કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. જિતેન્દ્ર સિંહે સંશોધન, ક્ષમતા નિર્માણ અને નાણાકીય સુધારાઓ દ્વારા મ્યુનિસિપલ ગવર્નન્સનું વ્યાવસાયિકીકરણ કરવા આહ્વાન કર્યું; IIPA અને ICAIએ MoU પર હસ્તાક્ષર કર્યા


ટેકનોલોજી, પુરાવા-આધારિત સુશાસન અને વ્યાવસાયિક નાણાકીય વ્યવસ્થાપન શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી પેઢીને આકાર આપશે: ડૉ. જિતેન્દ્ર સિંહ

ડૉ. જિતેન્દ્ર સિંહે મ્યુનિસિપલ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિયલ ગવર્નન્સના આધુનિકીકરણ માટે સંસ્થાકીય ભાગીદારીને ટેકો આપ્યો

IIPA–ICAI વચ્ચે MoUએ મ્યુનિસિપલ ક્ષમતા વર્ધન અને નાણાકીય વ્યવસ્થાપન સુધારાઓમાં નવા અધ્યાયની શરૂઆત

प्रविष्टि तिथि: 21 JUL 2026 4:25PM by PIB Ahmedabad

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને પ્રધાનમંત્રી કાર્યાલય, કર્મચારી, જાહેર ફરીયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે ભારતની આગામી પેઢીના ગવર્નન્સ સુધારાઓ તળિયાના સ્તરે પુરાવા-આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા, વ્યાવસાયિક ક્ષમતા વર્ધન અને મજબૂત નાણાકીય વ્યવસ્થાપન દ્વારા સંચાલિત હોવા જોઈએ. મ્યુનિસિપલ એકાઉન્ટિંગ એ હવે માત્ર નાણાકીય કાર્ય નથી પરંતુ પારદર્શક, ટેકનોલોજી-સંચાલિત અને નાગરિક-કેન્દ્રિત શહેરી સુશાસનનો પાયો છે તેના પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે સંશોધન અને વ્યાવસાયિક નિપુણતા દ્વારા સમર્થિત મજબૂત સંસ્થાઓ ઝડપથી શહેરીકરણ પામી રહેલા રાષ્ટ્રની આકાંક્ષાઓને પૂર્ણ કરવા સક્ષમ કાર્યક્ષમ અર્બન લોકલ બોડીઝ બનાવવા માટે આવશ્યક છે.

મંત્રીશ્રી સેન્ટર ફોર અર્બન સ્ટડીઝ (CUS), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) વચ્ચે મ્યુનિસિપાલિટીઝની ક્ષમતા નિર્માણ અને મ્યુનિસિપલ એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પ્રેક્ટિસને મજબૂત બનાવવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ સહયોગનો હેતુ IIPAની ગવર્નન્સ, સંશોધન અને જાહેર વહીવટમાં કુશળતાને ICAI ની એકાઉન્ટિંગ, ઓડિટિંગ અને જાહેર નાણાકીય વ્યવસ્થાપનમાં વ્યાવસાયિક શક્તિઓ સાથે જોડવાનો છે જેથી મ્યુનિસિપાલિટીઓમાં સંસ્થાકીય સુધારાઓને ટેકો મળી શકે.

