોર્ટલ શરૂ થયા પછી, 131 અરજીઓ મળેલ છે, જેમાંથી વરિષ્ઠ નાગરિકો માટે નવીન ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવા અને સિલ્વર ઈકોનોમીને મજબૂત કરવા માટે ₹9.5 કરોડની નાણાકીય સહાય સાથે યોગ્ય તપાસ પછી 10 સ્ટાર્ટ-અપ્સની પસંદગી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY) હેઠળ, મંત્રાલય વય-સંબંધિત દિવ્યાંગતાથી પીડાતા પાત્ર વરિષ્ઠ નાગરિકોને શારીરિક સહાયક ઉપકરણો અને જીવનનિર્વાહ સહાય પૂરી પાડી રહ્યું છે.
ગૃહને માહિતગાર કરવામાં આવ્યા હતા કે આ યોજનાની શરૂઆતથી, ગરીબી રેખા નીચે જીવતા (BPL) વર્ગના અથવા ₹15,000 સુધીની માસિક આવક ધરાવતા 9,23,071 વરિષ્ઠ નાગરિકો વચ્ચે 49,81,380 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે તેમને સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે.
અન્ય એક પૂરક પ્રશ્નનો જવાબ આપતાં માહિતગાર કરવામાં આવ્યા હતા કે હાલમાં અલગ નેશનલ સિલ્વર પોલિસી રજૂ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર AVYAY હેઠળ સંકલિત કલ્યાણ કાર્યક્રમો દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વર્તમાન ઈકોસિસ્ટમને મજબૂત કરવાનું ચાલુ રાખે છે, જે સુધારેલી સંભાળ, સામાજિક સમાવેશ અને જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2287220)
आगंतुक पटल : 11