આ ભાગીદારીને સ્થાનિક સ્વશાસનને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વર્ણવતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બંને સંસ્થાઓ દાયકાઓથી રાષ્ટ્રીય સ્તરે આદરણીય ઉત્કૃષ્ટતાના કેન્દ્રો તરીકે વિકસિત થઈ છે અને તેમનું એકસાથે આવવું એ જ્ઞાન, ગવર્નન્સ અને વ્યાવસાયિક ક્ષમતાના કુદરતી સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે IIPA એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ન્યાયિક અધિકારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, ખાનગી ક્ષેત્ર અને અન્ય સ્ટેકહોલ્ડર્સની સેવા કરવા માટે સિવિલ સેવકોને તાલીમ આપવાની તેની પરંપરાગત ભૂમિકાથી ઘણું આગળ વધીને વિસ્તાર કર્યો છે, ત્યારે ICAI નાણાકીય વ્યવસ્થાપનમાં અજોડ નિપુણતા સાથે વિશ્વની સૌથી મોટી વ્યાવસાયિક એકાઉન્ટિંગ સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. આ પૂરક શક્તિઓને એકસાથે લાવવાથી મ્યુનિસિપલ સ્તરે સુશાસનમાં સુધારો કરવા માટે એક મજબૂત સંસ્થાકીય મંચ તૈયાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આજે ગવર્નન્સ વધુને વધુ ટેકનોલોજી, વિશ્વસનીય ડેટા અને વ્યાવસાયિક પ્રણાલીઓ દ્વારા આકાર લઈ રહ્યું છે, જેના કારણે મ્યુનિસિપલ એકાઉન્ટિંગ સુધારા પહેલા કરતા વધુ પ્રાસંગિક બન્યા છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સહયોગ માત્ર MoUમાં સૂચિબદ્ધ પ્રવૃત્તિઓ સુધી સીમિત રહેશે નહીં પરંતુ બંને સંસ્થાઓ સંશોધન, નવીનતા અને સંસ્થાકીય શિક્ષણ દ્વારા શહેરી સુશાસનમાં સુધારો કરવાની નવી તકો ઓળખશે તેમ સતત વિકસિત થશે. તેમણે એ પણ નોંધ્યું હતું કે IIPA અને ICAIના વ્યાપક દેશવ્યાપી નેટવર્ક આ ભાગીદારીના લાભોને સતત ક્ષમતા-નિર્માણ પહેલો દ્વારા દેશભરની મહાનગરપાલિકાઓ સુધી પહોંચાડવા માટે સક્ષમ બનાવશે.

MoU મ્યુનિસિપલ એકાઉન્ટિંગ સિસ્ટમ્સ અને નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિઓને મજબૂત કરવા માટે સંશોધન અને જ્ઞાન વિકાસ, ક્ષમતા નિર્માણ, તાલીમ, સલાહકાર સેવાઓ અને તકનીકી સહાયમાં સહયોગ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરે છે. બંને સંસ્થાઓ સંયુક્ત રીતે નીતિ સંશોધન, સર્વેક્ષણો, દસ્તાવેજીકરણ અને જ્ઞાન ઉત્પાદનોની તૈયારી હાથ ધરશે; મ્યુનિસિપલ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમો, વર્કશોપ, સેમિનાર, પરિષદો અને વેબિનારોનું આયોજન કરશે; લર્નિંગ રિસોર્સિસ વિકસાવશે; અને અર્બન લોકલ બોડીઝમાં નાણાકીય જવાબદારી અને સુશાસનમાં સુધારો કરવા માટે વ્યાવસાયિક નિપુણતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાનને સુલભ બનાવશે. આ કરાર શરૂઆતમાં ત્રણ વર્ષના સમયગાળા માટે અમલમાં રહેશે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકોમાં ડૉ. સુરેન્દ્રકુમાર બાગડે, IAS, ડાયરેક્ટર જનરલ, IIPA; CA. પ્રસન્ન કુમાર D., પ્રમુખ, ICAI; CA. હંસ રાજ છાબરા, ચેરમેન, પબ્લિક એન્ડ ગવર્નમેન્ટ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કમિટી (PGFMC), ICAI; પ્રો. V. N. આલોક, કોઓર્ડિનેટર, સેન્ટર ફોર અર્બન સ્ટડીઝ; IIPA ના વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો; અને ICAI ના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.

આ સહયોગ આ વર્ષની શરૂઆતમાં IIPA અને ICAI દ્વારા સંયુક્ત રીતે આયોજિત 16મા નાણા પંચ અને લોકલ પબ્લિક ફાઇનાન્સ પરની સફળ રાષ્ટ્રીય પરિષદ પર આધારિત છે, જેણે સ્થાનિક જાહેર નાણાકીય સુધારાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, નીતિ આયોગ, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ અર્બન અફેર્સ, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી અને મ્યુનિસિપલ સંસ્થાઓના પ્રતિનિધિઓને એકસાથે લાવ્યા હતા. ચર્ચા-વિચારણાએ મ્યુનિસિપલ એકાઉન્ટિંગ સિસ્ટમને મજબૂત બનાવવાની જરૂરિયાતને મજબૂત બનાવી અને વર્તમાન ભાગીદારીનો પાયો નાખ્યો.

1966માં સ્થપાયેલ, IIPAના સેન્ટર ફોર અર્બન સ્ટડીઝે શહેરી સુશાસનમાં સંશોધન, નીતિ વિશ્લેષણ અને ક્ષમતા વર્ધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને હાલમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી છ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામ કરે છે. કેન્દ્રે રાજ્યની તમામ 87 અર્બન લોકલ બોડીઝમાં એકાઉન્ટિંગ સુધારાને ટેકો આપવા માટે હરિયાણા સરકાર સાથે ચર્ચા શરૂ કરી દીધી છે, જેનો અનુભવ દેશમાં અન્યત્ર આવી જ પહેલો માટે એક મોડેલ તરીકે સેવા આપશે તેવી અપેક્ષા છે.

કાર્યક્રમ દરમિયાન, બંને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરી સુશાસનમાં ટકાઉ સુધારા માટે વ્યાવસાયિક ક્ષમતા, તકનીકી નિપુણતા અને સંસ્થાકીય શિક્ષણમાં સતત રોકાણની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે આ ભાગીદારી રાજ્યોમાં ગુણક અસર ઊભી કરવા માટે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ અભિગમને પ્રોત્સાહિત કરવાની સાથે સંયુક્ત સંશોધન, વ્યવહારુ ટૂલકિટ્સ અને તાલીમ મોડ્યુલોના વિકાસ, તકનીકી સલાહકાર સહાય અને સંરચિત જ્ઞાન વિનિમયને સરળ બનાવશે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આ સહયોગ આધુનિક એકાઉન્ટિંગ ધોરણો અને ટેકનોલોજી-સક્ષમ નાણાકીય પ્રણાલીઓ સાથે વ્યવહારુ ક્ષેત્રના અનુભવને સાંકળીને નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટિંગ મેન્યુઅલ (NMAM) ના ચાલુ પુનરાવર્તનને પૂરક બનાવશે.

ડૉ. જિતેન્દ્ર સિંહે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભાગીદારી મ્યુનિસિપલ ગવર્નન્સ અને પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ માટે સંસ્થાકીય સહયોગમાં નવો અધ્યાય ખોલશે. તેમણે જણાવ્યું હતું કે આ પહેલ જ્ઞાન, નવીનતા અને વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા દ્વારા ગવર્નન્સને મજબૂત કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યારે અર્બન લોકલ બોડીઝને આધુનિક નાણાકીય પ્રણાલીઓ, ઉન્નત સંસ્થાકીય ક્ષમતા અને વૈશ્વિક સ્તરે સરખામણી કરી શકાય તેવી એકાઉન્ટિંગ પદ્ધતિઓથી સજ્જ કરે છે જે આખરે નાગરિકો માટે વધુ સારી જાહેર સેવા વિતરણ અને જીવનની ગુણવત્તામાં સુધારામાં પરિણમે છે.

ફોટો: કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોમવારે નવી દિલ્હીમાં કર્તવ્ય ભવન-3 ખાતે સેન્ટર ફોર અર્બન સ્ટડીઝ (CUS) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર દરમિયાન સંબોધન કર્યું હતું.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2287198) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी